આપણને કેમ વિદેશનું વળગણ ઓછું થતું નથી?

- રિલેશનના રિ-લેસન- રવિઇલા ભટ્ટ
- ગુજરાતીઓમાં વિદેશ જવું એ હવે કોઈ લાચારી, ગરીબી, સંઘર્ષ કે મજબૂરી નથી, પણ એક સુઆયોજિત બિઝનેસ સ્ટ્રેટેજી છે. સંપત્તિને યોગ્ય સમયે તકમાં બદલીને સંતાનો માટે એક નિશ્ચિત અને વૈશ્વિક ભવિષ્ય ખરીદવાની આ એક આધુનિક વ્યવસ્થા છે, જે આવનારા સમયમાં વધુ ઝડપથી વધશે તે નક્કી છે.
શ્રીધર નવરાત્રી અને દિવાળી ઉજવવા માટે અમદાવાદ આવ્યો હતો. કેનેડાથી લગભગ દસ વર્ષે તે પરત આવ્યો હતો. દસ વર્ષ પહેલાં તે ઉત્તરાયણ કરવા આવ્યો હતો. આ વખતે તેની સાથે તેના સંતાનો આવ્યા હતા જે લગભગ ટીએનજર થઈ ગયા હતા. અહીંયા શરૂઆતમાં તો બધાને મજા પડી, નવરાત્રી ઉજવી, ગરબા ગાયા અને બધું ઈચ્છા પ્રમાણે કર્યું. જેમ જેમ દિવસ પસાર થતા હતા તેમ તેમ બહાર ફરવું, પોલ્યુશન, ટ્રાફિક, સેન્સલેસ લોકો સાથેનું ડિલિંગ, સરકારી કામોમાં થતો વિલંબ, સુવિધાઓના અભાવ જેવા ઘણા અનુભવ થવા લાગ્યા. હવે શ્રીધર કે જે જન્મ્યો ત્યાંથી કોલેજ પૂરી કરી ત્યાં સુધી અમદાવાદ રહ્યો હતો તેના માટે આ અમદાવાદ સાવ નવું હતું.
અમદાવાદ છોડીને ગયાના બે દાયકામાં આ શહેર, આ રાજ્ય કે પછી એમ કહીએ કે આ દેશ અને સમાજમાં જે ફેરફાર આવ્યા હતા તેને આ અનુકુળ થતા નહોતા. બીજી તરફ બે દાયકામાં કેનેડા કાતે તે જે અનુભવી આવ્યો હતો, તે જે ભોગવી રહ્યો હતો અથવા તો તેના સંતાનોને જેની આદત પડી ગઈ હતી તેની સામે અહીંયા કશું જ નહોતું. આધુનિક સુવિધાઓ, સેવાઓ, સ્વચ્છતા, સુરક્ષા, ડિસિપ્લિન બધાની આ લોકોને આદત પડી ગઈ હતી. એક સમયે અહીંયા રહેનારો બેદરકાર શ્રીધર હવે મર્યાદામાં રહેનારો નાગરિક થઈ ગયો હતો. તેના કરતા પણ વધારે તેની પાસે જે સુખ-સુવિધાઓ અને સુરક્ષા હતી તેના જેવું કશું જ તેને અથવા તો તેની આગામી પેઢીને અહીંયા મળે તેમ નહોતું.
આ તો માત્ર શ્રીધરની વાત હતી જે કોલેજ પૂરી કર્યા બાદ પોતાના સપનાં પૂરા કરવા વિદેશ વધુ અભ્યાસ માટે ગયો હતો અને સ્થાયી થઈ ગયો હતો. આવા તો લાખો શ્રીધર કેટલાય વર્ષોથી વિદેશ જતા આવ્યા છે અને હાલમાં પણ જતા હોય છે. ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ એવી પ્રજા છે જેમને પહેલેથી જ વિદેશમાં જવું, ત્યાં સ્થાયી થવું, વિદેશમાં વેપાર કરવો અથવા તો વિકાસ કરવો ગમતો આવ્યો છે. તેમાંય જેમ જેમ પેઢી બદલાઈ રહી છે, આધુનિકતા આગળ વધી રહી છે તેના પગલે નવી પેઢીને વિદેશોનું, નવી ટેક્નોલોજીનું, નવી સુવિધાઓનું અને વધુમાં વધુ પૈસા કમાવવાનું અને વિદેશોમાં સ્થાયી થવાનું વળગણ વધતું ગયું છે. આ માત્ર ઈચ્છા કે, જીજીવિશા નથી, કેટલાક કિસ્સાઓમાં મજબૂરી પણ બની રહી છે. ખાસ કરીને ધનિક ભારતીયો અને ગુજરાતીઓની એક પેઢી સતત એવું ઈચ્છે છે કે, તેમની યુવા પેઢી વિદેશમાં સ્થાયી થાય અથવા તો વિદેશની નાગરિકતા મેળવી રાખે જેથી ત્યાં આવનજાવન કરી શકાય.
