Sahiyar

'સેલ્ફી'ના વળગણે સર્જેલા વિનાશક ઉપદ્રવો

By GS Team
24 Aug 20263 mins read
'સેલ્ફી'ના વળગણે સર્જેલા વિનાશક ઉપદ્રવો

સેલ્ફી લેવાનું હવે બધાને જાણે વળગણ છે. આબાલ વૃદ્ધ સહુ સેલ્ફીની માયામાં જકડાયા છે. કોલેજ જતા યુવાનો તો કોલેજ પહોંચતા પહેલા સ્ટેશને સંયુક્ત સેલ્ફી લે છે. અને સોશિયલ સાઈટ્સ પર અપલોડ કરીદે છે. આમ આ યુવાન વિદ્યાર્થીઓ પોતે કોલેજ પહોંચે એ પહેલાં એમની સેલ્ફી ઈન્ટરનેટના માધ્યમથી કોલેજ પહોંચી જાય છે. પરંતુ એવા પાંચ કારણ છે કે સૂચવે છે કે સેલ્ફી લેવું ભયજનક અને કોઈક વાર જીવલેણ સાબિત થઈ શકે છે.
સેલ્ફી દ્વારા મૃત્યુ
તાજેતરમાં સિંગાપૂરના એક નાગરિકને રજાઓ દરમિયાન સેલ્ફી ક્લીક કરવાનું ભારે પડી ગયું હતું. ઈન્ડોનેશિયાના બાલીના દરિયાકિનારે એક બે મીટર ઊંચા ખડક પરથી પોતાનો સેલ્ફી લેવાનો પ્રયત્ન કરી રહેલો આ નાગરિક દરિયામાં પડી ગયો અને તેનું ઈજાઓને કારણે ઘટનાસ્થળ પર અવસાન થઈ ગયું.
બીજા એક બનાવમાં મોસ્કોમાં એક મહિલા એક નવ એમએમની ગન માથામાં તાણી પોતાનો સેલ્ફી લેવાનું સાહસ કરી રહી હતી. અચાનક અકસ્માતે બંદૂકનું ટ્રિગર દબાઈ ગયું અને આ સાહસ દુ:સાહસ પૂરવાર થયું હતું. ગોળીએ ખોપરી ફાડી નાખી હતી.
સેલિબ્રિટીઓ ના પાડે છે
તાજેતરમાં પેરીસમાં રમાયેલી ફ્રેન્ચ ઓપનમાં રોજર ફેડરર પહેલા રાઉન્ડમાં જીત મેળવી હતી. ઉત્સાહી પ્રેક્ષકોએ ટેનીસ કોર્ટમાં ઘસી જઈને ફેડરર સાથે સેલ્ફી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. તેમને હતુ કે આ સેલ્ફી તેમના જીવનનો ચિરસ્મરણીય સેલ્ફી બની જશે. પરંતુ ફેડરરનો ગુસ્સો સાતમે આસમાને પહોંચી ગયો અને એના મતે તેની સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ખામી હતી.
કેન્સ ફિલ્મ ફેસ્ટીવલના આયોજકોએ પણ 'રેડ કાર્પેટ' પર સેલ્ફી પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ડ્રેસ્ટીવલના પ્રેસીડન્ટના મત પ્રમાણે સેલ્ફી લેતી વખતે તમે જેટલા બદસુરત દેખાઓ છો એટલા ક્યારેય નથી દેખાતા. બીજી એક સેલિબ્રિટીએ પણ પ્રતિબંધને અનુમોદન આપ્યું હતું.
ખોટો સમય અને સ્થળ
૨૦૧૩માં નેલ્સન માંડેલાની મેમોરિયલ સર્વિસમાં ડેન્માર્કના વડાપ્રધાન હેલે થોર્નિંગ, બ્રિટનના વડા પ્રધાન ડેવીડ કેમરુન અને અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા સેલ્ફી ખેંચવાના વિવાદમાં વગોવાઈ ગયા હતા અને આ ત્રણેય મહાનુભવો પોતાનો સેલ્ફીખેંચતો ફોટો જગતભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. સેલ્ફી ડેન્માર્કના પીએમએ લીધો હતો અને બાકીના મહાનુભાવોએ પોતાની જાતને અળગી કરવાને બદલે ઉલટભેર પ્રતિસાદ આપ્યો હતો. આ પગલાને દુનિયાના નૈતિક્તાના મૂલ્યોમાં થતા ધોવાણ અને પશ્ચિમી સંસ્કૃતિના ધબડકાની શરૂઆત તરીકે માનવામાં આવી હતી.
ફોટો ક્રેશ
ગયા વર્ષે સેલ્ફી અમેરિકાના એક નાનકડા વિમાનના ક્રેશનું કારણ બન્યું હતું. ભારતીય મૂળનો એક અમેરિકન નાગરિક કોલોરાડોના ડેનવર નજીક એક વિમાન ઉડાડતી વખતે પોતાનો સેલ્ફી ખેંચવાની અદમ્ય ઈચ્છા દબાવી શક્યો નહીં અને કેમેરાના ફ્લેશને કારણે એ દિશાહીન થઈ ગયો અને વિમાન નીચે ખાબક્યું. એમ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડનું કહેવું છે.
અમૂલ્ય વારસાનો નાશ
ગયા વર્ષના મે મહિનામાં ઈટાલીમાં એક ટ્રરીસ્ટે ક્રેમોના નામના એક શહેરમાં એક ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા મહેલના ચોક્કસ ભાગ સાથે સેલ્ફી ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો. આ માણસના વજનથી મહેલનો ચોક્કસ ભાગ ધસી પડયો અને અમુલ્ય ઐતિહાસિક ધરોહરનો નાશ થયો.
ગયા માર્ચ મહિનામાં કેલિફોર્નિયાની બે મહિલાઓની રોમમાં ધરપકડ કરવામાં આવી હતી. એક ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થાપત્ય પર પોતાના નામના અક્ષરો કોતરીને આ મહિલાઓએ પોતાના નામના પહેલાં મૂળાક્ષરો કોતરેલા અક્ષરો સાથે પોતાનો સેલ્ફી લીધો હતો.