Saransh

ડેડીએ, અમને બન્ને બહેનોને તુર્કી જવા મંજૂરી આપી

By GS Team
14 Jul 20265 mins read
TukuTouch Logo
આંતર વિગ્રહથી ઘેરાયેલા સિરીયામાં વધતી હિંસાને કારણે લોકો દેશ છોડી રહ્યા છે. દમાસ્કસની ખરાબ પરિસ્થિતિને કારણે, 17 વર્ષીય યુવતી તેના પિતરાઈ ભાઈ અને મોટી બહેન સારા સાથે તુર્કી થઈને જર્મની જવાની તૈયારી કરી રહી છે. પિતાની પરવાનગી મળતા, તેઓ 18 વર્ષના થાય તે પહેલાં સિરીયા છોડીને જર્મની પહોંચી, પરિવારને ત્યાં બોલાવી, શાંતિપૂર્ણ ભવિષ્ય માટે આશા રાખી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડેડીએ, અમને બન્ને બહેનોને તુર્કી જવા મંજૂરી આપી

સિરીયામાં આંતર વિગ્રહના કારણે હિંસાખોરી બેહદ વધી જતા

  • સારાંશ - વિનોદ ડી. ભટ્ટ
  • મારા પિતરાઈ ભાઈ સાથે સિરીયા છોડીને તુર્કી જવાની અમે તૈયારી શરૂ કરી
  • સિરીયામાં અરાજકતા વધી જવાથી દેશ છોડનારાઓની સંખ્યા પણ વધતી જતી હતી

