જંતુ નાશકોનો ઉપયોગ સાવધાની પૂર્વક કરવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

હમણા પેપ્સી અને કોક જેવા ઠંડા પીંણાની બાટલીઓમાં કીટાણુનાશક દવા, પેસ્ટીસાઇડસ્ હોવાનું જાણવા મળ્યું હતું અને તેનાથી આપણે હતપ્રત બની ગયા હતા. બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાના નફા માટે નિર્દોષ લોકોને કીટાણુનાશક દવા પીવડાવે છે. તે જાણીને જબરજસ્ત આંચકો લાગ્યો હતો. આપણે ઘરમાં પણ આવી દવાઓનો ઉપયોગ કરીએ છીએ. અને તે ખૂબ જ સંભાળ અને સાવચેતી પૂર્વક કરીએ છીએ. જો કીટાણુનાશક દવાના ઉપયોગમાં થોડી પણ બેદરકારી થઇ જાય તો ઘરમાં બાળકો તથા પાળતુ પશુ માટે તે જીવલેણ સાબિત થઇ શકે છે.
લગભગ બધી જ કીટાણુનાશક દવા ઉપર યુ.એસ.એનવાર્યમેન્ટલ પ્રોટેક્શન એજન્સીનો ફેડરલ રજીસ્ટ્રેશન નંબર હોય છે. આ નંબર એવી જ કીટાણુનાશક કંપનીઓને આપવામાં આવે છે. જેમણે કેટલાક સુરક્ષાના સિધ્ધાંતોનું પાલન કર્યું હોય. તેથી હંમેશા રજીસ્ટ્રેશન નંબર હોય તેવા જ કીટાણુનાશકને ખરીદવું.
હંમેશા કોઇપણ કીટાણુનાશકને વાપરતા પહેલા તેના ડબ્બા કે બોટલ ઉપર ચીપકાવેલા લેબલ ઉપર લખેલી સાવધાનીઓ તથા ઉપયોગ કંઇ રીતે કરવો તે બધી જ બાબત વાંચવી જોઇએ. અને જે જીવાતોને તમે મારવા ઇચ્છતા હો તેના નામ આ લેબલ પર હોવા જરૂરી છે.
કીટાણુનાશકથી જંગલી જાનવર, માછલી, મધમાખી, પ્રાણી અને માણસો પણ ઘાયલ થઇ શકે છે. એટલે હંમેશા હંમેશા આવી કોઇપણ જંતુનાશક દવાના ઉપયોગ પહેલા તેના લેબલને ધ્યાનથી વાંચવું. દરેક જંતુનાશક દવાના નિર્માતા તેમના ઉત્પાદનમાં માર્ગદર્શિકા આપે છે. એટલે તેને પણ શાંતચિતે વાંચવી. જંતુનાશક દવા જે ડબ્બા કે બાટલીમાં આવે તેમાં જ રહેવા દેવી. તેને અન્ય કોઇ ડબ્બામાં ખાલી ન કરવી. અને હંમેશા તેના ડબ્બાનું ઢાંકણ સરખી રીતે બંધ કરવું. અને એવી જગ્યાએ મૂકવી જ્યાં બાળકો તથા પાળતુ પ્રાણી ન પહોંચે. જંતુનાશક દવાને સિંકની નીચે અથવા રસોડાના કેબીનેટમાં ન રાખો. તથા તેને ગરમીથી પણ દૂર રાખો.
જો કોઇ જંતુનાશક દવા ઉપર 'ઝેર' અથવા 'વિષ' લખ્યું હોય તો તેના લેબલ પર તેનું મારણ પણ લખ્યું હશે. આ મારણને પહેલેથી વાંચીને મગજમાં રાખો અને જ્યારે કોઇ દુર્ઘટના થાય ત્યારે તે અનુસાર ઇલાજ કરો અને ડૉક્ટરને પણ તે ડબ્બો કે બાટલી બતાવવી.
