મૂત્ર રોગ અને આયુર્વેદ

- આરોગ્ય સંજીવની
જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય છે તેમ તેમ મૂત્રમાર્ગની તકલીફોની શરૂઆત થવા લાગી છે અને યોગ્ય સારવાર સમયસર રીતે ન મળે તો આ સમસ્યાઓ ગંભીરરૂપ દારણ કરી લે છે.
મૂત્રમાર્ગની સમસ્યાઓમાં મૂત્રત્યાગ વખતે અતિશય કષ્ટ થવો, મૂત્ર અટકી જવું, મૂત્ર ટીપે ટીપે આવવું, મૂત્રમાર્ગનું સંકોચિત થઇ જવું, મૂત્રાશયમાં અર્બુદ (ગાંઠ) થવી, મૂત્રાશયમાં પથરી થવી, પ્રોસ્ટેટ વૃદ્ધિ થવી વગેરે મુખ્યરૂપે જોવા મળતી તકલીફો છે. ઘણીવાર પેશાબ અટકી જવાથી આફરો, બેચેની, શ્વાસ, ગભરામણ વગેરે જેવી ફરિયાદો પણ થતી જોવા મળતી હોય છે. મૂત્રનં અટકવાથી પેશાબ માર્ગનાં ગંભીર રોગો થવાની શક્યતા વધી જાય છે.
ઘણીવાર મૂત્રાશયગતશોથ (સોજો), મૂત્રાશયમાં પથરી, મૂત્રાશયમાં ગાંઠ, મૂત્રમા અધિક અમ્લતા, વગેરેનાં કારણે પણ મૂત્ર કષ્ટતાપૂર્વક થતો હોય છે. આ ઉપરાંત અતિશય અધિક વ્યાયામ, અતિ પ્રમાણમાં આલ્કોહોલ, દારૂનું સેવન, ઘોડેસવારી, અજીર્ણમાં ભોજન વગેરેથી પણ દોષો દૂષિત થઇ મૂત્રમાર્ગમાં સંકોચ ઉત્પન્ન કરે છે. તો ક્યારેક આ દોષો મૂત્રાશય પર દબાણ વધારે છે. જેથી મૂત્રત્યાગનાં સમયે કષ્ટતા તકલીફ થાય છે. આયુર્વેદની ભાષામાં આ રોગને 'મૂત્રકૃચ્છ' (Dysuria) ના નામઆપેલું છે, એ જ રીતે જ્યાર મૂત્ર મૂત્રાશયમાંથી બહાર ન આવે એટલે કે, પેશાબ રોકાઈ જાય કે અટકી જાય તેને આયુર્વેદ પરિભાષામા 'મૂત્રાઘાત' નામનો વ્યાધિ કહે છે. જે વ્યક્તિઓને મૂત્ર ને રોકવાની કુટેવ હોય તેમને આ રોગ થવાની સંભાવના વધુમાં વધુ રહે છે. આ ઉપરાંત ઘડપણ આવવાથી જેમ સ્વાભાવિક રીતે વાળ સફેદ થાય જ છે તેવી જ રીતે વૃદ્ધાવસ્થામાં મોટે ભાગે પુરુષોમાં રૌરુષગ્રંથિ (પ્રોસ્ટેટ)ની વૃદ્ધિ થતી જોવા મળે છે. જેનું કારણ આધુનિક સાયન્સમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ માનવામાં આવે છે. આ રોગમાં મોટા ભગે રાત્રિના સમયે મૂત્રપ્રવૃત્તિ અધિક થાય છે. રોગીએ રાત્રિમા ૩થી ૪ વખત પેશાબ માટે ઉઠવું પડે છે. તથા પેશાબ માટે જોર લગાવવા છતાં ઘણીવાર પેશાબ આવતો નથી. અથવા ટીપે ટીપે આવે છે અને પૌરુષગ્રંથિ આકારમાં પણ વધેલી દેખાય છે.
મૂત્રમાર્ગની સમસ્યાઓ અનેક ગંભીર સ્થિતિનું નિર્માણ કરી શકે છે. જેથી આજે મૂત્રમાર્ગની સમસ્યાઓ માટે કેટલાક સરળ ઘરગથ્થુ અને આયુર્વેદિક ઉપચારો સૂચવું છું. કેટલીકવાર આ ઉપચારો સામાન્ય હોવા છતાં કાળજી કરવામાં આવે તો ચમત્કારિક પરિણામ આપી જાય છે. એક સમયે ૧થી ૨ પ્રયોગ કરી શકાશે.
