Sahiyar

નવ રત્નોની કમાલ : યોગ્ય રીતે ધારણ કરો તો તારે નહીં તો ડૂબાડે

By GS Team
17 Aug 20262 mins read
નવ રત્નોની કમાલ : યોગ્ય રીતે ધારણ કરો તો તારે નહીં તો ડૂબાડે

રત્ન શાસ્ત્રમાં નવ રત્ન અને ૮૪ ઉપરત્ન હોય છે. દરેક ગ્રહનો એક રત્ન હોય છે. આ રત્નો છે મુંગા, મોતી, માણેક, પોખરાજ, પન્નો, નીલમ, ગોમેદ, હીરો અને લસૂણિયું. જ્યોતિશાસ્ત્ર અનુસાર કોઈપણ રત્ન જ્યોતિષની સલાહ વિના ધારણ ન કરવું જોઈએ. રત્નો તેના આકર્ષક રંગો, આભા અને પ્રભાવને પગલે આપણને મોહ પમાડે છે. જો રત્નો જ્યોતિષોની સલાહને અનુસરીને ધારણ કરવામાં આવે તો જે તે વ્યક્તિના ભાગ્ય આડેનું પાંદડુ ખસેડવામાં સહાયક બને છે. પરંતુ ખોટી રીતે પહેરવામાં આવેલાં રત્નો જે તે માનવી માટે મુશ્કેલી પણ નોંતરી શકે. જ્યોતિષો રત્નો ક્યારે અને કેવી રીતે ધારણ કરવા તેની સમજ આપતાં કહે છે..,
માણેક :
ઘેરા રાતા રંગનો માણેક સૂર્ય રત્ન કહેવાય છે. માણેકને સોનાની વીંટીમાં મઢાવીને અનામિકા આંગળીમાં પહેરવું જોઈએ. આ રત્ન રવિવારની સવારે પહેરવાનું શુભ માનવામાં આવે છે.
મોતી :
મોતી ચાંદીની વીંટીમાં મઢાવીને કનિષ્ઠા આંગળીમાં પહેરવું જોઈએ. મોતી સોમવારના સવારના પહેરવું શુભ ગણાય છે.
મૂંગા :
લાલ રંગનો મૂંગા મંગળનો રત્ન ગણાય છે. આ રત્નને ચાંદીની વીંટીમાં જડાવીને અનામિકા આંગળીમાં મંગળવારની સવારે પહેરવાનું લાભકારક માનવામાં આવ્યું છે.
પન્નો :
લીલા રંગનું આ રત્ન જોતાવેંત મોહ પમાડી દે છે. પન્નાને બુધનો રત્ન ગણવામાં આવે છે અને તે સોનામાં જડાવીને બુધવારની સવારે કનિષ્ઠા આંગળીમાં ધારણ કરવામાં આવે છે.
પોખરાજ :
પોખરાજ ગુરૂનો રત્ન ગણવામાં આવે છે. પીળા રંગના આ રત્નને સોનાની વીંટીમાં મઢાવીને તર્જની આંગળીમાં ગુરૂવારની સવારે ધારણ કરવામાં આવે છે.
હીરો :
શુક્રનો મનાતો હીરો ચાંદી અથવા પ્લેટિનમની વીંટીમાં જડાવીને કનિષ્ઠા આંગળીમાં પહેરવામાં આવે છે. આ રત્ન શુક્રવારની સવારે ધારણ કરવાનું શુભ મનાય છે.
નીલમ :
ઘેરા ભૂરા રંગનો નીલમ શનિનું રત્ન ગણાય છે. નીલમ પંચધાતુ અથવા ચાંદીની વીંટીમાં મઢાવીને શનિવારની સાંજે મધ્યમા આંગળીમાં ધારણ કરવામાં આવે છે.
ગોમેદ :
ઘેરા લાલ અને કથ્થાઈ રંગનો ગોમેદ રાહુનો રત્ન લેખાય છે. ગોમેદ અષ્ટધાતુ અથવા ચાંદીની વીંટીમાં જડીને શનિવારે સૂર્યાસ્ત પછી મધ્યમાં આંગળીમાં પહેરવામાં આવે છે.
લસૂણિયું :
મહેંદી ગ્રીનમાં પીળી આભા અને સફેદ લાઈન ધરાવતું લસૂણિયું કેતુનું રત્ન ગણાય છે. આ રત્ન ચાંદીની વીંટીમાં જડાવીને અનામિકા આંગળીમાં મંગળવાર અથવા શનિવારે સૂર્યાસ્ત પછી ધારણ કરવામાં આવે છે.