Saransh

કલાકો સુધી જંગલના ખડકાળ માર્ગે ચાલ્યા બાદ પડાવ આવ્યો

By GS Team
19 Aug 20265 mins read
TukuTouch Logo
બસની આખી રાતની મુસાફરી બાદ સિરિયાથી ગ્રીસના એજિઅન સમુદ્ર નજીક પહોંચેલા ગ્રુપને કદાવર સ્મગલરે ટાપુ સુધી તરીને પહોંચવાનો પડકાર ફેંક્યો. સારાએ આ પડકાર ઝીલીને શરત મૂકી કે, જો તેઓ ટાપુ સુધી પહોંચે તો આખા ગ્રુપના પૈસા નહીં લેવાય. સ્મગલરે શરત સ્વીકારતા 10 કિલોમીટર તરવાનો પડકાર ઉભો થયો.

Summarized by AI; it may make mistakes. Check important info

કલાકો સુધી જંગલના ખડકાળ માર્ગે ચાલ્યા બાદ પડાવ આવ્યો
  • બસમાં આખી રાતની મુસાફરી બાદ અમે દરિયા કાંઠા નજીક આવી પહોંચ્યા
  • સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
  • ભાગ-7
  • તરીને ટાપુ સુધી પહોંચવાનો કદાવર સ્મગલરનો પડકાર સારાએ ઝીલી લીધો
  • સારાએ સામે શરત મુકી કે, અમારા આખા ગ્રુપ પાસે તમારે કોઈ પૈસા નહીં લેવાના

