Sahiyar

પાટનગર દિલ્હીમાં છે એક અજાયબ ગુડિયાઘર

By GS Team
28 Sep 20268 mins read
પાટનગર દિલ્હીમાં છે એક અજાયબ ગુડિયાઘર
  • ચાલો, લાજવાબ ડોલ્સ મ્યુઝિયમની મુલાકાતે

પાટનગર દિલ્હીમાં રાજકારણી એકબીજાને કઠપૂતળીની જેમ ઊંચકીને એક સ્થાનેથી બીજે સ્થાને મૂકી દેવામાં પારંગત હોય છે, ઘણા એવું માને છે કે દિલ્હીમાં સરકારી ઈમારતો, લાલ કિલ્લો, ચાંદની ચોક કે તેથી વિશેષ જોવા જેવું શું હોય. કપટી અને સ્વાર્થી લોકોના આ નગરમાં નિર્દોષ, નાજુક, નખરાળી નવીનવાઈની ઢીંગલીઓનું મ્યુઝિયમ છે એ વાત કેટલા લોકો જાણતા હશે. આ સંગ્રહાલય તો વર્ષો પુરાણું છે અને એ શંકર્સ ઇન્ટરનેશનલ ડોલ્સ મ્યુઝિયમના નામે ઓળખાય છે.
હમણાં આ સંગ્રહસ્થાન ફરી પ્રકાશમાં આવ્યું છે. મ્યુઝિયમના વહીવટકર્તાઓએ જાહેરમાં ટહેલ નાખવી પડી છે કે અમને નવી ઢીંગલીઓ આપો જેથી અમારો સંગ્રહ સમૃધ્ધ થાય. લોકો ફરી આ સ્થળની મુલાકાતે આવે અને એ બહાને સંગ્રહાલયને આવક થાય. ૬૦૦૦થી વધુ પ્રકારની વિશિષ્ટ ઢીંગલીઓ ધરાવતું આ ડોલ મ્યુઝિયમ અત્યારે નાણાભીડ અનુભવી રહ્યું છે. એથી કંઈ આ સ્થળના છ દાયકા જૂના રસપ્રદ ઇતિહાસને ઝાંખમ લાગવાની નથી.આ મ્યુઝિયમની સ્થાપના ૩૦ નવેમ્બર ૧૯૬૫માં થઇ હતી. આ મ્યુઝિયમનો ફલોર એરિયા ૫૧૮૪ ચોરસ મીટર છે.
૬૦ વરસ પહેલાં હંગેરીના એલચીએ ભારતમાંના તેમના વસવાટ દરમિયાન એક મિત્રને ઢીંગલી ભેટ આપી હતી. એ વખતે તેમને તો ખબર પણ નહોતી કે આ એક મામૂલી ભેટ અનેરા સર્જન માટે નિમિત્ત બની રહેશે.
પેલા એલચીએ જેને ઢીંગલી ભેટમાં આપી હતી એનું નામ છે કે શંકર પિલ્લાઈ કળાજગતમાં તેમનું નામ ત્યારે ખૂબ મશહુર હતું. ઢીંગલીની ગિફ્ટ મેળવ્યા પછી વિચારે ચઢી ગયેલા શંકરને તરકીબ સૂઝી. અવનવી ઢીંગલીઓનો સંગ્રહ કરી એક મ્યુઝિયમ કેમ ન બનાવીએ? શંકરને સુંદર પોશાકમાં સજ્જ હોય તેવી ઢીંગલીઓ બહુ ગમતી. આ આઇડિયા મગજમાં આવ્યા પછી તેઓ જ્યાં જતાં ત્યાંથી નવા પ્રકારની ઢીંગલી ખરીદી લાવતા. કેટલાંક તો તેમના ઢીંગલીપ્રેમથી પ્રેરાઈને શંકરને વિશિષ્ટ પ્રકારની ડોલ ભેટ આપતા.
આ રીતે શંકર પાસે ૫૦૦થી વધુ ઢીંગલીઓ ભેગી થઈ પછી તો એ ઉત્સાહમાં આવી ગયા. દેશભરમાં ફરી વળી તેઓ જ્યાં ત્યાં ઢીંગલીનું પ્રદર્શન ભરતા. તેમાં બાળકોનાં પેઇન્ટિંગ્સ પણ ગોઠવતા. ૧૯૪૭થી દર વર્ષે બાળકોની ચિત્રકળા સ્પર્ધા ગોઠવવાની પ્રથા પણ તેમણે ચાલુ જ રાખી હતી.
