વિદેશોમાં 'વિધ્નહર્તા'નું વર્ચસ

અંગ્રેજો સામેના લોકોના જુવાળને વેગ આપવા માટે લોકમાન્ય ટિળક ગણેશચતુર્થીની ઉજવણીને ઘરોમાંથી બહાર શેરીઓમાં લઈ આવ્યા ત્યારે તેમને ખબર નહોતી કે એક દિવસ આ જ ઉજવણી બ્રિટન અને વિશ્વભરની પ્રજાને ઘેલું લગાડશે.
અમેરિકા
અમેરિકામાં ગણેશોત્સવની ભાવનાને જીવંત રાખવામાં બૃહદ મહારાષ્ટ્ર મંડળ અને મરાઠી વિશ્વ આ બે સંગઠનો મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે.
થોડા વર્ષ અગાઉ મકરંદ વૈદ્ય અમેરિકા ગયા હતા અને ત્યાં લોકો જે ઉત્સાહથી ભારતીય તહેવારો ઊજવે છે તે જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ફિલાડેલ્ફિયામાં જ્યાં મકરંદ વૈદ્ય રહેતા હતા ત્યાં તેમણે ઊજવેલી પ્રથમ ગણેશચતુર્થી અને મોટા ભાગના મહારાષ્ટ્રિયન એવા ૩૦૦ ભારતીયોને મળવાનું સદ્ભાગ્ય સાંપડયું હતું તે હજુ પણ તેમને યાદ છે.
મકરંદ વૈદ્ય કહે છે, 'અહીંના લોકોને પરંપરાગત ભારતીય વસ્ત્રો પહેરવાનું ગમે છે અને તેઓ ભારતમાંના લેટેસ્ટ ટ્રેન્ડથી પૂરેપૂરા માહિતગાર હોય છે. પુરુષો ચૂડીદાર કુરતા પહેરે છે, જ્યારે સ્ત્રીઓ પેઠણી સાડી પરિધાન કરે છે. એક સભ્ય ગણેશની મૂર્તિ લાવે છે અને તમામ સભ્યો મંચસજ્જા અને વ્યવસ્થાપનમાં મદદ કરે છે.' ત્યાં ઘણા બ્રાહ્મણો છે જેઓ પૂજારી તરીકે કાર્ય કરે છે અને તેઓ શ્લોકોચ્ચાર અને અથર્વશિર્ષના ગાન સાથે ભગવાન ગણેશની પ્રાણપ્રતિષ્ઠા તથા પૂજા કરાવે છે. આ પૂજા પછી બધા લોકો સ્થાનિક ભારતીય રેસ્ટોરાંમાં ભોજન માટે જાય છે. મકરંદ વૈદ્ય કહે છે, 'ફિલોડેલ્ફિયામાં ભારતીયો દર વર્ષે ગણપતિની નવી મૂર્તિ લાવે છે, પરંતુ તેઓ આ મૂર્તિનું વિસર્જન કરતા નથી.' ન્યુ જર્સીમાં મરાઠી વિશ્વ દ્વારા આવી જ રીતે ગણેશચતુર્થીની ઉજવણી કરવામાં આવે છે અને સભ્યના ઘરની પાછળ જમા થયેલા પાણીમાં સાંજે મૂર્તિનું વિસર્જન કરી દેવાય છે.
ગ્રેટર સિનસિનાટીના ત્રિવેણી મંડળે ૨૬ ઑગસ્ટે સવારે ૧૦.૩૦ વાગ્યાથી લેજીમના તાલે અને ભક્તિગીતોના સથવારે સરઘસાકારે ગણેશ ઉત્સવનું આયોજન કર્યું છે. ગ્રેટર સિનસિનાટી હિન્દુ મંદિરમાં એક દિવસ માટે ગણેશોત્સવ ઊજવાય છે.
કેન્યા
જંગલ અને સફારીની ભૂમિ મોમ્બાસા, કેન્યામાં વસતા ભારતીયોનું એક ગુ્રપ ગણેશોત્સવની આતુરતાપૂર્વક રાહ જુએ છે. જોકે જાહેરમાં ગણેશપ્રદર્શન કે વિસર્જન કરવામાં આવતું નથી, પરંતુ ભારતીય પરિવારો અંગત રીતે પોતાના ઘરે ગણપતિનું પ્રતિષ્ઠાન કરે છે. ભારતીય પૂજારીઓ વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી કરાવે છે. આશરે ૧,૫૦૦ ભારતીયો પૂજા કરવા માટે મોમ્બાસાના વિશાળ રામમંદિરમાં એકઠા થાય છે.
દુબઈ
દુબઈમાં ગણેશોત્સવના દ્રશ્યનું વર્ણન માત્ર એક જ શબ્દ વડે કરી શકાય. ભરપૂર ઉત્સાહ. 'દુબઈમાં છેક ૧૯૭૩ થી મહારાષ્ટ્ર મંડળ સક્રિય છે,' એમ છેલ્લાં ૩૫ વર્ષથી મંડળના સક્રિય સભ્ય સુનીલ હટ્ટંગડી કહે છે. તેઓ વધુમાં જણાવે છે કે 'એ દિવસોમાં એકાદ સભ્ય જુલાઈ કે ઓગસ્ટમાં મુંબઈથી ગણેશની મૂર્તિ મગાવતા હતા. આજે મૂર્તિઓ અહીયાં જ બને છે.'
લકી ડ્રોને કારણે અહીંયા પણ ગણેશોત્સવ વધુ ને વધુ લોકપ્રિય બની રહ્યો છે. આવા લકી ડ્રોમાં આકર્ષક ઈનામો આપવામાં આવે છે.
ફ્રાન્સ
દર વર્ષે પેરિસના ૧૮૨ મા જિલ્લામાં રુ ફિલિપ્પે દ ગિરાર્દ પરના શ્રી મણિકાર વિનાયકાર અલાયમ ટેમ્પલમાં ગણેશોત્સનું આયોજન કરવામાં આવે છે.
પુષ્પોથી શણગારેલી એક વિશાળ ટૅન્કનો ઉપયોગ કાંસાની ગણેશની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા માટે કરવામાં આવે છે. ગણેશની આ પ્રતિમા સામાન્યપણે પછી મંદિરમાં જ રહે છે. બીજી એક ટેન્ક ગણેશના ભાઈ સ્કંદ જેઓ મુરુગન કે કાર્તિકેયના નામે પણ ઓળખાય છે તેમના માટે શણગારાય છે. ભક્તો આ ટૅન્કોને રસ્તા પર ખેંચીને લઈ જાય છે. આ સરઘસમાં ક્યારેક અન્ય પેરિસવાસીઓ પણ જોડાય છે.
દેખીતી રીતે જ ગણેશોત્સવ હવે વિશ્વભરમાં પ્રસર્યો છે.




