સિંગાપોરના પર્યાવરણ પ્રધાનને દોઢ વર્ષની કેદની સજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સિંગાપોરના તત્કાલીન વડાપ્રધાનનું ભ્રષ્ટાચાર વિરોધી આક્રમક અભિયાન
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-2
- સિંગાપોરના તત્કાલીન વડાપ્રધાન પોતાના પ્રધાનોને સ્હેજપણ છાવરતા નહોતા
- શાસક પક્ષના એક સાંસદ વિરૂદ્ધ તપાસ માટે પણ વડાપ્રધાને મંજૂરી આપી હતી
છ-સાત દાયકા અગાઉ સિંગાપોરમાં ચાલતી ભ્રષ્ટ રીતરસમો તો લિકવાનના કડક પગલાંથી કયારનીય ખતમ થઈ ગઈ છે, પણ આપણા દેશમાં આજે સરકારના બે ખાતા સૌથી ભ્રષ્ટ ગણાય છે, જેમાં પોલીસ તંત્ર અને રેવન્યૂ ખાતાનો સમાવેશ થાય છે.
લિકવાને Practices Investigation Bureau (CPIB) ના અધિકારીઓને કડક આદેશ આપી દીધો કે ખાસ કરીને પોલીસ અને રેવન્યૂ ખાતાના ઉચ્ચ અધિકારીઓ પર તમે બાજ નજર રાખો.
આ બન્ને ખાતાઓના નીચલા સ્તરે ચાલતા ભ્રષ્ટાચારને ડામવા માટે લિકવાન સરકારે ભ્રષ્ટ ઈન્સ્પેક્ટરો વિરૂધ્ધ કાર્યવાહી કરવાની પ્રોસીઝર વધુ સચોટ અને વધારે સરળ બનાવી દીધી, જેથી ભ્રષ્ટ તત્વો વિરૂધ્ધ ત્વરિત કાર્યવાહી કરી તેમને શિક્ષા ફરમાવી શકાય.
વર્ષ ૧૯૬૦ માં સિંગાપોર સરકારે ૧૯૩૭ ના જૂના ભ્રષ્ટાચાર વિરોધી કાયદામાં ધરખમ ફેરફાર કરીને જોગવાઈઓ વધુ આકરી બનાવી, જેથી ભ્રષ્ટ તત્વો છટકી ના શકે.
મહત્વનો એક સુધારો એ કર્યો કે તપાસ અધિકારીની સત્તા વધુ વ્યાપક બનાવી ભ્રષ્ટ અધિકારીની ધરપકડની સત્તા પણ તેમને આપી દેવાઈ. વળી, માત્ર ભ્રષ્ટ તત્વોના બેન્ક એકાઉન્ટસ જ નહીં, પણ ભ્રષ્ટાચારીની પત્ની, તેમના સંતાનો કે તેમના વચેટીયા એજન્ટોની બેન્ક પાસબુકો તપાસવાની પણ ખાસ સત્તા તપાસ અધિકારીઓને અપાઈ હતી.
કોઈ સરકારી અફસરની લાઈફસ્ટાઈલ કે તેની સમ્પત્તિ, એ અફસરની આવકના પ્રમાણમાં વધારે પડતી હોવાના પુરાવા મળે તો કોર્ટ એ પુરાવાને સમર્થન આપતો પુરાવો (Corroborating evidence) ગણી શકે કે આરોપી અફસરે લાંચ લીધી જ છે.
વડાપ્રધાન લિકવાને કાયદામાં આવા ઘણાં સુધારા કરતા સિંગાપોરમાં લાંચિયા કર્મચારી-અધિકારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો, પણ લિકવાન આટલેથી જ ન અટક્યા. સુધારેલા કાયદાનો અતિ કડક અમલ કરવાના કડક ફરમાન તેમણે બહાર પાડયા.
ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો પ્રાઈમ મિનિસ્ટર ઓફિસમાંથી જ -PMO માંથી જ કામ કરતો હતો. આ બ્યૂરોને કેન્દ્રના કોઈપણ અફસર કે કોઈપણ મિનિસ્ટર વિરૂધ્ધમાં તપાસ કરવાની ખાસ સત્તા અપાઈ હતી.
સિંગાપોરના વડાપ્રધાન લિકવાને કોઈ ભ્રષ્ટાચારીને નહીં છોડીએ એવી ભાષણોમાં કેવળ ગુલબાંગો નહોતી હાંકી પણ કેટલાક મિનિસ્ટરોને લાંચના કેસમાં પકડીને એવા ભ્રષ્ટ પ્રધાનોને રાતોરાત પાણીચું આપી દીધું હોવાના દાખલા છે.
આવા ઘણાં હાઈ-પ્રોફાઈલ કેસોના કિસ્સા સિંગાપોરના અખબારોમાં પહેલા પાને ચમકી ચૂક્યા છે.
વિ.ટુન બુન, પર્યાવરણ મંત્રાલયમાં રાજ્યકક્ષાના પ્રધાન હતા, તે સમયગાળા દરમિયાન વર્ષ ૧૯૭૫ માં પરિવાર સાથે તેઓ ઈન્ડોનેશિયાના પ્રવાસે ગયા હતા, જેનો તમામ ખર્ચ એક હાઉસિંગ ડેવલપરે ચુકવ્યો હતો. પર્યાવરણ મંત્રી વિ.ટુન.બુને આ બિલ્ડરની ફાઈલ કિલયર કરવા સનદી અધિકારીઓને ખાસ ભલામણ કરી હતી. આ બિલ્ડરે પ્રધાનને ૫ લાખ સિંગાપોરિયન ડોલરની કિંમતનો બંગલો પણ ભેટમાં આપ્યો હતો.વધારામાં શેર બજારમાં સટ્ટાખોરી કરીને કમાણી કરવા માટે પ્રધાને આ બિલ્ડર પાસેથી બીજા ૩ લાખ ડોલર પણ પડાવ્યા હતા.