મારૂં મગજ હવે ઝડપથી સિરીયા છોડવાના પ્લાનમાં લાગી ગયું. પણ આ મારા ડેડને સમજાવવાનું કામ બહુ અઘરૂં હતું. છેલ્લા એકાદ વર્ષથી સારી જોબ માટે ડેડ પરિવારને એટલે કે મારી મમ્મી અને અમને ત્રણ બહેનોને સિરીયામાં રાખી પોતે એકલા સિરીયાની દક્ષિણે આવેલા જોર્ડન દેશમાં સ્થાયી થયા હતા. તેઓ દમાસ્કસમાં નહીં હોવાથી કેટલા છોકરા-છોકરીઓ સિરીયા છોડી રહ્યા છે, તેનો તેમને અંદાજ ન હોય એ સ્વાભાવિક છે. અમારે તેમને વિગતવાર સમજાવવા પડશે કે અહીં દમાસ્કસની પરિસ્થિતિ કેટલી ખરાબ થઈ ગઈ છે.
એક દિવસ જૂનના મધ્યમાં મને ખબર મળ્યા કે મારી એક સ્વિમર ફ્રેન્ડ રોઝ તેના પિતરાઈ ભાઈ સાથે સિરીયા છોડીને તુર્કી જતી રહી છે. આ વાત સાંભળી હું વધારે સ્તબ્ધ એટલા માટે થઈ ગઈ કે રોઝ માત્ર ૧૫ વર્ષની હતી અને એના મમ્મીની એકની એક લાડકી દીકરી હતી, અને મમ્મી તેને ખૂબ વ્હાલ કરતી હતી. પરંતુ અહીં સિરીયામાં સ્થિતિ ખરેખર બહુ ખરાબ છે, એવી તેની મોમને મનોમન ચોક્કસપણે ખાતરી થઈ ગઈ હોય તો જ તેમની લાડકી દીકરીને તુર્કી મોકલી આપી હશે.
મારા મનમાં વિચાર ઝબક્યો કે હું રોઝની આ વાત મારા ડેડને કહું તો એમને અહીં શું થઈ રહ્યું છે તેનો ચોક્કસપણે વાસ્તવિક અંદાજ આવી જશે.
મેં ફોન કરીને ડેડીને કહ્યું, ડેડ, રોઝની મમ્મીએ અહીં દમાસ્કસની અત્યંત ખરાબ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રોઝને તુર્કી મોકલી આપી છે. મારૂં આ વાક્ય સાંભળીને સામા છેડે ડેડ થોડીવાર માટે તો સાવ જ મૌન થઈ ગયા.
એકાદ મિનિટ પછી જાણે સભાન થયા હોય તેમ મને સામે સવાલ કર્યો, રોઝ ? ખરેખર રોઝ ? તેની માતાએ રોઝને એકલી તુર્કી મોકલી આપી ? ના …હોય…?
'હા પાપા, તેના પિતરાઈ ભાઈ સાથે મોકલી આપી'.
પણ રોઝે આપણને બધાને કહ્યું કેમ નહીં ? જો પહેલા આપણને કહ્યું હોત તો તું પણ એની સાથે તુર્કી ગઈ હોત ને ?
તમે શું કહો છો, પાપા ? તમે મને તેની સાથે તુર્કી જવા દીધી હોત ?
હા, હજી પણ આપણા કોઈ સગા કે ઓળખીતામાં અથવા તારી કોઈ સહેલી, કે જે વિશ્વાસુ, ભરોસાપાત્ર હોય તેમાંથી કોઈ સિરીયા છોડીને તુર્કી અથવા બીજા દેશમાં જવાની તૈયારી કરતા હોય તો તું મને કહેજે, હું તને એ લોકો સાથે જવા દઈશ.'
આનંદના અતિરેકમાં મારા હૃદયના ધબકારા વધી ગયા. પણ મારા મનમાં ઉછાળા મારતી ખુશીની લહેરને મનોમન દબાવી રાખી સ્વસ્થ સ્વરે મેં પાપાને પૂછયું, મોટી બહેન સારાને પણ મારી સાથે મોકલશો ?
હા, કેમ નહીં, સારા પણ તારી સાથે તુર્કી જવા માગતી હોય તો ભલે, એને પણ તું સાથે લઈ જજે.
મેં ફોન મુકીને ઊંડો શ્વાસ લીધો. મારૂં હૃદય અનંત સંભાવનાઓ અને સાહસની લાગણીથી ભરાઈ ગયું. એ લાંબા પ્રવાસમાં શું શું થશે ? કેવા પ્રકારની તકલીફોનો સામનો અમારે બન્ને બહેનોએ કરવો પડશે ?
મેં તો માત્ર સરહદ પાર કરવાની અને ત્યાંથી બોટમાં બેસી બીજા દેશમાં પહોંચી જવાની વાત સાંભળી હતી. પણ એ વિશે વધુ કાંઈ વિચારવાના બદલે હું તો જર્મની પહોંચીને ત્યાંના બોમ્બ ધડાકા વિનાના શાંતિપૂર્ણ વાતાવરણમાં સ્વિમિંગની મારી તાલીમ આગળ ધપાવવાના પ્લાન વિચારવા માંડી. સ્વિમિંગમાં આગળ વધીને એ ક્ષેત્રમાંજ જવલંત ભવિષ્યનું હું વિચારતી થઈ ગઈ.
