Sahiyar

આયુર્વેદનું અમાઘ જ્ઞાન : 'ગર્ભ સંસ્કાર'

By GS Team
24 Aug 20264 mins read
આયુર્વેદનું અમાઘ જ્ઞાન : 'ગર્ભ સંસ્કાર'

આરોગ્ય સંજીવની
આયુર્વેદ શાસ્ત્ર એ ચિકિત્સાનું એટલું ગહન શાસ્ત્ર છે કે, જેમાં દરેક રોગોની ચિકિત્સાની સાથે સાથે કેટલાક ગૂઢ વિષયોનું જ્ઞાન પણ સવિસ્તાર સમજાવવામાં આવ્યું છે. જેમાં 'ગર્ભ સંસ્કાર'નો પણ સમાવેશ થાય છે. આજે વાચકમિત્રોને ગર્ભ સંસ્કાર વિશે જાણકારી આપું છું. જે માહિતી સગર્ભા માતાઓને ખુબ ઉપયોગી થશે તેવી આશા છે.
સૌ પ્રથમ તો 'સંસ્કાર' શબ્દનો અર્થ સમજીએ તો 'સંસ્કાર' કરવો અર્થાત્ કોઈ પણ વસ્તુના ગુણધર્મોમાં જડમૂળથી પરિવર્તન કરવું. ઉદાહરણ તરીકે છાશ આયુર્વેદમાં અમૃત સમાન ગણેલ છે. છાશમાં ગુપ્ત રૂપે માખણ રહેલું જ હોય છે. પરંતુ વલોણાથી વલોવીને તેમાંથી માખણ અલગ કરવામાં ન આવે તો તે કદી પ્રાપ્ત થતું નથી અને તે જ રીતે માખણને અગ્નિ પર તપાવવાનો 'સંસ્કાર' ન કરવામાં આવે તો તેમાંથી કદીયે ઘી મળતું નથી. તેજ રીતે ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે 'ગર્ભ સંસ્કાર'નું ખૂબ જ મહત્વ રહેલું છે, અથવા તો એમ કહી શકાય કે ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે 'ગર્ભ સંસ્કાર' અનિવાર્ય છે.
જે માતાઓ ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભ સંસ્કરણ સંસ્કારથી શિશુઓને જન્મ આપે છે. તેવી માતાઓને ૯ માસ બાદ બાળકના જન્મ પછી તે બાળકના વિકાસ અને તેને સારા સંસ્કારો આપવા સામાન્ય બાળક જેવી અને જેટલી મહેનત કરવી પડતી નથી. ગર્ભ સંસ્કરણથી સંસ્કારિત બાળક સાધારણ બાળક કરતાં દરેક રીતે અસાધારણ હોય છે. કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન બાળકની ગ્રહણશક્તિ અને સંવેદન શક્તિ ૧૦૦% હોય છે. જે આધુનિક વિજ્ઞાનમાં પણ અત્યારે પુરવાર થઈ ચૂકયું છે અને તેના ઘણા દ્રષ્ટાંતો આપી શકાય તેમ છે.
ગર્ભ સંસ્કારની શરૂઆત ગર્ભાધાનના ૩ માસ પહેલાથી શરૂ કરવી જોઈએ. જેને પ્રી-પ્લાનીંગ કહી શકાય. પરંતુ આજનાં સમયમાં તો ઘણી માતાઓને પ્રી-પ્લાનિંગની વાત તો દૂર રહી ગર્ભાધાન પછી પણ પોતે ગર્ભ ધારણ કર્યો છે, તેની જાણ સુધ્ધા હોતી નથી. ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે આયુર્વેદનાં ઋષિઓએ કહ્યું છે કે -
કામેચ્છાની તૃપ્તિ માટે કરવામાં આવેલો સહધર્મ કદીયે ઉત્તમ સંતાન પ્રાપ્તિ કરાવતો નથી. ગર્ભ સંસ્કારનું સૌ પ્રથમ પગથિયું એ છે કે, પતિ-પત્ની બંને શારીરિક અને માનસિક દોષોથી શુધ્ધ થઇ શ્રેષ્ઠ-ઇચ્છિત સંતાનની પ્રાપ્તિ માટે મનમાં દ્રઢ સંકલ્પ કરે અને પરમાત્માને તે માટે પ્રાર્થના કરે. અને ત્યારબાદ જ માત્ર ને માત્ર ઉત્તમ સંતાન પ્રાપ્તિના એક માત્ર હેતુથી સહધર્મને અનુસરે. આવા ગુણવાન અને સંયમી માતા-પિતાને ત્યાં નિ:સંશય ઉત્તમ સંતાન અવતરે છે, તે નિર્વિવાદિત હકીકત છે.
