Saransh

વડાપ્રધાન લિકવાને સિંગાપોરને ભ્રષ્ટાચાર મુક્ત બનાવી દીધું

By GS Team
21 Oct 20264 mins read
TukuTouch Logo
સિંગાપોરને 'થર્ડ વર્લ્ડ'માંથી 'ફર્સ્ટ વર્લ્ડ' બનાવનાર તેના પ્રથમ વડાપ્રધાન લિકવાન યુની ગાથા રજૂ કરાઈ છે. ૯ ઓગસ્ટ ૧૯૬૫ માં અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયેલું સિંગાપોર આજે ફાઇનાન્સિયલ હબ બન્યું છે. લિકવાને ભ્રષ્ટાચાર મુક્ત શાસન માટે કડક પગલાં લીધા હતા. તેમણે "From Third World To First" પુસ્તકમાં ભ્રષ્ટાચાર નાબૂદીનો અનુભવ લખ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડાપ્રધાન લિકવાને સિંગાપોરને ભ્રષ્ટાચાર મુક્ત બનાવી દીધું
  • સિંગાપોરને થર્ડ વર્લ્ડમાંથી ફર્સ્ટ વર્લ્ડની કેટેગરીમાં લાવી દેનાર
  • સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
  • ભાગ-1
  • સિંગાપોર વિશ્વનું પ્રથમ પંક્તિનું ફાઈનાન્શિયલ અને ટ્રેડિંગ હબ બની ગયું છે
  • એશિયન દેશોના નેતાઓના ભ્રષ્ટાચાર જોઈને લિકવાન અત્યંત વ્યથિત થતા હતા

આ એક એવા દેશની વાત છે, જે વિસ્તારની દ્રષ્ટિએ આપણા દેશ કરતાં ખૂબ જ નાનો છે. એ દેશની વસ્તી પણ આપણા દેશની સરખામણીએ ઘણી ઓછી છે.
ભારતની ભૂમિ કરતાં એ દેશનો વિસ્તાર અ…ધ…ધ… ખાસ્સો ૪૫૦૦ ઘણો ઓછો છે. ભારતનો વિસ્તાર ૩૨,૮૭,૨૬૩ ચોરસ કિ.મી. છે. જ્યારે એ દેશનો વિસ્તાર ફકત ૭૧૯ ચોરસ કિલોમીટર છે.
ભારતની વસ્તી ૧.૪૬ અબજ છે. જ્યારે એ દેશની વસ્તી માત્ર ૬૧ લાખ જ છે. અમુક ચોક્કસ મર્યાદિત વિસ્તારમાં વસ્તીનું પ્રમાણ કેટલું છે, અર્થાત પોપ્યુલેશન ડેન્સિટિ કે વસ્તીની ગીચતાની સરખામણી કરીએ તો ભારતમાં ચોરસ કિલોમીટરે ૪૪૫ લોકોની ગીચતા છે, જ્યારે એ દેશમાં પોપ્યુલેશન ડેન્સિટિ ૮૪૦૦ ની છે…!
ભારતની આ વર્ષની nominal GDP per capital લગભગ ૨૮૧૩ ડોલર જેટલી છે. જ્યારે આપણે એશિયાના જે દેશની વાત કરીએ છીએ તેની nominal GDP per capital લગભગ ૧,૦૭,૭૫૮ છે…!
નોમિનલ સંદર્ભમાં આ એશિયન દેશની પર કેપિટલ GDPનો વૈશ્વિક કક્ષાએ ચોથો નંબર છે…! અને એશિયન દેશોમાં તેનો પહેલો નંબર છે. જ્યારે આ સંદર્ભમાં વાત કરીએ તો વૈશ્વિક સ્તરે ૨૦૦ દેશોમાં ભારતનો નંબર છેક ૧૬૮ મો છે.
