Sahiyar

સ્વિટ્ઝર્લેન્ડનું ટાઇમ બેંક મોડેલ : કર્મ કરો અને ફળ મેળવતા રહો

By GS Team
17 Aug 20266 mins read
સ્વિટ્ઝર્લેન્ડનું ટાઇમ બેંક મોડેલ : કર્મ કરો અને ફળ મેળવતા રહો
  • સ્વિટ્ઝર્લેન્ડમાં પણ ટાઈમ બેન્કનો આ કોન્સેપ્ટ આટલો જ વાસ્તવિક છે. વ્યક્તિ પોતાની યુવાવસ્થા દરમિયાન વડીલોની સેવા કરે, તેમના સાથે સમય પસાર કરે, તેમના કામ કરી આપે જેવી બાબતો દરેક વખતે શક્ય ન બને તો જ્યારે શક્ય બને ત્યારે કરે. યુવાવસ્થામાં સેવાના કાર્યો કરીને કર્મનું ભાથું ભેગું કરવાનું અને પોતાની વૃદ્ધાવસ્થામાં તેનો ઉપયોગ કરવાનો અને ફળ મેળવવાનું. આ એવી પરંપરા છે જેમાં આસ્તિકતા કે નાસ્તિકતા નહીં પણ સમાજની વાસ્તવિકતા ઉપર જ વાત કરવામાં આવી છે.

સ્વિટ્ઝર્લેન્ડમાં પેન્શન ખૂબ સારું મળે છે, તેથી ત્યાં વૃદ્ધોને આખરી શ્વાસ સુધી ભોજન અને રહેવાની ચિંતા નથી. તેમ છતાં, ત્યાં ઘણા લોકો પરોપકારના કામમાં જોડાયેલા છે. સ્વિટ્ઝર્લેન્ડમાં સેવા અને કર્મનું એક એવું મોડલ ચાલે છે જે ભારતના કર્મના સિદ્ધાંતને અલગ રીતે જ વ્યક્ત કરે છે. અહીંયા એક એવી સિસ્ટમ વિકસાવવામાં આવેલી છે જેમાં લોકો સીત્તેર થી એંસી વર્ષ વટાવી ચૂકેલા કોઈ વૃદ્ધની સંભાળ રાખવા જેવા કામ કરતા હોય છે. ત્યાં આવાં કામ પૈસા કમાવવા માટે નહીં, પરંતુ પોતાનો આજનો સમય 'ટાઇમ બેંક'માં જમા કરવા માટે કરવામાં આવે છે. કારણ કે જ્યારે આજે બીજાની સેવા કરનાર વ્યક્તિ પોતે વૃદ્ધ થઈને અસહાય થશે, ચાલી-ફરી નહીં શકે, ત્યારે તે પોતાના 'ટાઇમ બેંક'માં જમા થયેલા સેવાના સમયને કાઢીને પોતાના માટે ઉપયોગમાં લઈ શકે છે.
'ટાઇમ બેંક'ની વ્યવસ્થા સ્વિટ્ઝર્લેન્ડના સામાજિક સુરક્ષા વિભાગની એક યોજના છે. લોકો પોતાની યુવાવસ્થામાં વૃદ્ધોની સેવા કરીને પોતાનો 'સમય' જમા કરે છે અને જ્યારે તેઓ પોતે વૃદ્ધ, બીમાર કે અસહાય થઈ જાય છે, ત્યારે તે સમયને પોતાના માટે ઉપાડીને નિ:શુલ્ક ઉપયોગ કરે છે. આ યોજનામાં જોડાવા માટે વ્યક્તિનું તંદુરસ્ત, મિલનસાર અને દયાળુ હોવું જરૂરી છે. તેમની સેવાના કલાકોને આયોજનપૂર્વક સામાજિક સુરક્ષા પ્રણાલી હેઠળ વ્યક્તિગત 'ટાઇમ એકાઉન્ટ'માં જમા કરવામાં આવે છે.
આ પ્રક્રિયામાં પોતાનો વ્યવસાય કે કામકાજ છોડીને, ઓફિસની ડયુટીની જેમ કે નસગ પ્રોફેશનની જેમ વૃદ્ધોની સેવા કરવાની હોતી નથી. દર અઠવાડિયે માત્ર બે વાર, બબ્બે કલાક માટે જ મદદ કરવાની હોય છે. બજાર લઈ જઈને ખરીદી કરાવવી, તેમનો રૂમ સાફ કરવો, બગીચામાં લટાર મારવા લઈ જવા અને સમય બચે તો તેમની સાથે વાતચીત કરવી. સેવા કરાર મુજબ, એક વર્ષ પછી 'ટાઇમ બેંક' દરેક મદદગારના કુલ કાર્યકલાકોની ગણતરી કરે છે. તેના જ આધારે તેમને ટાઇમ બેંક કાર્ડ ઇશ્યૂ કરવામાં આવે છે. જો કોઈ મજબૂરીની સ્થિતિમાં ક્યારેય તેને પોતાની સંભાળ કરાવવાની જરૂર પડે, તો તે પોતાના કાર્ડ દ્વારા સેવાનો સમય અને મેળવેલું વ્યાજ કાઢી શકે છે. એકાઉન્ટની તપાસ કરીને ટાઇમ બેંક ઓફિસ કોઈ સ્વયંસેવકને સહાય ઇચ્છુક વ્યક્તિના ઘરે કે હોસ્પિટલ મોકલી આપે છે.