વડાપ્રધાન લિકવાન યુએ તેમના સંસ્મરણોમાં લખ્યું છે કે આ વિ ટુન બુન છેક ૧૯૫૦ થી મને વફાદાર હતો તે બિન સામ્યવાદી ટ્રેડ યુનિયન લિડર હતો. તેણે પોતે મારી પાસે આવી પોતે નિર્દોષ હોવાની રજૂઆત કરી.
પણ તેની એકેય દલીલ કે રજૂઆતમાં વજૂદ નહોતું. તેની એકેય વાત ગળે ઊતરે તેવી નહોતી.
મેં તેની સામે કેસ કરવા ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરોને આદેશ આપ્યો. વિ ટુન બુન વિરૂધ્ધ ચાર્જશીટ મુકાઈ, તેની સામે કોર્ટમાં કેસ ચાલ્યો, કોર્ટે તેને સાડા ચાર વર્ષની કેદની સજા ફટકારી.
વિ ટુન બુને કોર્ટના આ ચુકાદા વિરૂધ્ધ અપીલ કરી. તેની અપીલ અંશતઃ મંજૂર રખાઈ. પ્રધાન વિરૂધ્ધના આરોપો તો ઉપલી કોર્ટેય માન્ય રાખ્યા પણ કેદની સજા સાડા ચાર વર્ષથી ઘટાડીને દોઢ વર્ષની કરી.
ડિસેમ્બર ૧૯૭૯માં વડાપ્રધાન લિકવાન સમક્ષ ભ્રષ્ટાચારનો એક બીજો ગંભીર કિસ્સો આવ્યો. તેમના શાસક પક્ષ PAP ના જ એક સંસદસભ્ય વિરૂધ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ તેમને મળી. એ સાંસદનું નામ હતું - ફેય યુ કોક - તેઓ પીપલ્સ એકશન પાર્ટી (PAP) ના સંસદસભ્ય હોવા ઉપરાંત નેશનલ ટ્રેડસ યુનિયન કોંગ્રેસ (NTUC) ના પ્રમુખ પણ હતા. તેમની સામે ૮૩૦૦૦ સિંગોપોરિયન ડોલરની ગેરરીતિ/ ઉચાપતની વાત બહાર આવી હતી. આજે કદાચ ૮૩૦૦૦ ડોલર નાની રકમ લાગે પણ આજથી ૪૭ વર્ષ અગાઉ સ્વાભાવિક રીતે આ રકમ ઘણી મોટી ગણાતી હતી.
વધારામાં ટ્રેડ યુનિયન કાયદા હેઠળ આ સાંસદ વિરૂધ્ધ વધુ એક ફરિયાદ નોંધાઇ હતી કે તેમણે સંબંધિત પ્રધાનની વિધિવત મંજૂરી મેળવ્યા વગર જ ટ્રેડ યુનિયનના ૧૮૦૦૦ ડોલર એક ખાનગી સુપર માર્કેટમાં ઇન્વેસ્ટ કરી દીધા હતા.
સામાન્ય રીતે આવા કિસ્સામાં બને છે, તેમ આ સાંસદને જામીન પર મુક્ત કરી દેવાયા હતા.
નેશનલ ટ્રેડસ યુનિયન કોંગ્રેસના મહામંત્રી દેવન નાયર, યુનિયનના ભ્રષ્ટ પ્રમુખ ફેય યુ કોકના નજીકના હતા. દેવન નાયર દ્રઢ પણે એમ માનતા હતા કે પ્રમુખ ફેય યુ કોક નિર્દોષ છે. ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો આ કેસની ફેર સમીક્ષા કરે તેવી આ મહામંત્રીએ માંગણી કરતા વધુમાં કહ્યું 'તું કે ખોટા આરોપોના કારણે એક નિર્દોષ માણસની કારકિર્દી ધૂળમાં મળી રહી છે.
મહામંત્રીની આ માંગણીના અનુસંધાનમાં વડાપ્રધાન લિ કવાન યુએ તેમના સંસ્મરણોમાં લખ્યું છે કે યુનિયનના પ્રમુખ અને અમારા પક્ષના સંસદસભ્ય ફેય યુ કોક નિર્દોષ હોવાની યુનિયનના મહામંત્રીની રજૂઆત સાથે હું સંમત નહોતો, કારણ કે ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરોનો રિપોર્ટ મેં પોતે વાંચ્યો હતો અને એ રિપોર્ટના આધારે જ આ કેસમાં આગળ વધવા માટે મેં પોતે જ બ્યૂરોના વડાને ઓર્ડર કર્યો હતો.
પરંતુ તેમ છતાં યુનિયન પ્રમુખ નિર્દોષ હોવાના પોતાના અભિપ્રાયમાં મહામંત્રી દેવન નાયર મક્કમ રહ્યા અને એક શનિવારે મારી સાથેની લંચ મીટિંગમાં આ મુદ્દે મારી સાથે ઘનિષ્ઠ ચર્ચા કરી પ્રમુખ નિર્દોષ હોવાની ભારપૂર્વક વારંવાર તેઓ રજૂઆત કરતા રહ્યા 'તા.
પ્રમુખ જો દોષિત પુરવાર થઇ જાય તો યુનિયન મુવમેન્ટમાં એક સક્ષમ સાથીદાર ગુમાવી દેવાની ગંભીર સંભાવનાની તેમના મનમાં ચિંતા ઘર કરી ગઇ હતી.
(ક્રમશ:)




