Sahiyar

બાળકને જાતીય સતામણીથી કેમ બચાવવું?

By GS Team
31 Aug 20264 mins read
બાળકને જાતીય સતામણીથી કેમ બચાવવું?
  • બાળમાનસ પર આવી સતામણીની ઘેરી અસર ક્યારેક જિંદગીભર તેને વિકૃત બનાવી દે છે

નાના બાળકો બધાને વહાલા લાગતા હોય છે. રસ્તામાં જતાં અજાણ્યા બાળક-બાળકીની કાલી-કાલી વાતો કે નિર્દોષ ખડખડાટ હાસ્ય સાંભળીને મન પ્રફુલ્લિત થઇ જાય છે. પરંતુ કેટલાક વિષયાક્ત લોકો આ બાળકોને પોતાનો શિકાર બનાવે છે અને વાસનાપૂર્તિ કરે છે. આજકાલ બાળકોની જાતીય સતામણીના કિસ્સા વધતાં જાય છે આથી વાલીએ ખૂબ જ સાવચેત રહેવું જરૂરી બની ગયું છે. સાવધાની રાખવા છતાં કશુંક અયોગ્ય થાય તો લક્ષણો પરથી માહિતી મેળવી બાળકના કુમળા મનને તેની ઓછામાં ઓછી અસર થાય તે ધ્યાન રાખવું જોઇએ.
૨૦૦૭માં સરકારે રાષ્ટ્રીયસ્તરે પહેલી વાર બાળશોષણનો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ભારતના ૫૩.૨૨ ટકા બાળકો એક અથવા બીજા પ્રકારની જાતીય સતામણીનો ભોગ બન્યા હતાં. અને સૌથી આઘાતજનક વાત એ હતી કે આમાંના ૫૦ ટકાથી અધિક કિસ્સામાં શોષણકર્તા નજીકનું સગું કે ઓળખીતું જ હતું. જેના પર ઘરના બધાને પૂરતો વિશ્વાસ હોય. મોટાભાગના બાળકોએ આ બાબતની કોઇને જાણ ન કરી હોવાનું પણ અભ્યાસમાં જાણવા મળ્યું હતું.
ક્લિનિકલ સાયકોલોજીસ્ટના જણાવ્યા પ્રમાણે બાળકને જાતીય શોષણથી બચાવવા તેને સારા અને ખરાબ સ્પર્શનો ભેદ સમજાવવો. ખરાબ સ્પર્શ માત્ર ગુપ્ત અંગ પૂરતો જ મર્યાદિત હોતો નથી. પણ એ સ્પર્શ એવો હોય છે જે બાળકને ન ગમે અને તેમાં ચોક્કસ રીતે ગાલ ખેંચવાનો કે ચુંબન કરવાનો પણ સમાવેશ થઇ જાય છે. આ પ્રકારનો સ્પર્શ ન કરવાનું બાળક જ કહે તેવી સમજણ તેને આપવી જરૂરી છે. જો ખરાબ સ્પર્શ કરનાર અંકલ કે આન્ટી ન માને તો બાળકને તે જગ્યાએથી ભાગી જવાની સલાહ માતા-પિતાએ આપવી જોઇએ. જો શાળામાં આવું કંઇ થાય તો તરત જ શિક્ષકને આ વિશે જણાવવાની તાકીદ બાળકને કરવી. તે જ પ્રમાણે અજાણી વ્યક્તિ સાથે વાત ન કરવાનું બાળકને શીખવવું જરૂરી છે.
બાળકોની જાતીય સતામણીમાં બાળકને જાતીય રીતે પ્રવૃત્ત કરવાનો કે અયોગ્ય શારીરિક સંસર્ગનો જ નહિ પરંતુ તેને પુખ્ત વ્યક્તિના જનનાંગ દર્શાવવા અથવા તેને કામક્રીડા કે પોર્નોગ્રાફિક સામગ્રી દર્શાવવાનો સમાવેશ પણ થાય છે. બાળપણમાં થતી જાતીય સતામણીની માનસ પર ઊંડી અસર થાય છે અને તેનાથી મોટી વયે જાતીય અપ્રવૃત્તિ કે વિકૃત્તિ આવવાનો પણ ભય રહે છે. આથી બે થી ૧૦ વર્ષની વયના બાળકોના માતા-પિતાએ ખૂબ જ સચેત રહેવાની જરૂર છે. માતા-પિતા અને બાળકો વચ્ચે સંવાદનો સેતૂ હોવો અત્યંત જરૂરી છે. વાલીએ હંમેશા સંતાન સાથે મુક્ત મને વાત કરવી જોઇએ જેથી તેમનો વિશ્વાસ દ્રઢ થાય અને તેઓ બધી જ વાત નિ:સંકોચપણે માતા-પિતા સાથે કરે. વાલીએ સમજવું જરૂરી છે કે મોટા થતાં જતાં સંતાન માટે મિત્રો પણ અત્યંત જરૂરી છે. એટલે જ્યારે તેઓ તેમના મિત્રો સંબંધિત વાત કરે ત્યારે તેને ધ્યાનથી સાંભળવી જોઇએ.
મનોચિકિત્સકોના મતે વાલીએ નાની વયમાં જ બાળકોને સેક્સ એજ્યુકેશનની માહિતી આપવાનું શરૂ કરવું જોઇએ જેથી તેઓ આ સમસ્યાને સરખી રીતે સમજી શકે. જેમ જેમ બાળકની વય વધતી જાય તેમતેમ તેને જાતીય સંબંધની જાણકારી આપવી જોઇએ તથા જીજ્ઞાાસાવશ તેના દ્વારા પૂછાતાં પ્રત્યેક પ્રશ્નનો તેને સંતોષ થાય તે રીતે જવાબ આપવો જોઇએ. આ મુદ્દે બાળક સાથે અત્યંત સહજતાથી વાતચીત કરવી જોઇએ. ઘણા વાલીઓ આવી વાતને 'ગંદી' સમજે છે. અથવા સંતાન સાથે આ મુદ્દે કઇ રીતે વાત કરવી તેની તેમને સમજ હોતી નથી. આવા વાલીએ ફેમિલી ડૉક્ટરની મદદ લેવી.
જો બાળક જાતીય શોષણનું ભોગ બન્યું હોય તો પરિવારજનોએ આ વિશે તેની સાથે વધારે વાત કરી તેને દુ:ખી કરવું નહિ. તેના બદલે બાળકને થેરાપીસ્ટ પાસે લઇ જવો. જાતીય સતામણીનો ભોગ બનનાર બાળક અચાનક જ એકદમ ગુમસુમ રહેવા લાગે છે. તે ખાવાની ના પાડે છે અને તેનું વજન ઘટે છે. જો બાળક વાલીને કશું ન કહે તો તેને કાઉન્સેલર પાસે લઇ જવું. આવા કિસ્સામાં બાળકને પહેલાં મન મૂકીને રહી લેવા દેવામાં આવે છે. ત્યારબાદ થેરાપીસ્ટ તેની સાથે વહાલથી વર્તીને તેને શાંત કરે છે.
પ્લે થેરેપીથી બાળક માનસિક આઘાતમાંથી બહાર નીકળે છે. રમકડાં દ્વારા તે પોતાનું વિશ્વ રચીને તેમાં ખોવાઇ જઇ માનસિક રાહત મેળવે છે. બાળક જ્યારે ચોક્કસ રમકડાં સાથે ચોક્કસ રીતે રમે છે ત્યારે તે પોતાની લાગણી વ્યક્ત કરે છે. જ્યારે થેરાપીસ્ટ આ વાત સમજી તેની સાથે વાત કરે છે ત્યારે બાળક પોતાના મનમાં ધરબાયેલી લાગણીને વ્યક્ત કરવાનો આરંભ કરે છે.
રોસાર્ચ અથવા હ્યુમન ફિગર ડ્રોઇંગ જેવી પ્રોજેક્ટીવ ટેક્નીકથી પણ બાળક જાતીય સતામણીનો ભોગ બન્યો છે કે નહિ તેનું નિદાન કરી શકાય છે. રોસાર્ચ ઇન્ક બ્લોટ ટેસ્ટમાં સફેદ બેકગ્રાઉન્ડમાં રહેલા ૧૦ ઇન્ક બ્લોટ (શાહીના નિશાન) કેવા દેખાય છે અને શા માટે એવું બાળકને પૂછવામાં આવે છે. હ્યુમન ફિગર (માનવ આકૃતિ) ટેસ્ટ શબ્દમાં જે વ્યક્ત ન કરી શકાય તેવી જટિલ લાગણીને વ્યક્ત કરવામાં મદદરૂપ થાય છે. જેમ કે જાતીય શોષણનો ભોગ બનેલું બાળક પોતાના ચિત્રમાં જનનાંગ પર વધુ ધ્યાન આપશે.
ચિલ્ડ્રન્સ એપરસેપ્શન ટેસ્ટ (કેટ)માં ત્રણથી ૧૦ વર્ષના બાળકના અભિગમ અને વૈયક્તિક વલણનું પ્રમાણ કાઢવામાં આવે છે. આમાં વધતી જતી વય દરમિયાનના સાયકો-સેક્સ્યુઅલ વિવાદની જાણ થતી નથી. બાળકને કેટલાક શ્રેણીબધ્ધ ચિત્રો દેખાડી તેની કથા બનાવવાનું કહેવામાં આવે છે.