કોસ્ટગાર્ડે અમને ત્યાં જ રોકાઈ જવાનો આદેશ આપ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અમારી હોડી જરા જેટલી આગળ વધી ત્યાં તો કોસ્ટગાર્ડની સ્પીડબોટ અમારી આગળ આવીને ઊભી થઈ ગઈ
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-૧૦
- સ્મગલરે ઈશારો કરતા અમે બધા ઝડપભેર હોડીમાંથી ઊતરી કાંઠા પર આવી ગયા
- હોડીમાંથી ઊતરવા માટે ધક્કામુક્કી અને નાના બાળકોએ રડારોળ કરી મુકી
પણ અમારૃં નશીબ હજી બે ડગલા આગળ જ હતું.
હજી માંડ થોડાક જ આગળ વધ્યા, તેવામાં એક સ્પીડબોટ અમારી હોડી આગળ આવીને ધીમી પડયા બાદ હોડી આસપાસ ચક્કર માર્યૂં. તુર્કીના સાગરકાંઠા રક્ષક દળની એ બોટ હતી. અમારી હોડીની બરાબર આગળ આવીને એ સ્પીડબોટ ત્યાં ઊભી કરી દેવાઈ, અમને ત્યાં જ રોકાઈ જવાનો આદેશ અપાયો.
થોડે દૂર સમુદ્રના છીછરા પાણીમાં ઊભેલો પોનિટેલ સ્મગલર અમને બધાને હોડીમાંથી ઊતરી જવા માટે બૂમો પાડતો હતો…!
હોડીમાંથી ઊતરવા માટે ધક્કામુક્કી શરૂ થઈ ગઈ. ઈરાકી સ્ત્રી કેડમાં તેની નાની બેબી સાથે ઉતરવા માટે બૂમાબૂમ કરી રડવા માંડી. સારાએ તેની બેબીને પોતાની પાસે લઈ એ સ્ત્રીને હોડીમાંથી ઉતરવામાં મદદ કરી. બીજા બધા પણ ઝડપથી ઉતરીને પોનિટેલ સ્મગલરની દિશામાં આગળ વધ્યા.
હું હોડીમાંથી ઉતરીને આગળ વધી એવામાં મારો પગ બે નાના ખડકો વચ્ચે ફસાઈ જતાં હું જરા જેટલી પણ આગળ ખસી નહોતી શકતી, પરંતુ બીજી તરફ હોડીમાંથી ઉતાવળે ઉતાવળે નીચે ઉતરતા પ્રવાસીઓ મારી પાછળ ધક્કામુક્કી કરતા, તેમજ મને બાજુએ હડસેલો મારતા આગળ નીકળી રહ્યા હતા.
'અરે, જરા જુઓ તો ખરા અહીં મારો પગ ફસાઈ ગયો હોવાથી હું આગળ ખસી શકું તેમ નથી અને તમે બધા મને હડસેલો ક્યાંમારો છો? મેં મોટા અવાજે મારી પાછળના પ્રવાસીઓને ઉદ્દેશીને આમ કહ્યું.
પણ ગભરાટભર્યા માહોલ વચ્ચે હોડીમાંથી ઉતાવળે ઊતરીને કાંઠા પર વહેલા વહેલા પહોંચી જવાની લ્હાયમાં મારા કહેવા તરફ અને મારી મુશ્કેલી તરફ કોઈએ ધ્યાન આપ્યા વગર ધક્કામુક્કી અને હડસેલા ચાલુ જ રાખ્યા.
આ બધી ભીડાભીડ વચ્ચે ગમે તેમ કરીને આગળ વધવા માટે મેં કોશિશ કરી. બે ખડકો વચ્ચે ફસાયેલો મારો પગ કાઢવા મેં શક્ય તેટલું જોર અજમાવ્યું. આમ કરવામાં હું પડતી પડતી માંડ બચી. દરિયાનું ખારૃં મારા મોઢામાં ઘુસી ગયું. હું થોડી ભીની પણ થઈ ગઈ.