હંમેશા જંતુનાશક દવાના ખાલી ડબ્બા કે બાટલીઓનો તુરતજ નિકાલ કરવો. તેને સાબુથી ધોઇને ફરી પાછી ઉપયોગમાં ન લેવી. જંતુનાશક દવાથી મોટાભાગના અકસ્માત તેના ખાલી ડબ્બા કે બાટલી બાળકના હાથમાં આવી જતા થાય છે.
હંમેશા જંતુનાશક દવાઓની ચોક્કસ માત્રા નક્કી કરો. અને તેના માટે તૂટી ન શકે તેવા પ્લાસ્ટીકના કપનો ઉપયોગ કરવો. ત્યારબાદ આ કપને અન્ય કોઇ કામમાં વાપરવો નહીં. જંતુનાશક દવા ખાદ્ય પદાર્થો, વાસણો તથા અન્ય ખાદ્યસામગ્રી પર ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું. હંમેશા જંતુનાશક દવા છાંટતા પૂર્વે ત્યાંથી માછલીનું એક્વેરીયમ, પક્ષી, પાળતુ પ્રાણીઓ, ખાદ્યસામગ્રી વગેરે બધું જ દૂર કરી દેવું જોઇએ. તે ઉપરાંત બાળકોને પણ તે જગ્યાએથી દૂર કરો. ઝેરીલા ચારાથી પાળતુ પશુને દૂર રાખો. તે જ પ્રમાણે જ્યારે જંતુનાશક દવા છાંટીએ ત્યારે આસપાસ કોઇ ધૂમ્રપાન ન કરે તેનું તેનું ધ્યાન રાખો. બને ત્યાં સુધી જંતુનાશક દવા શ્વાસમાં ન જાય તેનું ખાસ ધ્યાન રાખો. અને તે છાંટતા પૂર્વે બારી-બારણા બધું જ ખુલ્લુ રાખવું. કેરોસીનમાં નાંખીને જે જંતુનાશક દવા બનાવવામાં આવે છે તેને જ્વનલશીલ માનીને વાપરવી જોઇએ.
જંતુનાશક દવા છલકાઇને ત્વચા કે કપડા ઉપર ન પડે તેનું ધ્યાન રાખવું. તે જ પ્રમાણે તેને નાક, આંખ તથા કાનથી પણ દૂર રાખો. જો દવા કપડા ઉપર ઢોળાય તો તરતજ કપડા બદલાવી લેવા તથા ત્વચા ઉપર ઢોળાય તો સાબુથી તે ભાગને સરખી રીતે ધોઇ નાંખવો. દવા ઢોળાયેલા કપડાને સરખી રીતે ધોયા પછી જ ઉપયોગમાં લેવા.
તે જ પ્રમાણે કીટાણુનાશક દવા છંટાઇ ગયા પછી ચહેરા તથા હાથ સાબુ અને પાણીથી સારી રીતે ધોઇ લેવા. ભૂલથી કીટાણુનાશક દવા તમારા પેટમાં જાય અને તમને કોઇ તકલીફ થાય તો તરત જ ડૉક્ટરને મળો. તે સાથે જ ડૉક્ટરને જંતુનાશક દવાનું લેબલ આપવું જેથી ડૉક્ટર યોગ્ય ઇલાજ કરી શકે.
જંતુનાશક દવાના ભૂલથી થયેલા સેવન બાદ તમે ડૉક્ટર પાસે ન પહોંચી શકો અથવા ડૉક્ટર ન મળે તો નજીકના અગ્નિશમન કાર્યાલય અથવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. જંતુનાશક દવા છંટાઇ ગયા પછી તેના પમ્પ તથા કપને ધોઇને સુરક્ષીત જગ્યાએ મૂકો.
હંમેશા ઘર તથા આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા અને મચ્છર તથા અન્ય જીવજંતુથી દૂર રાખવા માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો જ પડે છે. પણ તેનો ઉપયોગ કરતી વખતે થયેલી નાની સરખી ભૂલ પણ પ્રાણઘાતક અથવા જીવનભરની શારિરીક અંગની ખોટ સર્જી શકે છે. માટે હંમેશા આવું કામ કરતી વખતે તકેદારી જરૂર રાખવી.




