મોન્સૂન મેકઅપનો જાદુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ચોમાસામાં શણગાર સજતાં કતરાવું કેમ?
વર્ષા ઋતુ આવે એટલે માનુનીઓને તેમનો મેકઅપ બગડી જવાની ચિંતા સતાવે. વરસાદના દિવસોમાં મેઘરાજા વરસતા હોય ત્યારે તેમાં મેકઅપ અડધોપડધો ધોવાઇ જવાની ચિંતા રહે. અને જ્યારે વરસાદ બંધ હોય ત્યારે ગરમી તેમ જ ભેજને કારણે મેકઅપ બગડી જવાનો ભય રહે. પરંતુ જો સમજી-વિચારીને મેકઅપ કરવામાં આવે તો તમે આ મોસમમાં પણ શણગાર સજી શકો. નિષ્ણાતો આ દિવસોમાં મેકઅપ કરતી વખતે શી કાળજી લેવી તેના વિશે માહિતી આપતાં કહે છે…..,
આ મોસમમાં હેવી મેકઅપ ન કરો. તમારા સૌંદર્ય પ્રસાધનોમાંથી ફાઉન્ડેશન અને પાવડર્ડ કોમ્પેક્ટની બાદબાકી કરી દો.
નિષ્ણાતો ચોમાસામાં મેકઅપ શી રીતે કરવો તેની જાણકારી આપતાં કહે છે કે સૌથી પહેલા ફેસવોશ વડે ચહેરો ધોયા પછી મોઇશ્ચરાઇઝર લગાવો. ત્યાર બાદ સનસ્ક્રીન લોશન એપ્લાય કરો. હવે તમારા ચહેરાની ત્વચાને એકસમાન લુક આપે એવી ક્રીમ લગાવો. જેની આંખો નીચે કાળા કુુંડાળા હોય તેણે નેણ નીચે તેમ જ આંખોની ઉપરના ભાગમાં તેમની ત્વચાના રંગ જેવું કોમ્પેક્ટ લગાવવું. આ કોમ્પેક્ટ તમારા નાક કે ગાલના રંગથી બિલકુલ જુદું ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું. હવે બ્લેન્ડિંગ બ્રશ વડે તમારી ત્વચાના વર્ણને અનુરુપ ટ્રાન્સલુસન્ટ પાવડર લગાવો. તે લગાવવા માટેનું બ્રશ એવું હોવું જોઇએ કે તેનાથી પાવડર સહેલાઇથી સમગ્ર ચહેરા પર ફેલાઇ જાય.
આ બેઝ મેકઅપ થઇ જાય એટલે ભારતીય ત્વચાને અનુરુપ, એટલે કે તમારી ત્વચાના વર્ણને શોભે એવું ક્રીમ બેઝ્ડ બ્લશ લગાવો. સામાન્ય રીતે ભારતીય ત્વચા પર પીચ, ગુલાબી કે ઓરેન્જ જેવા રંગનું બ્લશ સારું લાગે છે. આવા રંગનું બ્લશ તમારા ચહેરાને એકદમ તાજગીભર્યો લુક આપે છે.
હવે આંખોના મેકઅપની વાત કરીએ તો વોટરપ્રૂફ અથવા જેલ આઇલાઇનરનો ઉપયોગ કરો. મસ્કરા પણ વોટરપ્રૂફ જ ખરીદો. પરંતુ આઇશેડો પાવડર્ડ લગાવો. આ આઇશેડો ઓગળીને તમારા ચહેરાને બગાડશે નહીં.
જો તમારાં પોપચાં સહેજ નમેલા હોય તો આઇશેડોમાં બીજ, બ્રાઉન, પિંક જેવા શેડ લગાવો. આવા શેડ પાંપણને થોડી ઉપર બતાવવામાં મદદ કરશે. પરંતુ જો તમારી આંખો ઊંડી ઉતરેલી હોય તો આઇબ્રોના નીચેના હિસ્સાને હાઇલાઇટ કરવાથી તે સામાન્ય દેખાશે.જે તમે તમારા પરિધાનના રંગ મુજબ આઇશેડો લગાવવા માગતા હો તો તમારા પોશાકના કલર કરતાં વિરોધી શેડનો ઉપયોગ કરો. જોકે ચોમાસામાં શક્યતઃ મસ્કરા એપ્લાય કરવાનું ટાળો. જો પાર્ટીમાં કે એવા કોઇ ફંક્શનમાં જવાનું હોય જ્યાં મસ્કરા વિના તમારો મેકઅપ અધૂરો લાગે તેમ હોય તો વોટરપ્રૂફ મસ્કરા લગાવો. અને આંખો પર પાણી ન પડે તેની કાળજી રાખો. આમ છતાં જો તેના પર સહેજ પાણી પડશે તોય તે તરત જ ફેલાઇ નહીંં જાય.
જો તમારી આઇબ્રો એકદમ પાંખી હોય તોય તેના ઉપર કાંઇપણ લગાવવાનું ટાળો. આઇબ્રોને માત્ર હાથથી સરખી કરી લો.
આંખો પર ઘેરા આઇશેડોનો ઉપયોગ કર્યો હોય તો હોઠ પર એકદમ હળવા શેડની લિપસ્ટિક લગાવો. અથવા તેને ન્યુડ રાખો. પરંતુ જો તમારો આઇશેડો હળવો હોય તો ઘેરા રંગની લોંગલાસ્ટિંગ લિપસ્ટિક લગાવો. આ રેન્જની લિપસ્ટિક હોઠ પર લાંબા કલાક સુધી ટકી રહે છે. વળી ડાર્ક કલરની લિપલ્ટિકથી તમારી ત્વચા પણ ઉજળી લાગે છે.
આ દિવસોમાં વાળ ખુલ્લા રાખવાની ભૂલ ન કરો. તમે ચાહો તો ફેશનેબલ અંબોડો વાળો. અથવા ચોટલો વાળો. હેરસ્ટાઇલ આકર્ષક લાગે તેને માટે હેર એક્સેસરીનો ઉપયોગ કરી શકાય.









