દરિયા કાંઠે જંગલ વિસ્તારમાં રાત વીતાવવાની નોબત આવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અમે બધા આખો દિવસ બોટની રાહ જોતા બેસી રહ્યા, પણ બોટ ન આવી
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-૮
- જંગલની ખડકાળ ભૂમિ પર જુદા જુદા કેમ્પમાં બધા મળીને ૧૦૦૦ માણસો હતા
- અજાણ્યા એક હજાર માણસો વચ્ચે રાત વીતાવવાની વાતથી હું ગભરાઈ ગઈ
મને વિચારમાં પડેલી જોઇ સારા મારી મનોવૃત્તિ સમજી ગઇ હોય તેમ સ્મગલરને તેણે કહ્યું, અમે ટાપુ સુધી તરીને પહોંચી તો જઇશું જ, પણ તમારે અમને swimming stuff અર્થાંત તરવા માટેના જરૂરી ઉપકરણો પુરા પાડવા પડશે.
સારાની વાત સાંભળી સ્મગલર ખડખડાટ હસી પડયો અને અમને જાણે જાવ જાવ, કહી રહ્યો હોય તેવા હાવભાવ સાથે હાથ હલાવતો રહ્યો.
મને મનોમન એકદમ શાંતિ થઇ ગઇ. આ વિષય પર હવે જાણે પૂર્ણ વિરામ મુકાઇ ગયું.
નજીકમાં બેઠેલા બે યુવાનો અમારી સામે જોઇ રહ્યા. બે પૈકીના ઉંમરમાં થોડો નાનો યુવાન દેખાવડો અને વધુ પડતો સ્માર્ટ હતો. મારી સામે જોઇ તે હસ્યો અને કહ્યું, મારૃં નામ અયહમ છે અને બાજુમાં છે તે મારો ભાઇ બસીમ.
જવાબમાં મેં કહ્યું, હું યુસરા અને આ મારી બહેન સારા છે.
અયહમે કહ્યું હું તમને ઓળખું છું. તમે દમાસ્કસથી આવ્યા છો ને?
તેના જવાબથી હું ચોંકી ગઇ. આ વળી મને ક્યાંથી ઓળખે છે? મેં કહ્યું, હું તમને નથી ઓળખતી.
આટલું કહી હું અને સારા ત્યાંથી ખસી ગયા. નાના નાના ગુ્રપમાં બેઠેલા બધા બોટ માટે પોત-પોતાનો નંબર આવે તેની રાહ જોતા બેઠા હતા. જંગલનો આટલો વિસ્તાર પેલા કદાવર સ્મગલરના તાબામાં હતો. પણ તુર્કીના એજિઅન સમુદ્ર કાંઠાના આ જંગલ વિસ્તારમાં અમારા પેલા કદાવર સ્મગલર જેવા તો બીજા સોએક જેટલા સ્મગલરો હતા અને દરેકે જંગલનો અમુક અમુક વિસ્તાર જાણે વહેંચી લીધો હતો. આ બધા દાણચોરોનો ધંધો ધમધોકાર ચાલતો હોય તેમ લાગતું 'તું.
આ બધા સ્મગલરો રોજના બધું મળીને હજારેક માણસોને નાની રબર બોટોમાં બેસાડીને ગ્રીસના ટાપુ પર પહોંચાડતા હતા.
જુદા જુદા સ્મગલરોની ગેન્ગ વચ્ચે શાંતિ એટલા માટે જળવાઇ રહેતી કે તેમાં જ એ બધાનું હિત સમાયેલું હતું. અમારાથી થોડે દૂર અફઘાન સ્મગલરોનો કેમ્પ હતો. અફઘાન સ્મગલર અમારા કદાવર સ્મગલર સાથે સંપર્કમાં રહેતો હતો અને દરિયો શાંત હોય તેમજ તુર્કીના કોસ્ટ ગાર્ડ આસપાસ નજીકમાં ન હોય ત્યારે એ અફઘાન રબરની બોટો દરિયામાં સરકાવી દેતો હતો.
અમે અમારા કેમ્પની બીજી સાઇડમાં ગયા, જ્યાં નબિહ અને મજીદ બેઠા હતા. હું નબિહની બાજુમાં જઇને બેસી ગઇ. એટલામાં સ્મગલરના એક માણસે આવીને ખબર આપ્યા કે હવે ગમે તે ઘડીએ બોટ આવી પહોંચશે.
પરંતુ કલાકો વીતવા છતાં બોટ આવ્યાના કોઇ અણસાર નહોતા.
સૂરજ અસ્તાચળે ઢળી રહ્યો'તો, પણ બોટ આવ્યાની કોઈ ચહલપહલ દેખાતી નહોતી. બધાને લાગતું'તું કે હવે રાત અહીં કેમ્પમાં જ વીતાવવી પડશે.
અફઘાન કેમ્પના મળીને આ દરિયાકાંઠે લગભગ એકાદ હજાર અજાણ્યા માણસો વચ્ચે અમારે બે બહેનોએ રાત પસાર કરવાની હતી. ત્રણ ચાર મહિલાઓ અમારી નજીક હોવાથી સલામતીનું થોડું આશ્વાસન મળ્યું હતું. અમે એ સ્ત્રીઓ સાથે કેમ્પના કેન્દ્રમાં એકસાથે પથારી કરીને સૂઈ ગયા.
