દરિયાના ઉછળતા મોજા વચ્ચે હોડી હાલક ડોલક થવા માંડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ખાડીમાંથી હોડી દરિયાના ખુલ્લા જળમાં પ્રવેશી ત્યાં જ એનું એન્જિન ખોટકાઈને બંધ પડી ગયું…
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-11
- હોડીના ચાર પ્રવાસી વારાફરતી દોરડું પકડી દરિયાના ભારે ઉછળતા જળમાં ઊતર્યા
- ટાપુ અહીંથી કેવળ અડધા કલાકની દૂરી પર હતો, પણ બધાની આંખે અંધારા આવી ગયા
જોરથી ઠંડો પવન ફૂંકાઇ રહ્યો 'તો. એક પછી એક મોટા મોજા વારાફરતી બોટને જોરદાર છાલક મારી હાલકડોલક કરી મુકતા હતા.
બધા જ ઇબાદતમાં જોડાયા. મોટે મોટેથી બધા આ દરિયાઇ તોફાનમાંથી હેમખેમ બચવા માટે ખુદાને પોકારતા હતા.
હું પણ તેમાં જોડાઇ : ''અલ્લાહ મને માફ કર. ઓ ગોડ પ્લીઝ મને મદદ કર.''
ખાડીમાંથી અમારી હોડી ખુલ્લા દરિયાના જળમાં પ્રવેશ્યાની માંડ ૧૫ મિનિટમાં જ હોડીનું એન્જિન ખોટકાઇને બંધ પડી ગયું.
હોડી સાવ જ ધીમી પડી ગઇ અને આગળનો ભાગ નીચો નમી ગયો. આ જોઇ બધા ગભરાઇ ગયા. પ્રાર્થના બંધ થઇ ગઇ. ગભરામણમાં કોઇના મોઢામાંથી એક શબ્દ સુધ્ધા નીકળતો નહોતો.
તમામની નજર હોડીના એન્જિન નજીક બેઠેલા અફઘાન તરફ મંડાઇ. એન્જિન સાથે જોડેલી રસ્સી ખેંચીને તે હોડીનું એન્જિન ફરી સ્ટાર્ટ કરવાની મથામણ કરતો હતો.
અમે બધા ફરી એન્જિન શરૂ થવાની ઘરઘરાટી સાંભળવા માટે કાન સરવા કરીને ચૂપચાપ બેસી રહ્યા હતા. પરંતુ એન્જિન પણ અમારી જેમ મૂંગુંમંતર જ રહ્યું. તે શરૂ થવાના અણસારરૂપ જરા સરખીય ઘરઘરાટી કોઇને ન સંભળાઇ.
આ દરમિયાન ફરી દરિયાના ઉછળતા મોજાના હડસેલાથી હોડી હાલક ડોલક થવા માંડતા અમે બધા વધારે ગભરાયા. કેટલાક ફરી અલ્લાહને હૃદયપૂર્વક યાદ કરવા માંડયા, ેજે પૈકીના બે-ચાર જણે તો અગાઉના કરતાય વધારે ઊંચા અવાજે ઇબાદત શરૂ કરી.
મોટા અવાજે ખુદાને યાદ કરવાનું શરૂ થતા જ આખી હોડીમાં ભારે ગભરાટનો માહોલ છવાઇ ગયો.
મુહાન્નાદે બધાને કહ્યું, તમારી પાસેનો વધારાનો બધો સામાન દરિયામાં ફેંકી દો. બધાએ પોતાની પાસે જે કાંઇ થોડો સામાન હતો તે સાગરમાં ફેંકવા માંડયો. અમે સૌએ અમારા બુટ સેન્ડલ અને ચંપલ સુધ્ધા ફેંકી દીધા.
