Sahiyar

ફ્લાઇંગ ફોબીયાની ચિંતાજનક વાતો : કોઇ માર્ગદર્શન કે સારવાર છે ખરાં?

By GS Team
12 Oct 20264 mins read
ફ્લાઇંગ ફોબીયાની ચિંતાજનક વાતો  :  કોઇ માર્ગદર્શન કે સારવાર છે ખરાં?
  • ઘણી વ્યક્તિઓને જમીનથી અફાટ આકાશમાં ૨૫,૦૦૦ -- ૩૩,૦૦૦ ફૂટની ઉંચાઇએ ઉડતા વિમાનમાં મુસાફરી કરવાનો છૂપો ડર હોય છે : વિમાનમાં કોઇ યાંત્રિક ખામી સર્જાશે કે કોઇ ગંભીર સમસ્યા સર્જાશે તો અમારું શું થશે ?

આજના સાયન્સ અને ટેકનોલોજીના આધુનિક યુગમાં ે વિમાનની મુસાફરી દ્વારા એકથી બીજા સ્થળે ઓછા સમયમાં પહોંચી શકાય છે. આ જ સુવિધાને કારણે ઉદ્યોગપતિઓ, વેપારીઓ, વિવિધ દેશના પ્રમુખ અને વડા પ્રધાન વગેરે એર ટ્રાવેલ વધુ પસંદ કરે છે.
બીજીબાજુ ઘણાં લોકોને વિમાનની મુસાફરી દરમિયાન જબરો ડર લાગતો હોય છે. ખાસ કરીને અમદાવાદના ભારે જીવલેણ વિમાન અકસ્માત બાદ તો પ્લેનનું નામ લેતાં જ લોકોનાં મનમાં ભયનું લખલખું ફરી વળે છે. આવી વ્યક્તિઓ તેમનો ભય બીજાં લોકો સમક્ષ નથી દર્શાવતાં. આમ છતાં તેઓ વિમાન જેવો અફાટ ગગનમાં મોટો કૂદકો મારે એટલે કે ટેક ઓફ્ફ કરે કે તરત જ આંખો બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરતાં હોય છે. પ્લેન તેના નિશ્ચિત શહેરના મથક પર સલામત રીતે ન ઉતરે એટલે કે લેન્ડ ન થાય ત્યાં સુધી એક કે બીજી પ્રાર્થના કરતાં હોય છે. અમુક મુસાફરો બીજાં મુસાફરો સાથે વાતચીત કરીને કે નાના ટેલિવિઝન પર ફિલ્મ કે સમાચાર જોઇને તેમનું મન હળવું કરતાં હોય છે.
વિમાનની મુસાફરીના આ પ્રકારના છૂપા ભય કે ચિંતાને તબીબીશાસ્ત્રમાં ફ્લાઇંગ ફોબીયા કહેવાય છે. ફ્લાઇંગ ફોબીયાને કારણે ઘણાં મુસાફરોની તબિયત આકાશમાં જ ચિંતાજનક થઇ ગઇ હોવાના અખબારી અહેવાલ પ્રસિદ્ધ થયા છે. ખાસ કરીને પેસેન્જર એરોપ્લેન અફાટ આકાશમાં ૨૫,૦૦૦ -- ૩૩,૦૦૦ ફૂટની ઉંચાઇએ વાદળો વચ્ચેથી પસાર થાય ત્યારે જબરું હાલકડોલક થાય છે, જેને ટર્બ્યુલન્સ કહેવાય છે.
હા, આવા ટર્બ્યુલન્સ પહેલાં વિમાનનો મુખ્ય પાયલોટ તમામ મુસાફારોને જાણ કરે છે કે આપણું વિમાન ગાઢ વાદળો વચ્ચેથી પસાર થવાની તૈયારીમાં છે. હવામાન ખરાબ છે. મહેરબાની કરીને તમામ મુસાફરો તેમની સીટમાંથી ઉભાં ન થાય કે બાથરૂમમાં પણ ન જાય. સીટ બેલ્ટ પહેરી રાખે. ચિંતા કરવાની કે ડર રાખવાની જરાય જરૂર નથી. વિમાન સંપૂર્ણપણે સલામત રીતે જ ઉડી રહ્યું છે. વિમાન મુસાફરીનો ભરપૂર આનંદ માણો.