નવી દિલ્હીમાં આવું જ એક ઢીંગલી પ્રદર્શન ગોઠવ્યું હતું તેમાં બીજા મુલાકાતીઓ ઉપરાંત વડા પ્રધાન જવાહરલાલ નહેરુ તેમનાં દીકરી ઈન્દિરા સાથે હાજર હતા. નહેરુને પણ દેશ-વિદેશની ઢીંગલીઓનું પ્રદર્શન જોવાની મઝા પડી ગઈ. તેમણે શંકરને પાસે બોલાવીને પૂછ્યું કે આટલી ફક્કડ ઢીંગલીઓનો સંગ્રહ છે તો પછી એક કાયમી સંગ્રહાલય કેમ નથી ખોલતો? શંકરને આ સૂચન ગમી ગયું. ૧૯૫૭માં તેમણે ડિલ્ડ્રન્સ બુક ટ્રસ્ટની સ્થાપના કરી. એ વખતે દિલ્હીના બહાદુરશાહ ઝફર માર્ગ (દિલ્હીની ફલિટ સ્ટ્રીટ) પર એક મકાનનો પહેલો માળ શંકરને ફાળવવામાં આવ્યો. આ જગ્યાએ તેણે ડોલ મ્યુઝિયમ શરૂ કર્યું. જોકે મ્યુઝિયમનું ઉદ્ઘાટન નેહરુ અવસાન પામ્યા એના પછીના વર્ષે રાષ્ટ્રપતિ રાધાકૃખ્ણનને હાથે (૧૯૬૫)માં થયું.
ત્યારથી આજ સુધીમાં આ મ્યુઝિયમે કેટલાંય આબાલવૃધ્ધોને ખુશ કર્યા છે. મ્યુઝિયમવાળા મકાનની બહાર વિવિધ રંગ અને જુદા જુદા આકારની ઢીંગલીઓનાં ચિતરામણ અને સ્કેચ એ રીતે દોરવામાં આવ્યાં છે જેથી રસ્તે જનારાને કૌતુક થાય અને આ મકાનમાં શું હશે એ જાણવા ઉત્સુક બને.
સ્થાપના પછી ૧૯૬૫થી ૧૯૯૦ સુધીમાં આ મ્યુઝિયમમાં સવાપાંચ હજાર ઢીંગલીઓનો ઉમેરો થયો છે. મોટા ભાગની ડોલ્સ ગિફ્ટ તરીકે આવે છે. આ રીતે તેમણે ૮૫ દેશોની ઢીંગલીઓ ભેગી કરી છે. તેથી જ શંકરનું ડોલ મ્યુઝિયમ આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનવાની પૂરી શક્યતા છે. અત્યારે આ સ્થળે ૬૦૦૦થી વધુ ઢીંગલીઓ છે. ઘણી ખરી ઢીંગલીઓ તો વિદેશી રાજદૂતાલયો તરફથી ભેટ મળી છે. ભારતયાત્રાએ આવનારા મહાનુભાવો પણ તેમની સાથે તેમના દેશના પોશાકથી શોભતી ઢીંગલી લાવે છે અને શંકરને ભેટ આપે છે. આ મ્યુઝિયમની પ્રશંસા કરનારા કેટલાંક વિદેશી ટુરિસ્ટોએ પણ પોતાની ઇચ્છા મુજબ ઢીંગલી મોકલી છે.
