મધુર પરિવર્તન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- વાર્તા
- સાધનાને નવી નવી તકો મળતી જ હતી. વિનોદના વિયોગને વિસારીને એ પોતાનું સમગ્ર ધ્યાન અશેષમાં કેન્દ્રિત કરતી હતી, ત્યાં જ કુદરતે તેનો એ આધાર પણ છીનવી લઈને, તેને ફરીથી એકલતાના અફાટ અરણ્યમાં લાવીને મૂકી દીધી. 'આ બધી વેદના, એકલતા મને જ શા માટે…? એવો સવાલ છેલ્લા આઠ વર્ષમાં ઘણીવાર સાધનાના મનમાં પ્રગટયો હતો.
સવાર થતાં જ રંજન ચા લઈને મેડમના ઓરડામાં પહોંચી, ત્યારે તેના આશ્ચર્ય વચ્ચે મેડમ જાગીને તૈયાર થઈ ગયાં હતાં. ગાઉન બદલીને ડ્રેસ પહેરી લીધો હતો અને વાંકડિયા વાળને કાંસકોે ફેરવીને વ્યવસ્થિત કરી લીધા હતા. પ્રૌઢતાના આરે પહોેંચેલાં પોેતાનાં શેઠાણીને આટલાં પ્રફુલ્લિત જોઈને રંજનને ઘણું સારું લાગ્યું. આજે લાંબા ગાળા પછી તેમના ચહેરા પર તાજગી નજરે પડતી હતી.
''રંજન, તે ચા પીધી?''
''હમણાં પીઉં છું….''
''તારે પહેલાં પી લેવી જોઈતી હતી.''
આમ કહ્યા પછી પણ રંજનને ઊભેલી જોઈને મેડમની પ્રશ્નાર્થ નજર તેની સામે જડાઈ ગઈ.
''મેડમ દિવાળી આવે છે એટલે જો કોઈ મીઠાઈઓ…''
પણ રંજનની વાત પૂરી થાય એ પહેલાં જ મેડમ ગુસ્સાભરેલા અવાજે બોલી ઊઠયાં,
કશી મીઠાઈ-બીઠાઈ નથી બનાવવાની. તું અહીંંથી જતી રહે… હું કોઈ તહેવાર નથી ઊજવતી, તેનું તને ભાન નથી? દર વરસે એકની એક વાત કેમ પૂછ્યા કરે છે?''
સાધનાએ ચશ્મા ઉતારીને આંખો લૂંછી સમુદ્રમાં લહેરો હિલ્લોળે ચડી હતી. સૂર્યાસ્ત થવાને હજી વાર હતી…. 'આવા તો કેટલાય સૂર્યાસ્ત અહીં બેસીને જોઈ લીધા હશે!' એવો વિચાર સાધનાને આવ્યો, 'સૂરજ રોજ આથમે છે અને બીજા દિવસે ફરી પાછોે નવાં કિરણો સાથે ઉગે છે, નવી શરૂઆત છે, પણ મારા માટે તોે કાળ થંભી જ ગયો છે. એકલવાયુ જીવન… તેમાં ક્યાંય કશી નવીનતા કે ફેરફારને અવકાશ જ નથી.
એક પ્રેમીયુગલ એકબીજાના હાથ થામીને સમુદ્રકિનારે ટહેલી રહ્યું હતું. બંનેના પગલાંમાં કેટલોે ઉત્સાહ છે! આવો જ ઉત્સાહ એક જમાનામાં હું જ્યારે વિનોદ સાથે ફરવા જતી, ત્યારે અમે પણ અનુભવતાં હતાં. એ દિવસોમાં હું કેટલી અબૂધ હતી કે સમગ્ર જીવન મને સ્વપ્નનગરી માફક ખૂબ સોહામણું લાગતું હતું.
વિનોદનો સાથ, નવો સંસાર, નવી આશા, નવા ઉમંગો… ત્યારે સાધના એક સાદી, સરળ અને ઘરરખ્ખુ ગૃહિણી હતી. એ અરસામાં વિનોદ તેના કોઈ મિત્રને ઘરે લઈ આવ્યો. સાધનાને ચા બનાવવાનું કહી વિનોદ પોતાના જૂના દોસ્ત જોડે અલકમલકની વાતે વળગ્યો.
''સાધના, આ મારો મિત્ર કેદાર મને કદાચ અચાનક મળી ગયો. એ ફિલ્મીસ્તાન સ્ટુડિયો જોડે સંકળાયેલો છે….''
''લો, ચા પીઓ…''
''કેદાર, મારી પત્ની સરસ ગાય છે, એનો તને ખ્યાલ હોવો જોઈએ.''
''તો તો એક સરસ ગીત થઈ જાય, ભાભી! '' કેદારે કહ્યું.
સાધનાની ગાવાની જરાય ઈચ્છા નહોતી. ફોઈબા પાસે તેણે શાસ્ત્રીય સંગીતની તાલીમ તોે લીધી હતી, પણ કદી જાહેરમાં ગાયું નહોતું. કોઈ જ્યારે તેને જોવા આવે ત્યારે પિતાના આગ્રહથી એ કોેઈ એક ભજન સંભળાવી દેતી.
''…. કૌન ગલી ગયો શ્યામ….'' ચહેરો ઝુકાવીને આ ભજન ગાતાં તેનું હૃદય જોરથી ધડકવા લાગતું. તેના મધુર સ્વરથી આકર્ષાઈને જ વિનોદ કોઈ પ્રકારના દહેજ વિના પરણવા માટૈ તૈયાર થઈ ગયો હતો. આજે પણ સાધનાએ એ જ ભજન ગાયું.
''વાહ વાહ! કેવો અવાજ છે! કમાલ કરી નાખી, ભાભી! બસ હવે માની લો કે વાત નક્કી થઈ ગઈ… વિનોદ, કાલે ભાભીને લઈને સ્ટુડિયો પર આવ. હું કપૂર સાહેબને વાત કરીને તમારી ઓળખાણ કરાવી દઈશ. આટલો સુંદર અવાજ તો લોકો સુધી પહોંચવો જ જોઈએ…''
''ના મારે ગાયિકા નથી થવું…'' કહેતી સાધના અંદર આવી ગઈ. સતત ચાર દિવસ સુધી વિનોદ તેને સમજાવતો રહ્યો. બે ઓરડાનું રહેઠાણ, વિનોદનો ટૂંકો પગાર અને ભવિષ્યમાં કુટુંબના થનાર વિસ્તરણનું ભાવિ વિચારતાં આખરે સાધના સ્ટુડિયો પર જવા સંમત થઈ.
સાધનાનો સ્વર સાંભળીને તોે કપૂર સાહેબ મુગ્ધ થઈ ગયા. તેણે પોતાની નવી ફિલ્મમાં સાધનાને ગીત ગાવાની તક આપી. જોકે ફિલ્મ બહુ ચાલી નહીં, પણ સાધનાનાં ગાયેલાં ગીત સુપરહિટ બની ગયાં… સાધના હવે લોેકલાડીલી બની ગઈ. તેની જિંદગીએ સાવ નવો વળાંક લઈ લીધો. ગઈ કાલ સુધી ઘરમાં જ ભજન-સ્તવન ગાનારી સાધના હવે મોટા મોટા સ્ટુડિયોમાં ગાવા લાગી. 'સાધના સુંદરમ્' નામ હવે પાર્શ્વ ગાયિકાઓની યાદીમાં સામેલ થઈ ગયું હતું. મોટો બંગલો, ગાડી, રોજેરોજનાં રિહર્સલ, રેકોર્ડિંગ, પાર્ટીઓ અને ભરપૂર નામના. પોતાના ચાહકોના સહારે સાધના સફળતાના શિખરે જઈ પહોંચી હતી.
માણસની મહત્ત્વાકાંક્ષા તેને શાંતિથી ક્યારેય જંપવા નથી દેતી, એ ન્યાયે વિનોદના મનમાં ફિલ્મનિર્માણ કરવાની ધૂન ચડી ગઈ. પોતાની આ ઘેલછા તેણે સાધના સમક્ષ વ્યક્ત કરી. સાધના આ વાતથી ખળભળી ઊઠી. કરોેડો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ ઘણા નિર્માતાઓને ભિખારી થઈ જતા તેણે સગી આંખો જોયા હતા, પણ તેણે વિનોદને એક પણ શબ્દ કહ્યા વગર, મૌન બનીને ચેક પર સહી કરી દીધી. તેની કમાણીનાં નાણાં પર વિનોદનો હક તો હતો જ અને નાણાંને કારણે પોતાના સુખી સંસારમાં આગ લગાડવાની તેની જરાય ઈચ્છા નહોતી.
