Sahiyar

જ્વેલરીમાં ડ્રોન, ગોળીઓ, ટેંકો ઘડવાનો ટ્રેન્ડ

By GS Team
12 Oct 20262 mins read
જ્વેલરીમાં ડ્રોન, ગોળીઓ, ટેંકો ઘડવાનો ટ્રેન્ડ
  • યુધ્ધની આગમાં હોમાયેલા શહીદો-નાગરિકોને યાદ રાખવાની યુક્રેનવાસીઓની હૈયું હચમચાવતી રીત

અલંકારોની વાત આવે ત્યારે આપણી નજર સમક્ષ સોનુ, ચાંદી, પ્લેટિનમ, હીરા, મોતી, કિંમતી અને અર્ધકિંમતી રત્નો ઇત્યાદિમાંથી ઘડેલા પરંપરાગત અને આધુનિક ડિઝાઈનના આભૂષણોની હારમાળા સર્જાઈ જાય. દરેક વ્યક્તિને પોતાની ગમતી ડિઝાઈન અચૂક સાંભરે. પરંતુ સુખ, સમૃધ્ધિ અને શણગારના પ્રતિક ગણાતા દાગીનામાં હૃદયને ભીતરથી હચમચાવી મૂકે એવી ડિઝાઈનની તમે ક્યારેય કલ્પના પણ કરી છે ખરી? આનો જવાબ મોટાભાગે 'ના'માં જ આવે. જ્યારે આ ધરતીના એક દેશમાં ખરેખર આવા અલંકારો બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
અહીં આપણે વાત કરી રહ્યાં છીએ યુક્રેનની. છેલ્લા ચાર વર્ષથી રશિયાએ કરેલી આ દેશની ખુવારીનો ખુમારીથી જવાબ આપતાં યુક્રેનવાસીઓએ હવે તેમના અલંકારોમાં ગોળીઓ, ટેંકો, ડ્રોન અને શાંતિદૂત ગણાતા કબૂતરો સુધ્ધાંને સ્થાન આપી રહ્યાં છે.
રખે માની લેતાં કે આ તેમનો ફેશન ટ્રેન્ડ છે. તેઓ છેલ્લા ચાર વર્ષથી જે માહોલમાં એક એક પળ વિતાવી રહ્યાં છે તેને તેમણે કળામાં તબદીલ કરીને પોતાની આગામી પેઢીઓ માટે એક રીતે ઈતિહાસ રચ્યો છે એમ કહીએ તો તે વધારે પડતું નહીં ગણાય.
યુક્રેનના સ્વતંત્ર જ્વેલરી ડિઝાઈનરો તેમ જ જાણીતી બ્રાન્ડસ સુધ્ધાં ડ્રોણ, ટેંક, ગોળીઓની ડિઝાઈન ધરાવતાં પેન્ડન્ટ, વીંટી તેમ જ અન્ય જ્વેલરી બનાવતાં કહે છે કે અમે આ રીતે યુધ્ધમાં શહીદ થયેલા તેમ જ કમોતે માર્યા ગયેલા લોકોને યાદ રાખવા માગીએ છીએ. અમારા માટે આ ડિઝાઈન અમારા સંઘર્ષના પ્રતિક સમાન છે. અમારી આગામી પેઢીના બાળકો ઘરેણામાં આવી ડિઝાઈન જોઈને અમને પૂછશે કે આ શું છે, ત્યારે અમે તેમને અમારા આ સંઘર્ષની કહાણી કહીશું.
અહીં એ વાતની નોંધ લેવી રહી કે અસ્ત્રો-શસ્ત્રોની ડિઝાઈન ધરાવતાં અલંકારો યુક્રેનના સેનાનીઓથી લઈને સામાન્ય નાગરિકો સુધ્ધાં પહેરી રહ્યાં છે. આ ડિઝાઈન તેમના જુસ્સાને અકબંધ રાખવાનું કામ પણ કરી રહી છે.