કલાકો સુધી હું સુતી રહી. અચાનક બ્રેક વાગી અને બસના એન્જિનની ઘરઘરાટી બંધ થઈ અને બસ ઊભી રહી જતા હું જાગી ગઈ.
બસના બીજા પ્રવાસીઓ પણ જાગી ગયા હતા. બધા અંદરોઅંદર વાતો કરતા ઊભા થઈ પોત-પોતાનો સામાન લગેજ રેક્સમાંથી નીચે ઊતારતા હતા.
મારી બાજુમાં બેઠેલી સારા હજી ઊંઘતી હતી. તેનું માથું મારા ખભા પર ઢળેલું હતું. આગલી હરોળમાં બેઠેલો મારો પિતરાઈ ભાઈ નબિહ પણ જાગી ગયો'તો. અમારા ઊતરવાનું સ્થળ કદાચ આવી ગયું હતું. પણ એ બાબતે કોઈ ચોક્સ નહોતું.
અમે સૌ ઉતરવાની તૈયારી કરતા હતા, તેવામાં કદાવર બાંધાના સ્મગલરે બસની પહેલી હરોળની સિટ વચ્ચેના માર્ગમાં આવીને હાથ ઊંચો કરી અમને બધાને મોટા અવાજે સૂચના આપવાની શરૂઆત કરી : અહીંથી તમારે ચાલતા આગળ જવાનું છે. અને આગળ ચાલતા અમારા માણસોની પાછળ પાછળ ચાલવાનું છે. રસ્તામાં કોઇએ કશી વાતચીત નથી કરવાની. કોઇએ ધુમ્રપાન નથી કરવાનું કે બેટરી અથવા મોબાઇલથી લાઇટ કરવાની નથી. કોઇએ ઘોંઘાટ નથી કરવાનો. ચૂપચાપ ગુ્રપમાં ચાલવાનું છે. વચ્ચે ક્યાંય જરા પણ આઘાપાછા થવાનું નથી.
હટ્ટાકટ્ટા સ્મગલરની સૂચનાઓ પુરી થતા એક પછી એક પ્રવાસીઓ બસમાંથી ઊતરીને સર્પાકાર વળાંકવાળ પર્વતીય રસ્તા પર સ્મગલરની પાછળ ચાલવા માંડયું. અમારી આગળ-પાછળની બીજી બસોમાંથી પણ મોટી સંખ્યામાં ઊતરેલા પ્રવાસીઓ બધાની સાથે જોડાતા ગયા.
મને લાગ્યું કે અમને બધાને સ્મગલર એક જ સ્થળે લઇ જઇ રહ્યો છે. આકાશ એકદમ ચોખ્ખુ હતું. દમાસ્કસના આકાશમાં મેં જોયા હતા, તેનાથી કાંઇ કેટલાય વધારે સંખ્યામાં તેજસ્વી અગણિત તારાઓથી આકાશ ભરેલું હતું.
રસ્તાની બીજી બાજુ ઊંડી ખીણ જેવા વિસ્તારમાં ગાઢ જંગલ પથરાયેલું પડયું હતું. સૂર્યોદય થવાની ઘડીઓ ગણાઇ રહી હતી.
સમય વીતતો ગયો, અમારૃં નિર્ધારિત સ્થળ હજી નહોતું આવ્યું. અવકાશી અટારીએ સૂરજદાદાની સવારી હવે છેક અમારા માથે આવી પહોંચી હતી. બપોરના તડકાએ તેનું પોત પ્રકાશવા માંડયું હતું. અમે હવે એક ઊંચા ખડક પર આવી ગયા હતા.
નીચેના ભાગમાં એજિઅન સમુદ્રના (Aegean Sea) ઊંચા મોજા ઉછળી રહ્યા હતા. સૂરજના કિરણોમાં તે ચમકતા દેખાતા હતા. દૂર સમુદ્રમાં લીલીછમ અને ભૂખરા રંગની ટેકરીઓ નજરે પડતી હતી ત્યાં જ ટાપુ છે…ગ્રીસ દેશનો ટાપુ…યુરોપ…હવે ખૂબ જ નજીક. મારૃં મન વિચારે ચઢી ગયું.
એટલામાં સારા મારી નજીક આવીને બોલી, આટલું તો હું તરીને પહોંચી શકું, જો મારી પાસે Swim Flippers હોય તો.
એટલામાં જ અમારી નજીક આવી ગયેલો પેલો બટકો સ્મગલર સારા જે બોલી તે સાંભળી ગયો હોવાથી, અમારી બે બહેનો વચ્ચેની વાતમાં ટપકી પડતા બોલ્યો, તું શું પેલા ટાપુ સુધી તરીને જઇ શકે?
સ્મગલરની આ ટકોર સાંભળીને હું થોડી ગભરાઇ ગઇ, સારાને બદલે મેં જ જવાબ આપતા કહ્યું, ના, ના. મારી બહેન તો મજાકમાં આવું કહેતી હતી.
પણ સારા ગાંજી જાય તેમ નહોતી. તેણે પેલા બટકા સ્મગલરની બરાબર સામે ઊભા થઇને વળતો સવાલ કર્યો, અમે તરીને ટાપુ પર જઇએ તો શું? તમારી બોટમાં બે જણ ઓછા થઇ જાય, એ તો સારી વાત છેને? અમને ત્યાં મફતમાં જવા દેશો?
