વરસાદી સાંજે કેવાં વસ્ત્રો પહેરશો?

ઋતુઓની રાણી વર્ષાઋતુ રોમાન્ટિક મોસમ છે એ વાતમાં કોઈ બે-મત નથી. વર્ષા ઋતુનું આગમન થતાં જ વાતાવરણ આહ્લાદક બની જાય છે અને મનમાં જાતજાતના તરંગ ઊઠવા માંડે છે. આકાશને આનંદનાં અશ્રુ પાડતું જોઈ મનમાં જાતજાતની કવિતાઓ સ્ફુરવા માંડે છે. જોકે કેટલાક વિરહી અને દુ:ખી જીવો નભને વિરહનાં આંસુ સારતો પણ કલ્પે છે. ખેર, વરસાદની મોજ માણી કવિતા કરતાં ઘરમાં બેસી રહેવું પણ પાલવે તેમ નથી. કામ-ધંધા માટે ઘરની બહાર પણ જવું પડે છે.
આ યુગમાં ફેશનને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. આજના યુવાનો તેમની આગલી પેઢીના લોકોની જેમ વરસાદની મોસમમાં જૂનાં કપડા કાઢે એ વાતમાં માલ નથી. તેમને તો દરેક મોસમમાં ફેશનેબલ અને ઋતુઓને અનુકૂળ એવાં પરિધાનો સજવાં છે. તેમનો આ આગ્રહ પણ ખોટો નથી આજે વૈશ્વિકરણના જમાનામાં સામેની વ્યક્તિને આકર્ષી પોતાની કંપનીને આગળ વધારવા માટે થોડા ટીપટોપ રહેવું જ પડે છે. જમાનાને ઓળખીને ડ્રેસ ડિઝાઇનરો પણ ફેશનપરસ્ત રમણીઓ માટે ભાત-ભાતના અને મન મોહી લે તેવા ડ્રેસ તૈયાર કરી તેમને શોખને પોષે છે.
વરસાદની મોસમમાં ઝડપથી સુકાઈ જાય એવું કાપડ પસંદ કરવું જરૂરી છે એ વાત સૌ કોઈ જાણે છે. આ ઋતુમાં લોકો મલમલ, લિનન, શિફોન અને લાયક્રા જેવા કાપડમાંથી બનેલા ડ્રેસ પહેરવાનું પસંદ કરે છે. જીન્સ યુવતીઓના માનીતા છે. પણ બહાર ધોધમાર વરસાદ પડતો હોય ત્યારે જીન્સને ''બાય બાય ટાટા'' કહી દેવામાં જ શાણપણ છે. આ ઉપરાંત આ ઋતુમાં ટૂંકા કપડાં પહેરવાં જરૂરી છે. ટૂંકાંસ્કર્ટ પહેરવાની ઇચ્છા આ મોસમમાં પૂરી કરવામાં જરા પણ વાંધો નથી. મીની સ્કર્ટ, કેપ્રી અને ઘૂંટણ સુધી પહોંચે એવા ડ્રેસ પહેરી શકાય છે. જમીન પર રગદોળાય નહીં એવા ડ્રેસ આ ઋતુમાં પહેરવા એવી સલાહ આપવાની કોઈ જરૂર છે ખરી?
'બરસાત કી રાત'માં પગથી માથા સુધી ભીંજાયેલી સુંદર કાયાને જોઈ ભારત ભૂષણનું કવિ હૃદય ''હાય, યે રેશમી ઝુલ્ફો સે બરસતા પાની…'' ગાઈ ઊઠયું હતું. વેલ, આ રોમાન્ટિક મોસમમાં તમારે માટે પણ કોઈ કવિ હૃદય તડપી ઊઠે તો… આવી ઇચ્છા દરેક યુવાન દિલના હૃદયમાં સળવળતી હશે એ વાતની ગેરન્ટી છે. કોઈક વાર વરસતા વરસાદમાં છત્રી કે રેઇનકોટ વગર બહાર જવાનો અખતરો કરવામાં વાંધો નથી. તમારા ભીના વાળમાંથી ગાલ પર સરી પડતા વરસાદનાં ટીપાં પ્રત્યે અદેખાઈ કરનાર પ્રેમી હૃદયનો તમને જરૂર સામનો થશે અને હા, આ ઋતુમાં મેકઅપ કરવાની હોશ હોય તો વોટરપ્રૂફ મેકઅપ કરવો. કારણ કે સાદો મેકઅપ ખરાબ થઈ ચહેરા પર પ્રસરી જઈ તમારા ચહેરાને કેવો બનાવશે એ જાણવા માટે ચહેરા સામે આરસી ધરાવાની કોઈ જરૂર લાગતી નથી.
