વરસતા વરસાદમાં ટૂંકા પોશાકથી રૂડું શું?

વર્ષા ઋતુમાં પણ વસૂલો ગ્રીષ્મમાં મીની ડ્રેસ પાછળ ખર્ચેલા નાણાં
ગ્રીષ્મની ગરમી હોય કે ચોમાસામાં ધારે ધારે વારિ વરસી રહ્યું હોય, મીની ડ્રેસ બંને સીઝન માટે પરફેક્ટ ચોઈસ બની રહે. ઊનાળામાં કાળઝાળ તાપમાં ટૂંકા વસ્ત્રો કમ્ફર્ટેબલ લાગે. તેવી જ રીતે વરસતા વરસાદમાં બહાર જવાની નોબત આવે ત્યારે મીની ડ્રેસ કરતાં વધુ સુવિધાજનક બીજું શું? એટલે જ વસંત-ગ્રીષ્મમાં ખરીદેલા મીની ડ્રેસ વર્ષા ઋતુમાં પણ કામ આવે. તેમાંય આ વર્ષે સિકવન મીની ડ્રેસની ફેશન પૂરબહારમાં ખિલી છે. ખાસ કરીને પાર્ટીઓમાં. વળી પાર્ટીપ્રેમી પામેલાઓને મોસમ સાથે લાગે કે વળગે? તેમને તો સજીધજીને પાર્ટીઓમાં મહાલવાથી મતલબ હોય. તેથી આ ચોમાસાની વિવિધ ઈવેન્ટ્સમાં પણ ટૂંકા વસ્ત્રો છવાઈ રહેશે એ વાતમાં બે મત નથી. તેમાંય સેલિબ્રિટી રમણીઓએ આ ટ્રેન્ડ શરૂ કર્યો છે તેથી તેની ફેશન લાંબી ચાલશે. આજે આપણે આવા નાના નાના પોશાક ધારણ કરનાર કેટલીક માનુનીઓની વાત માંડીશું.
અભિનેત્રી બનિતા સંધુની જ વાત કરીએ તો તેણે એક પાર્ટીમાં આઈવરી કલરનો સિકવન ડ્રેસ પહેરીને ઉપસ્થિતોનું ધ્યાન ખેંચ્યું હતું. બ્રા પેટર્નના આ ડ્રેસને દામનમાં પણ અંગ્રેજીના વી શેપમાં ડિઝઈન કરવામાં આવ્યો હતો. તેમાં હળવા રંગનું સિકવન વર્ક શોભી રહ્યું હતું.
અભિનેત્રીએ આ પોશાક સાથે હાથમાં સિલ્વર પાટલો પહેર્યો હતો. તેના બીજા હાથમાં તેના પોશાકના જ મટિરિયલમાંથી બનાવવામાં આવેલી હેન્ડબેગ ઝૂલી રહી હતી.
હવે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ગાયિકા દુઆ લિપાની વાત કરીએ તો તે એક પાર્ટીમાં પરફેક્ટ ડિસ્કો-ગર્લ બનીને આવી હતી. તેનો જેકેટ પેટર્નની ઝીપવાળો, ભરચક્ક સિકવન વર્ક કરેલા સ્લીવલેસ ડ્રેસ અત્યંત સુંદર લાગી રહ્યો હતો. તેણે આ પરિધાન સાથે સ્ટેટમેન્ટ બૂટ ચડાવ્યાં હતા. તેનો સાવ હળવો મેકઅપ અને લિસ્સા ખુલ્લા કેશ દુઆને રિલેક્સ મૂડમાં દર્શાવી રહ્યાં હતાં.
જાણીતી મોડેલ માહિકા શર્માએ તાજેતરમાં આવેલા તેના પચીસમા જન્મદિને સૂર્યાસ્તના હળવા પીળા, નારંગી, રાતા રંગો ધરાવતો અર્ધપારદર્શક, ડીપ-નેક મીની ડ્રેસ પહેરીને મહેમાનોની વાહ વાહ મેળવી હતી. પોતાનો પોશાક હાઈલાઈટ કરવા માહિકાએ કોઈ એકસેસરી ધારણ નહોતી કરી. શ્રૃંગારમાં પણ તેણે માત્ર ગુલાબી રંગની ગ્લોસી લિપસ્ટિક લગાવી હતી અને વાળ ખુલ્લાં રાખ્યાં હતાં.
અભિનેત્રી પલક તિવારીએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ચાહકોના હોશ ઉડાવી દેતો ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટામાં તેણે સિકવન વર્ક ધરાવતો નારંગી કલરનો ઓફ શોલ્ડર મીની ડ્રેસ પહેર્યો હતો. પ્રૌઢાવસ્થાને આરે પહોંચેલી શ્વેતા આ ડ્રેસમાં ૨૫-૩૦ વર્ષની યુવતી જેવી લાગતી હતી. આ પરિધાન સાથે શ્વેતાએ ગળામાં સ્કલ્પચરલ ચોકર, હાથમાં બે મોટા પાટલા અને મસમોટી ઈયર રિંગ્સ પહેરી હતી. આ સેલિબ્રિટી માનુનીઓની જેમ તમે પણ તમારા ગ્રીષ્મ ઋતુના મીની ડ્રેસ ચોમાસામાં સુધ્ધાં પહેરીને પાર્ટીઓમાં મહાલી શકો છો.
- વૈશાલી ઠક્કર