''તું તો ગાંડા જેવી વાત કરે છે'' એમ કહીને સ્મગલર અમારી પાસેથી જતો રહ્યો.
સૂરજનો તડકો હવે દઝાડી રહ્યો 'તો. અમે પેલા બટકા સ્મગલરની પાછળ પાછળ સીધો ઢોળાવ ઊતરવા માંડયા. રસ્તો સાંકડો હોવાથી અમે એક પાછળ એક લાઇનમાં સાવચેતીપૂર્વક ઊતરતા હતા.
આસપાસના પાઇન વૃક્ષો પરથી પક્ષીઓના અવાજો સંભળાતા હતા. મોમને ગુડબાય કહી હજી માંડ એકાદ અઠવાડિયા અગાઉ જ દમાસ્કસ છોડી અમે અહીં સુધી પહોંચ્યા છે.
આ ગુન્ડા સ્મગલરો સાથે ભૂખ્યા તરસ્યા અમારે જંગલમાં ખડકો વચ્ચે ચાલવું પડયું હોવાનું જ્યારે મોમ જાણશે તો તેને કેવું લાગશે?
અમે કેમ્પ સાઇટ પર આવી ગયા 'તા. અહીં સેંકડો બીજા લોકો બોટની રાહ જોઇને બેઠા હતા. કેમ્પ સાઇટ પર પેલા કદાવર બાંધાના સ્મગલરની સાથે ચોટલીવાળો (Ponytail) બટકો સ્મગલર અને છ વર્ષના બાળક સહિત અન્ય કેટલાક માણસો બેઠા હતા.
ત્યાં આવતાની સાથે જ અમારી આગળ ચાલતા બટકા સ્મગલરે તેના બોસ જેવા હટ્ટાકટ્ટા સ્મગલરને કહ્યું, ''આ બે છોકરીઓ એમ માને છે કે તેઓ ગ્રીસના પેલા ટાપુ સુધી તરીને જઇ શકે તેમ છે.''
આ સાંભળીને પેલા કદાવર સ્મગલરની આંખો ચાર થઇ ગઇ. તેણે શંકાશીલ નજરે અમે બે બહેનો સામે ધારી ધારીને જોયું. અહીંથી દરિયાઇ માર્ગે ગ્રીસના એ ટાપુનું અંતર ૧૦ કિલોમીટર છે. ત્યાં સુધી તરીને જવું એ મોટું સાહસિક અને ભારે હિંમત માંગી લેતું કામ છે, પણ એ કદાવર સ્મગલરને અમારી સલામતીની ચિંતા હોય તેવું કાંઇ ના લાગ્યું, આથી ઊલ્ટું અહીંથી કોઇ માણસ તેની એટલે કે સ્મગલરની મદદ વિના યુરોપ જઇ શકે તેવો આ આઇડિયા સ્વાભાવિક રીતે જ સ્મગલરને ના ગમ્યો. જો કે ત્યાં સુધી તરીને જઇ શકવા વિશે ખુદ મને પોતાને જ મનોમન શંકા હતી.
સ્મગલર સાથે બેઠેલા ત્રણ-ચાર માણસો પૈકીનો એક બોલ્યો, દરિયામાં ૧૦ કિલોમીટર તરવું એ બહુ મોટી વાત છે. તેના ખુદના ચહેરા પર ચિંતાની લકીરો દેખાતી 'તી. તેણે નજીક બેઠેલા સ્મગલર તરફ જોયું.
સ્મગલરે અમે બે બહેનો તરફ નજર નાંખી મર્માળુ હસતા હસતા કહ્યું, ચાલો આપણે બન્ને એક સોદો કરીએ. હું તમારી જોડે મારી એક બોટ મોકલુ અને તમારે બોટની સમાંતર તરતા તરતા ટાપુ સુધી પહોંચવાનું. જો તમે સાચોસાચ ટાપુ સુધી પહોંચી જશો તો હું તમારી પાસે એક પણ પૈસો નહીં લઉં.
તેની વાત સાંભળી બધાની નજર સારા પર પડી કે હવે સ્મગલરને સારા શું જવાબ આપશે?
સારા પણ કાંઇ ગાંજી જાય તેમ નહોતી. તેણે કહ્યું, ઓ.કે. પણ જો અમે બે બહેનો તરીને ટાપુ પર પહોંચી જઇએ તો અમારા આખા ગુ્રપના તમારે પૈસા નહીં લેવાના.
સારાની વાત સાંભળીને બે મિનિટ તો કદાવર સ્મગલરના ચહેરા પરથી હાસ્ય ગાયબ થઇ ગયું. તેણે સારા પર સીધી નજર નાંખી, કદાચ એ મનમાં વિચારતો હશે કે સારા મજાક કરે છે કે આ મુદ્દે તે ગંભીર છે. છેવટે તેણે સારાની શરત કબૂલ છે, એમ કહેતાં જ હું મનોમન ભડકી ઊઠી. મેં સારાનો હાથ દબાવ્યો. શું અમારાથી ફિલપર્સ વગર દરિયામાં ૧૦ કિલોમીટરનું અંતર તરીને પાર કરી શકાશે? સારાના મનમાં ભૂત સવાર થયેલું મને લાગ્યું.
(ક્રમશઃ)