સ્મગલરના માણસો અમારી ખાલી બોટને ખેંચીને કાંઠા તરફ પાછી લઈ આવતા હતા અને દરિયા કિનારે પહોંચી ગયેલા પ્રવાસીઓ કોસ્ટગાર્ડસ પકડી લેશે તેવી બીકે કાંઠા પરના જંગલ તરફ ભાગી રહ્યા હતા.
આ દરમિયાન દરિયાના મોટા મોજા જોશભેર મારી તરફ ધસી આવતા, ફરી વખત પડતાં હું માંડ બચી પણ મોજાઓની થપાટથી હું આખેઆખી ભીંજાઈ ગઈ.
મોહમ્મદે જોરથી બૂમ પાડી બધાને ચેતવતા કહ્યું, દરેક પોતાના હાથમાં જે કાંઈ સામાન કે બેગ હોય તે ફેંકી દો. મોજા વધારે ઉછળી રહ્યા છે, પહેલા તમારી જાત બચાવો.
બધાએ પોતાનો સામાન અને બૂટ કાઢીને દરિયામાં ફેંકવા માંડયા.
એટલામાં કાંઠે ઊતરી ગયેલી ઈરાકી સ્ત્રીએ જોરથી બૂમો પાડવા માંડી. તમે બધા મારા બાળકોને ડૂબાડશો. રડતા રડતા તેણે આગળ ચલાવ્યું, અમે હવે એ બોટમાં ફરી નહીં બેસીએ. તમે બધા હત્યારાઓ છો'
હું કાંઈક કહેવા જાઉં એ પહેલાં તો ઈરાકી સ્ત્રી તેના બે બાળકોને લઈ જંગલની દિશામાં ચાલવા માંડી. જોકે તેમાં એનો કોઈ વાંક નહોતો. અહીં ભારે ગભરાટનો માહોલ ફેલાયો હોવાથી બે બાળકોની માતા ગભરાઈ જાય એ સાવ જ સ્વાભાવિક વાત છે. બધા જ લોકો અહીં ધીરજ ગુમાવી ચુક્યા હતા.
અમે બધા જ કેમ્પ છોડીને જતા રહેવાના મુડમાં હતા. હાલક ડોલક થતી બોટ અને તેનું એન્જિન પણ માંડ સ્ટાર્ટ થતું અમે જોયું છે. હોડી દરિયાના પાણીમાં કેટલી નીચે ઊતરી ગઈ, તે પણ અમે જોયું છે.
બપોરનું ગરમ હવામાન સારા સંકેત નહોતું આપી રહ્યું. મજીદ પણ પાછા જવા માટે અધીરો બનીને આમ તેમ આંટા મારી રહ્યો હતો. તે કહેતો કે કાંતો આપણે બધા પાછા બોટમાં બેસી જઈએ કે પાછા ઈસ્તનબુલ ભેગા થઈ જઈએ. પણ અહીં તો વધુ એક રાત નહીં રહી શકીએ.
અચાનક કદાવર સ્મગલરે દેખા દીધી. એ થોડો ગુસ્સામાં જણાતો હતો. તેણે અમને બધાને કહ્યું કોસ્ટગાર્ડસ (તટ રક્ષક દળ) અહીંથી જતા રહે એટલે ફરી પાછા બોટમાં બેસીને તમે ગ્રીસ જઈ શકશો.
બપોરની ભારે ગરમીમાં મારા ભીના કપડાં લગભગ સુકાઈ ગયા હતા. સારાએ અમારા કેટલાક કપડા દરિયા કાંઠાની રેતી પર પાથરી દેતા હું તેના પર સુઈ ગઈ.