ઉછળતા દરિયાઇ મોજાનું ઘણું પાણી હોડીમાં આવી ગયું હતું. અમે ખોબે ખોબે એ પાણી પાછું દરિયામાં નાંખતા હતા. જોકે આનાથી કોઇ અર્થ નહોતો સરતો. કારણ અમે માંડ ખોબે ખોબા પાણી હોડીમાંથી કાઢતા હતા, પણ એ દરમિયાન પાછળ પાછળ આવતા બીજા મોજાની ભારે છાલકથી હોડીમાં ફરી પાણી ભરાઇ જતું હતું.
અમે બધા જ ડરી ગયા 'તા કે મોટા મોટા મોજાની ભયંકર થાપટોથી ક્યાંક અમારી હોડી ઊંધી ન વળી જાય…! હોડીનું એન્જિન ખોટકાઇ ગયું હોવાથી હોડી ડૂબવાની સંભાવના ઓર વધી ગઇ હતી.
મુહાન્નદે મોટા અવાજે કહ્યું આપણે કાંઇક કરવું પડશે…પણ શું…? તેનો કોઇ પાસે ઉત્તર નહોતો.
પણ મુહાન્નદે જ આગળ ચલાવ્યું, અલ્લાહથી વધારે કોઇની તાકાત નથી. આટલું બોલીને એ હોડીની સાઇડનું દોરડું મજબુતાઇથી પકડી દરિયામાં ઊતર્યો. દોરડું પકડી રાખીને તે કમ્મર સુધીના પાણીમાં ઊતર્યો. એક માણસનું વજન ઓછું થવાથી હોડી જરા ઉપર આવી.
હું ફાટી આંખે મુહાન્નદ તરફ જોતી રહી. એક તરફ તેના માટે મને ખૂબ જ પ્રશંસાની લાગણી થઇ આવી. તો બીજી તરફ ગભરામણની, કે આ યુવાનને તરતા તો આવડતું નથી, એનું શું થશે?
મારી નજીક બેઠેલી સારા હાલકડોલક થઇ રહેલી હોડીમાં ઊભી થવાની મથામણ કરતી હતી. બાજુમાં બેઠેલી સોમાલિયાની સ્ત્રીને પોતાની થોડી કીંમતી ચીજ-વસ્તુઓ ભરેલું નાનું પાકિટ સોંપીને તે મુહાન્નદની જેમ પાણીમાં ઊતરવા લાગી.
''આપણે અલ્લાહના છે, અને અલ્લાહ પાસે પાછા જઇશું.''એમ કહી તે હોડીની બીજી તરફનું દોરડું પકડી નીચે ઊતરી.
ભયથી મારૃં મોઢું પહોળું થઇ ગયું. મારા હૃદયના ધબકારા વધી ગયા. મેં વિચાર્યૂં, હું પોતે સ્વિમર છું, મારે અહીં હાથ જોડીને બેસી ન રહેવું જોઇએ. મારે પણ મદદમાં જોડાવું જોઇએ.
આવા વિચાર સાથે હું પણ ઝડપભેર ઊભી થઇ. દોરડું પકડીને હું પાણીમાં ઊતરવા ગઇ એટલામાં સારાએ બૂમ પાડી. યુસરા, તું હિંમત ના કર. તું બોટમાં જ બેસી રહે.
પણ સારાનું બોલવાનું ગણકાર્યા વગર મેં નકારમાં ડોકું હલાવ્યું. સારાએ મને ફરી ચેતવતા બૂમ પાડી; મારૃં કહ્યું તે સાંભળ્યું? તું હોડીમાં બેસી જા.
પણ સારાનું કશું જ સાંભળ્યા વગર હું પણ દોરડું પકડી દરિયામાં ઊતરી. મેં મજબૂતાઇથી દોરડું મારી કમ્મરે વીંટાળી દીધું અને બીજો છેડો બેઉ હાથે પકડી રાખ્યો.
સારાએ ફરી બૂમ પાડીને કહ્યું, તું સાંભળતી કેમ નથી? જા બોટમાં જઇને બેસી જા.