આ ડોલ મ્યુઝિયમની સ્થાપના થઈ કે તરત સારા શુકન થયા. શંકરે મ્યુઝિયમ શરૂ કર્યું તેના ૧૫ દિવસ પછી ભારતયાત્રાએ આવેલાં મેડમ ટીટોએ આ સંગ્રહસ્થાન જોયું. તેમને બહુ જ પસંદ પડયું, તેમણે યુગોસ્લાવિયા જઈને તરત ૨૭ જોડી ઢીંગલી ભેટરૂપે મોકલી ત્યારબાદ પાંચ વર્ષ પછી ફરી દિલ્હી આવ્યાં ત્યારે પણ તેમણે ડોલ મ્યુઝિયમ જોવા ખાસ સમય કાઢ્યો. ગ્રીસની રાણી ફ્રેડરિકા, થાઈલેન્ડનાં રાણી તથા ઈરાનના શાહની બહેન, મેક્સિકો અને ઇન્ડોનેશિયાના પ્રમુખની પત્નીઓએ તથા પોલેન્ડ અને દક્ષિણ કોરિયાના વડા પ્રધાનની પત્નીઓએ આ મ્યુઝિયમની મુલાકાત લીધી છે. આમાંથી જે કોઈને ઠીક લાગી એવી ઢીંગલી તેમના દેશમાંથી પાર્સલ કરીને દિલ્હી મોકલી છે. કેનેડા સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમના આદાન-પ્રદાનના ભાગરૂપે શંકર્સ ડોલ મ્યુઝિયમને હજુ બીજી ૧૦૦ ઢીંગલી મળવાની છે.
સંગ્રહમાંની ઢીંગલીઓ કુલ ૮૫ દેશોનું પ્રતિનિધિત્વ કરે છે. થાઇલેન્ડ, ઈરાન, યુગોસ્લાવિયા, રશિયા, જાપાન વગેરે દેશોની ઢીંગલીઓ વિશેષ આકર્ષણ ઊભું કરે છે. આ કારણે આ મ્યુઝિયમ આંતરરાષ્ટ્રીય સ્તરનું લાગે છે અને કોસ્ચ્યુમ ડોલના વિશ્વમાં સૌથી મોટા સંગ્રહનો રેકોર્ડ ધરાવે છે.
સંપૂર્ણ એરકન્ડિશન્ડ મ્યુઝિયમમાં બધી જ ઢીંગલીઓ ૩૦૦ મીટર લાંબા કાચના શૉકેસમાં ગોઠવેલી છે. પહેલા ભાગમાં યુરોપ, બ્રિટન અને ઉત્તર-દક્ષિણ અમેરિકાની ઢીંગલીઓ ગોઠવી છે. બીજા અડધા ભાગમાં કેટલાંક આફ્રિકન તથા એશિયન દેશોની ઢીંગલીઓ સજાવી છે. ભારતના તમામ પ્રાંતોનો પોશાક, હેરસ્ટાઈલ, આભૂષણો તેમ જ બીજી ખાસિયત વ્યક્ત કરે તેવી ઢીંગલીઓ પણ અહીં જોવા મળે છે. જુદી જુદી નૃત્યશૈલીમાં તેમ જ દરેક રાજ્યના ઉત્સવની ઉજવણી તાદશ કરતા ટેબ્લો પણ અહીં છે.
આ સંગ્રહાલયમાં સ્વિટ્ઝર્લેન્ડની એક ઢીંગલી તો ૨૫૦ વર્ષ જૂની છે. જાપાનની કાબુકી ડાન્સર, હંગેરીના મેપોલ ડાન્સરો તેમ જ સ્પેનના ફલા મેન્કો નૃત્યવીરોને પણ અહીં પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે. તેમાં મહાત્મા ગાંધીની દાંડીકૂચ, કથકલી નૃત્ય તેમ જ અમેરિકન યાત્રી ચંદ્ર પર ઉતર્યા એ ઘટનાને સાકાર કરતી સુંદર ગોઠવણ અહીં છે.
ક્રિસમસ અને જન્માષ્ટમી જેવા તહેવારો ઊજવતા ભારતીયોને ઢીંગલા-ઢીંગલી સ્વરૂપે ટેબ્લોમાં ગોઠવી પ્રદર્શનમાં મૂક્યાં છે.
૧૯૭૦થી આ મ્યુઝિયમ સાથે સંકળાયેલી વર્કશોપ સ્થપાઈ છે. તેમાં કારીગરોને ભારતીય શૈલીની અવનવી ઢીંગલીઓ બનાવવાની તાલીમ અપાય છે. દરેક ઢીંગલી પુષ્કળ સંશોધન કર્યા બાદ જે તે જાતિની મહિલા કે છોકરીના બંધારણની વિશિષ્ટતા ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. જ્વેલરી, હેરસ્ટાઈલ પ પણ ભાર અપાય છે. આ ઢીંગલીઓ ત્યારબાદ વિદેશયાત્રાએ જતા મહાનુભાવોને અપાય છે જે પરદેશમાં પોતાના યજમાનને ભારતીય ઢીંગલીની ભેટ આપે છે.
