Gujarat

ગેસ વેલ્ડીંગ કીટમાં બ્લાસ્ટ થતા યુવાનનું કરૃણ મોત, એકને ઇજા

By GS Team
27 Nov 20191 min read
This article was originally published on 27 Nov 2019
ગેસ વેલ્ડીંગ કીટમાં બ્લાસ્ટ થતા યુવાનનું કરૃણ મોત, એકને ઇજા

ભાવનગર, 26 નવેમ્બર2019 મંગળવાર

ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં આજે મંગળવારે ડિઝલ ટેન્કરમાં વેલ્ડીંગ કરતી વેળાએ વેલ્ડીંગ કીટમાં બ્લાસ્ટ થતા દુર્ઘટના સર્જાઇ હતી જેમાં એક યુવાનનું મૃત્યુ નિપજવા પામ્યું હતું. જ્યારે અન્ય એક યુવાનને ઇજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. ગેસ વેલ્ડીંગ કીટમાં ધડાકાભેર થયેલા બ્લાસ્ટના પગલે નાસભાગ મચી જવા પામી હતી.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ સિતારામ ચોક પાસેના મંગલમ્ હોલ નજીક રહેતા અને વિઠ્ઠલવાડીમાં ફાયર સ્ટેશન નજીક સિતારામ ગેસ વેલ્ડીંગનું કારખાનું ધરાવતા અલ્પેશભાઇ રમેશભાઇ કનાડા (ઉ.વ.૪૫) આજે મંગળવારે સવારે પોતાના કારખાને એક ડિઝલ ટેન્કરમાં ગેસ વેલ્ડીંગથી કામ કરી રહ્યાં હતા તે વેળાએ અચાનક વેલ્ડીંગ કીટમાં ધડાકાભેર બ્લાસ્ટ થતા તેઓ તેમજ અન્ય એક યુવાન ગંભીર રીતે દાઝી જતા બંનેને અત્રેની સર ટી. હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં જ્યાં અલ્પેશભાઇનું મૃત્યુ નિપજવા પામ્યું હતું.

બ્લાસ્ટીના ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતાં અને ભારે નાસભાગ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા નિલમબાગ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને બનાવ અનુસંધાને અકસ્માત મોત સંદર્ભે કેસકાગળ કરી આગળની તજવીજ હાથ ધરી હતી.