વાર્તા : ત્યાગમૂર્તિ

- મનોરમાનો આત્મવિશ્વાસ પણ કોણ જાણે ક્યારે ડગમગી જતો, તેની કશી જ ગતાગમ તેને નહોતી રહી. સોળ વર્ષના લગ્નજીવન પછી પણ અજય કઈ બાબતમાં ક્યારે નારાજ થઈને, શું બોલવા લાગશે, તેનો અંદાજ તે બાંધી શકતી નહોતી.
સવારે મનોરમાના જાગતાં પહેલાં જ બન્ને બાળકો જાગીને, નહાઈ-ધોઈને તૈયાર થઈ ચૂક્યાં હતાં. મનોરમાની આંખ ખૂલતાં જ, ''મમ્મી? લગ્નની વર્ષગાંઠના અભિનંદન!'' કહેતાં બન્ને બાળકોએ તેને હલબલાવી નાખી. પોતાનો અવસાદ છુપાવીને 'થેન્ક્યૂ' કહેતાં મનોરમાએ બન્ને બાળકોને છાતી સરસાં ચાંપી દીધાં. ઓચિંતી છલકાવા આવેલી આંખોના આંસુ પરાણે અટકાવી, તેણે બન્ને બાળકોને વારાફરતી ચૂમી લીધાં. પોતાની માતાની મનોવેદનાના અણસારથી પણ અજાણ્યાં બાળકો નિર્દોષતાથી માતા સાથે વાતે વળગ્યાં.
''મમ્મી આજે ફરવા જઈશું અને બહાર હોટલમાં જમી લઈશું…'' મોટી દીકરી કાજલે કહ્યું.
''પપ્પાને પૂછી લે જો, તે કહેશે તેમ કરીશું.'' મનોરમાએ જવાબ આપ્યો.
''ના, મમ્મી! તમે જ પૂછીને નક્કી કરીને અમને કહેજો, પણ આજે ફરવા જવું છે, એ તો નક્કી જ છે…'' પુત્ર ચિન્તને રુઆબથી કહ્યું.
મનોરમાએ પણ સંમતિમાં ડોકું હલાવ્યું. બન્ને બાળકોએ પણ આપસ-આપસમાં એકબીજાને સંકેત કર્યા અને તે બહાર જતાં રહ્યાં.
મનોરમા પછી આડી પડી અને વિચારવા લાગી. બાળકોએ એક ક્ષણ માટે પણ પપ્પાને અભિનંદન આપવાની મરજી પ્રગટ નથી કરી. હંમેશા પિતાથી ડરતાં જ રહેતાં હોવાથી તે કદી તેમની સામે વાત કરવાની પણ હિંમત ન કરતાં. બાળકો સમજણાં થયાં ત્યારથી તેમણે પિતાથી દુભાયેલી માતાને હંમેશાં રડતી જ જોઈ હતી. આથી એ લોકોને પણ પિતા પ્રત્યે કોઈ આકર્ષણ રહ્યું નહોતું. જ્યારે બાળકોના પિતા કદાચ એ પણ નહીં જાણતા હોય કે તેમનાં બાળકો કયા ધોરણોમાં અભ્યાસ કરતાં હતાં. આ બધી પળોજણો કરવા માટે તો મનોરમા હતી!
''થેન્ક્યૂ દીકરી! આ તો બહુ જ સરસ છે.'' મનોરમા ખુશ થઈને બોલી.
''મમ્મી! હું તમારા માટે શું લાવ્યો હોઈશ,
એ કહી દો, તો ખરાં….!'' ચિંતને કહ્યું.
''મારો વાઘ મારા માટે શું લાવ્યો હશે…?
શું લાવ્યો હશે…? ખ્યાલ નથી આવતો,
બેટા? હું હારી ગઈ… તું જ કહી દે….?''
મનોરમાએ વિચાર કરવાનો અભિનય કરતાં કહ્યું.