જ્યારે દર્દીને પેશાબ માર્ગની સમસ્યા હોય અને પેશાબ અટકી ગયો હોય ત્યારે કૂતરિયા ઘાસનાં બી અડધો તોલો છાશમાં આપવા આ પ્રયોગથી દર્દીનો રોકાઈ ગયેલો પેશાબ છૂટે છે અથવા આ ઘાસનું શરબત નીચે પ્રમાણે બનાવીને દર્દીને આપવું. આ ઘાસનો રસ કાઢી તેમાં ૫થી ૧૦ ગ્રામ જેટલી સાકર અને થોડીક ઇલાયચી નાખવી જેથી શરબત તૈયાર થઇ જશે. આ શરબત ને ગરમ કરવું નહીં. આ શરબત લાંબો સમય રહે છે. બગડતું નથી.
૨થી ૩ ગ્રામ જેટલી પ્રવાલપિષ્ટી તેટલી જ એલીચી સાથે ગરમ દૂધમા લેવાથી પેશાબની છૂટ થાય છે.
વળી, ઇન્દ્રાવરણાનું મૂળ પાણીમાં ઘસી દર્દીને પીવડાવવાથી પણ ઝાડા અને પેશાબની છૂટ થાય છે.
પેશાબ ખૂબ અટકી ગયોહોય ત્યારે ગળી નામની વનસ્પતિનો રસ પેઢુ ઉપર ચોપડવો, તેનાથી પણ પેશાબનો ભરાવો નીકળી જાય છે.
ગોખરુ ચૂર્ણ ને દૂધમાં પકવી તેની ખીર બનાવી ખડી સાકર નાખી પીવાથી પેશાબ માર્ગની તમામ સમસ્યાઓમાં રાહત થાય છે અને પેશાબની છૂટ તાય છે.
કેસુડાના પાન અને કેળાની છાલનું ચૂર્ણ અડધો તોલો લઇ તેને ૧૦૦ ગ્રામ પાણીમાં પલાળવું. રાત્રે આ ચૂર્ણ પલાળી સવારે મસળીને ગાળી લઈ આ પાણી પીવાથી બંધ પેશાબ ઝડપથી છૂટે છે.
પેશાબમાં બળતરા થતી હોય તો લૂણીની ભાજીનો રસ પાંચ તોલા અને સાકરનું શરબત બનાવી પીવું. જેથી તરત જ પેશાબ માર્ગમાં થતી બળતરા બંધ થાય છે.
ઘણીવાર મૂત્રમાર્ગનું સંકોચન થવાથી પણ પેશાબ છૂટથી આવી શક્તો નથી. આવા સમેય કેળનું પાણી (કેળાનાં રોપાનું) પાંચ તોલા અને તળેલું ઘી પાંચ તોલાં મિક્સ કરી પીવાથી બંધ થઈ ગયેલો પેશાબ તરત જ છૂટો થાય છે અને આ રીતે પીધેલું ઘી પણ છૂટું પડી પેશાબ વાટે નીકળી જાય છે, તે પેશાબનાં રસ્તાને પણ ખુલ્લો કરી દે છે.
ઘણીવાર પેશાબ ટીપે ટીપે આવે છે જેથી પેશાબ ટપકતો રહેતો હોય ત્યારે નીચે બતાવેલા સામાન્ય ઉપયોગથી પણ બેચેને બનાવી દેતી આ ફરિયાદમાં ઘણો જ ફાયદો થાય છે.
જેમાં લાલ કોળાનો રસ ૨-૨- તોલા સવાર સાંજ પીવાથી ટપકતો પેશાબ બંધ થાય છે. આદુનો રસ ખડી સાકરમાં મેળવીને પીવાથી પણ ટપકતા પેશાબની સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે.
આયુર્વેદિક ઔષધોમાં ગોક્ષુર, શિલાજીત, પુર્નનવા, હરિમૂલક્વાથ, ભોંયરીંગણી, ત્રિફળા, આમળા વગેરે મૂત્રરોગોમાં સારુ પરિણામ આપે છે. આ ઔષધોનો ઉપયોગ નિષ્ણાતની સલાહ મુજબ કરી શકાય છે. યોગ્ય સમયે અને યોગ્ય રીતે કરાયેલ ઔષધ પ્રયોગ અવશ્ય રોગની ગંભીરતામાંથી મુક્તિ અપાવે છે.
- જ્હાનવીબેન ભટ્ટ