સૌ પ્રથમ તો માતા બનવા ઇચ્છતી સ્ત્રીએ પોતાની શરીર શુધ્ધિ કરવી આવશ્યક છે. જે માટે આયુર્વેદમાં પંચકર્મ ચિકિત્સા બતાવી છે. નિષ્ણાત વૈદ્યની સલાહ મુજબ સ્નેહન, સ્વેદન, વમન, વિરેચન, બસ્તિ વગેરે પંચકર્મ ચકિત્સા દ્વારા કોષ્ઠ શુધ્ધિ કરાવવી. કારણ કે માતા બનવા ઇચ્છતી સ્ત્રીનું પોતાનું આરોગ્ય સ્વસ્થ અને શરીર શુધ્ધ હોય તે ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ માનસિક શુધ્ધિ પણ ખૂબ જરૂરી છે. મનમાં રહેલા રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, લાલસા વગેરે માનસદોષોનો ત્યાગ કરવો અને મનથી માતા-પિતા બંનેએ એકદમ નિર્મળ થઇ જવું. આ ઉપરાંત ઘરનું વાતાવરણ પણ ખૂબ પવિત્ર અને આનંદમય હોવું જરૂરી છે. આ ઉપરાંત પતિ-પત્નીનો એકબીજા પર નિ:સ્વાર્થ પ્રેમ, વિશ્વાસ, આદરભાવ તથા સંયમિત જીવન પણ ગર્ભ સંસ્કારમાં અગત્યનું મહત્ત્વ ધરાવે છે.
વ્યસન ત્યાગ : ગર્ભ સંસ્કાર કરાવવા ઇચ્છતા દંપતીએ વ્યસનથી નિ:સંશય દૂર રહેવું. પુરુષોએ બીડી- દારૂ- સિગારેટ- તમાકુ જેવા વ્યસનોનો ત્યાગ કરવો. વ્યસન સેવનથી વીર્ય પાતળુ અને નબળું પડે છે અને શુક્રાણુની ગતિશીલતામાં પણ ઘટાડો થાય છે.
ગર્ભ સંસ્કાર કરાવવા ઇચ્છતી સ્ત્રીનો આહાર અને ઔષધ
સ્ત્રીએ આહારમાં અત્યંત સાવધાની રાખવી જરૂરી છે. ગર્ભધારણ પહેલા પણ આ સાવધાની અનિવાર્ય છે. સ્ત્રીએ પોતાનાં આહારમાં ગાયનું દૂધ, ગાયનું ઘી, ભાત, ખીર, લીલા શાકભાજી, સૂકો મેવો, મગ, ફળ-ફળાદિ વગેરેનો વધારે સમાવેશ કરવો. અથાણું, મરચાં, જંકફૂડ, ચટણી પાપડ તથા તીખા-તળેલા અને મરચાવાળા ખોરાકથી પરેજી આવશ્યક છે. તથા ઔષધ પ્રયોગમાં ગાયનાં ઘીમાંથી બનાવેલ ફલધૃત ૧-૧ ચમચી સવાર-સાંજ ગાયનાં દૂધમાં મેળવીને લેવાનો આગ્રહ રાખવો.
ગર્ભ સંસ્કાર માટે પુરુષનો આહાર અને ઔષધ
ગાયનું દૂધ, ગાયનું ઘી, ખીર, શીરો, ભાત, ઘઉં, અડદ, ચણા, મગ, ડ્રાયફ્રુટસ તથા દિવસમાં ૨ વાર ઋતુ અનુસાર ગળ્યા ફળ-ફળાદિ લેવા. ઠંડા પીણાનો ત્યાગ કરવો.

  • ઔષધ પ્રયોગમાં ૧-૧ ચમચી ફલધૃત ગાયના દૂધમાં મેળવીને લેવું.
  • રસાયન પૂર્ણ ૧ ચમચી તથા તેમાં ખડી સાંકરનું ચૂર્ણ ૧ ચમચી મેળવી સવાર-સાંજ લેવું. જેથી વીર્ય ઘટ્ટ બને છે અને વીર્યગત દોષો નાસ પામે છે.
  • આ ઉપરાંત શતાવરી, અશ્વગંધા, સફેદ મુસળી અને કૌંચાચૂર્ણ સમાન ભાગે લઈ ૧-૧ ચમચી સવાર-સાંજ લેવું.
    ગર્ભસંસ્કારમાં આગળનાં તબક્કાઓની વધુ ચર્ચા આવતા અંકમાં કરીશું.
    (વધુ આવતા અંકે…)
  • જહાનવીબેન ભટ્ટ