Sahiyar

આવી મોસમ વેટ હેર લુકની

By GS Team
29 Sep 20263 mins read
આવી મોસમ વેટ હેર લુકની

ચોમાસામાં વાળ ભીંજાઇ જાય ત્યારે મહિલાઓ બેચેન થઇ જતી હોય છે. તેમને એમ લાગે છે કે તેમનો લુક સાવ બગડી ગયેલો લાગશે. ઓફિસ જતી માનુનીઓના કેશ રસ્તામાં ભીંજાય ત્યારે તેમને સહેજે એમ લાગે કે ઓફિસમાં એવું લાગશે જાણે હું હમણાં જ સ્નાન કરીને બહાર આવી છું. પરંતુ સૌંદર્ય નિષ્ણાતો કહે છે કે આવું વિચારવાની જરૂર નથી.આનું કારણ જણાવતાં તેઓ કહે છે કે હમણાં વેટ હેર લુકની ફેશન ચાલી રહી છે. ચોમાસું બેઠું તેનાથી પહેલા જ આવેલા આંતરરાષ્ટ્રીય ફેશન શોઝમાં સેલિબ્રિટી પામેલાઓએ વેટ હેર લુકમાં રેડ કાર્પેટ પર વૉક કર્યું હતું. આવી સ્થિતિમાં જો તમારા વાળ વરસાદમાં ભીંજાઇ જાય તો લઘુતાગ્રંથિ શા માટે અનુભવવીે?તેઓ વધુમાં કહે છે કે ખરેખર તો જેમને ઓફ સીઝનમાં આવી હેરસ્ટાઇલ કરતાં સંકોચ થતો હોય તેમણે વરસાદની ઋતુમાં આવી હેરસ્ટાઇલ કરવાની તક ઝડપી લેવી જોઇએ.
વર્ષા ઋતુનું આગમન થયું તેનાથી પહેલા જ કઇ કઇ સેલિબ્રિટી મહિલાઓએ વેેટ હેર લુક પસંદ કર્યો હતો તેના વિશે જાણકારી આપતાં તેઓ કહે છે કે કિમ કાર્દેશિયન, મેઘન ફોક્સ જેવી હોલીવૂડ સેલિબ્રિટીઓ ઉપરાંત અલાયા એફ, જાન્હ્વી કપૂર, સની લીઓની, નોરા ફતેહી,અનન્યા પાંડે,જેકલી ફર્નાન્ડીસ,કૃતિ સેનન જેવી ઘણી અદાકારાઓએ વેટ હેર લુક પસંદ કર્યો હતો.આ અભિનેત્રીઓમાંની કેટલીકે લાલ જાજમ પર તો કોઇકે બીચ પર(ખાસ કરીને માલદિવ્ઝ ખાતે), કોઇકે ઇવનિંગ પાર્ટીમાં વેટ હેર લુક પસંદ કર્યો હતો.
હેરસ્ટાઇલિસ્ટો કહે છે કે વેટ હેર લુક માટે ઝાઝી મહેનત નથી કરવી પડતી. તમે પાર્ટીમાં ન જવાના હો તોય માત્ર સ્ટાઇલિશ દેખાવા માટે વાળ ભીના હોય એવો દેખાવ ઊભો કરી શકો. વળી આ સ્ટાઇલ ચોમાસામાં બંધ બેસતી ગણાય. વેટ હેર લુક માટે શું કરવું તેના વિશે જાણકારી આપતાં તેઓ કહે છે કે વાળ ધોયા પછી તેને હવામાં જ સુકાવા દો. જો ઝાઝો સમય ન હોય તો બ્લો ડ્રાય પણ કરી શકાય. પરંતુ કેશ સાવ કોરા ન કરી નાખવા. તેમાં હળવી ભીનાશ હોય ત્યારે તેના પર હેર જેલ લગાવવાથી તે વાળ પર બરાબર ચોંટી જાય છે.તમે ચાહો તો નૉન-સ્ટીકી,હાઇ શાઇન હેરજેલનો ઉપયોગ કરી શકો. આ જેલ લાંબા સમય સુધી વાળ પર ટકી રહે છે. હા, જેલ લગાવવામાં કંજૂસી ન કરવી. જો તેનું પ્રમાણ ઓછું હશે તો વાળ સારી રીતે ભીના થયાં હોય એવા નહીં દેખાય. જેલને વાળના મૂળથી લગાવવાનું શરૂ કરો અને મધ્ય ભાગ સુધી લગાવો. વધારે પ્રમાણમાં જેલ લગાવવાથી વાળ વધુ ભીના દેખાશે. તેઓ વધુમાં કહે છે કે જેલ લગાવી લીધા પછી વાળને મોટા દાંતાવાળા કાંસકા કે પછી મોટા બ્રશ વડે હળવે હાથે ઓળો. ઉપરથી કરીને નીચેની તરફ ધીમે ધીમે ઓળવાથી વાળમાં જેલ પણ સારી રીતે ફેલાશે.
આટલું કર્યા પછી વાળને ચમક આપવા ગ્લૉસિંગ સ્પ્રેનો ઉપયોગ કરો. તેનાથી વાળમાં ચમક આવે પછી તે જાળવી રાખવા હેર સ્પ્રેનો ઉપયોગ કરો. સામાન્ય રીતે પણ વાળ વિંખાઇ ન જાય એટલા માટે આપણે હેર સ્પ્રેનો ઉપયોગ કરતાં જ હોઇએ છીએ. તેથી વેટ હેર લુક જાળવી રાખવા પણ તે છાંટો.
વેટ હેર લુકમાં કેવી હેરસ્ટાઇલ કરવી તેના વિશે માહિતી આપતાં હેરસ્ટાઇલિસ્ટો કહે છે કે તમે ચાહો તો વચ્ચે સેંથો પાડો કે પછી સાઇડ પાર્ટિંગ કરો. માનુનીઓ મોટાભાગે પોતાના ચહેરા પર શોભે એ રીતે વચ્ચે કે એક બાજુએ સેંથો પાડતી હોય છે. તેથી તમારી પસંદ અને ચહેરાના આકાર પર શોભે એ રીતે પાર્ટિશન પાડો. જો તમારા વાળ લાંબા હોયતો તમે અંબોડો લઇ શકો.જો કેશ બહુ લાંબા ન હોય તો પોનીટેલ લો કે પછી વાળ ખુલ્લા રાખો. ખુલ્લા વાળમાં બીડેડ હેરબેન્ડ, મેટાલિક પીન્સ સરસ લાગશે.
આ હેરસ્ટાઇલ સાથે કેવા પોશાક વધુ સારા લાગશે તેના વિશે તેઓ કહે છે કે તેની સાથે વન શૉલ્ડર ડ્રેસ,ઓફ્ફ શૉલ્ડર ડ્રેસ, પેન્ટ સુટ સુંદર લાગે છે.