આપણે જે દેશ સાથે ભારતની સરખામણી કરી રહ્યા છે, તેનું નામ છે સિંગાપોર. આ દેશ City-State, અર્થાત એક જ શહેરનો બનેલો આ દેશ છે. ટૂંકમાં એને સિંગાપોર દેશ કહો કે સિંગાપોર શહેર કહો…
ભારતને અંગ્રેજોના શાસનમાંથી તા. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના દિવસે આઝાદી મળી, જ્યારે સિંગાપોરને અંગ્રેજોની ગુલામીમાંથી તા. ૯ ઓગસ્ટ ૧૯૬૫ માં મુક્તિ મળી…મતલબ સિંગાપોર ભારત પછી ૧૮ વર્ષે સ્વતંત્ર થયું.
ભારત કરતાં દોઢ દાયકા કરતાંય વધુ વર્ષો બાદ આઝાદ થયેલો નાનકડો દેશ આજે આર્થિક દ્રષ્ટિએ, સ્વચ્છતાની દ્રષ્ટિએ અને ભ્રષ્ટાચાર મુક્તિની દ્રષ્ટિએ ઘણો આગળ નીકળી ચૂક્યો છે, જેનો તમામ શ્રેય એના પ્રથમ વડાપ્રધાન લિકવાન યુના ફાળે જાય છે.
સિંગાપોરના આ પ્રથમ વડાપ્રધાને પોતે એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે. ''From Third World To First''.
ટાંચા સાધન-સમ્પત્તિવાળા અને એક સમયના સંસ્થાનવાદી પોર્ટને (બંદર) અત્યંત સમૃધ્ધ તેમજ ફર્સ્ટ વર્લ્ડના ગ્લોબલ ફાઈનાન્શિયલ અને ટ્રેડિંગ હબ બનાવી દેવામાં લિકવાન યુનો સિંહફાળો છે.
લિકવાનની બીજી બધી સિધ્ધિઓની વાત પછી કરીશું, સૌ પ્રથમ તો સિંગાપોરમાંથી ભ્રષ્ટાચારને દેશવટો આપી દેવામાં લિકવાને કેવા આકરા નિર્ણયો લીધા તેની કેટલીક ઘટનાઓ માત્ર રસપ્રદ જ નહીં, પણ એક વડાપ્રધાન તરીકે તેમણે જે મક્કમતાથી, જે હિંમત અને દ્રઢ નિર્ધારથી કડક પગલાં ભર્યા તેના પરિણામે સિંગાપોરને લિકવાને ''ભ્રષ્ટાચાર મુક્ત'' બનાવી દીધું. આ માટે સિંગાપોરના વડાપ્રધાન લિકવાને પોતે ક્યારેય ''સિંગાપોરને ભ્રષ્ટાચાર મુક્ત '' બનાવી દેવાનું કદી કોઈ નાટકીય સ્લોગન સુધ્ધા આપ્યા વગર તેમના પ્રધાનો અને વહીવટી તંત્રને સ્પષ્ટ સંદેશો આપી દીધો કે ભ્રષ્ટાચાર કોઈપણ સંજોગોમાં સાંખી નહીં લેવાય.
વર્ષ ૧૯૫૯માં પીપલ્સ એકશન પાર્ટીએ (પી.એ.પી.) સત્તાની ધુરા સંભાળી, ત્યારે પ્રારંભિક સમયગાળાથી જ વડાપ્રધાન લિકવાનની આદર્શ વિચારધારાએ દેશને ભ્રષ્ટાચાર મુક્ત સ્વચ્છ વહીવટી તંત્ર આપવાના તેમના મનમાં બીજ રોપી દીધા હતા.
તેઓ લખે છે કે, ઘણાં એશિયન દેશોના નેતાઓના લોભ-લાલચ, ભ્રષ્ટાચાર અને નૈતિક અધઃપતન જોઇ અમને ઊબકા આવતા હતા. તેમના દેશોના કચડાયેલા વર્ગની આઝાદી માટે લડત આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ જ દેશની સમ્પતિની લૂંટાલૂંટ કરતા જોઇ અમને મનોમન અત્યંત વ્યથા થતી હતી. દેશના નેતાઓ જ જ્યારે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હોય ત્યારે સ્વાભાવિક રીતે જ દેશની અધોગતિ થતી હોય છે. અંગ્રેજ હકૂમતથી સ્વતંત્ર થવાના નિર્ધાર સાથે આઝાદીની લડત ચલાવ્યા બાદ સત્તાસ્થાને આવેલા કેટલાક એશિયન નેતાઓના નૈતિક પતનથી અમે બહુ ખિન્ન થઇ ગયા હતા. અમારો ભ્રમ ભાંગી ગયો 'તો.