સ્કૂલના વિદ્યાર્થીઓને વિશ્વના જુદા જુદા ભાગમાં વસતા લોકો, જનજાતિ તેમના પહેરવેશ અને ઉત્સવોથી માહિતગાર કરવા તેમને આ મ્યુઝિયમમાં રાહતદરે પ્રવેશ મળે છે. આ મ્યુઝિયમમાં બનેલી એક ઢીંગલીને તો વિશ્વની સુંદર ડોલ તરીકેનું ઈનામ ગોલ્ડન પિકોક ૧૯૮૦માં પોલેન્ડ ખાતે મળ્યું હતું.
આ ડોલ મ્યુઝિયમનાં ક્યુરેટર કહે છે કે નાણાંના અભાવે અમે જોઈએ એટલી કાળજી લઈ શકતા નથી. માત્ર ઝાપટઝૂંપટ કરીને શૉકેસમાંથી ધૂળ ખંખેરી કાઢવા સિવાય ઢીંગલીની સ્વસ્છતા જાળવવા બીજું કશું કરી શકાતું નથી. તેમનાં કપડાં બદલવાનો વ્યાયામ કરવા તો કોઈ તૈયાર જ નથી.
તેઓ કહે છે કે વિદેશી હૂંડિયામણની સગવડ અમને મળતી નથી તેથી અમે પરદેશી ઢીંગલીઓ વસાવી શકતાં નથી. ભેટમાં મળેલી ડોલથી જ કામ ચલાવી લઈએ છીએ. આમેય વિદેશમાં બનેલી ડોલ સાચવવી અઘરી થઈ પડે છે કારણ કે દરેક માટે જુદી ડાઈ વપરાઈ હોય અને કાપડ, સીવણકામ વગેરે પણ ભિન્ન પ્રકારનાં હોવાથી આ કામ ખૂબ મુશ્કેલીભર્યાં બને છે. આ સંજોગોમાં ડોલ મ્યુઝિયમનો સંગ્રહ વધતો નથી અને જે છે એ ઢીંગલીઓ જુનવાણી થતી જાય છે. કેટલીક ઢીંગલીના અંગઉપાંગમાં તો તિરાડ પડી છે અથવા અવયવો સાંધામાંથી ઢીલા પડી ગયા છે, પણ તેનો કોઈ ઉપાય નથી જડતો.
આમ છતાં મ્યુઝિયમના વહીવટકર્તાઓ નવેસરથી પ્રયાસ આદરીને આ સ્થળની શાન વધારવા પ્રયત્નશીલ છે.
જાતજાતની મુસીબતો નડતી હોવા છતાં આ ડોલ મ્યુઝિયમ નાનાં બાળકો માટે આનંદ મેળવવાનું અનોખું સ્થાન છે. તેમાં લટાર માર્યા પછી બાળક પરીઓના દેશમાં પહોંચી ગયાનો અહેસાસ કરે છે. દર વર્ષે બે લાખ મુલાકાતીઓ આ મ્યુઝિયમ જોવા આવે છે. ખરેખર આ સંગ્રહસ્થાનની ઢીંગલીઓ મૂંગા મોઢે પણ પ્રેમ, શાંતિ અને અહિંસાનો સંદેશો પ્રસારતી રહે છે.
દિલ્હીનું આ ઇન્ટરનેશનલ ડોલ્સ મ્યુઝિયમ એ કંઈ માત્ર ઢીંગલીઓનું સંગ્રહસ્થાન નથી. એક આલિશાન અને આકર્ષક મકાનમાં બાળકો માટે બાળપુસ્તક ટ્રસ્ટ પણ ચાલે છે. શંકર વીકલી તરફથી દર વર્ષે બાળકો એક સાથે બેસીને પોતાને એ જ ઘડીએ સુઝે તે અને જેવાં આવડે તેવાં ચિત્રો ચીતરે છે. આ પ્રકારની શિશુચિત્ર સ્પર્ધાએ તો આંતરરાષ્ટ્રીય રસ જગાડયો છે. દેશ દેશના બાળકો તેમાં ભાગ લે છે અને બાળકની સાહજિકતા, મનસ્વિતા, બાળકનું તરંગીપણું અને તેનામાં રહેલી મનોવૈજ્ઞાાનિક લાક્ષણિકતાની વૈવિધ્યસભર ઝાંખી આ ચિત્રોમાં થાય છે. બાળકો માટેના સચિત્ર સાહિત્યથી પણ આ પુસ્તકાલયના ભંડાર ભરેલાં છે.