વિનોદે 'રિશ્તા' ફિલ્મ બનાવી. તેમાં હીરોઈન રૂપાલી હતી અને રાજીવ નાયક હતો. વિનોદે ખૂબ જહેમત લીધી હતી. સારામાં સારું દિગ્દર્શન અને કર્ણમધુર સંગીત હોવા છતાં ફિલ્મ ચાલી નહીં. નિષ્ફળતાનો આ ફટકો વિનોદ સહન ન કરી શક્યો. પોતાની મહેનતની ઘોર નિષ્ફળતા ભૂલવા માટે વિનોદ દારૂની લતે ચડી ગયો અને નશાખોેરીમાં જ એક રાતે એનું પ્રાણપંખેરુ ઉડી ગયું. હવે આર્થિક તંગીના કારણે સાધના સતત રેકોર્ડિંગ કરવામાં પડી ગઈ. તેમનું એકમાત્ર સંતાન અશેષ હોેસ્ટેલમાં રહીને ભણતો હતો. આમ આખું કુટુંબ વેરવિખેર બની ગયું…
….આજે એ બધાં સ્મરણો ફરીથી સાધનાને પજવવા લાગ્યા હતાં. એ બાલ્કનીમાંથી પાછી બેઠકખંડમાં આવી. ઢગલાબંધ તામ્રપત્ર અને ટ્રોફીઓની વચ્ચે વિનોદનો ફોટોગ્રાફ નજરે તરી આવતો હતો. એમાં નાનકડો અશેષ પણ હતો. 'અશેષ…' સાધનાના મનમાં ઊથલપાથલ થવા લાગી…
દેખાવડો અને ભણેલગણેલ, રુઆબદાર અશેષ તેની દ્રષ્ટિ સામે તરવરી ઊઠયો. બરાબર આઠ વર્ષ પહેલાં દિવાળીના દિવસે જ એણે પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. પોતાના જીવનનો તે એકમાત્ર આધાર હતો. છેલ્લાં આઠ વર્ષોેથી મનમાં ધૂંધવાઈ રહેલા અગ્નિને એ કેમેય કરીને હજી સુધી કાબૂમાં નહોતી લાવી શકી.
સાધનાની નજર સામે ફરીથી એ ભયાનક રાત આવીને ઊભી રહી ગઈ… કેન્સર હોસ્પિટલમાં અશેષ છેલ્લા શ્વાસ લેતો હતો વાતાવરણમાં મૃત્યુની શાંતિ છવાઈ ગઈ હતી. અશેષ જીવી જવા માટે હવાતિયાં મારતો હતો. વસંતના આગમન પહેલાં જ પાનખરની તૈયારી થઈ ગઈ હતી. જનેતાને દુનિયામાં એકલી મૂકીને અશેષ લાંબી યાત્રાએ નીકળી પડયો.
સાધનાને નવી નવી તકો મળતી જ હતી. વિનોદના વિયોગને વિસારીને એ પોતાનું સમગ્ર ધ્યાન અશેષમાં કેન્દ્રિત કરતી હતી, ત્યાં જ કુદરતે તેનો એ આધાર પણ છીનવી લઈને, તેને ફરીથી એકલતાના અફાટ અરણ્યમાં લાવીને મૂકી દીધી. 'આ બધી વેદના, એકલતા મને જ શા માટે…? એવોે સવાલ છેલ્લા આઠ વર્ષમાં ઘણીવાર સાધનાના મનમાં પ્રગટયો હતો.
અશેષનો ફોટો જોઈને સાધના માની જ નહોતી શકતી કે હવે એ આ જગતમાં હયાત નથી. તેને લાગતું કે હમણાં આવશે અને તેની બૂમાબૂમથી આખું ઘર જીવંત બની જશે. કબાટ ખોલીને તેનાં બૂટ, કપડાં, ઘડિયાળ વગેરેના સ્પર્શથી સાધના તેની હયાતીની અનુભૂતિ મેળવી લેતી હતી.
''મેડમ મેડમ…'' રંજનનો અવાજ સાંભળીને સાધના સહેજ ચમકી અને સ્મૃતિઓના સમુદ્રમાંથી બહાર આવી ગઈ.
''કેમ શું છે?''
તેની આંખોમાં ઊમટી આવેલા આંસુ રંજનથી છૂપાં ન રહી શક્યાં.
''ફોન આવ્યો છે.''
''મેં કેટલી વાર કહ્યું છે કે મારે કોઈની સાથે વાત નથી કરવી…?''
''પણ મંદિરાનો ફોન છે…''
''મંદિરા…?'' સાધનાની સ્મૃતિ સતેજ થઈ. અશેષ તેને એક વખત ઘેર લઈ આવ્યો હતો. લાંબા વાળવાળી શ્યામવર્ણી છોકરી તેને યાદ આવી ગઈ. તેને ગઝલો ગાવાનો ગાંડો શોેખ હતો. તેની ઓળખ મિત્ર તરીકે અશેષે આપી હતી, પણ તેની આંખોમાં લહેરાતા ભાવ સાધનાએ વાંચી લીધા હતા. એ છોેકરી હવે રહી રહીને કેમ ફોેન કરતી હશે? એમ વિચારતી સાધનાએ ફોેન લીધો.
''હેલો,''
''નમસ્તે,મેડમ! હું મંદિરા પાઠક બોલું છું. મને ઓળખી…?''
''હા, મારી યાદશક્તિ હજી પણ સતેજ છે. અશેષ જ્યારે ગાતો ત્યારે તેની આગળ પાછળ ફરનારી અને તે તેના છેલ્લા શ્વાસ ગણતો તો હતો ત્યારે એનું મોઢું જોવા પણ ન આવનાર મંદિરા મારાથી કેમ ભુલાય?'' સાધના શબ્દોને બદલે ચાબખા વીંઝતી હોય એમ બોલતી હતી.
''તમારી કશીક ગેરસમજ છે. હું તમને રૂબરૂ મળવા ઈચ્છું છું…''
''હું કોઈને મુલાકાત નથી આપતી, પણ તને અચાનક મને મળવાનું કેમ યાદ આવ્યું?''
''મને, પ્લીઝ, સમજવાનો પ્રયત્ન કરો…'' પણ તેનો કોઈ જવાબ દેવાને બદલે સાધનાએ ગુસ્સાથી રિસીવર મૂકી દીધું…'મને મળવા માગે છે… માંડ ભુલાતા જખમોને તાજા કરાવવા લાગે છે…' સાધના થોડી ગળગળી થઈ ગઈ. આ જગતમાં કોઈ આપણું નથી. ફિલ્મી જગતની તાસીર જ એવી છે. જ્યારે ગાવાનું ચાલું હતું, ત્યારે તો લોકો મારી આગળ પાછળ ફરતા રહેતા હતા. હવે મહિનાઓ વીતી જાય ત્યારે ભાગ્યે જ કોઈ મળવા આવતું હોય છે. પત્રકારો પણ અંગત વાતોમાં મસાલો ઉમેરીને છાપાનાં પાનાં ભરવા માટે ક્યારેક આવતા હોય, એટલું જ!
એટલામાં ઓેચિંતી ડોર-બેલ વાગી. રંજને જઈને બારણું ખોેલ્યું. પછી ધીમેથી બોલી, ''મેડમ એ તમને મળવા આવી છે…''
સાધના સમજી ગઈ કે કદાચ મંદિરા જ હશે… તેણે બારણે જઈને ક્રોેધિત સ્વરે કહ્યું, ''મેં ફોેન પર જ કહી દીધું હતું, છતાં તે અહીં સુધી આવવાની હિંમત કેમ કરી?'' મંદિરા પર પોતાનો ગુસ્સો ઠાલવતાં તે બોલી.
''પણ …. પણ મારી વાત તો તમે સાંભળો…''
''મારે કશું જ નથી સાંભળવું …તું અહીંથી ચાલી જા….''
''હું તમને ફક્ત એટલું જ કહેવા માગું છું કે અશેષના અવસાનની ખોટ તમારી જેમ મને પણ ખૂબ સાલે છે. મેં તેની સાથે બેસીને જીવન માટે સોનેરી સપનાં ઘડયા ંહતાં.''
