Sahiyar

ગણેશજીનું વાહન ઉંદર જ કેમ?

By GS Team
22 Sep 20263 mins read
ગણેશજીનું વાહન ઉંદર જ કેમ?

હિંદુ ધર્મમાં લગભગ દરેક દેવ-દેવતાઓનાં વાહનો હોય છે. જેમ કે વિષ્ણુ ભગવાનનું ગરૂડ, શંકર ભગવાનનું નંદી, તેમજ સરસ્વતી માતાનું હંસ, બહુચર માતાજીનું કુકડો તેમ ગણપતિનું વાહન ઉંદર છે. આપણને ઘડીવાર તો વિચાર થઈ આવે કે ગણપતિનું આટલું વિરાટ સ્વરૂપ અને એનું વાહન આટલો નાનો ઉંદર કેમ હોઈ શકે? આ એક વિચારવા જેવો વિષય છે.
ગણપતિ બુધ્ધિનાં દાતા છે બુધ્ધિનાં દેવતા છે ધાર્મિક કથાઓમાં એક પ્રસંગે પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું કહેવામાં આવતાં ગણપતિએ પૃથ્વીની પ્રદક્ષિણાને બદલે તેમના માતા-પિતાની અર્થાત શંકર-પાર્વતીની પ્રદક્ષિણા કરી તેમની તીક્ષ્ણ બુધ્ધિની પ્રચિતી કરાવી હતી. આવા બુધ્ધિનાં દાતા ગણપતિએ આવા નાનકડા ઉંદરને વાહન શા માટે બનાવ્યું હશે? શું તેમને પ્રાણીઓમાં ઉંદર કરતાં બીજું કોઈ સારૂ પ્રાણી મળ્યું નહિ હોય કે જેથી ઉંદરની પસંદગી કરવી પડી.
ગણપતિ બુધ્ધિનાં દેવતા છે. તેમણે આ ઉંદરની પસંદગી પણ બુધ્ધિ ચાતુરીથી કરી હશે. ઉંદર બધા પ્રાણીઓમાં નીચલી કક્ષાનું પ્રાણી ગણાય. તેની સમાજમાં કાંઈ કિંમત નહિ. આજની ભાષામાં કહીએ તો બેક-વર્ડ ક્લાસમાં એની ગણના થાય. તેથી ગણપતિએ વિચાર્યું કે આવા નીચલી કક્ષાના પ્રાણીની સમાજમાં આબરૂ વધે એવું કાંઈક કરવું જોઈએ તેથી ગણપતિએ ઉંદરને વાહન બનાવ્યું તેમજ તેમણે ઉંદરની અવળી બાજુ ન જોતાં તેમાનાં ગુણોને નિરખ્યાં હશે. ઉંદરનો સૌથી મોટો ગુણ એટલે તે ઉદ્યમી છે આળસુ નથી તેને સ્વસ્થ બેસી રહેવું ગમતું નથી. તે સતત ઉદ્યોગી રહે છે. પોતાનાં ભરણપોષણ માટે ખોરાક શોધવાની દોડમ દોડ કરતો હોય છે. ઉંદરની દ્રષ્ટિ તીક્ષ્ણ હોય છે. તે બીજાનું એઠું ખાતો નથી પોતાનો લાવેલ ખોરાક જ ખાય છે બીજા લાવી દેશેને હું ખાઈશ એવી એની વૃત્તિ નથી આમ તે સ્વાવલંબી છે.
ગણપતિ એટલે ગણનાં પતિ. ગણ એટલે એક સમુહ અને સમુહ એટલે કુટુંબનો સમુહ, સમાજનો સમુહ કે રાષ્ટ્રનો સમુહ. આ કુટુંબ સમાજ કે રાષ્ટ્રનો પ્રમુખ કેવો હોવો જોઈએ તેનું મૂર્તિમંત સ્વરૂપ દ્રષ્ટાંત એટલે ગણપતિ.
ગણપતિનું સંપૂર્ણ સ્વરૂપ એક આદર્શરૂપ છે. તેમનું દરેક અંગ એક વિશિષ્ટ સંદેશ આપે છે. તેમની ઝીણી આંખો કુટુંબમાં, સમાજમાં કે રાષ્ટ્રમાં બનતી દરેક ઘટનાઓ અથવા પ્રસંગોનું ઝીણવટભરી તીક્ષ્ણ દ્રષ્ટિથી નિરિક્ષણ કરવું જોઈએ. તેમનાં લાંબા કાન સમાજ કે રાષ્ટ્રનાં દરેકનું સાંભળવું જોઈએ. તેમની લાંબી (સૂંઢ એ સુગંધ લેવાનું કામ કરે છે). સમાજમાં કે રાષ્ટ્રમાં થતાં દરેક સારા નરસા કામોની ગંધ રાખવી જોઈએ. તેમનું મોટું પેટ સમજાનો, કુટુંબનાં દરેકનાં ગુણ-અવગુણ, પચાવવા જોઈએ આમ દરેક અંગ એક વિશિષ્ટ શિખામણનો ભંડાર છે. અને તે પ્રમાણે તેમનું વાહન પણ એક આદર્શરૂપ છે.
સમાજમાં સૌથી નાના અર્થાત નબળા, ગરીબ કે દુબળાઓને માન આપી ઉંચે લઈ જવામાં જ માનવીની મોટાઈ છે. આજ વાત ગણપતિ એ ઉંદરને વાહન બનાવી સમજાવેલ છે. તેજ પ્રમાણે ગણપતિને ''દુર્વા'' ચઢાવવામાં આવે છે. આ ''દુર્વા'' શું છે? એ એક પ્રકારનું ઘાંસ જ છે. જેની કાંઈ કિંમત નથી. જેને નકામું ગણવામાં આવે છે. તે જ દુર્વા ગણપતિને પ્રિય છે. તેજ પ્રમાણે જાસવંતીનું ફુલ (જે લાલ રંગનું છે) જેને રૂપ રંગ ગંધ હોતી નથી આવું નકામું ફૂલ ગણપતિને ચઢાવવામાં આવે છે. તેજ પ્રમાણે ગણપતિને નૈવૈદ્યમાં ગોળ અને ખોપરું ધરાવવામાં આવે છે. અન્નનાં ક્ષેત્રમાં ગોળની કાંઈજ કિંમત નથી. તે ગળ્યો હોવા છતાં તેની મિષ્ટાંન્નમાં ગણનાં થતી નથી. તેવો ગોળ પણ ગણપતિને પ્રિય છે.
આમ ગણપતિએ સમાજમાં જે નકામી વસ્તુઓ અથવા સમાજમાં જેની કાંઈ કિંમત નથી એવી વસ્તુઓને પ્રિય બનાવી તેમને મોટી બનાવી. તેમનું ગૌરવ વધાર્યું છે. આવી ગણપતિની શ્રેષ્ઠ બુધ્ધિ થકી તેઓ બુધ્ધિનાં દાતા કહેવાય છે.
આમ કુટુંબ, સમાજ કે રાષ્ટ્રમાં બીજાને મોટાઈ આપવાથી, મોટાપણું પમાય છે એ વાત ગણપતિનાં દર્શનથી સિધ્ધ થાય છે.