Sahiyar

દુનિયાભરમાં છવાયો 'સુવર્ણ' વસ્ત્રોનો જાદુ

By GS Team
3 Aug 20263 mins read
દુનિયાભરમાં છવાયો 'સુવર્ણ' વસ્ત્રોનો જાદુ
  • સેલિબ્રિટીઓ સંગ - સોનેરી રંગ

ઈવનિંગ પાર્ટીઓ હોય કે વેડિંગ રિસેપ્શન, શિયાળો હોય કે વર્ષા ઋતુ, ક્લાસિક બ્લેક અને જ્વેલ ટોન પરિધાન ઓલટાઈમ ફેવરિટ ગણાય છે. પરંતુ વર્તમાન ફેશન ચીલો ચાતરીને ચાલી રહી હોય એમ લાગે છે. અને તે પણ વૈશ્વિક સ્તરે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણા દેશમાં શુભ પ્રસંગે પહેરાતા ગોલ્ડન કલરના વસ્ત્રોએ હવે બ્લેક અને જ્વેલ ટોનનું સ્થાન આંચકી લીધું છે. એક સમયે વિદેશીઓને જ રંગ ઝાકમઝોળ લાગતો હતો તે હવે તેમને બહુ ગમવા લાગ્યો છે. વિદેશી સેલિબ્રિટીઓ સોનેરી રંગના ડ્રેસ માત્ર રેમ્પ પર જ નહીં, ટેનિસ કોર્ટ પર સુધ્ધાં પહેરવા લાગી છે. આજે આપણે કઈ કઈ જાણીતી માનુનીઓએ ક્યારે અને ક્યો ગોલ્ડન શેડ ધારણ કર્યો હતો તેના વિશે જાણીશું.
તાજેતરમાં યોજાયેલા અભિનેત્રી આકાંક્ષા રાજન કપૂરના લગ્ન સમારોહમાં અદાકારા જાહ્નવી કપૂરે ચોવીસ કેરેટ ગોલ્ડ-પ્લેટેડ બસ્ટિયર બ્લાઉઝ સાથે ટાઈગર ડિઝાઈનની બુટ્ટી બનાવેલી ગોલ્ડન ઓઢણી ધારણ કરી હતી. ચપોચપ ઓળેલા વાળને પગલે તેના ગળામાં પહેરેલી પહોળી હાંસડી અને કાનના ડુલ આંખે ઉડીને વળગતાં હતાં. આ કમ્પ્લીટ ગોલ્ડન લુકને પગલે જાહ્નવી ત્યાં ઉપસ્થિત રહેવા અન્ય મહેમાનોના આકર્ષણનું કેન્દ્ર બની હતી.
હવે સોનમ કપૂરની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી આ ફેશનિસ્ટ ક્યારેય ગોલ્ડન કલરના વસ્ત્રો પહેરતા અચકાઈ નથી. તેણે તેની પિતરાઈ અંશુલા કપૂરના પ્રી-વેડિંગ સેલિબ્રિશનમાં હળવા સોનેરી રંગની ક્રશ્ડ ચંદેરી સિલ્ક અનારકલી પહેરીને કોઈ સ્ટેટની રાજકુમારી જેવો લુક ધારણ કર્યો હતો. તેના હળવા ગોલ્ડન અનારકલીનો દુપટ્ટો સહેજ ઘેરા ગોલ્ડન કલરનો હતો. તેના આ પોશાક સાથે ગ્રીન રત્નો જડેલા હાર અને લટકણિયા ખૂબ જચી રહ્યાં હતાં. તેના હાથમાં સફેદ મોતી સાથે લાલ-લીલા મોતી જડેલી ગોળાકાર હેન્ડબેગ પણ આંખે ઉડીને વળગતી હતી.
થોડા સમય પહેલા પેરિસમાં યોજાયેલા કોચર વીક દરમિયાન મુકેશ અંબાણીની પુત્રી ઈશાએ હોલ્ટર નેકનું એંકલ લેન્ગ્થ સ્ટ્રકચર્ડ ડ્રેસ પહેરીને ગોલ્ડન કલરની નવી મિસાલ કાયમ કરી હોય એવું લાગતું હતું. તેના ચળકતા સોનેરી રંગના ડ્રેસમાં કરેલી સહેજ હળવા ગોલ્ડન શેડની એમ્બ્રોઇડરી ડાર્ક ગોલ્ડન ડ્રેસને બેલેન્સ કરી રહી હતી.
હોલિવુડ અભિનેત્રી-ગાયિકા સેલેના ગોમેઝે પોપ સેન્સેશન ટેલર સ્વીફટના વિવાહમાં પોતાના ગમતાં પેસ્ટલ રંગોને છોડીને વાઈન ગોલ્ડ કલરનું ગાઉન પહેરીને ચીલો ચાતર્યો હતો. આ રંગ ચળકતો હોવા છતાં હળવો લાગતો હોવાથી તેની ઝાકમઝોળ આંખોને ગમે એવી ભાસતી હતી. પોતાના ગાઉનને હાઈલાઈટ કરવા સેલેનાએ એકેય ઘરેણું નહોતું પહેર્યું. તેના ઈનટર્ન કરેલા વાળ અને વિંઝ આઈલાઈનર સાથે લગાવેલી ગુલાબી લિપસ્ટિક અદાકારાને સોબર લુક આપી રહી હતી.
મહત્વની વાત એ છે કે સોનાવર્ણા પોશાક માત્ર ટ્રેડિશનલ ગાલા પૂરતા મર્યાદિત નથી રહ્યો. આ વર્ષના ફ્રેન્ચ ઓપનમાં ટેનિસ ચેમ્પિયન નાઓમી ઓસાકાએ પણ ગોલ્ડ સીક્વન ડ્રેસ પહેરીને ચીલો ચાતર્યો હતો. પછીથી તેણે કહ્યું હતું કે તેણે આ શેડની પ્રેરણા રાત્રે ચમકતા એફિલ ટાવર પરથી લીધી હતી.
ફેશન ડિઝાઈનરો કહે છે કે જો તમે પણ સોનેરી વસ્ત્રોમાં શોભવા માગતા હો તો તમારા વ્યક્તિત્વ અને ત્વચાના વર્ણને છાજે એવો ગોલ્ડન શેડ પસંદ કરો. તેની સાથે કોઈ એક જ સુવર્ણાલંકાર પહેરો. હવે તમે જે પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હશો ત્યાં અચૂક નોખા તરી આવશો.

  • વૈશાલી ઠક્કર