વિશ્વનું પવિત્ર અને અમોઘ ઔષધ :ધરો-દુર્વા

ઉપવાસ અને તપવ્રતને નજર સામે રાખીને શ્રાવણના પર્વોમાં નાગપંચમી, શીતળા સાતમ, જન્માષ્ટમી જેવા વ્રતોની રચના કરવામાં આવી છે. શ્રીવણ માસમાં દુર્વા-(ધ્રો)નું અતિશય મહત્ત્વ આપવામાં આવ્યું છે અને આ માસના પર્વોમાં દુર્વા અને ગણપતિનું પૂજન કરવાનો નિર્દેશ થયેલ છે. કેટલાંક જાણકારો ધ્રો (ધરો) અને દુર્વા બંને અલગ વનસ્પતિ છે એવું જણાવે છે.
ધ્રોની શક્તિ બતાવવા માટે પુરાણોમાં કેટલીક કથાઓ પણ છે. કુબેરનું ધન અને ભંડાર આ ધ્રો સામે ઓછો પડે છે. ભોજન લીધા બાદ જે તૃપ્તિ થતી નથી તે દુર્વાના રસથી જ થાય છે. આવી આ મહત્ત્વપૂર્ણ વનસ્પતિની પુરાણો ઉપરાંત આયુર્વેદશાસ્ત્રે પણ ભારોભાર પ્રશંસા કરી છે.
દુર્વા એ ચોમાસાનું સાહજિક ખડ છે અને તે પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. તે પ્રજાના આરોગ્ય સંરક્ષણ અને પોષણ માટે પણ ઉપયોગી છે. ઔષધીય દ્રષ્ટિએ વિચાર કરતાં વર્ષાના મંડાણ પછી જેમ વાતાવરણમાં શીતળતા આવે છે એવી જ રીતે મનુષ્યના દેહમાં પણ શીતળતા વ્યાપે છે.
શરીરમાં રહેલી સપ્તધાતુઓ, રક્ત માંસ, અસ્થિ, મજ્જા ગરમીથી ઉશ્કેરાયેલા પ્રવાહી સ્વરૂપમાં ગરમ હોય છે. ઉપરાંત સ્ત્રીઓને થતી વારંવાર કસુવાવડમાં રક્તપ્રદર અને રક્તવિકારના દર્દો ઉપરાંત બાળકને થતા રતવા અને બીજા ગરમીના દર્દોમાં દુર્વા ભારે ઉપયોગી વનસ્પતિ ઉપરાંત વ્રતોમાં પણ તેનું મહત્ત્વ સ્વીકારાયું છે.
દુર્વાને આપણે ધરો કહીએ છીએ આ ધરો જ્યાં પાણીનું વહેણ ચાલતું હોય અથવા જ્યાં પાણીનો ખાડો વિશેષ ભરાયેલ હોય ત્યાં જોવા મળે છે.
આ ઔષધ બારેમાસ મળતી હોવાથી આયુર્વેદમાં તેને અમરી નમ્રિયતે કહેવાય છે.
આ વનસ્પતિ દરેક ગામડે કૂવાની આસપાસ કે પાણી વહેતા ધોરિયામાં શહેરોમાં તેમની આસપાસ વગેરે જગ્યાએ મળે છે, ગરમ ઋતુમાં ધરો સુકાઈને સહેજ પીળાં પાન થઈ જાય છે, પરંતુ વરસાદ આવતા ફરીથી લીલાછમ બની જાય છે.
આ ધરો વેલની માફક જમીન પર ફેલાયેલા હોય છે તેના કાંડમાં ઘણી ગાંઠો થાય છે મૂળ નીકળીને જમીન પર ફેલાયેલા હોય છે. આનાં પાન ૧ થી ચાર ઈંચ લાંબા થાય છે તેનાં બીજ નાનાં નાનાં હોય છે.
આયુર્વેદના મતે ધરોની બે જાતો થાય છે. સફેદ અને ઘેરીલીલી.