''હા….હા… એટલા માટે તો તેની છેલ્લી ઘડીએ તેનું મોઢું જોવાની પણ તને ફુરસદ ન મળી….'' મંદિરાને અટકાવીને
સાધના વચ્ચે જ બોલી ઊઠી.
''હા, તમે જે કહો છો, એ સાચું છે. હું અશેષના છેલ્લા શ્વાસ વખતે નહોેતી આવી, કારણ કે મારાથી દૂર જતા અશેષને જોઈ શકવાની મારામાં હિંમત નહોતી. તેની વેદના, તેનો અમળાટ હું જોઈ શકું તેમ નહોતી. હું ખૂબ જ નિર્બળ બની ગઈ હતી. નગ્ન સત્યને સ્વીકારી શકવાની મારી હિંમત નહોતી…''
સાધનાને પોતાના વર્તન બદલ હવે પસ્તાવો થવા લાગ્યો.
…. તમે સહુની સાથેના સંબંધો આટોપી લીધા અને અશેષની સ્મૃતિને તમારા જીવન તરીકે સ્વીકારી લીધું, પણ મારાથી એવું થાય તેમ નહોતું. મારા બે નાના ભાઈઓનું ભણતર મારી જવાબદારી પર હતું, તેથી મારે તો છૂટકો જ ન હોવાથી મેં જીવન સાથે લડવાનો નિશ્ચય કર્યો હતો.''
''મેં અશેષને મારી સ્મૃતિઓમાં જીવંત રાખ્યો છે, પરંતુ દુનિયામાં પણ તેનું નામ ગાજતું રહે, એ માટે મેં અશેષ સંગીત એકેડેમી' સ્થાપવાનો નિર્ણય લીધો હતો. પરમ દિવસે તેની પુણ્યતિથીના દિવસે, તેની યાદમાં હું આ એકેડેમીની સ્થાપના કરવા ઈચ્છું છું. આ સંસ્થા યુવાનોને કલાક્ષેત્રે નવી તકો તેમ જ પ્રેરણા પૂરી પાડશે.''
સાધના મંદિરા સામે જોતી જ રહી. તેની નજીક જઈને તેનો હાથ પોેતાના હાથમાં પકડી લીધો ત્યારે મંદિરાના હાથ પર આંસુઓના ટીપાં વરસતાં જણાયાં.
''મંદિરા, મારી ખરેખર ગેરસમજણ હતી અને માફ કરી દે…. સ્વાર્થી બનીને હું મારાં જ દુઃખ ગાતી બેઠી રહી છું. આ એકલતામાં મેં મારી જાતને બંદી બનાવી મૂકી હતી. મારો દીકરો કલાકાર હતો, એ વાત જ હું વીસરી ગઈ અને મારો પોતાનો સૂર જ ખોઈ બેઠી. મારા ચાહકોને હું ભૂલી ગઈ. મને ખરેખર માફ કરી દે…. અજાણતામાં મેં તને ઘણી કડવી વાતો કહી દીધી છે…''
''મેડમ, તમે પરમ દિવસે આવશો ને? ઉદ્ઘાટન આપના શુભહસ્તે થશે… મેં આમંત્રણ પત્રિકા પણ છપાવી છે…''
'' 'મેડમ' કહીને મને વધુ ન શરમાવ, બેટી! મને તારે માત્ર 'મા' કહેવાનું છે અને… કેવળ પરમ દિવસે જ નહીં, પણ હંમેશા તારી સંગીત શાળામાં ગાવાનું શીખવવા માટે આવીશ.
તેં મારા જીવનની સુરાવલીને ફરીથી સચેત કરીને, મારી એકલતાના શાપનું નિવારણ કરી દીધું છે…'' સાધનાએ પોતાની છલકાઈ આવેલી આંખો લૂછતાં કહ્યું, પછી થોડીવારે બૂમ મારી, ''રંજન… એ રંજનબાળા…''
''આવી, મેડમ!''
''જમવાનું શું બનાવ્યું છે? આજે મંદિરા પણ આપણી સાથે જ જમશે… કંઈક સારી વાનગી બનાવ…''
અચાનક આવેલ આ સ્વભાવ પરિવર્તન અને સાધનાના ચહેરા પર આવેલી ચમક, છેલ્લા આઠ વર્ષોમાં પહેલી જ વખત રંજનને જોવા મળ્યા.