ચિંતનના બાળસહજ સ્વભાવ માટે લાંબા સમય સુધી રહસ્ય જાળવી રાખવાનું મુશ્કેલ હતું તેણે ત્વરાથી મનોરમાના હાથમાં એક પેકેટ મૂકી દીધું. પેકેટની ઉપરનો કાગળ ખોલીને 'શું હશે?' નું વિસ્મય અનુભવતી મનોરમા કાર્ડબોર્ડના ખોખામાંથી વસ્તુ બહાર કાઢીને બોલી, ''મજા પડી ગઈ! મારે આવું વાળ ઓળવાનું બ્રશ જોઈએ છે, તેની મારા દીકરાને ક્યાંથી ખબર પડી ગઈ? તમે બન્ને મારો કેટલો બધો ખ્યાલ રાખો છો!''
મનોરમાના સ્વરમાં બાળકોની પોતાના પ્રત્યેની લાગણીનો ભારોભાર આત્મસંતોષ પ્રગટતો હતો. બન્ને બાળકોનો આટલો સરળ અને નિવ્યાર્જ સ્નેહ જોઈને મનોરમા ઘડીભર પોતાની ઉદાસી થાક અને તંગદિલી ભૂલી ગઈ. નવજીવન પામી હોય તેમ ઝટ એ પલંગમાથી બહાર આવી ગઈ. પછી બાળકોને સંબોધીને કહેવા લાગી, ''સારું, ચાલો હવે તમે બન્ને સ્કૂલે જવા માટે ઝડપથી તૈયાર થઈ જાવ. ત્યાં સુધીમાં હું તમારા માટે, તમને ભાવતો નાસ્તો તૈયાર કરી દઉં છું.''
બાળકો પણ આજે અનોખા મિજાજમાં હતાં એટલે કશી પણ આનાકાની કે તોફાન-મસ્તી વિના સરળતાથી તૈયાર થઈ ગયાં. એ બન્નેને સ્કૂલ માટે રવાના કરીને મનોરમાએ બ્રશ કરતાં કરતાં પોતાના માટે ચા બનાવી અને ચાનો કપ લઈને પોતાના શયનખંડમાં જતી રહી. એ પોતાની ચા પૂરી કરે એ પહેલાં જ તેના પતિ અજયની પણ ઊંઘ ઊડી ગઈ. બાળકોને સંભારીને તેણે જ અજય સાથે વાતચીતની શરૂઆત કરી, ''મેની હેપી રિટર્ન્સ ઑફ અવર મેરેજ એનિવર્સરી…!''
''થેન્ક્સ…'' અજયે પોતાની આદત અનુસાર મનોરમા સામે જોયા વિના જ ટૂંકોે અને રૂક્ષ જવાબ આપ્યો. છેલ્લાં બે-ત્રણ મહિનાથી અજય અને મનોરમા ખપ પૂરતી જ વાતચીત કરતાં. બન્ને વચ્ચે વિખવાદનું કશું જ કારણ નહોતું. તેમ જ એવી કોઈ સંભાવના પણ નહોતી, પરંતુ કશા દેખીતા કારણ વિના જ ઝઘડો કરવાની અજયની કુટેવ અનેક પ્રયત્નો પછી પણ મનોરમા સુધારી શકી નહોતી. આથી રોજે રોજ લોહી ઊકાળા કરવા કરતાં જરૂર પૂરતી વાતચીત કરવાનું જ મનોરમાએ મુનાસિબ માન્યું હતું.
તૈયાર થઈને પોતાની કોઈ વસ્તુ શોધવાનું બહાનું કરીને અજય તમામ ચીજો ઊલટી સૂલટી કરવા લાગ્યો હતો. મનોરમા એક તરફ મનમાં ફફડાટ અનુભવતી ઊભી હતી. ઓરડામાં એક ભારેખમ ચૂપકીદી બોજ બનીને લટકી રહી હોય તેમ લાગતું હતું. મનોરમાએ ચૂપકીદીનો ભંગ કરવાના આશયથી અથવા ખામોશીનું ભારણ સહી ન શકવાને કારણે, ધીમેથી કહ્યું, ''બાળકો આજે બહાર ફરવા જવાની અને હોટલમાં જમવા જવાની જીદ કરતાં હતાં….''