સફેદ ધરોનો ઉપયોગ ઔષધ તરીકે થાય છે. ચિકિત્સામાં ધરોનો ઉપયોગ શીતળ હોવાથી બાળકોને વારંવાર ઝાડા થતાં હોય અને પેશાબની દાહને શાંત કરે છે. તૃષાને છીપાવે છે તે શરીરની જલનને મટાડે છે. બાળકને થતી ઊલટીમાં તેનો રસ આપવાથી ઊલટી બંધ થાય છે. ધરોમાં કડવો રસ હોવાથી પિત્તનો તેમ જ રક્તના વિકારો જેવા કે બાળકોને ખંડવાળ, ચકામી, શીળસમાં તેનો રસ ઉત્તમ પુરવાર થાય છે.
ધરો આયુર્વેદમાં જીવનીય એટલે કે જીવશક્તિને વધારીને શરીરમાં સ્ફૂર્તિ અને માનસિક શાંતિ પણ આપે છે.
નાના બાળક તેમજ વ્યક્તિઓને આંખ દુખતી હોય ત્યારે ધરોના પાનનો કલ્ક બનાવીને આંખ પર બાંધવાથી તરત ફાયદો થાય છે. ગાય-ભેંસ વગેરે પશુઓ ધરોનો ખોરાક તરીકે બીજા ઘાસ કરતાં વધારે ઉપયોગ કરે છે.
ઘરોમાં મધુર રસ હોવાના કારણે મૃદુ મીઠી અને પૌષ્ટિક છે. તેથી તે તેમના દૂધમાં વધારો કરે છે. માટે જ પશુઓમાં વંધ્યત્વનું પ્રમાણ ઓછું જોવા મળે છે.
જો આ પ્રયોગમાં સ્ત્રીઓના વંધ્યત્વના રોગમાં મોંઘી ઔષધી ન વાપરતાં કોઈપણ પરેજી રાખ્યા વિના દુર્વાનો પ્રયોગ કરવાથી વંધ્યત્વ દૂર થાય છે.
બાળકના જન્મ પછી પોષણના અભાવે થતા રોગમાં આયુર્વેદમાં ધરોને મેધ્ય કહેલ છે. ત્યારે ધાવણા બાળકનીમાતાને ધરોનો રસ આપવાથી બાળકના માનસિક-શારીરિક રીતે ફેરફાર થાય છે. તે શરીરને બળ આપે છે.
આયુર્વેદ મતે બાળક વારંવાર રડતું હોય, દૂધ પીતું ન હોય ત્યારે દુર્વા-ધરોનો રસ આપવાથી તે ગ્રહબાધા શાંત કરે છે. વારંવાર સ્ત્રીઓને થતી કસુવાવડમાં લીલી દુર્વાને વાટીને લુગદી બનાવી તેનો રસ હંમેશા ૫ થી ૧૦ તોલા આપવાથી તમામ તકલીફો દૂર થાય છે. માટે બહેનોએ આ પ્રયોગ અવશ્ય કરવો એથી આયુર્વેદશાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે વેદકાલન યુગમાં તેને ગર્ભસ્થાન કરનારી વનસ્પતિનું પ્રયોજન અપાયું છે.
માટે જ આચાર્ય ચરકે એને પ્રજાનું સ્થાપન કરનારી પ્રજાનું રક્ષણ કરનારી અને પોષણ આપનારી વનસ્પતિ ગણી છે. વૈદ્યરાજ સ્વ-અમૃતલાલ પટણીએ પોતાના સમયમાં કેવળ દુર્વાના રસથી ઘણા બાળકોને જીવાડી આપ્યાનો દાખલો જોવા મળે છે. તેમના મતે સુવાવડમાં માતાએ આયુર્વેદ વૈદ્યની સલાહ મુજબ બાળક જન્મયા પછી ધરોનો રસ પીવડાવવાનું શરૂ કરવું જોઈએ જેનાથી બાળકના ત્રણેય દોષો પ્રાકૃત અવસ્થામાં રહીને શરીરને બળ આપે છે.
દુર્વા પવિત્ર ઔષધ છે તેમ જ વિધ્નહર્તા પણ નથી માટે દેવ ગણપતિને પણ ધરાવવામાં આવે છે.
અષાઢ અને શ્રાવણ-ભાદરવો એ બધી વર્ષાઋતુના મહિના છે. વર્ષા જેમ માનવીના દેહને પોષણ આપે છે તેવી જ રીતે માનવીને ઉપયોગી એવી વનસ્પતિઓમાં ધરો-દુર્વા માનવજીવનને પોષણ આપી રસપૂર્ણ બનાવી દેવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.




