Sahiyar

હૈયાના ઢંગ કહી દેતો હોઠનો રંગ

By GS Team
12 Oct 20262 mins read
હૈયાના ઢંગ કહી દેતો હોઠનો રંગ

માનુનીના ખૂબસુરત અધર પર કંઈકેટલીય શાયરીઓ-કવિતાઓે - ગીતો લખાયાં છે. પામેલાઓ પણ તેમના ઓષ્ટને આકર્ષક બનાવવામાં પાછીપાની નથી કરતી. ખાસ મેકઅપ ન કરતી યુવતીઓ પણ લિપસ્ટિક અચૂક લગાવે છે. અને સૌંદર્ય પ્રસાધનો બનાવતી કંપનીઓ લિપસ્ટિકના કંઈકેટલાય શેડ બજારમાં મૂકતી રહે છે. આમ છતાં ચોક્કસ માનુનીઓ ચોક્કસ શેડ જ વધુ પસંદ કરે છે. સૌંદર્ય નિષ્ણાતો આનું કારણ જણાવતાં કહે છે કે જે તે મહિલાની લિપસ્ટિકના કલરની પસંદગી તેના સ્વભાવને આધીન હોય છે. એમ કહી શકાય કે યુવતીની લિપસ્ટિકનો રંગ તેના વ્યક્તિત્વ અને સ્વભાવની ચાડી ખાય છે. આજે આપણે કેવા રંગની લિપસ્ટિક લગાવનાર સ્ત્રીનો સ્વભાવ કેવો હોઈ શકે તેની વાત માંડીએ.

ક્લાસિક રેડ :
જો તમને રાતા રંગની લિપસ્ટિક લગાવવાનું ગમે છે તો એનો સીધો અર્થ એ થાય છે કે તમને તમારા હોઠ હાઈલાઈટ કરવામાં વાંધો નથી. આ કલર તમારા આત્મવિશ્વાસનું પ્રતિક છે. લાલ લિપસ્ટિક લગાવતી યુવતીઓ બોલ્ડ અને ઊર્જાથી ભરપૂર હોય છે. તેો એકદમ સેક્સી પણ ગણાય છે.
સ્વીટ પિંક :
ગુલાબી રંગ લગભગ બધી જ છોકરીઓને ગમે છે. આ ક્યુટ કલર નરમ સ્વભાવની માનુનીઓ વધુ પસંદ કરે છે.
બ્રેવ બ્રાઉન, મોવ, પ્લમ :
આ બધા રંગ સાહસના પ્રતિક છે. તેથી આવા કલરની લિપસ્ટિક લગાવતી માનુનીઓ ચીલો ચાતરીને ચાલનારી અને સાહસી હોય છે. તેમનું વ્યક્તિત્વ રહસ્યમય હોય છે.
નેચરલી ન્યુડ :
એકદમ સરળ અને સાદગીપૂર્ણ વ્યક્તિત્વ ધરાવતી યુવતીઓ ન્યુડ લિપસ્ટિક પસંદ કરે છે. જો કે તેઓ તેમના પ્રાકૃતિક દેખાવ વિશે એકદમ આત્મવિશ્વાસુ હોય છે. તે સ્વભાવે શાંત એ સમજદાર હોય છે.
ડીપ પર્પલ :
આ કલર પર પસંદગી ઉતારનારી પામેલાઓની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય એટલી જ હોય છે. તેમનું વ્યક્તિત્વ રહસ્યમય હોય છે. કહેવાનો અર્થ એ છે કે તેઓ બહારથી જેવી દેખાય છે તેના કરતાં એકદમ અલગ હોય છે. તેમના વ્યક્તિત્વનું મોટું પાસું ગૂઢ રહે છે.
લાઈવલી ઓરેંજ :
ચંચળ અને નટખટ સ્વભાવની છોકરીઓને આ કલર વધુ ગમે છે. આનું કારણ એ છે કે ઓરંેંજ કલર જીવંતતાથી છલોછલ મનાય છે. અને બોલ્ડ તેમ જ ઊર્જાથી છલકાતી ચંચળ છોકરીઓનું વ્યક્તિત્વ જીવંતતાથી છલકાતું હોય છે.
એલિગન્ટ ફૂશિયા :
મક્કમ મનોબળ અને પડકારો ઝીલવા તૈયાર રહેતી સ્ત્રીઓ સૌથી પહેલા આ રંગ પર પસંદગી ઉતારે છે. તેથી જે છોકરીઓ એમ દર્શાવવા માગતી હોય કે તેઓ પોતાની કોઈપણ સમસ્યાનું સમાધાન પોતાની જાતે જ શોધી લેશે અને કોઈપણ સંજોગો સામે ઘૂંટણિયા નહીં ટેકવે તે અચૂક એલિગન્ટ ફૂશિયા કલરની લિપસ્ટિક લગાવતી જોવા મળશે.
મેટ ફિનિશ :
મેટ ફિનિશની લિપસ્ટિક પણ મક્કમ મનોબળનું પ્રતિક બની રહે છે. પોેતાની વાતમાં અડગ મહિલાઓ આવી લિપસ્ટિક લગાવતી જોવા મળે છે.
ગ્લોસી અને શિમર :
ચળકતી લિપસ્ટિક જે તે માનુનીની આંતરિક ખૂબસુરતી અને સ્વચ્છંદ સ્વભાવ દર્શાવે છે.