હું કેટલો વખત સુતી રહી તેનો મને ખ્યાલ જ નથી પણ કદાવર સ્મગલરની બૂમ સાંભળી હું સફાળી જાગી ગઈ… ''ચાલો બધા ઊભા થાવ. આપણે જવાનું છે. જવાનું છે. સ્મગલરના ઘાંટાથી હું જાગીને બેઠી થઈ ગઈ.
ચાલો ફરી બધા પોતપોતાના લાઈફ જેકેટ પહેરી લો. ઉતાવળ કરો, ઝડપ કરો. મારી નજીક ઊભેલા મજીદનો ચહેરો ફીક્કો પડી ગયો'તો.
મેં તેને પૂછયું, અત્યારે કેટલા વાગ્યા છે?
જવાબમાં એ બોલ્યો, છ વાગવા આવ્યા છે. યુસરા, ચાલ ઊભી થા.
હું ઝડપથી ઊભી થઈ અને લાઈફ જેકેટ પહેરી લીધું. અમે બધા ફરી પાછા લથડતી ચાલે મુંગા મુંગા કાંઠાના જળ તરફ જવા માંડયા. ભારે સૂસવાટાભેર પવન ફૂંકાઈ રહ્યો'તો.
મારા ચહેરા પર પવનની જોરદાર થપાટો પડતી હતી. અમે બધા હવે ફરી પાછા કાંઠાના જળમાં આવી ગયા'તા.
દરિયાના મોજા જોઈ હું ગભરાઈ ગઈ. કાંઠાના ખડકો પર દરિયાઈ મોજા જોશભેર અથડાઈ રહ્યા'તા.
કિનારથી દૂર સુધી નજર નાંખી તો કાળા ડિબાંગ અંધારામાં દૂર સુધી દરિયો વિસ્તરેલો હતો.
અગાઉની જેમ કાંઠા પરના ઘૂંટણ સમા પાણીમાં પોનિટેલ સ્મગલર ઊભો હતો. દરિયાઈ મોજાની થપાટોથી હોડી જોખમી રીતે હાલક ડોલક થતી હતી, જેને પોનિટેલ અને બીજા એક સ્મગલરે મજબૂતાઈથી પકડી રાખી હતી. અમે બધા ઝડપથી બોટમાં બેસી ગયા. પણ આ વખતે બોટમાં પેલી ઈરાકી સ્ત્રી અને બે બાળકો નહોતા.
બોટનું એન્જિન ચાલુ કરીને તુરત જ પોનિટેલ સ્મગલર કુદકો મારીને બોટમાંથી નીચે ઊતરી પડયો. પોનિટેલ સ્મગલરે ઊતરતા ઊતરતા તેની બાજુમાં બેઠેલા અફઘાનને બોટનું સુકાન પકડાવી દીધું.
આ જોઈને હું હેબતાઈ ગઈ…'શું આ સમગલર અમારી સાથે નથી આવવાનો ? મારી નજીક બેઠેલી સારાએ ખભા ઊલાળ્યા અને માથું હલાવી કહ્યું મને શી ખબર ?
અમારી બોટ કાંઠાની ખાડીમાંથી આગળ વધીને હવે ખુલ્લા દરિયામાં આવી ગઈ હતી. એક મોટું મોજું આવ્યું અને અમારી હોડી ઉછળતા મોજા પર સવાર થઈને ફરી પાછી દરિયાઈ સપાટી પર આવી ગઈ.
બધા ખૂબ જ ગભરાઈ ગયા. અને આગળ કાંઈક વિચારીએ તે પહેલાં બીજું મોટું મોજું આવી પહોંચ્યું. આ મોજું એટલું મોટું હતું કે તેની ભારે છાલકથી અમે બધા ભીંજાઈ ગયા અને હોડીમાં થોડું પાણી ફરી વળ્યું.
ત્રીજુ મોજું આવતું જોઈને સ્વાભાવિક રીતે જ અમે બધા ઓર ગભરાયા. બધાએ અલ્લાહની ઈબાદત શરૂ કરી દીધી.
(ક્રમશ:)