સિંગાપોરને Third World માંથી First World કન્ટ્રી બનાવનાર એ દેશના પ્રથમ વડાપ્રધાન લિકવાન યુએ તા.૫ જૂન ૧૯૫૯ના દિવસે હોદ્દાના શપથ લીધા. સિંગાપોરના રાજકીય પક્ષ પી.એ.પી.ના તેઓ સહ-સ્થાપક હતા.
તેઓ સિંગાપોરમાં ભ્રષ્ટાચાર વિરોધી અત્યંત કડક નીતિના ઘડવૈયા હતા.
લિકવાન યુએ તેમના સંસ્મરણોમાં લખ્યું છે કે જૂન, ૧૯૫૯માં સત્તાનું સુકાન અમે સંભાળ્યું તે દિવસે જ નિર્ધાર કર્યો હતો કે દેશની આવકના દરેક ડોલરનો અમે પુરેપુરો હિસાબ રાખીશું અને વિકાસ કાર્યોમાં જેટલા ડોલર ખર્ચીશું, તે પુરેપુરા વિકાસ કાર્યોમાં જ ખર્ચાય, વચ્ચે એકેય ડોલરનો ભ્રષ્ટાચાર ન થાય તેની અમે સંપૂર્ણ કાળજી રાખીશું.
આથી અમે અફસરોના વિવેકાધિકાર કે વિવેકાધિન સત્તા (Discretionary Power) પર ચાંપતી નજર રાખવાની કડક યોજના ઘડી કાઢી હતી.
વિવેકાધિકારનો કોઇ પ્રધાન કે કોઇ અધિકારી પોતાના નિજી સ્વાર્થ માટે દુરૂપયોગ ના કરે તે માટે ખાસ વ્યવસ્થા તંત્ર ઊભું કરાયું હતું.
સિંગાપોર પરના શાસન દરમિયાન અંગ્રેજોએ ૧૯૫૨માં વધતા જતા ભ્રષ્ટાચારને ડામવા માટે ભ્રષ્ટાચારીઓ વિરૂધ્ધ તપાસ બ્યૂરોની રચના કરી હતી.
સિંગાપોરના તત્કાલીન વડાપ્રધાન લિકવાને તેમના સંસ્મરણોમાં ભ્રષ્ટાચારની જે વાત વર્ષ ૧૯૫૯ ના સમયગાળાની લખી છે, તે આજે ૬૭ વર્ષના લાંબા સમય બાદ પણ એટલી જ અસ્તિત્વમાં છે, જેટલી ૬૭ વર્ષ પહેલાં હતી.
લિકવાન લખે છે કે બ્રિટિશરોએ ૧૯૫૨ માં સરકારના વિવિધ વિભાગોમાં, ખાસ કરીને પોલીસ તંત્રના નીચલા અને મધ્યમસ્તરે વધી રહેલા ભ્રષ્ટાચારને ડામવા માટે ભ્રષ્ટાચાર વિરોધી ખાસ સેલ ઊભો કર્યો હતો.
રસ્તા પર ગેરકાયદે બેસીને ધંધો કરતા પથારાવાળા, લારી-ગલ્લાવાળા પર નિયંત્રણ માટે ખાસ ઈન્સ્પેકટરોની નિમણૂંક કરાઈ હતી. આ ઈન્સ્પેકટરો લારી-ગલ્લાવાળા અને પથારાવાળા પાસે 'હપ્તા' ઉઘરાવી ભ્રષ્ટાચાર આચરતા હતા. આ ઉપરાંત રેવન્યૂ ખાતાના તલાટીઓ અને અધિકારીઓમાં પણ રૂશવતખોરી વધી ગઈ હતી.
(ક્રમશ:)