મારા ડેડ અને મોમ, બન્ને જણ હવે એમ વિાચારતા થઈ ગયા કે અમે બન્ને બહેનોનું ભવિષ્ય સિરીયા છોડવામાં જ છે. મારી ઉંમર હજી માત્ર ૧૭ વર્ષની છે એટલે કાનૂની રીતે સગીર વયની હોવાથી હું યુરોપના દેશોમાં જઈ ત્યાં મારી મોમ અને સૌથી નાની બહેન શાહિદને હું કાયદેસર રીતે મારી સાથે રહેવા બોલાવી શકું.
મોમ અને ડેડ બન્નેના મતે મારે અને મોટી બહેન સારાએ એકસાથે જ સિરીયા છોડવુ વધારે હિતાવહ છે. અને તે પણ વહેલી તકે. આવતા માર્ચમાં હું ૧૮ વર્ષની થઉં તે પહેલાં મારે જર્મની પહોંચી જવું પડે કે જેથી હું અમારા પરિવારના બધા સભ્યો સાથે શરણાર્થી તરીકે રહેવાના મુદ્દે આખા પરિવારને જર્મની બોલાવી લેવા માટે સત્તાવાળાઓને અરજી કરી શકું.
હવે મારે માત્ર ડેડના ભરોસાપાત્ર કોઈ વ્યક્તિ સિરીયા છોડવાના હોય તેની કેવળ જાણકારી મેળવવાનું કામ કરવાનું હતું.
રમઝાન મહિનામાં ઈદના તહેવારના એકાદ-બે દિવસ પહેલા સારા નોકરી પરથી ઘેર થોડી મોડી આવી અને મારા રૂમમાં આવી, કામ થઈ ગયું, કામ થઈ ગયું, એમ બોલતી નાચવા માંડી.
સારા, શું કામ થઈ ગયું ?
જવાબમાં સારાએ મને કહ્યું, આપણા બન્નેને બહાર જવાનો સંપર્ક મને મળી ગયો છે અને એનું નામ છે નબિહ.
નબિહ અમારા ડેડના પિતરાઈ ભાઈનો છોકરો છે. એ લગભગ મારી જ ઉંમરનો છે. દમાસ્કસમાં અમારા પરિવારના પ્રસંગોમાં અમે નાના હતા ત્યારે ઘણીવાર મળતા હતા. અમારી અને તેની સ્કૂલ નજીક નજીકમાં જ હતી. નબિહની આંખો જરા ડાર્ક છે અને તેને નાની સરખી દાઢી પણ છે.
' આપણા પિતરાઈ ભાઈ નબિહની તું વાત કરે છે, સારા ?'
હા, હમણાં નોકરી પરથી ઘેર આવતા તે મને રસ્તામાં મળી ગયો'તો. તેણે મને કહ્યું કે એ તેના કાકા સાથે સિરીયા છોડી જર્મની જઈ રહ્યો છે. એ અહીંથી વહેલી તકે જવા માંગે છે કારણ થોડા મહિનાઓમાં તે ૧૮ વર્ષનો થશે. ૧૮ વર્ષની વય થતાં તેણે ફરજીયાત લશ્કરી તાલીમમાં જોડાવું પડે. એટલે ૧૮ પહેલાં તે સિરીયા છોડવાનું વિચારે છે. નબિહ તો આપણો પિતરાઈ છે. આપણા બન્નેને તેની સાથે જવામાં કોઈ વાંધો નહીં આવે.
આ વાત સાંભળીને હું સારાને ભેટી પડી. પિતરાઈ ભાઈ સાથે જવા માટે ડેડ કોઈપણ સંજોગોમાં ના નહીં પાડે. પાપાએ નબિહના અબ્બાજાન સાથે બે ત્રણ વખત વાત કર્યા પછી મને પણ બધી વાત કરી. અને મને તેમજ સારાને નબિહ સાથે મોકલવાનું ગોઠવાઈ ગયું. મને તો આ બધું સ્વપ્ન સમાન જ લાગતું હતું.
એ જ સાંજે મોમે અમને બન્ને બહેનોને સાથે બેસાડી વિગતે વાત કરતા કહ્યું, પાપા તો મને કહે છે કે તું પણ આ બન્ને છોકરીઓ સાથે યુરોપ જતી રહે''
પણ અહીં સવાલ સાત વર્ષની મારી સૌથી નાની બહેન શાહેદનો હતો. આટલી નાની છોકરી જોખમી દરિયાઈ માર્ગ દેશી બોટમાં બેસીને કઈ રીતે પસાર કરી શકશે ? હાલક ડોલક થતી સાદી નાની બોટમાં નાનકડી શાહેદ ગભરાઈને રડારોળ કરી મુકશે.
મેં મોમને કહ્યું, તમે કોઈ ચિંતા ન કરશો. અમે બન્ને બહેનો જર્મની પહોંચી ગયા પછી તમને ત્યાં બોલાવી લેવા માટે સત્તાવાર અરજી કરી દઈશું. એટલે તમે સત્તાવાર રીતે ત્યાં આવી શકશો.