ફેશન કરવા માટે કોઈ ડ્રેસ ડિઝાઇનરના લેબલની જરૂર નથી. ફેશન મેગેઝિનો પર ધ્યાનથી નજર ફેરવતાં તમને નવી-નવી ફેશનનો ખ્યાલ આવી જશે અને બજારમાંથી તમને આ પ્રકારનાં તમને અનુકૂળ થતાં કપડાં મળી આવશે અને આવાં કપડાં સીવવા માટે તમને તમારો દરજી અત્યારે કામ નહીં આવે તો ક્યારે કામ આવશે?
એકાદ-બે દાયકા પૂર્વે તમે વાંકીચૂંકી કિનારીવાળું સ્કર્ટ કે ફ્રોક પહેરી ઘરની બહાર નીકળ્યાં હોત તો લોકો તમને મૂર્ખમાં ખપાવત પરંતુ આજે તમે આવું જોખમ ઉઠાવી શકો છો. આજે વાંકી-ચૂંકી કિનારી ધરાવતાં સ્કર્ટ ફેશનેબલ ગણાય છે. અને ડ્રેસ ડિઝાઇનરો પણ સુંદર મજાના રંગીન કપડામાંથી આવાં સ્કર્ટ બનાવી તેના પર ભરતકામ કરી બજારમાં મૂકે છે. આવાં સ્કર્ટ પર એ જ રંગ સાથે મેળ ખાતું પેટ દેખાય એવું ટોપ પણ બજારમાં મળે છે. ઓર્ગેન્ઝાના કાપડમાંથી બનાવેલું સ્કર્ટ પહેરવાનો અખતરો કરી શકાય છે. આ ઉપરાંત સાંજે બહાર કે પાર્ટીમાં જવું હોય તો રેશમી કપડામાંથી બનાવેલું સ્કર્ટ અને ટોપ પહેરવાની સલાહ તમને ડ્રેસ ડિઝાઇનરો આપશે. લાલ, પીળા, નારંગી જેવા રંગો તમારા સૌંદર્યમાં ઓર નિખાર લાવશે.
ધરતીનો પોતાના પ્રેમથી તરબોળ કરી દેતા મેઘરાજા તમારા પર થોડો ઘણો પ્રેમ વરસાવે એવી ચાહત પૂરી કરવા માટે બાંય વગરનો મીની ડ્રેસ પહેરી પ્રિયતમ સાથે વરસાદની મધુર અને યાદગાર સાંજ માણવા નીકળી પડવાનો વિચાર અમલમાં મૂકવા જેવો ખરો. આ ડ્રેસ મખમલમાંથી બનાવવાની સલાહ આપવામાં આવે છે. મખમલ પાણીનો સંગ્રહ કરતું નથી અને વરસાદી સાંજની ઠંડીમાં તમને જરૂરી એવી હૂંફ પણ પૂરી પાડે છે અને હા, આ ડ્રેસને વેલબુટ્ટીવાળા એપ્લિકથી સજાવેલું હશે તો સોનામાં સુગંધ ભળશે. મખમલ ઉપરાંત તમે રેયોન તેમ જ ક્રશ્ડ સિલ્કનો ઉપયોગ કરી શકો છો. વર્ષાઋતુમાં દરિયાઈ પાણીના રંગ સાથે મેળ ખાતા રંગના ડ્રેસ પણ શોભી ઊઠે છે. આ ડ્રેસ પર વાદળી રંગના કીડિયા અથવા શોભાની વસ્તુઓ ટાંકેલી હશે તો વરસાદનું પાણી આસાનીથી કપડા પરથી નીચે સરી જશે. શિફોન જેવું કાપડ આસાનીથી ચોળાતું નથી તેમ જ આ કપડાની શોભા પણ અનેરી હોય છે. શિફોન ઉપરાંત લિનનના કાપડામાંથી બનાવેલા ડ્રેસ પણ આ મોસમમાં આદર્શ સાબિત થશે.
વર્ષા ઋતુમાં તમે મનભાવન ડ્રેસ પહેરી શકો છો પરંતુ આ ડ્રેસની કિનાર ઘૂંટણથી નીચી ન હોવી જોઈએ. અને હા, આ મોસમમાં તમને તમારા શરીરના વળાંક અને ખૂબસુરત, સુડોળ પગનું પ્રદર્શન કરવાની તક મળે છે. આ તક જતી કરવા જેવી નથી.
તો, ચાલો રાહ કોની જુઓ છો? કાલ કોણે દીઠી છે. આજ મહત્ત્વની છે અને વરસાદની આ સાંજ તમારા મનપસંદ પરિધાન પહેરી માણી લો. અને આમ કરતાં તમને કોઈ રોકશે નહીં એ વાતની ગેરન્ટી છે.
- અવન્તિકા