આ વખતે મેં ઘાંટો પાડીને કહ્યું, ના હું હોડીમાં હાથ જોડીને નહીં બેસું. હું પણ સ્વિમર છું. હું શા માટે તારી જેમ બધાને બચાવવાના પ્રયાસમાં ન જોડાઉં?
મોજા હજી ઉછળી રહ્યા 'તા. મેં મનોમન દૂર ઝાંખા ઝાંખા દેખાતા ગ્રીસના એ ટાપુની કલ્પના કરી. આમ તો સાવ જ નજીક દેખાતો હતો પરંતુ માંડ અડધો કલાકની દૂરી સુધી પહોંચતા પહોંચતા અમે બધા કદાચ યમદ્વારે પહોંચી જવાની સંભાવના નકારી શકાય તેમ નહોતી.
મેં મારી જાતને જ મનોમન ઉદ્દેશીને કહ્યું, યુસરા, માત્ર અડધો કલાકનો સવાલ છે, દોરડું પકડી હોડીને આગળ ધકેલતી રહે. હિંમત રાખ. સારા તારી સાથે જ છે. બીજા કોઇ તો તરી શકે તેમ નથી. માટે બધાને અમારે (મારે અને સારાએ) જ બચાવવાના છે.
એટલામાં એક સુદાનીઝ પ્રવાસી પણ હોડીમાંથી પાણીમાં ઊતરીને મુહાન્નદ સાથે જોડાયો. હવે અમે ચાર જણ હોડીમાંથી નીચે ઊતર્યા હતા. ચાર જણનો ભાર ઓછો થવાથી પાણીમાંથી હોડી થોડી વધારે ઊંચે આવી.
પણ દરિયાઈ મોજા હજી જોરથી ઉછળતા હતા. મોજા પર સવાર થઈને હોડી પાછી નીચે જળ સપાટી પર પછડાતી હતી. અમે ચારેય જણ હોડી ઊંધી ન વળી જાય તે માટે બન્ને તરફથી હોડીને સમતોલ રાખવાની કોશિશ કરતા રહેતા હતા.
પણ આ દરિયો હતો, કાંઈ સ્વિમિંગ પુલ નહોતો, જેમાં અમે તાલીમ લઈને તરતા શીખ્યા હતા. સ્વિમિંગ પુલમાં મર્યાદિત અને શાંત જળ સપાટી હોય છે અને તેની ઊંડાઈ પણ ઝાઝી નથી હોતી.
અમે હોડીને ડૂબતી બચાવી શકીએ, અમે ચાર જણ પાણીમાં ઉતર્યા હોવાથી હોડીનું વજન થોડું ઓછું થવાથી હોડી ડૂબવાની સંભાવના ઘટી ગઈ હતી. બહુ બહુ તો અમે ગ્રીસના ટાપુની દિશા સિવાયની અન્ય દિશામાં હોડી ના ફંટાઈ જાય તે માટે કાળજી રાખી શકીએ, તેનાથી વિશેષ કશું કરવાની શક્યતા નહિવત હતી.
જીવન-મરણની નાજુક પળે યુસરા અને સારાએ કમાલ કરીને ખોટકાયેલી હોડી ગ્રીસના ટાપુ સુધી લઈ આવ્યા.
સિરિયાની આ બે સ્વિમર યુવતીઓની જિન્દાદિલીની આ દિલધડક વાત બહુ લાંબી છે… ૨૦ જેટલા પ્રવાસીઓને મોતના મુખમાંથી કાઢી લાવવાની પ્રતિમ સાહસકથાનો આ તો અડધો ભાગ છે…એ પછીના ભાગમાં યુસરા ભારે મહેનત બાદ સ્વિમિંગ સ્પર્ધામાં છેક ઓલિમ્પિક સુધી પહોંચ્યાની વાત છે….
(સંપૂર્ણ)




