તમાલ પત્ર ડાયાબીટીસમાં ઉપયોગી

તમાલ પત્ર પર કરાયેલા અભ્યાસમાં જણાયું છે કે તેનાથી ડાયાબીટીસના દરદીઓમાં લોહીમાં ગ્લુકોઝનું સ્તર, એલડીએલ અથવા ખરાબ કોલેસ્ટેરોલ અને કુલ કોલેસ્ટેરોલના સ્તર ઘટી શકે છે તેમજ એચડીએલના સ્તરમાં વધારો થઈ શકે છે. તમાલ પત્રમાં ફ્લેવોનોઈડ્સ જેવા ડાયાબીટીક વિરોધી ઘટકોને કારણે આવું શક્ય બને છે.
અભ્યાસમાં વધુ જણાયું છે કે ૩૦ દિવસ માટે રોજ ૧થી ૩ ગ્રામ તમાલ પત્ર ખાવામાં આવે તો તે ડાયાબીટીસના દરદીઓ માટે લાભદાયી સાબિત થઈ શકે છે. આ પાન ખાવાનું બંધ કર્યા બાદ પણ તેની અસર ૧૦ દિવસ સુધી રહી શકે છે જે ગ્લુકોઝના સ્તર પર તેની લાંબા ગાળાની અસર સાબિત કરે છે.
તમાલ પત્ર ગ્લાયકેમિક પ્રતિસાદ નબળો પાડે છે
ગ્લાયકેમિક પ્રતિસાદ એટલે અમુક ખોરાક ખાધા પછી લોહીમાં ગ્લુકોઝના સ્તર પર પડતી અસર. એક અભ્યાસ મુજબ જે કૂકીઝમાં છ ટકા હિસ્સો તમાલ પત્ર હોય છે તે ખાવામાં તો સ્વાદિષ્ટ હોય જ છે પણ સાથે ડાયાબીટીસના દરદીમાં ગ્લાયકેમિક પ્રતિસાદને પણ નબળો પાડે છે. એનાથી ભૂખ ઓછી થાય છે, આંતરડા તંદુરસ્ત બને છે અને ખોરાક ખાધા બાદ થતો બ્લડ સુગરના સ્તરમાં ઉછાળો નથી આવતો. આથી દરરોજના ભોજનમાં એક તમાલ પત્ર અથવા તેનો પાવડર ઉમેરવાથી તેની સમાન અસર થાય છે અને ડાયાબીટીસના દરદીઓને લાભ થાય છે તેમજ સામાન્ય લોકોમાં ડાયાબીટીસને અટકાવી શકે છે.
ઈન્સ્યુલીન સ્રાવનું નિયંત્રણ કરે છે
શરીરમાં રહેલા ફ્રી રેડિકલ્સ સ્વાદુપિંડના બેટા સેલ્સને નુકસાન પહોંચાડી શકે છે અને તેનાથી હાઈપરગ્લાઈકેમિયા થઈ શકે છે. સ્વાદુપિંડમાં ઈન્સ્યુલીન બને છે જે સમગ્ર શરીરમાં ગ્લુકોઝના સ્તરનું નિયંત્રણ કરે છે. જ્યારે આ સ્વાદુપિંડના બેટા સેલ્સ નાશ પામે છે ત્યારે ઈન્સ્યુલીનનું ઉત્પાદન ઘટે છે. તમાલ પત્ર ક્ષતિગ્રસ્ત બેટા સેલ્સમાં ઈન્સ્યુલીન ઉત્પન્ન કરી શકે છે જેના કારણે લોહીમાં સુગરનું સ્તર નિયંત્રિત થઈ શકે છે. ઉપરાંત તેના એન્ટીઓક્સીડન્ટ ઘટકો પણ ફ્રી રેડિકલ્સથી સ્વાદુપિંડને થતું નુકસાન અટકાવે છે.
ડાયાબીટીસમાં થતા કોમ્પ્લીકેશન અટકાવી શકે
અનિયંત્રિત ડાયાબીટીસથી શરીરના ચેતના તંત્ર, હૃદય, આંખ અને કીડનીને નુકસાન થાય છે. તમાલ પત્ર જેવા પરંપરાગત ઔષધોમાં ટ્રીટરપેનોઈડ્સ, યુજેનોલ અને લિનાલૂલ જેવા ઘટકો હોય છે જે શરીરમાં એન્ટીઓક્સીડન્ટનો વધારો કરે છે. ઉપરાંત ઈન્સ્યુલીનની તંગી અને સોજા તેમજ બળતરા કરતા કારણો પર તેની સકારાત્મક અસર પડે છે. જ્યારે ડાયાબીટીસનું યોગ્ય રીતે નિયંત્રણ થાય છે ત્યારે આવા કોમ્પ્લીકેશન થવાની શક્યતા આપમેળે ઓછી થઈ જાય છે.
અન્ય ડાયાબીટીસ વિરોધી ઔષધો કરતા ચડિયાતા છે
ડાયાબીટીસ વિરોધી અસર ધરાવતા કટેલાક સામાન્ય ઔષધો અને મસાલા પર કરાયેલા એક અભ્યાસમાં જણાયું હતું કે માત્ર તમાલ પત્ર, લિકરાઈઝ અને થાઈમમાં જ એવા મહત્વના ઘટકો હોય છે જે મુખ્ય ડાયાબીટીક વિરોધી અસર, ગ્લુકોઝ અને કોલેસ્ટેરોલના સ્તરમાં ઘટાડા માટે જવાબદાર શરીરના કોષોના તમામ ૧૮ પ્રોટીન પર અસર કરે છે. એનાથી તમાલ પત્રની ડાયાબીટીસ સામે સુરક્ષા કરવાના અને તેનું નિયંત્રણ કરવાના ગુણ સાબિત થાય છે.
તમાલ પત્રની ચા
તમાલ પત્રની ચા ડાયાબીટીસના દરદીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. એના માટે બેથી ત્રણ તમાલ પત્ર લેવા, બે કપ પાણી અને દૂધ તેમજ સાકર નાખીને ઉકાળવા. એના માટે તમાલ પત્રના સ્થાને તેનો પાવડર પણ વાપરી શકાય.
તમાલ પત્રને શાક, સૂપ અથવા બેક કરેલી વાનગીઓમાં ઉમેરી શકાય.
- ઉમેશ ઠક્કર