દર વર્ષે લાખો ભારતીયો વિદેશ જઈ રહ્યા છે અને આગામી વર્ષોમાં પણ તત્પર રહેશે. તેનું એકમાત્ર કારણ સારી જીવનશૈલી, સારી સુવિધાઓ, સારું શિક્ષણ, સારું વાતાવરણ, સારી કમાણી, સારું જીવન અને ભાવી પેઢીનું સુરક્ષિત ભવિષ્ય. ભારતમાં જે સ્તરે મુશ્કેલીઓ નડી રહી છે અથવા તો પડકારોનો સામનો કરવાનો આવે છે તેના આધારે લોકો વિદેશ જવા માટે તત્પર થતા હોય છે. ખાસ કરીને કોરોનોકાળ પછી જે રીતે દેશમાં સામાજિક, આથક, વ્યવહારિક અને વૈચારિક પરિવર્તન આવ્યું છે તેના કારણે લોકોમાં વિદેશ જઈને સ્થાયી થવાની ઈચ્છાઓ વધી રહી હોવાનું સ્પષ્ટ દેખાય છે.
ભારતની યુવા પેઢીને જે રીતે શિક્ષણ જોઈએ છે, જે રીતે એજ્યુકેશન સિસ્ટમ જોઈએ છે, જે અવસરો જોઈએ છે, જે રીતે રોજગારી જોઈએ છે, જે સુવિધાઓ જોઈએ છે અને જેવું વાતાવરણ જોઈએ છે તે હાલમાં તેમને પૂરતા પ્રમાણમાં મળી રહ્યું નથી. આ ઉપરાંત જે રીતે પેપર લીક થઈ રહ્યા છે, રોજગારીનો અભાવ છે, ભવિષ્ય ધૂંધળું છે અને દરેક બાબતમાં રાજકારણ ઘર કરી ગયું છે તેના કારણે યુવાનોને હવે વિદેશોમાં વધારે અવસર દેખાય છે. બીજી તરફ આજથી બે-ત્રણ દાયકા પહેલાં જે પેઢી ત્યાં ગઈ હતી અને ત્યાંની તેમની લાઈફસ્ટાઈ, તેમની સુવિધાઓ, તેમની સુરક્ષા જોઈને પણ અહીંયાના લોકોને વિદેશ જવાનું પસંદ પડી રહ્યું છે.
માતા-પિતા પોતે ઈચ્છે છે કે, અમારા સંતાનો વિદેશ જાય, ત્યાં અભ્યાસ કરે, ત્યાં સ્થાયી થાય અને સુખી થાય. સુખની વ્યાખ્યા માત્ર દાર્શનિક ન રહેતાં ભૌતિક રીતે પણ બદલાઈ રહી છે. તેના કારણે જ વિદેશ જનારા લોકોની સંખ્યામાં સખત વધારો થઈ રહ્યો છે. પોઝિટિવ બાબત એવી છે કે, લોકોને વિદેશ જવા માટે જે અવસરો મળે છે તેમાં પણ પહેલાની પેઢીની સરખામણીએ ઘણો વધારો થયો છે. એક તરફ મધ્યમવર્ગ દેવું કરીને પણ સંતાનોને વિદેશ મોકલવા મક્કમ થયો છે ત્યાં બીજી તરફ ધનિક વર્ગ પોતે અને પોતાની આગામી પેઢીને વિદેશમાં સ્થાયી કરવા માટે તત્પર બન્યો છે.
