Sahiyar

દર વર્ષે શ્રાદ્ધ શા માટે કરવું જોઈએ?

By GS Team
28 Sep 20264 mins read
દર વર્ષે શ્રાદ્ધ શા માટે કરવું જોઈએ?

દ૨ વર્ષે શ્રાદ્ધ શા માટે કરવું જોઈએ? એવો પ્રશ્ન નવી પેઢીને થાય છે. આનો જવાબ એ છે કે, હિન્દુ ધર્મની માન્યતા મુજબ આત્મા જ્યાં સુધી મોક્ષ ન મેળવે ત્યાં સુધી એ જન્મ ધારણ કરતો રહે છે, જ્યારે એને બ્રહ્મનો સાક્ષાત્કાર થાય ત્યારે એને કોઈ પણ પ્રકારની વાસના રહેતી નથી, જેને મોક્ષપ્રાપ્તિ કહેવામાં આવે છે. જેને મોક્ષ નથી મળ્યો તે આત્મા ફરીથી ક્યારે જન્મ ધારણ કરશે તે કહી ન શકાય. વળી એની દેહાશક્તિ પણ હોય છે. જો સ્થૂળ દેહને બાળવામાં આવે તો આત્મા એની આસપાસ ફરતા રહેવાનો છેદ ઉડી જાય છે. આથી હિન્દુઓમાં અગ્નિદાહની પ્રથા છે. કોઈક આત્માને બહુ જ ટૂંકા સમયમાં પુનર્જન્મ મળી જાય તો ઘણાને લાંબો સમય લાગે છે. આનો આધાર આત્માની ગુણવત્તા પર રહેલો છે.
બહુ જ ઉચ્ચ કોટિના અને તદ્દન નીચ કોટિના આત્માને પોતાને અનુકૂળ મા-બાપ જલદી મળી આવતાં નથી. આથી એના પુનર્જન્મને વર્ષોનાં વર્ષો લાગી જાય. જ્યારે સામાન્ય કક્ષાના સરેરાશ આત્માને યોગ્ય મા-બાપ મેળવવામાં મુશ્કેલી નથી હોતી. વળી મૃત્યુ પછી આત્માની સ્મૃતિ ૧૨-૧૩ દિવસ સુધી જ રહે છે. પણ કોઈક આત્મા અમુક કારણોસર આ સ્મૃતિ અનેક વર્ષો સુધી પણ જાળવી રાખે એવું બની શકે. આથી એવા આત્માને માટે દર વર્ષે શ્રાદ્ધ કરવાની જરૂર રહે. સામાન્ય રીતે વાષક શ્રાદ્ધ આપણે તે જ વર્ષે મૃત્યુ પામેલા આત્મા માટે કરીએ છીએ પણ તે સમયે આપણા બધા જ પૂર્વજો અને અન્ય સગાંસંબંધીઓ, મિત્રો, ગુરુ, નોકરો, પરિચિતો, અપરિચિતો જેમને માટે આવી ક્રિયા ન થઈ શકી હોય તે બધાં ઉપરાંત વૃક્ષોનો પણ સમાવેશ કરવામાં આવે છે. વૃક્ષોમાં પણ આત્મા છે એવી હિન્દુ ધર્મમાં માન્યતા છે. આથી આ બધાની તૃપ્તિ માટે દર વર્ષે શ્રાદ્ધ કરવામાં આવે છે.
ગરૂડ પુરાણમાં કહ્યા પ્રમાણે મૃત્યુ બાદ આત્મા યમપુરી માટે યાત્રા શરૂ કરે છે. ત્યાં તે ૧૭ દિવસોમાં પહોંચે છે. તેનાં પછી સતત તેને યમપુરીનાં ઉપનગરોમાં ફરવું પડે છે. આ રસ્તામાં ૧૧ નગર આવે છે અને આ આખી યાત્રામાં તેને અન્ન-જળ ઉપલબ્ધ હોતાં નથી. મૃતાત્માનાં પુત્ર અને પરિજન તેને જે અર્પણ કરે છે તે જળ જ તેને મળે છે અને પિંડદાન કરે છે તે પિંડ જ તેને યમપુરીમાં ખાવામાં મળે છે. અગિયાર મહિનામાં સતત યાત્રા બાદ તે બારમા મહિને યમરાજના દરબારમાં પહોંચે છે ત્યારે તેને એક વર્ષ પૂરું થઇ ચૂક્યુ હોય છે. યમરાજ સામે પહોંચ્યા બાદ તેને પોતાનાં કર્મો અનુસાર નર્કની યાતાના કે સ્વર્ગનું સુખ ભોગવવું પડે છે. આ કાર્યમાં જીવને શક્તિ મળી શકે, તે માટે બારમા મહિને વરસી વાળવામાં આવે છે.