આ આંતરરાષ્ટ્રીય ઢીંગલી ઘરમાં જેવા તમે દાખલ થાવ કે તુરત જ તમને એક રોમાંચક અનુભવ થાય. ભારતના વિવિધ રાજ્યોની વિશિષ્ટતા ધરાવતી ઢીંગલીઓ ઉપરાંત એશિયા અને યુરોપની આંતરરાષ્ટ્રીય ઢીંગલીઓ તમારું સ્વાગત કરવા જાણે કે ગોઠવાઈ ગઈ હોય છે. પરીઓના દેશની જેમ આંખો સામે ઢીંગલીઓનો દેશ ઉપસ્થિત થાય. આ મ્યુઝિયમમાં પ્રવેશ ફી પણ છે. પુખ્ત વયની વ્યક્તિના રૃા.૧૭ અને ૧૨ વર્ષ સુધીના બાળક માટે ૬ રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે. ૨૦ બાળકોનું જુથ સાથે આવે તો દરેક બાળક દીઠ ટિકિટનો ચાર્જ માત્ર ૩.૫૦ રૃા. છે.
એ ઢીંગલીઓના વેશ જુઓ, નાક જુઓ, નકશો જુઓ, તેની છબી અને છટા જુઓ- સૌની પાસે પોતપોતાનું વ્યક્તિત્વ છે. પોતપોતાની વિશિષ્ટતા છે. આ ઢીંગલીઘર એકલપંડે જોવામાં જરાય મજા નથી. કળારસિકો સાથે બાળગોપાલ જોડે જોવાનો આનંદ અનેરો છે. એ ઢીંગલીઓ મુંગી રહે છે, પણ એ ચિત્તતંત્રના ગ્રામોફોનને એવી ચાવી આપે છે કે તમે મનોમન વાતો કરતા થઈ જાવ. એક જુઓ ને બીજી ભૂલો એવી ગમ્મત થાય. તેમાં ગરબે ગમતી ગુજરાતણ છે. કૂવે પાણી ભરતી રાજસ્થાનની પનિહારી છે. મધ્યપ્રદેશના ભીલ છે, પંજાબના ભાંગડા નૃત્ય, કેરળના હાથી, કાશ્મીરની વેશ શોભા અને દેશશોભા છે. જાપાન, ઈજિપ્ત, બ્રિટન, બોલિવિયા, ફ્રાન્સ, રશિયા- અરે કેટલા દેશ ગણાવું અને કેટલા ભૂલી જાઉં. ઓહો- આ ઢીંગલીઓ જ પુરવાર કરે છે કે આ સમગ્ર દુનિયા એક અને અવિભાજ્ય છે. અખંડ એશિયા અને અખંડ યુરોપ એવા વિશાળ ભાગલા પણ જચતા નથી. સાંકડા લાગે છે, પણ ઢીંગલીઓ રમીને મોટા થયેલા આચાર અને વિચારમાં મોટા થયા માનવીઓ આ વાત ક્યાં સમજે છે? એમને તો અખંડતાની વાત કરતાં કરતાં ખંડ પરખંડના ટુકડા પાડવામાં રસ છે. દેશદેશની ઢીંગલીઓએ રચેલો આ ઢીંગલીઓનો દેશ જોઈને મને તો બુધ્ધિ મિથ્યા લાગે છે. બધા વાદ પ્રત્યે ઉદાસીનતા જાગે છે અને થાય છે કે આવડી મોટી દુનિયામાં વસતા આપણે બધા મારુંતારું ભૂલીને સંગ્રહ અને વિગ્રહને તિલાંજલિ આપીને ધરતીના ભંડાર અને આકાશના અંબાર વચ્ચે એકબીજાની ઓથો ઓથે આનંદથી કાં ન જીવીએ?
ના, આપણા કરમમાં એવું રૂડું જીવન નથી લખાયું કારણ કે આપણામાં બાળક જેવો નિજાનંદ નથી. બાળક જેવો બ્રહ્માનંદ નથી. આપણે બધા સ્વાર્થાનંદમાં અને રાજકારણાનંદમાં ચૂર છીએ. નેતાનંદમાં ધૂત છીએ.