વિદેશ જનારા ભારતીયોના આંકડા જોઈએ તો આશ્ચર્યજનક છે. ઈન્વેસ્ટમેન્ટ વીઝા લેવાનું પ્રમાણ પણ છેલ્લાં પાંચ-સાત વર્ષમાં અધધ રીતે વધ્યું છે. આ ક્ષેત્રમાં છેલ્લાં એક દાયકાથી કામ કરનારા ધનંજય ચુડાસમાએ જણાવ્યું કે, ભારતના વિદેશમંત્રાલયના મતે ૨૦૨૬માં વિદેશ વસતા ભારતીયોનો આંકડો ૩.૭૩ કરોડ પહોંચી ગયો છે. કોરોનાકાળ પહેલાં ૨૦૧૭માં આ આંકડો ૩.૧૨ કરોડ હતો. યુએનના અહેવાલો જણાવે છે કે, વિદેશોમાં અંદાજે ૧.૯૫ કરોડ લોકો ભારતીય મૂળના વસે છે. ૨૦૨૨થી દર વર્ષે અંદાજે ૨ લાખ ભારતીયોએ વિદેશની નાગરિકતા મેળવી રહ્યા છે અને ભારતમાં ઓસીઆઈ તરીકે રહે છે અથવા તો વેપાર કરે છે. ૨૦૨૫માં અંદાજે ૩૫૦૦ ધનકુબેરોએ ભારત છોડયું જેઓ પોતાની સાથે અંદાજે ૨૬ અબજ ડોલરની નેટવર્થ લઈને ગયા. અમેરિકામાં પણ ઈન્વેસ્ટમેન્ટ દ્વારા જે ગ્રીનકાર્ડ અને ઈમિગ્રેશન મળે છે તે લેવામાં ભારતીયો સૌથી મોખરે છે. તેમાંય હવે ગુજરાતીઓનું પ્રમાણ વધવા લાગ્યું છે.
માત્ર અમેરિકા જ નહીં, સ્કોટલેન્ડ, નેધરલેન્ડ, જર્મની અને યુરોપના અન્ય દેશો, કેનેડા, કેરેબિયન આઈલેન્ડ દેશો, માલ્ટા, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ અને બીજા ઘણા નાના-મોટા દેશોમાં ધનિકો દ્વારા મોટાપાયે રોકાણ કરીને નાગરિકતા અથવા તો પરમેનન્ટ રેસિડેન્સી મેળવવામાં આવી રહી છે. વિદેશમાં રહેલી ભારતીય પ્રજાનું સરવૈયું જોઈએ તો વિદેશમાં વસતા અંદાજે ૩.૭૫ કરોડ ભારતીયોમાંથી અંદાજે ૧.૭૮ કરોડ એનઆરઆઈ છે જ્યારે અંદાજે ૨ કરોડ લોકો ભારતીય મૂળના છે. આજના સમયમાં છ ખાડી દેશોમાં અંદાજે ૧ કરોડ ભારતીયો વસવાટ કરે છે. બીજી તરફ અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોર જેવા મોટા દેશોમાં મુકલ ૧.૨૦ કરોડ ભારતીયો વસે છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, કેનેડા જ્યાં એક દાયકા પહેલા માત્ર ૧.૮૪ લાખ ભારતીયો હતા ત્યાં આજે ૧૮ લાખ ભારતીયો થઈ ગયા છે.
હકિકતે જોઈએ તો આંકડા તેની જગ્યાએ છે પણ લોકોની માનસિકતા વધારે બદલાઈ છે. ગુજરાતીઓ માટે દરિયો ઓળંગવો ક્યારેય નવો વિષય રહ્યો નથી. ''જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'' એ ઉક્તિ સદીઓથી ચરિતાર્થ થતી આવી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશ વસવાટના આ વલણમાં એક મોટો ગુણાત્મક બદલાવ આવ્યો છે. અગાઉ સંઘર્ષ કરીને, વિદેશ ભણવા જઈને કે નોકરી મેળવીને સ્થાયી થવાની પરંપરા હતી; જ્યારે આજે સંપન્ન વર્ગ પોતાના સંતાનો હજુ પ્રાથમિક કે માઘ્યમિક શાળામાં હોય ત્યારથી જ 'ગોલ્ડન વિઝા' કે 'ઈન્વેસ્ટર વિઝા' જેવા માર્ગો અપનાવીને કરોડો રૂપિયાનું રોકાણ કરી રહ્યો છે. સંતાનો પુખ્ત વયના થાય ત્યાં સુધીમાં તેમના હાથમાં કાયમી રહેઠાણ કે ગ્રીનકાર્ડ હોય તે સુનિશ્ચિત કરવા પાછળ માત્ર આંધળું અનુકરણ નથી, પણ ઊંડી સામાજિક, આથક અને પારિવારિક ગણતરીઓ કામ કરી રહી છે.