ચોક્કસપણે આ એક નવી સામાજિક વ્યવસ્થા વિકસિત થઈ રહી છે, પરંતુ સેવાની આવી પરિકલ્પના તમામ દેશોમાં લાગુ થાય તો કેટલું સારું રહે! ખાસ કરીને ભારત જેવા દેશોમાં, જ્યાં મોટાભાગના યુવાનો પોતાના શ્રેષ્ઠ ભવિષ્યની આશામાં બીજા શહેરો અને દેશોમાં કાયમ માટે જતા રહે છે અને તેમના વૃદ્ધ માતા-પિતા એકલું જીવન જીવવા મજબૂર બને છે. જોકે, આ જ એક કરુણ વિડંબના છે કે જે માતા-પિતા પોતાના બાળકોના ભવિષ્ય માટે પોતાનું જીવન અર્પણ કરી દે છે, પોતાનું સુખ, સંતોષ અને ખુશી બાળકોના હિતને અનુકૂળ બનાવીને તેને જ પોતાનું ભાગ્ય માની લે છે, તેમને જીવનની સંધ્યાવેળાએ પોતાના ભરોસે છોડી દેવામાં આવે છે. તેમના જીવનના સંધ્યાકાળે તેમના સંતાનો તેમની સાથે હોતા નથી.
એવું જ માનવામાં આવે છે કે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોમાં સેવાના ફળની વાર્તા સદીઓથી વણાયેલી છે. આ અંગે વિચારક જેક કેનફિલ્ડનું એક કથન ખૂબ જ સાપેક્ષ છે. તેઓ કહે છે કે, તમારી વર્તમાન આદતો જ તમારું ભવિષ્ય નક્કી કરે છે. પોતાના માતા-પિતા, ગુરુજનો અને વૃદ્ધ પરિજનોની સેવા કરવી એ શરૂઆતથી જ પરમ ધર્મ માનવામાં આવ્યો છે. ભારતીય સેનાનું આદર્શ વાક્ય 'પોતાનાથી પહેલા સેવા' (જીીપિૈબી મ્ીર્કિી જીીનક) પણ માનવ સેવાની ભાવનાને જ અભિવ્યક્ત કરે છે.
સામાન્ય રીતે એવું કહેવાય છે કે, કોઈ પણ વ્યવસાયમાં જતાં કે તેને અપનાવતાં પહેલાં એક સારા માણસ બનવું જરૂરી છે. માનવ સેવા કરતાં મોટો કોઈ કર્મ કે ધર્મ નથી. એટલા માટે આપણા પૌરાણિક ગ્રંથો પણ 'માનવ ધર્મ સર્વોપરી'ના પાઠને જીવનમાં ઉતારવાની સલાહ આપે છે. માત્ર માનવમાત્રની સેવા કરવાથી જ સાચા સુખની પ્રાપ્તિ અને અનુભૂતિ થાય છે, અસીમ સુખ અને શાંતિ મળે છે. મનોવિજ્ઞાાન પણ માને છે કે જો ખુશી, સમૃદ્ધિ અને સંતોષ જેવા ગુણોને જીવનમાં લાવવા હોય તો સેવાને પોતાના જીવનમાં જોડવી જરૂરી છે. એટલે કે જીવનમાં દરેકનો પહેલો ધર્મ, પહેલી યોગ્યતા અને પહેલી પ્રાથમિકતા મદદગાર માણસ બનવાની હોવી જોઈએ.
સૌના પ્રત્યે સેવાભાવ રાખનારાઓનો સૌથી સારો સાથી તેમનો અંતરાત્મા હોય છે, જે પોતાની સારી બાબતો પર શાબાશી આપે છે અને ખરાબ બાબતો પર ઢંઢોળે છે. સવાલ એ છે કે આમ છતાં સમાજમાં પરસ્પર અંતર કેમ વધી રહ્યું છે અને તેને રોકવા માટે શું કરી શકાય?