નીચેની જમીન ખાડા-ટેકરાવાળી હોવાથી આખી રાત સારી રીતે સુવાયું નહોતું. સવાર પડતા મારી સ્લિપિંગ બેગમાંથી હું બહાર નીકળી.
એટલામાં પોનિટેલ સ્મગલર અમારા કેમ્પમાં આવ્યો અને મોટેથી બધાને મેસેજ આપતા કહ્યું,' એક બોટ તૈયાર છે. તમે નક્કી કરો કે પહેલું કોણ જશે.
નમાઝ પતાવીને આવેલા ઝહીરે હાથ ઊંચો કરી કહ્યું અમે પહેલાં જઈશું. ઝહીરની સાથે તેની પત્ની અને નાની છોકરી હતા. એટલે બધાએ કહ્યું, સારૃં તમે તમારા પરિવાર સાથે પહેલા જાઓ.
તે પછી એક ઈરાકી મહિલાએ હાથ ઊંચો કર્યો. તેની સાથે તેના બે નાના બાળકો હતા. પોનિટેલ સ્મગલરે આ બે પરિવારોને પહેલા જવા માટે મંજૂરી આપતો ઈશારો કર્યો.
તે પછી બોટમાં કોણ જશે ? સ્મગલરે બાકીના બધા સામે નજર નાંખી. પછી કોકો ઊભી થઈ. તે પછી અબ્દુલ્લા અને તેના પછી બશર અને બીજા ત્રણ પુરૂષો ઊભા થઈ આગળ આવ્યા. એ બધા મળીને કુલ ૧૫ માણસો થતા હતા.
પોનિટેલ અમારા કેમ્પમાંથી બહાર નીકળ્યો અને પેલા ૧૫ જણ તેની પાછળ પાછળ ચાલ્યા.
અમે નજીકના એક ખડક પર ચઢયા, કે જ્યાંથી અમને દરિયો બરાબર દેખાતો હતો. દરિયા કાંઠે નાની બોટ ઊભી હતી. દરિયાનું પાણી કાચ જેવું ચોખ્ખું હતું.
સૂરજ હવે માથા પર આવી ગયો હતો. બધાના ચહેરા પરથી પ્રસ્વેદના બિંદુઓ ટપકતા હતા. અમે બધા અમારા કેમ્પમાં પાછા ફર્યા.
થોડીવારમાં બટકો સ્મગલર દોડતો દોડતો અમારા કેમ્પમાં આવીને કહેવા લાગ્યો, એક ખરાબ ન્યૂઝ છે. તમારી બોટ તૂટી ગઈ…!
મારૃં હાર્ટ એક ધબકારો ચૂકી ગયું. હવે આજની બીજી રાતે પણ અમે દરિયાઈ માર્ગે ટાપુ પર નહીં પહોંચી શકીએ. મતલબ કે અમારે બીજી રાત પણ આ જંગલમાં જ વીતાવવી પડશે.
તૂટેલી બોટના સ્થાને સ્મગલરને બીજી બોટ ક્યારે મળશે તેનું કાંઈ નક્કી નથી. કદાચ કાલે નવી બોટ આવે કે પછી પરમ દિવસે પણ આવે, કોઈ નિશ્ચિતપણે કશું કહી શકે તેમ નહોતું.
મુહન્નાદે પેલા સ્મગલરને ઉદ્દેશીને ઊંચા સ્વરે સંભળાવ્યું, અમે અહીં બે દિવસથી અર્ધ-ભૂખ્યા તરસ્યા છે. તમે ક્યાં સુધી અમને આ રીતે રાખશો ? અહીં અમારી સાથે સ્ત્રીઓ અને બાળકો પણ છે. કાંતો તમે કાલે બોટની વ્યવસ્થા કરો અથવા તો પછી અમે ઈસ્તનબૂલ પાછા જતા રહીશું. અમે તમને એક પૈસોય નહીં આપીએ.
કેમ્પમાંના બીજા અજાણ્યા લોકો પણ મુહન્નાદની વાતમાં સંમત થઈ ગયા. એક ઈરાકી મહિલા પણ અમારી સાથે જોડાઈ. તેની સાથે તેના ત્રણ નાના બાળકો હતા.
શોરબકોર વધતો ગયો એવામાં પેલો હટ્ટોકટ્ટો સ્મગલર અમારા કેમ્પમાં દોડી આવતા બધા શાંત થઈ ગયા.
કદાવર સ્મગલરે મક્કમ સ્વરે કહ્યું, બોટની વ્યવસ્થા થઈ ગઈ છે. તમે બધા જ કાલે જઈ શકશો.
બપોર સુધીમાં સંખ્યાબંધ બીજી બોટો આવી ગઈ અને કેમ્પના મોટાભાગના લોકો બોટમાં બેસી રવાના પણ થઈ ગયા. પરંતુ અમે લગભગ ૨૦ જણ હજી બાકી રહી ગયા હતા.
પાછળ રહી ગયેલા અમે તમામ લગભગ વીસેક જણ મુહન્નાદની રજૂઆત સાથે સંમત હતા. અગાઉ બસમાં કે ઈસ્તનબુલમાં હું નહોતી મળી, એવી એક ઈરાકી મહિલા પણ અમારા ગુ્રપ સાથે જોડાઈ ગઈ. તેની સાથે તેના ત્રણ બાળકો હતા. એક નાની બેબી તેની કેડમાં હતી. તેનાથી મોટી ઉંમરનો એક છોકરો અને છોકરી માતાની પાછળ ઊભા હતા.