વિદેશી યુનિવસટીઓમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેની ટયુશન ફી સ્થાનિક વિદ્યાર્થીઓની સરખામણીએ ત્રણથી ચાર ગણી વધારે હોય છે. જો બાળકની પાસે પહેલેથી જ ગ્રીનકાર્ડ કે રેસિડેન્સી હોય, તો તેને સ્થાનિક નાગરિક જેટલા જ લાભ અને સબસિડી મળે છે. આ ઉપરાંત સામાન્ય વિદ્યાર્થી વિઝા પર ભણવા જતા યુવાનો માટે અભ્યાસ પૂરો કર્યા બાદ લ્લ-૧મ્ વિઝાની લોટરી પ્રક્રિયા એક માનસિક ત્રાસ સમાન બની ગઈ છે. પહેલેથી મેળવેલું ગ્રીનકાર્ડ સંતાનને સ્પૉન્સરશિપ શોધવાની કે દેશ છોડી દેવાની લટકતી તલવારમાંથી મુક્તિ આપે છે. સ્થાનિક સ્ટેટસ હોવાને કારણે સંતાનોને ઇન્ટર્નશિપ, સંશોધન અને ઉચ્ચ સ્તરની નોકરીઓમાં કોઈ પ્રતિબંધ નડતો નથી.
જો આથક પાસાની વાત કરીએ તો, ભારતીય રૂપિયાના મૂલ્યમાં થતા સતત ઘટાડા સામે ડોલર કે યુરો જેવી મજબૂત કરન્સીમાં સંપત્તિ રાખવી એ આથક દ્રષ્ટિએ સમજદારીભર્યું પગલું ગણાય છે. વિદેશમાં સ્થાવર મિલકતો કે બિઝનેસમાં રોકાણ કરીને પરિવાર વૈશ્વિક સ્તરે સુરક્ષિત બને છે. આ ઉપરાંત આજના વૈશ્વિકરણના યુગમાં કોઈપણ વ્યવસાયિક પરિવાર પોતાની સંપત્તિ અને ભવિષ્ય માત્ર એક જ દેશના નિયમો પર નિર્ભર રાખવા માંગતો નથી. બીજા દેશની રેસિડેન્સી એક આથક 'લાઈફબોટ' જેવું કામ કરે છે.
એક વાત એવી પણ છે કે, સામાજિક પાસાઓ અલગ રીતે જ કામ કરે છે. સમાજમાં જેના સંતાનો વિદેશમાં સ્થાયી હોય, તેને વધુ સફળ અને પ્રતિષ્ઠિત માનવામાં આવે છે. લગ્ન-સંબંધોના બજારમાં પણ વિદેશનું ગ્રીનકાર્ડ કે પાસપોર્ટ એક વિશાળ 'પ્રીમિયમ' સાબિત થાય છે. તે ઉપરાંત કુટુંબમાં કે બિઝનેસ વર્તુળમાં જ્યારે ત્રણ-ચાર પરિવારો પોર્ટુગલ, ગ્રીસ, કેનેડા કે અમેરિકાના રેસિડેન્સી કાર્ડ મેળવે છે, ત્યારે બાકીના પરિવારોમાં પણ ''આપણે કેમ પાછળ રહી જઈએ?'' તેવી લાગણી જન્મે છે. આ દેખાદેખીમાં પણ હવે વિદેશ જવાનું, સ્થાયી થવાનું કે સંતાનોને ત્યાં સેટલ કરવાનું ચલણ વધી રહ્યું છે. આ વલણ સ્પષ્ટ કરે છે કે ગુજરાતીઓમાં વિદેશ જવું એ હવે કોઈ લાચારી, ગરીબી કે મજબૂરી નથી, પણ એક સુઆયોજિત બિઝનેસ સ્ટ્રેટેજી છે. સંપત્તિને યોગ્ય સમયે તકમાં બદલીને સંતાનો માટે એક નિશ્ચિત અને વૈશ્વિક ભવિષ્ય ખરીદવાની આ એક આધુનિક વ્યવસ્થા છે, જે આવનારા સમયમાં વધુ ઝડપથી વધશે તે નક્કી છે.