હિંદુ ધર્મગ્રંથો અનુસાર કાગડાને દેવપુત્ર માનવામાં આવે છે. ઈન્દ્રના પુત્ર જયંતે જ સૌથી પહેલા કાગડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. જ્યારે રામે અવતાર લીધો હતો અને જયંતે કાગડાનું સ્વરૂપ ધારણ કરીને સીતાને ઘાયલ કરી હતી. ત્યારે રામે તણખલાથી બ્રહ્માસ્ત્ર ચલાવીને જયંતની આંખ ફોડી નાખી, જ્યારે તેમણે પોતાના કૃત્યની માફી માગી ત્યારે રામે તેને વરદાન આપ્યું કે તમને અપત કરવામાં આવેલું ભોજન પિતૃઓને મળશે. ત્યારથી શ્રાદ્ધ નિમિત્તે આ ભોજન કાગડાઓને આપવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરાયો છે.
શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે પૃથ્વી પર આત્મા અમર છે. અહીં જન્મ લેનારા વ્યક્તિને એક દિવસ આ નશ્વર દેહ છોડીને જવાનું જ છે. જે પ્રકારે આપણે કપડાં બદલીએ છીએ તે જ પ્રકારે આત્મા શરીર બદલે છે. એક શરીરને છોડયા બાદ તે બીજું શરીર ધારણ કરે છે. જયારે મૃત્યુ પછી પિંડદાન કર્યા બાદ આત્માને નવું શરીર પ્રાપ્ત થાય છે એમ કહેવાય છે. શ્રાદ્ધના દિવસોમાં કરવામાં આવતા પિંડદાનથી મૃત વ્યક્તિની આત્માને શાંતિ મળે છે અને તેને નવું શરીર મળે છે. શ્રાદ્ધના દિવસોમાં વિધિ- વિધાનથી પિંડદાન કરવાથી ઘર-પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. પિતૃઓની કૃપા હંમેશાં રહે છે.
અકુદરતી મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ ચૌદસે કરવું
આપણે એ વાત તો જાણીએ જ છીએ કે વ્યક્તિના મૃત્યુના દિવસે જે તિથિ હોય છે તે જ તિથિના દિવસે તેનું શ્રાદ્ધ કરવામાં આવે છે. પણ શું તમે તે વાત જાણો છો કે ચૌદસના દિવસે મૃત્યુ પામેલી વ્યક્તિનું શ્રાદ્ધ ચૌદસના દિવસે નથી કરાતું. હા, ચૌદસના દિવસે મૃત્યુ પામેલી વ્યક્તિનું શ્રાદ્ધ ચૌદસ પછીના દિવસે એટલે કે અમાસના દિવસે જ કરવામાં આવે છે. ચૌદસના દિવસે માત્ર એક્સિડેન્ટ, અપ્રાકૃતિક રીતે મૃત્યુ પામેલી વ્યક્તિઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે, પછી તેમનું મૃત્યુ ગમે તે તિથિએ થયું કેમ ન હોય.ે
નોમનું શ્રાદ્ધ : આ તિથિ માતાના શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવી છે. આ માટે તેને માતૃનોમ પણ કહે છે. આ તિથિ પર કુળની સૌભાગ્યવતી દિવંગત મહિલાઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે. ઉપરાંત જેમણે સંન્યાસ લીધો હોય તેમનું શ્રાદ્ધ પણ આ તિથિએ થાય છે.
સર્વ પિતૃ અમાસ : કોઇ કારણસર પિતૃપક્ષની દરેક તિથિઓ પર પિતૃઓનું શ્રાદ્ધ ચૂકી જવાય અથવા પિતૃઓની તિથિ યાદ ના હોય ત્યારે આ અમાસે આવા પિતૃઓનું શ્રાદ્ધ કરી શકાય. આ દિવસે આ કુળના દરેક પિતૃઓનું શ્રાદ્ધ થઈ શકે.