બધા લાઈફ જેકેટ પહેરી કેમ્પમાંથી બહાર નીકળ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- રાત્રે આકાશમાં તારાઓ જોતી જોતી નિદ્રામાં સરી પડી ને હું દમાસ્કસ પહોંચી ગઈ
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-૯
- અમે બે બહેનો સહિત ગણત્રી કરતા અમે બધા મળીને કુલ ૨૪ જણ હતા..
- બોટ એક તરફ નમી જતા બોટમાં પાણી આવી ગયું, બાળકો રડારોળ કરવા માંડયા
અમે બધા સ્મગલર વિરૂધ્ધ બળાપો કાઢતા હતા તેવામાં કદાવર સ્મગલરે અચાનક કેમ્પમાં પ્રવેશ કર્યો. બધાનો ગણગણાટ ત્વરિત બંધ થઈ ગયો.
હટ્ટાકટ્ટા સ્મગલરે અમારા આખા ગુ્રપને ઉદ્દેશીને કહ્યું, તમને બધાને અમે કાલે બોટમાં રવાના કરવાના છે.
આટલું કહીને અમારી સામે હાથ હલાવતો મોટો સ્મગલર કેમ્પમાંથી બહાર નીકળી ગયો. તેના ગયા બાદ બટકા સ્મગલરે પણ જવા માટે પગ ઉપાડયા. જતા જતા મારી અને સારા તરફ એક નજર નાંખી એ નજીકના જંગલમાં અદ્રશ્ય થઈ ગયો.
અડધો કલાક પછી હાથમાં લાંબી-પહોળી એક મોટી કેનવાસ બેગ લઈને તે પાછો આવ્યો. ચહેરા પર મર્માળુ હાસ્ય સાથે એ બટકાએ મોટી કેનવાસ બેગ મારા પગ નજીક ફેંકતા બોલ્યો, My Dear, આ ટેન્ટ ખાસ તમારા બે બહેનોને સુવા માટે હું લાવ્યો છું.
પહેલા દિવસે મોટા સ્મગલરની સાથે બેઠેલો એક છોકરો અને એક વૃધ્ધ બટકાએ ફેંકેલો ટેન્ટ જોવા આગળ આવ્યા. છોકરાના ડેડી, જેમનું નામ ઈદ્રીશ હતું, તેમણે નજીકમાં ટેન્ટ ઊભો કરવામાં મને અને સારાને સહાયરૂપ બન્યા. તેમનો છોકરો મુસ્તફા, ડેડીને ટેન્ટ ઊભો કરતા જોઈ રહ્યો.
તે રાતે ટેન્ટમાં હું અને સારા સાથે સુઈ રહ્યા. આકાશમાં તારાઓ જોતી જોતી મનોમન હું દમાસ્કસ પહોંચી ગઈ. અમારા જૂના શહેર વિસ્તારના બજારમાં જાણે ઘુમી રહી હોઉં તેવા વિચારોના વમળમાં હું ઘુમતી રહી. મેં મોમ અને શાહીદને એ બજારમાં ગ્રોસરી ખરીદતા જોયા. હું પણ જાણે એ બન્નેની સાથે હોઉં એવી પરિકલ્પના કરતા કરતા હું નિદ્રાવશ થઈ ગઈ.
બીજે દિવસે વહેલી સવારે હું જાગી ગઈ. ઉઠીને હું ટેન્ટ બહારના ખડક પર થોડી લટાર મારતી રહી. મેં દરિયા તરફ નજર દોડાવી. સૂર્યોદયના પ્રકાશમાં મને ગ્રીસનો ભૂખરો-લીલાશ પડતો ટાપુ દેખાયો. આજે મને એ ટાપુ જાણે બહુ જ નજીક લાગ્યો. હમણાં જ ત્યાં પહોંચીને હું ટાપુને સ્પર્શ કરી લઉં એવી મારા મનમાં લાગણી પેદા થઈ.
થોડીવાર બાદ હું ટેન્ટમાં પાછી ફરી. બપોર સુધી બધા બોટની રાહ જોઈ બેઠા બેઠા કંટાળ્યા હતા તેવામાં કદાવર સ્મગલર અને તેની સાથે ડાબે-જમણે બટકો અને લંબૂસ સ્મગલર અમારા બધાના સહિયારા કેમ્પમાં આવ્યા.
મોટા સ્મગલરના હાથે કશુંક વાગ્યું હોવાથી એ હાથમાંથી લોહીના ટીપા દદડતા હતા, તેણે આવતા વેંત બોલવાનું શરૂ કર્યૂં, દરિયા કાંઠે અફઘાન સ્મગલરો સાથે મારે મારામારી થઈ છે. કદાચ એ લોકોએ જ આપણી એક બોટમાં તોડફોડ કરી છે.
(પણ પછી અમને ખબર પડી કે સામેની ગેન્ગનો આક્ષેપ એવો હતો કે આ મોટા સ્મગલરે નિયમનો ભંગ કરી એક સાથે ઘણી બધી બોટો રવાના કરી દીધી હોવાથી બે ગેન્ગ વચ્ચે મારામારી શરૂ થઈ હતી.)
હાથે વાગ્યું હોવા છતાં મોટો સ્મગલર પગ પહોળા કરીને અદાથી ઊભો હતો. અમારી બધાની સામે જોતા એ આગળ બોલ્યો, ચાલો બધા પોત-પોતાના લાઈફ-જેકેટસ પહેરીને તૈયાર થઈ જાવ. આપણી પાસે બહુ સમય નથી. બધા ઝડપથી લાઈફ જેકેટ પહેરીને કેમ્પમાંથી બહાર નીકળી ખડક પરથી દરિયા કિનારે જવા માટે તૈયાર થયા. પથરાળ ઢોળાવ પર હળવે હળવે ડગ માંડતા અમે સૌ દરિયા કાંઠે જવા નીકળી પડયા. એક પછી એક નાના-મોટા પથ્થરો પર પગ મુકતા મુકતા વારાફરતી હરોળમાં અમે નીચે ઊતરવા માંડયા.