આનો સાદો જવાબ હોઈ શકે છે કે આપણે આપણી આસપાસના સંવેદનશીલ લોકોને મળવું જોઈએ. જો કોઈ વ્યક્તિનું કે પછી સમાજનું ભલું થતું હોય તો એક ડગલું આપણે આગળ વધવું જોઈએ અથવા તો પરોપરકારની પહેલ આપણે કરવી જોઈએ. તેમની તકલીફ જાણવા-સમજવા અને પછી તેનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરીએ. સૌના પ્રત્યે સેવાભાવ રાખવો પડશે. આપણે જેટલા પોતાના સીમિત દાયરામાં સમેટાતા રહીશું, સમાજમાં સેવાભાવ ઘટતો જશે અને તૂટતો-વિખરાતો જશે.
સાચું એ છે કે કેટલાકને બાદ કરતાં આજનો સમાજ સેવાભાવથી થોડો દૂર જઈ રહ્યો છે. મોટાભાગના લોકો બીજાની તકલીફ અને પરેશાની સાંભળવા જ નથી માગતા, બસ 'હું અને મારું' જ કર્યા કરે છે. બીજાનું સાંભળવાની અને તેમના પ્રત્યે સેવાભાવ રાખવાની જરૂર છે. એ સર્વવિદિત તથ્ય છે કે ગુરુદ્વારા સેવાભાવનું સૌથી મોટું પવિત્ર સ્થાન બનીને ઊભર્યા છે. વાસ્તવિક સ્થિતિઓની સમજ ધરાવનારા કહે છે કે સેવા કરનારા ન તો આસ્તિક હોય છે કે ન તો નાસ્તિક, તેઓ તો 'વાસ્તવિક' હોય છે. માણસની મુખ્ય ચિંતા સુખ મેળવવાની કે દુ:ખથી બચવાની નહીં, પરંતુ જીવનમાં સેવાની ભાવના ઉત્પન્ન કરવાની હોવી જોઈએ. એટલા માટે બીજાના દર્દમાં તેમની સેવા કરીને દરેક વ્યક્તિ પોતાનું દર્દ સહન કરવા માટે પણ તૈયાર થઈ જાય છે.
હકિકતે સેવા કરવા માટે વ્યક્તિમાં સંવેદના હોવી ખૂબ જ જરૂરી છે. જે વ્યક્તિમાં સંવેદના છે તેને સેવા કરવાનું કહેવું જ પડતું નથી. બીજાને થતી વેદનાને તે જાણવાની સાથે સાથે અનુભવી શકે છે અને તેથી જ તેને દૂર કરવા માટે વ્યક્તિ યથાશક્તિ પ્રયાસ કરતી હોય છે. હકિકત એવી છે કે, આપણા દેશમાં સનાતન સંપ્રદાય હોય કે અન્ય કોઈ ધર્મ હોય તેમાં સ્વર્ગ અને નર્કની વિભાવનાને મૃત્યુ પછીના જીવન સાથે જોડવામાં વધારે આવે છે.
ભગવત ગીતામાં કહેલું છે કે, તમે જે કર્મ કરો છો તેનું પરિણામ તમને મળવાનું જ છે. તમે જે કર્મ કર્યું છે તે પોતાનું સર્કલ પૂરું કરીને તમારી પાસે આવશે જ. તમે સારું કર્યું હશે તો સારું પરિણામ મળશે અને ખોટું કર્યું હશે તો ખરાબ પરિણામ મળશે. આપણે ફળની આશા નથી રાખવાની પણ ઈશ્વર આપણા કર્મોનું ફળ આપશે તે વાત તો નક્કી જ છે. તેના કારણે જ સારા કર્મ કરવા ઉપર ભાર મુકવામાં આવે છે.
આ તો માત્ર ધામક વાત થઈ તેવું કહીને પણ ઘણા લોકો આ વિચારને ઉડાવી કાઢે છે. હકિકતે આ કોઈ ધામક વાત નથી કે તેનો કોઈ ધર્મ સાથે લેવા દેવા પણ નથી. આપણે માત્ર આપણા કાર્યો અને કર્મોની નોંધ રાખવાની છે. આપણે આનંદ થાય અથવા તો દુ:ખ અનુભવાય આ બંને સ્થિતિમાં આપણને તો આપણા જૂના કર્યો કે કર્મોનું ફળ મળ્યું છે તેવું જ માનવાનું આવે. આપણે જે કરીએ છીએ તે બધું જ અહીંયા ભોગવીએ જ છીએ તેવો સિદ્ધાંત વધારે વાસ્તવિક છે.
ભારત જેવા દેશમાં જ્યાં કરોડો વૃદ્ધો છે અને કરોડો યુવાનો છે જેઓ હાલમાં આવી સિસ્ટમ ઊભી કરે તો તમામની જિંદગી સુધરી જાય અને નવી પેઢી આપણે ચેલેન્જ આપનારી નહીં પણ ચેન્જ લાવનારી લાગે. તેના દ્વારા બે પેઢી વચ્ચેનું અંતર પણ ઘટશે અને નવી સમાજ વ્યવસ્થા આકાર લેશે જે લાંબા સમય સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખશે.