Saransh

17 અને 20 વર્ષની બે બહેનોની અજોડ શૌર્યગાથા

By GS Team
8 Jul 20265 mins read
TukuTouch Logo
સીરિયામાં 11 વર્ષ પહેલા આંતરવિગ્રહ ફાટી નીકળતા, દમાસ્કસના સ્વિમિંગ કોચ એઝાનની દીકરીઓ યુસરા અને સારાએ દેશ છોડી યુરોપ જવાનું નક્કી કર્યું. બાળપણથી સ્વિમિંગની તાલીમ પામેલી યુસરાએ બોમ્બ ધડાકા વચ્ચે પણ સ્વિમિંગ ચાલુ રાખ્યું. યુસરા 2 વખત રેફ્યુજી ઓલિમ્પિક ટીમમાં પણ પસંદ થઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

17 અને 20 વર્ષની બે બહેનોની અજોડ શૌર્યગાથા

સિરીયામાં આંતરવિગ્રહ ફાટી નીકળતા દેશ છોડીને તુર્કી પહોંચેલી
સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
ભાગ-૧
બન્ને કન્યાઓને તેમના પિતાએ નાનપણથી જ સ્વિમિંગની ઘનિષ્ઠ તાલીમ શરૂ કરી હતી
નાની બહેન યુસરા બે વખત રેફ્યુજી ઓલિમ્પિક ટીમમાં પસંદગી પામી હતી

૧૧ વર્ષ અગાઉની આ સત્ય ઘટના છે.
રોમાંચ ઊભા કરી દેતી આ ઘટનાના ચારેક વર્ષ અગાઉ ૧૫ માર્ચ, ૨૦૧૧ના રોજ સીરિયામાં આંતરવિગ્રહ ફાટી નીકળતા ઘણાં બધા સીરિયન નાગરિકો દેશ છોડી રહ્યા હતા. રોજ લૂંટફાટ, બોમ્બ ધડાકા, હત્યા અને મારામારી, તેમજ ફાવે તેમ આડેધડ ધરપકડોથી ત્રાસેલા લોકો રાતોરાત દેશ છોડી મોટા ભાગે ઈસ્તંબૂલ થઈ યુરોપના દેશોમાં હિજરત કરી જવાનો પ્રવાહ વધી રહ્યો હતો.
મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકી દેશોમાં વર્ષ ૨૦૧૦ ની શરૂઆતમાં લોકશાહી તરફી અને સરકારી વિરોધી આંદોલનો વ્યાપક સ્તરે શરૂ થયા હતા. આપખુદશાહી અને ભ્રષ્ટ શાસકો તેમજ આર્થિક હાડમારીઓથી ત્રાસેલા સંખ્યાબંધ આરબ દેશોના લોકોએ લગભગ એક સાથે આંતરિક ગૃહ યુધ્ધ જેવી સ્થિતિ સર્જી દેતા કેટલાક દેશોમાં તો વર્ષો સુધી અરાજકતા ફેલાયેલી રહી હતી.
લગભગ ૧૪ વર્ષની અરાજકતા બાદ સીરિયાના પ્રમુખ બશર-અલ-અસદ પરિવારના ૫૩ વર્ષના લાંબા શાસનનો અંત આવ્યો અને પ્રમુખ બશર-અલ-અસદ દેશ છોડીને રશિયા ભાગી ગયા અને હાલમાં રાજ્યાશ્રય મેળવી પરિવાર સાથે અસદ મોસ્કોમાં સ્થાયી થયા છે. છેક ૧૯૭૧ થી અસદ કુટુંબનું સીરિયામાં એકહથ્થુ શાસન રહ્યું હતું, આ પરિવારના ભ્રષ્ટ શાસન અને બેહદ મોંઘવારીથી ત્રાસી ગયેલા લોકોએ બળવો પોકાર્યો હતો.
ઈતિહાસમાં આરબ સ્પ્રિંગ (Arab Spring) તરીકે ઓળખાયેલા આરબ દેશોના સરકાર વિરોધી આંદોલનોની હિંસક લહેર ટયુનિશિયા દેશથી શરૂ થઈને છેક ઈજિપ્ત, લિબિયા, સીરિયા અને યમન જેવા દેશોમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી.
પણ આ કોલમમાં આરબ દેશોમાં પ્રસરી ગયેલા આ રાજકીય આંદોલનો વિશે હું વાત નથી કરવાનો. માત્ર પશ્ચાદ ભૂમિકા માટે આટલી ટૂંકી માહિતી આપીને સીરિયાની સાહસિક, અને માનવતાવાદી બે કન્યાઓની શૌર્યગાથાની રૃંવાડા ખડા કરી દેતી વાત શરૂ કરીએ…
સીરિયામાં આંતરવિગ્રહના પગલે નાગરિકોની સલામતી અને સુરક્ષિતતા જોખમમાં મુકાઈ ગઈ હતી. નોકરી-ધંધા માટે ઘરની બહાર નીકળતા લોકો સાંજે હેમખેમ ઘેર પાછા ફરાશે કે નહીં તેની સતત ચિંતામાં રહેતા હતા.
શાળા-કોલેજોમાં ગયેલા સંતાનોના વાલીઓના હૃદયમાં સતત ફફડાટ રહ્યા કરતો હતો કે મારૃં સંતાન શાળા-કોલેજમાં સહી સલામત હશે કે નહીં…?
સતત ચિંતા અને ફફડાટના આવા વાતાવરણના કારણે પાટનગર દમાસ્કસમાં રહેતા એઝાન નામના એક સ્વિમિંગ કોચે તેમની બે દીકરીઓને સીરિયાની બહાર મોકલી દેવાનું નક્કી કર્યૂં. ખુદ પોતે સ્વિમિંગ કોચ હોવાથી એઝાને તેમની બન્ને દીકરીઓને બાળપણથી જ સ્વિમિંગની તાલીમ આપવા માંડી હતી.
સિનિયર સ્વિમિંગ કોચ એઝાનની દીકરી યુસરા મર્ડિનીએ તેની વિશ્વવિખ્યાત આત્મકથા બટરફલાયમા (Butterfly) લખ્યું છે કે હું ચાલતા શીખી તે પહેલા તો તરતા શીખી ગઈ હતી…!
પાટનગર દમાસ્કસમાં આંદોલન તેજીથી સર્વત્ર પ્રસરી ગયું હતું. ગમે ત્યારે ગમે ત્યાંથી મોત ત્રાટકી પડતું હતું. નિશરિન સ્ટેડિયમ આસપાસનો વિસ્તાર આંદોલનકારીઓ માટે ખાસ લક્ષ્ય બની ગયો હતો. આ વિસ્તારનું સ્ટેડિયમ, સ્વિમિંગ પુલ, હોટલો, યુનિવર્સિટી, સ્કૂલો, સ્ટેટ ન્યૂઝ એજન્સીનું બિલ્ડિંગ મુખ્ય લક્ષ્ય હતા.
એટલે મારી મમ્મી મને સ્વિમિંગ માટે મોકલતા ગભરાતી હતી. તો પણ હું જીદ કરીને જઉં ત્યારે થોડી થોડી વારે તેના ફોન પણ આવતા રહેતા કે તું જલ્દી ઘેર આવી જા.
એક દિવસ હું સ્વિમિંગ પુલમાં તાલીમ રહી હતી તેવામાં મોટો ધડાકો સંભળાયો, એ પછી તુરત અમારા કોચની બૂમ સંભળાઇ ઃ ચાલો બધા ઝડપથી બહાર આવીને જલ્દીથી ઘર ભેગા થઇ જાવ.
શું થયું છે? એવું પુછવાના પણ કોઇને હોશ નહોતા રહ્યા. મારૃં મગજ તો બહેર મારી ગયું 'તું. બધા જ સ્વિમરો ફટાફટ પુલમાંથી બહાર નીકળી વહેલી તકે ઘર પહોંચવા માટે ધક્કા મુક્કી કરી રહ્યા હતા.
અમે બધા પહેલા તો સ્વિમિંગ પુલના અન્ડરગ્રાઉન્ડમાં આવેલા જીમમાં ગયા, કારણ કે બહારના ભાગમાં રસ્તા પર હજી પણ બોમ્બ ધડાકાના અવાજો આવી રહ્યા હતા.
અમે બધા ચૂપચાપ જીમમાં જ ઊભા રહ્યા. મારૃં આખું શરીર ધુ્રજતું હતું. મેં મારી મમ્મીને SMS કરીને અહીં જે કાંઇ થયું તે ટૂંકમાં મોકલી આપ્યું. સાથે સાથે લખ્યું કે હું અહીં સલામત છું. ચિંતા ના કરીશ.
છતાં થોડીવારમાં કાર લઇને મોમ મને લેવા સ્ટેડિયમમાં આવી પહોંચી.
''યુસરા, સ્થિતિ હવે રોજેરોજ બગડતી જાય છે. બહાર નીકળવાનું જોખમી બની ગયું છે. હવે તું સ્વિમિંગ પુલમાં આવવાનું બંધ કરી દે.''
જવાબમાં મમ્મીને મેં મક્કમતાથી કહ્યું, ના મોમ, સ્વિમિંગમાં જવાનું તો હું બંધ નહીં જ કરૃં. swimming is my life. તરવાનું હું ચાલું જ રાખીશ, એ તો મારૃં જીવન છે. મારે હવે સિરીયા છોડીને યુરોપ જતા રહેવું પડશે.
''સારૃં હું તારા ડેડને આ વિશે ફરી વાત કરી જોઇશ..''
મારા મિત્રો અને પડોશીઓ તેમજ સગાઓ એકપછી એક સિરીયા છોડીને વિદેશ જવા માંડયા. મોટા ભાગના લેબેનોન કે તુર્કી જતા હતા અને ટૂરિસ્ટ વિઝાની મુદત પુરી થયા પછી પણ ત્યાં 'ઓવરસ્ટે' કરતા હતા. કેટલાક વળી ત્યાંથી યુરોપના કોઇ દેશમાં ભાગી જતા હતા.
મારી ઉંમરના મોટાભાગના છોકરાઓ કાંતો દેશ છોડી જવાનો પ્લાન ઘડતા હતા કે કેટલાક તો વળી સિરીયા છોડીને જતા પણ રહ્યા હતા.
અમારે ત્યાં તો છોકરો ૧૮ વર્ષનો થાય એટલે ફરજીયાતપણે લશ્કરમાં તાલીમ માટે જોડાવું પડતું હતું.
મારી ઉંમર આ સમયગાળા દરમિયાન લગભગ ૧૭ વર્ષની હતી અને મારી મોટી બહેન, સારા ૨૦ વર્ષની હતી.
મેં મારી મોટી બહેન સારાને એક દિવસ કહ્યું, હું દેશ છોડી જવા માંગું છું. આપણે યુરોપ જઇએ તો ત્યાં હું મારૃં સ્વિમિંગ ચાલુ રાખી શકીશ. મારા બીજા સ્વિમર ફ્રેન્ડસ સિરીયા છોડીને વિદેશ જઇ રહ્યા છે. કોઇ સ્વીડન, તો કોઇ રશિયા કે જર્મની જવાના છે.
સારાએ મને પૂછ્યું, તું પણ જવાની છે?
મેં હકારમાં પ્રત્યુત્તર આપતા કહ્યું હા, અહીં આકાશમાંથી રોજ મોત વરસી રહ્યું છે. અહીં રહેવા કરતાં હું ગમે ત્યાં વિદેશમાં જઇશ કે જ્યાં હું શાંતિથી સ્વિમિંગ કરી શકું. અહીં રહેવાનો કોઇ મતલબ નથી. હું સ્વિમર છું, અને બહારના દેશમાં જઇશ તો હું કાંઇક કરી બતાવીશ. અહીં કશું જ નહીં કરી શકાય.
'સારા કહે, સારૃં.
મેં સારાને કહ્યું, તું ડેડને સમજાવ. આપણે બન્ને બહેનો સાથે જવાની વાત કરીશું તો ડેડ આપણને ખુશી ખુશી જવા દેવા માટે તૈયાર થશે.

(ક્રમશઃ)