મારી પાછળ તેના છોકરા મુસ્તફાને ખભા પર બેસાડીને ઈદ્રીશ ચાલતો હતો. તેની પાછળ ઈરાકી મહિલા નાની બેબીને કેડમાં લઈ ચાલતી હતી. એ સ્ત્રી પાછળ તેનો છોકરો અને છોકરી ખડકાળ ઢાળ ઊતરી રહ્યા હતા. તેની પાછળ સોમાલિયાની એક સ્ત્રી ચાલતી હતી. જેને મેં અગાઉ ક્યારેય જોઈ નહોતી. એ પછી બે અફઘાનો, બે ઈરાકીઓ અને પાંચ સુદાની નાગરિકો ચાલી રહ્યા હતા. અમારા ગુ્રપના મુહન્નાદ, નબિહ, બ્લોન્ડિ અને મજીદ છેલ્લે હતા. મારી અને સારા સહિત ગણત્રી કરતા અમે કુલ ૨૪ જણ હતા.
પેલો કદાવર સ્મગલર દેખાતો નહોતો, પરંતુ પોનિટેલ સ્મગલર તેનું પેન્ટ ઘૂંટણ સુધી ઊંચુ ચઢાવી દરિયાકાંઠાના છીછરા પાણીમાં ઊભો હતો. પાછળના ભાગમાં હવા ભરેલી રાખોડી/ભૂખરા રંગની હાલક-ડોલક થતી નાની હોડીને પોનિટેલે પકડી રાખી હતી. નજીક જઈને મેં જોયું તો એ બોટ બહુ જ નાની હતી. તે કેવળ ચારેક મીટર જેટલી જ લાંબી હતી. પ્રવાસીઓ માટે જાણે રમકડું હોય તેવી એ લાગતી હતી. તેમાં બેસવા માટે સાઈડમાં કે વચ્ચે સીટો જ નહોતી…! અમે આટલા બધા માણસો આવડી નાનકડી બોટમાં કેમ કરીને સમાઈ શકીશું? એવું વિચારવાનો જોકે હવે સમય જ નહોતો.
પોનિટેલ સ્મગલર તેનો એક હાથ ઊંચો કરી બધાને, ચાલો, આવી જાવ આવી જાવ, કહી રહ્યો'તો.
બધા એ નાનકડી બોટમાં બેસવા માટે અધીરા થયા હતા. પોનિટેલે મને, સારાને તેમજ ત્રણ બાળકોવાળી ઈરાકી સ્ત્રીને બોટના આગળના ભાગમાં જવા ઈશારો કર્યો. ઈરાકી સ્ત્રીને તેની નાની બાળકી સાથે બોટમાં ચઢવા મથામણ કરતી જોઈને સારાએ તેના હાથમાંથી નાની બાળકી ઊંચકી લીધી.
નાની બોટ ભારે હાલક-ડોલક થતી હતી. પોનિટેલ સ્મગલરે બોટને સ્થિર રાખવા બે હાથે જોર લગાવ્યું. બોટ ખીચોખીચ ભરાઈ ગઈ હતી. વધારે પડતા માણસોથી તે દરિયાના પાણીમાં ખૂબ નીચે ઊતરી ગઈ હોવાથી તેની સાઈડનો ભાગ પાણીની સપાટીની લગોલગ થઈ ગયો હતો.
બોટના પાછળના ભાગમાં બેઠેલા મુહાન્નીદે બધાને સૂચના આપતા કહ્યું, દરેક જણ સ્હેજપણ હલન-ચલન કર્યા વગર સ્થિરપણે બેસી રહો. પોનિટેલ અને બીજા લંબૂશ સ્મગલરે હવે બોટને ધક્કો મારવા માંડયો અને તેમના બન્નેના ખભા સુધી પાણી આવી ગયું ત્યાં સુધી બોટને તેઓ હડસેલતા રહ્યા.
પછી અચાનક લંબૂશ સ્મગલર કૂદકો મારીને બોટમાં ચઢવા જવાથી દરિયાનું પાણી બોટમાં આવી ગયું. હું બેઠી હતી ત્યાં સુધી પાણી આવી જતા મારા પેન્ટનો પાછળનો ભાગ ભીનો થઈ ગયો. બાળકો રડારોળ કરવા માંડયા. મારી નજર તેમના તરફ ગઈ. કાંઈક ખોટું થઈ રહ્યાના ભણકારા વાગવા માંડયા. બોટ આટલા બધા પ્રવાસીઓને લઈ આગળ નહીં વધી શકે, એ નક્કી લાગતું હતું.લંબૂશ સ્મગલરે બોટનું એન્જિન ચાલુ કરવા તેની સાથે બાંધેલા દોરડાને ખેંચવાની કોશિશ કરી. પણ એન્જિન ન ચાલુ થયું. બીજી વખત પણ તે નિષ્ફળ રહ્યો. ત્રીજી વખત દોરડું ખેંચતા મોટા અવાજ સાથે એન્જિન ચાલુ થયું અને પાછળની પાઈપમાંથી સફેદ ધુમાડાના ગોટા નીકળતા ગયા. દરિયાકાંઠેથી હવે ધીમે ધીમે અમારી બોટ આગળ વધવા માંડી.
(ક્રમશઃ)