  • ફ્લાઇંગ ફોબીયા એટલે શું ? કેવાં લક્ષણો હોય ?
    ઇન્ટરનેશનલ સિવિલ એવિયેશન ઓર્ગેનાઇઝેશન(આઇ.સી.એ.ઓ.) ના સર્વેક્ષણની વિગતો એમ કહે છે કે વિમાનની મુસાફરી દરમિયાન ૪૦ ટકા જેટલાં મુસાફરોને માનસિક ભય અને પોતાની સલામતીની ઘેરી ચિંતા સતાવતાં હોય છે. તબીબી ભાષામાં આ પ્રકારના છૂપા ભય કે ઘેરી ચિંતાને એન્ઝાઇટી કહેવાય છે. સરળ રીતે સમજીએ તો આવાં લોકોના મનમાં હવે શું થશે ? એવા વિચાર ઘુમરાતો રહે છે. પરિણામે છૂપો ભય રહે છે. છૂપા ડરને કારણે તે વ્યક્તિના હૃદયના ધબકારા વધી જાય. શ્વાસોચ્છવાસની પ્રક્રિયા ઝડપી બની જાય. ક્યારેક શરીરમાં ધુ્રજારી પણ થાય. પરસેવો પણ થાય. જબરી બેચેની લાગે. માનસિક તાણ કે ભારણ વધી જાય વગેરે જેવાં લક્ષણો જોવા મળે.
    ફ્લાઇંગ ફોબીયા ધરાવતી વ્યક્તિઓને એવો ભય સતાવતો હોય છે કે આપણા વિમાનમાં કદાચ પણ કોઇ યાંત્રિક ખામી સર્જાય કે અન્ય કોઇ સમસ્યા સર્જાય તો અફાટ આકાશમાં કોઇ જ પ્રકારની મદદ ન મળે. અમે અમારી મુઝવણ પણ કોઇને ફોન કરીને ન કહી શકીએ કે જેથી તેઓ તરત જ સહાય કરવા આવે.આવી કટોકટીની પરિસ્થિતિમાં તો બચી શકવાની શક્યતા બહુ બહુ ઓછી રહે. બસ, ભરોસો ફક્ત ભગવાનનો હોય.
    ફક્ત ફ્લાઇંગ ફોબીયા જ નહીં, ઘણાં લોકોને તો પહાડી પ્રદેશોમાંનાં રિસોર્ટ્સ, હોટેલ્સમાં જતાં કે ધર્મસ્થાનોમાં જતાં પણ જબરો ભય લાગતો હોય છે. ઉદાહરણરૂપે ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, ઉત્તર કાશી વગેરે જેવાં પ્રસિદ્ધ યાત્રાધામ જવા માટે સમુદ્રની સપાટીથી ૧૦,૦૦૦ થી ૧૧,૦૦૦ ફૂટની ઉંચાઇએ મિની બસ પર્વતોના ગોળ ગોળ રસ્તા પર ધીમી ગતિએ આગળ વધતી હોય છે.
    બસમાં પ્રવાસ કરતાં અમુક મુસાફરોને આકાશ સાથે વાત કરતા પહાડ , નીચે ઉંડી ખીણ, થોડેક દૂરના અંતરે ધસમસતી ગંગા મૈયા વગેરે દ્રશ્યો જોઇને જબરો ડર લાગતો હોય છે. આપણી બસ ક્યાંક ઉંડી ખીણમાં તો નહીં ખાબકે ને ? ઉંચા પહાડ પરથી કોઇ ભારેભરખમ શીલા કે ભેખડ તો નહીં પડે ને ? વગેરે જેવા ડરામણા વિચારો ઘુમરાતા હોય છે.
  • ફ્લાઇંગ ફોબીયા કેવી રીતે દૂર થાય ? કોઇ સારવાર -- તાલીમ હોય છે ?
    હા, ફ્લાઇંગ ફોબીયાની મુંઝવતી સમસ્યા દૂર થઇ શકે છે. ઘણી વ્યક્તિઓ વિમાનની મુસાફરી અગાઉ ખાસ પ્રકારની એન્ઝાઇટી પીલ્સ( છૂપો ડર કે ચિંતા દૂર કરવા માટેની દવા : ગોળી) લેતાં હોય છે.
    આજના આધુનિક યુગમાં આ પ્રકારનો ફ્લાઇંગ ફોબીયા દૂર કરવા અને વિમાન મુસાફરીનો ભરપૂર આનંદ માણવાના હેતુસર કલિનિકલ સાયકેલોજિસ્ટ્સની ખાસ તાલીમ અને માર્ગદર્શનની પણ સુવિધા હોય છે.
  • વિમાનની કોકપીટ જેવી જ લાગતી કેબીનમાં -- સિમ્યુલેટરમાં બેસીને સાચુકલા પ્લેનમાં બેસીને મુસાફરી કરતા હોય તેવો મજેદાર અનુભવ કરવો
  • વિમાન જમીન પરથી હવામાં ઉંચકાય, અનંત ગગનમાં ઉડે, જમીન પર ઉતરે ત્યારે કેવી કેવી ટેકનિકલ પ્રક્રિયા થતી હોય તેનો વિશિષ્ટ અનુભવ કરવો
  • પાયલોટ વિમાન કઇ રીતે ઉડાડે છે અને તેનું સચોટ - સલામત નિયંણ કરે છે
  • ઉંડા શ્વાસ લેવા. સાથોસાથ હકારાત્મક વિચારો કરવા. આવી તાલીમથી વ્યક્તિનો આત્મવિશ્વાસ મજબૂત થાય છે. પરિણામે તેનો ફ્લાઇંગ ફોબીયા કે અન્ય પ્રકારનો છૂપો ડર હમેશાં માટે દૂર થઇ જાય છે.
  • જગદીશચંદ્ર ભટ્ટ