''ભલે, જઈશું, પણ તેં જો ઘરમાં જ બધું બનાવવાની ગોઠવણ કરી હોત, તો વધારે સારું ગણાત, જેથી બા-બાપુજી, ભાઈ-ભાભી બધાં સાથે મળીને લાભ ઉઠાવત, પણ… પણ તને એમાં વધારે તકલીફ પડે…'' અજયે છેલ્લા વાક્યમાં તેને ટોણો મારતાં કહ્યું.
મનોરમા પણ આવા જ કોઈ જવાબની અપેક્ષા રાખતી હતી. અજય જો કોઈપણ જાતના વિરોધ વિના સંમત થઈ ગયો હોત, તો તેને વધારે આશ્ચર્ય થયું હોત.
રોજની માફક રસોડામાં પતિ માટે એ નાસ્તો તૈયાર કરવા લાગી, ઉપરાંત તેને સાથે લઈ જવા માટે ટિફિન બનાવવાની પણ તૈયારી કરી. સાથે લઈ જવાના ટિફિન માટે હંમેશા મનોરમા બે શાક, સલાડ, દહીં અને મિઠાઈ ભૂલ્યા વિના મૂકતી. આમ છતાં તેના પતિની હંમેશાં ફરિયાદ ઊભી રહેતી કે પોતાના મિત્રો સમક્ષ ટિફિન ખોલતાં તેને ખૂબ સંકોચ થાય છે. મનોરમાને ઘણીવાર થઈ આવતું કે આટલી દરકાર પછી જો આવું જ સાંભળવાનું હોય, તો આ બધાંનો મતલબ જ શો રહ્યો? પણ તે કડવો ઘૂંટડો ગળી રહી જતી. અજય ચા અને નાસ્તો કરીને પોતાના કામ પર જવા માટે ટિફિન લઈને રવાના થઈ ગયો. તે રવાના થયો પછી મનોરમાએ રાહતનો શ્વાસ લીધો. અજયની જ્યાં સુધી ઘરમાં હાજરી રહેતી, ત્યાં સુધી તેના મનમાં ફફડાટ રહ્યા કરતો કે ક્યારે, કઈ બાબતનો, અવળો જ અર્થ ઘટાવીને અનર્થ ઊભો કરી દેવામાં આવે, તેનું કશું નક્કી ન કહી શકાય. આથી બોલા-ચાલી થઈ જાય, તેવી આશંકાથી અજીતની ઘરમાં હાજરી હોય, તેટલો વખત મનોરમા ડર્યા કરતી.
રસોઈના કામથી ફારે થઈને મનોરમાએ પોતાના માટે ચા બનાવી. અને દીવાનખાનામાં બેસીને ચા પીવાની હજી શરૂઆત કરે, ત્યાં જ ટેલિફોનની ઘંટડી રણકી. મનોરમાએ રિસીવર ઉપાડીને જવાબ આપતાં કહ્યું, ''હેલો…? કોનું કામ છે?''
સામે છેડેથી તેની મોટી બહેને ઉત્સાહભર્યા સ્વરે કહ્યું, ''લગ્નતિથિનાં અભિનંદન…!''
''થેન્ક્યૂ!'' મનોરમાએ હસીને જવાબ આપ્યો. થોડો સમય બન્નેએ પોતપોતાની વાત કરી અને ''નિરાંતે રૂબરૂ મળીશું.'' ના વાક્ય સાથે સંવાદ પૂરો કરીને મનોરમાએ રિસીવર મૂક્યું કે તરત ફરી વખત ફોનની ઘંટડી વાગી. આ વખતે તેની સહેલીએ લગ્નની વર્ષગાંઠની શુભેચ્છાઓ આપી. આ વાત-ચીત પૂરી થઈ એટલે અન્ય ફોન ન આવે તે ખાતર મનોરમાએ રિસીવર નીચે મૂકી દીધું.
