સુંદરતા નિખારતા વિવિધ ઉબટન

માનુનીઓ પોતાની સુંદરતાને નિખારવા વિવિધ નુસખાઓ અજમાવતી હોય છે. પરંતુ ઘણી વખત યોગ્ય સમજણ તેમજ જાણકારી વગરની મહેનત સફળ થતી હોતી નથી. અહીં ત્વચાને ચમકીલી કરવાની સરળ ઘરગત્થુ ઉપાયો આપવામાં આવ્યા છે.
ત્વચાને ચમકીલી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ઉબટન ફક્ત ત્વચાને ચમકીલા જ નથી કરતી પણ સાથે સાથે ત્વચાની કાળજી રાખતા હોય છે. ઉબટન શરીરના ત્રણેય દોષોને સંતુલિત કરતા હોવાથી ત્વચાને સ્વસ્થ રાખવામાં ઉપયોગી છે.
ઉબટન કફ દોષને ઓછો કરે છે. તે નિસ્તેજ ત્વચાને ચમકીલી કરે છે.
ઉબટન લગાડવાથી શરીરમાંનું વધારાનું પિત્ત દૂર થાય છે જેથી ત્વચા પરના વિગ્મેન્ટેશન અને ઇન્ફલેમેશનને દૂર કરવામાં મદદ મળે છે.
ઉબટનના ઉપયોગથી શરીરમાં થતા વાયુના પ્રમાણને ઓછો કરવામાં સહાયક છે. વાયુનું પ્રમાણ શરીરમાં ઓછું થવાથી ત્વચાની રૂક્ષતા ઓછી થાય છે.
હળદરયુક્ત ઉબટન
હળદરયુક્ત ઉબટન ત્વચાને નિખારે છે. તે મેલેનિનના કામને ધીમું કરે છે. જેથી પિગ્મેન્ટેશન અને ડાર્ક સ્પોસ્ટસ પ્રમાણ ઓછું થાય છે. અઠવાડિયામાં બે-ત્રણ વખત ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.
ઉબટનમાં ઉપયોગમાં લેવાતા લોટ, દાળ વગેરે એક્સફોબિએટરનું કામ કરે છે. જે મૃત ત્વચાને દૂર કરે છે જેથી ત્વચા એકસરખી થાય છે, ત્વચાનું ટેક્સચર સ્મૂધ થાય છે.
કુદરતી નિખાર
ઉબટનમાં સમાયેલ ઓઈલ અને ડેરી પ્રોડક્ટ જેવા દૂધ, મલાઈ અને દહીંથી ત્વચા મુલાયમ થાય છે અને ઢીલી લબડી પડેલી ત્વચામાં કસાવ આવે છે.
તાણ દૂર કરે
ઉબટન લગાડતી વખતે કરાતા મસાજથી નર્વસ સિસ્ટમ સુધરે છે. ત્વચા અને શરીરમાં તાજગી આવે છે અને તાણ દૂર થાય છે.
રસાયણમુક્ત
ઘરગત્થુ બનાવેલુ ઉબટન રસાયણમુક્ત હોવાથી ત્વચા પર કોઈ આડઅસર થવાની શક્યતા રહેતી નથી.
ઉબટનના પ્રકાર
હળદર-ચંદન
બે ચમચા બેસનમાં એક નાનો ચમચો દહીં અને ચંદન પાવડર, હુંફાળા દૂધમાં કેસર ભેળવી પેસ્ટ બનાવવી. આ પેસ્ટ શરીર અને ચહેરા પર રોટેટિંગ મેનરમાં મસાજ કરવી.
૧૫ મિનિટ પછી ધોઈ નાખવું બેસનથી ત્વચા એસ્ફોલિએટ થશે અને હળદર બેક્ટેરિયાનું કામ કરશે જેથી ત્વચા નિખરી ઉઠવાની સાથે સાથે ચંદન ત્વચાને ઠંડક આપતું હોવાથી ત્વચામાં કસાવ આવશે.
મસુરનું ઉબટન
અનઈવન સ્કિન ટોન અને પિગ્મેન્ટેશનની સમસ્યાઓથી પીડાતી માનુનીઓ માટે મસુરનું ઉબટન સહાયક નીવડે છે. બે ચમચી મસૂરનો લોટ, એક નાનો ચમચો ગુલાબની પાંખડીઓનો પાવડર, અડધી ચમચી હળદર અને બદામનું તેલ અને ગુલાબજળ ભેળવીને પેસ્ટ બનાવી લગાડવું. સુકાઈ જાય પછી ધોઈ નાખવું. ત્વચાના ટેક્સચરમાં સુધારો થશે. અઠવાડિયામાં ચાર વખત કરવાથી ફાયદો થશે.
બદામનું ઉબટન
એક ચમચો બદામનો ઝીણો ભુક્કો, એક નાની ચમચી હળદર, એક નાનો ચમચો મધ અને કોપરેલ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર અને શરીર પર લગાડી સુકાઈ જાય એટલો ધોઈ નાખવું. આ ઉબટન લગાડવાથી ત્વચા પોલિશ થાય છે જેથી ત્વચાની રૂક્ષતા દૂર થાય છે.
ચોખાના બોટનું ઉબટન
ટેનિંગ થયેલી ત્વચા પર ચોખાનું ઉબટન ઉપયોગી છે. ૨ ચમચા ચોખાનો લોટ, એક ચમચો હળદર, એક ચમચો લીંબુની છાલનો પાવડર અને દહીં ભેળવી પેસ્ટ બનાવી લગાડવી. સુકાઈ જાય બાદ ધોઈ નાખવું. અઠવાડિયામાં એક વખત કરવાથી લાભ થશે.
ઓટનું ઉબટન
૨ ચમચા ઓટનો લોટ, એક ચમચો મુલતાની માટી, એક ચમચો ગુલાબની પાંખડીનો પાવડર, એક ચપટી જાયફળ, ઠંડા દૂધ અથવા એલોવેરા જેલ ભેળવી પેસ્ટ બનાવી લગાડવી. સુકાઈ જાય બાદ ધોઈ નાખવું. ત્વચા નિખરવા માટે આ યોગ્ય ઉબટન પુરવાર થશે.
- મીનાક્ષી તિવારી