અત્યારે એ કોઈની સાથે વાત કરવા નહોતી ઈચ્છતી. બસ, ચૂપચાપ બેસીને કશુંક વિચારવા માગતી હતી, પણ શું વિચારવું હતું તેની કોઈ ખાસ સ્પષ્ટતા તેના મનમાં નહોતી. વળી, અપરંપાર વિચારો કરીકરીને પણ હવે તે કંટાળી ગઈ હતી…. કશી જ જાતના પૂર્વાભાસ સિવાય ઊભી થઈને તે પોતાના પલંગ પર જઈને આડી પડી. તંગદિલીથી ભારેખમ બની ગયેલું ઘરનું વાતાવરણ તેને અસહ્ય લાગતુ ં હતું.
ઓરડાની દીવાલો જોઈને મનોરમાને એવી લાગણી અચાનક જ થઈ આવી કે પોતે પણ અનારકલીની માફક આ દીવાલોમાં જીવતી દફનાઈ ગઈ ન હોય! પતિના નિવ્યાર્જ સ્નેહ અને લાગણીનું સુખ ક્યારેક તો મળશે જ, એવી આશામાં તેણે કેટકેટલી ભયાનક રાતો અને ડરામણા દિવસ આ દીવાલો વચ્ચે પસાર કર્યા હતા! પ્રેમની ભવ્ય મહેલાત ખડી કરવાના પ્રયત્નમાં એ પોતે જ ખંડેર જેવી બનતી જતી હતી… તેનું શરીર પણ દુ:ખોની દારુણતા અને મહેણાં-ટોણાંની તીક્ષ્ણાથી ચાળણી જેવું થઈ ગયું હતું અને છતાં પોતે હજી સુધી કેવળ પોતાનાં વહાલસોયા બાળકો ખાતર આ દોજખ જેવું જીવન ઢસડી રહી હતી.
તેના પતિને મન તો મનોરમાનું સ્થાન એક સુંદર શરીરથી વિશેષ કાંઈ હોય તેમ લાગતું નહોતું. પોતાની શારીરિક ક્ષુધા તૃપ્ત કરવાથી વધારે મહત્ત્વ તેણે મનોરમાને આપ્યું હોય તેમ તેણે ક્યારેય અનુભવ્યું નહોતું. કદાચ તેને એ પણ દરકાર નહોતી કે એ સુંદર શરીરમાં એક સંવેદનશીલ મન પણ હોય છે. અને પતિના તમામ સારા કે ખરાબ વ્યવહારોની તેના પર તીવ્ર અસર થાય છે.
અજયની દ્રષ્ટિએ સ્ત્રીનું સ્થાન ઘરનું વૈતરું કરવાનું બાળકો પેદા કરીને તેમનું લાલનપાલન કરવાનું, પતિ તેમ જ સાસુ-સસરાની સેવા કરવાનું જ હતું. સરળ સ્વભાવની મનોરમાએ ઘરના સુખ-શાંતિ અને પતિના મનમાં સંતોષ ખાતર આ પરિસ્થિતિનો પણ સ્વીકાર કરી લીધો હતો, પરંતુ તેના પતિએ તેને કેવળ યાતનાઓ જ આપીને દુ:ખદ પરિસ્થિતિમાં રાખવાનો જાણે ફેંસલો કરી લીધો હોય, તેમ બે મીઠા શબ્દ બોલીને મનોરમાને સંતોષનો શ્વાસ લેવાની તક પણ ક્યારેય નહોતી આપી.
મનોરમાનો આત્મવિશ્વાસ પણ કોણ જાણે ક્યારે ડગમગી જતો, તેની કશી જ ગતાગમ તેને નહોતી રહી. સોળ વર્ષના લગ્નજીવન પછી પણ અજય કઈ બાબતમાં ક્યારે નારાજ થઈને, શું બોલવા લાગશે, તેનો અંદાજ તે બાંધી શકતી નહોતી. આ સઘળું સહન કરતાં કરતાં તેની ધીરજનો પણ કદાચ હવે અંત આવી ગયો હોય તેમ લાગતું હતું. પરિણામે લગ્નજીવનમાં પસાર થઈ ગયેલાં સોેળ વર્ષ તદ્ન બરબાદ થયાં ગણાય.
અજય અભણ હતો એમ કહી શકાય તેમ નથી. વાસ્તવમાં મનોરમા કરતાં વધારે ભણેલો હતો, પણ તેનામાં પરપીડન વૃત્તિનું દૂષણ સવિશેષ હતું. આ દૂષણનો ભોગ મોટા ભાગે તો મનોરમાએ જ બનવું પડયું હતું.
બન્ને વચ્ચે આટલું જમીન આસમાન જેવું સ્વભાવનું અંતર મુખ્યત્વે સંસ્કારભેદને લીધે જ હશે. એ જ કારણે બન્ને વચ્ચેનું અંતર યથાવત્ રહેતું હશે. મનોરમાના સંસ્કારોના મૂળમાં પ્રેમ, દયા, કરુણા, સહાનુભૂતિ અને સહિષ્ણુતા હતાં, જ્યારે અજયના સંસ્કારમાં એવું કશું જ નહોતું. એ તો અન્યને છળ-કપટથી છેતરવાનું તેમ જ હલકા પાડવાનું જ શીખ્યો હતો. અજયે જાહેરમાં તેજોવધ ન કર્યો તેવો, સમ ખાવા પૂરતો પણ એકેય સામાજિક પ્રસંગ મનોરમાના સ્મરણમાં નહોતો. અન્ય સહુ મનોરમાનાં વખાણ કરતાં, તેને સરળ અને સુઘડ નારી તરીકે ચાહનારાનો વર્ગ પણ પ્રમાણમાં વધારે હતો. અજયનો અહમ કદાચ આ સત્ય સહી નહીં શકતો હોય એમ બને. આ લઘુતાગ્રંથિથી પીડાતો અજય સહુની સામે મનોરમાને હલકી પાડવામાં આનંદ અનુભવતો હશે. આવા સમયે મનોરમા કેવળ મ્લાન હાસ્ય કરી લેતી, જેથી પતિની આબરુના ધજાગરા ન ઊડે કે કેવા હલકટ પુરુષ જોેડે પનારો પડયો છે!
સાસુનાં પગલાંનો અવાજ સાંભળીને મનોરમાએ પોતાના તમામ વિચારો હાંકી કાઢ્યા. અને ઊભી થઈને સાસુની ચરણરજ લઈને તો રસોડામાં જતી રહી. વડીલોની સેવા કરવાની સંતાનોની ફરજને કારણે મનોરમા નિ:સ્વાર્થ ભાવે તેની સેવા કર્યે જતી હતી, નહીં તો મનોરમાના સાસુ કોઈ પણ રીતે વંદનીય નહોતા. પોતાના પુત્રને તેણે 'માવડિયો' કરી મૂક્યો હતો અને પુત્ર પણ તેની આ પરિસ્થિતિમાં રાજી જ હતો. પોતાનાં મા-બાપ માટે દરેક પુત્ર યથાસંભવ પ્રયત્ન કરીને તેમને મુશ્કેલી ન પહોંચે તેવો પ્રયાસ કરતો હોય જ, પરંતુ અજય તો પોતાના દામ્પત્યના અને ખાસ કરીને મોનરમાના ભોગે મા-બાપને સુખના સાગરમાં સહેલ કરાવતો હતો. સાસુને ચા-નાસ્તો આપીને મનોરમા પોતાના ઓરડામાં પાછી આવી અને પોતાના જીવનના વળાંકો પર વિચાર કરતી હતી.
આ દરમ્યાન તેણે ફોનનું રિસીવર યથાસ્થાને ગોઠવી દીધું હતું. અને તે શુભેચ્છાના ઘણા સંદેશ પણ સાંભળી ચૂકી હતી ભાઈ, ભાભી માસીબા, ડૉક્ટર કિરણભાઈ અને મયૂરીબહેનના સંદેશા આવી ગયા હતા. હવે કેવળ ચાંદનીનો ફોન આવવાનો બાકી હતો. સંભવ છે કે તેનો ફોન ખરાબ થઈ ગયેલો હોય કે પછી તેને વિસ્મરણ થઈ ગયું હોય… ના, અમને તો એ ભૂલે તેવી નથી. એ ખૂબ ચોક્કસ વ્યક્તિ છે. ઉપરાંત પોતાને પૂરેપૂરી ઓળખી શકનાર એ જ એક સાચી સહેલી છે. મનોરમાના હાસ્યની પાછળ છુપાયેલું રુદન ચાંદની સહેલાઈથી સાંભળી શકતી હતી.
ચાંદની આજે જો મારી પાસે હોત, તો મન પર આટલું ભારણ પેદા ન થઈ આવ્યું હોત…. મનોમન તેણે અનેક વખત નિર્ણય કર્યો હતો કે પોતાના દુખડાં ચાંદનીને જણાવીને તેને વધારે ચિંતાગ્રસ્ત નહીં કરે, પરંતુ મનના દબાણ પાસે તે નિરુપાય બની જઈને સઘળી વાતો ચાંદનીને જણાવી દેતી.
ત્યાં ફોનની ઘંટડી વાગી પહેલી રિંગે જ મનોરમાએ રિસીવર ઊંચકી લીધું અને તે બોલી, 'હેલો….! શા સમાચાર છે, ચાંદની? આ તારો જ ફોન હોવો જોઈએ તેની મને ખાતરી જ હતી. આજ સવારથી અસંખ્ય ફોન આવ્યા હતા. એક તારો ફોન આવવાનો જ બાકી હતો. હું તોે દ્વિધામાં જ હતી કે આજે શી વાત હશે કે હજી સુધી તારો ફોન નહીં આવ્યો હોય!''
''તારી બરબાદીનો આજે દિવસ છે, તેનો મને ખ્યાલ જ છે, પણ હું પણ તને અભિનંદન આપીશ તેવા વહેમમાં ન રહીશ… મારા મગજમાં તો બેસતું જ નથી કે આખું વર્ષ લડયા-ઝઘડયા પછી આજે હવે બધા પિકનિક પર જઈને લગ્નની વર્ષગાંઠ ઊજવો તે કેટલું તર્કસંગત છે? આખું વર્ષ વિખવાદમાં પસાર કરીને લગ્નતિથીના દિવસે બની ઠનીને ફરવા નીકળવાની સાથોસાથ લોકો તેમને આ દિવસ માટે અભિનંદન અને શુભેચ્છા આપે એવી આશા રાખતા માણસો પર મને તો ભઈ ખૂબ ગુસ્સો ચડે…. આજે તું પણ એવું જ કરવાની હોઈશ! આજે ક્યાં જવાનું છે? સાંજે જમવાનું પણ હોટલમાં જ રાખ્યું હશે, ખરું? કહી દે ને કે 'બાળકો ખાતર જવું પડશે.' … હું બધું જાણું છું….તું બધા માટે ઘસાતી રહેજે… તે ક્યારેય પોતાની જાત માટે જીવી જોયું છે ખરું? સહુની સેવા કરતી કરતી એક દહાડો કમોતે મરીશ, ત્યારે કોઈ શિરપાવ નહીં બંધાવી દે…..'' એકી શ્વાસે ચાંદની બોલી ગઈ. પછી સહેજ અટકીને બોલી, ''આજે અત્યાર સુધીમાં આવી શુભેચ્છા તને કોઈએ આપી છે?''
''ના, પણ તને મારા માટે લાગી આવે છે, ત્યારે કહે છે ને!'' મનોરમાએ જવાબ આપ્યો. પછી બન્ને એ ઝડપથી મળવાનો દિવસ નક્કી કરીને થોડાં અંગત ખબર અંતર પૂછી વાતચીત આટોપી લીધી.
ચાંદની સાથે ફોન પર વાત કરી, પછી કેટલો સંતોષ વ્યાપી ગયો હતો! તેણે કેટલું નગ્ન સત્ય કહી દીધું હતું! એ કહેતી હતી તેવું જ મોટાભાગે બનતું હોય છે. પોતે પણ આજે સાજ-શણગાર કરીને અજય અને બાળકો સાથે પોતાની લગ્નતિથી ઉજવવા માટે જશે. આમને આમ દિવસો, મહિનાઓ અને વર્ષો અર્થહીન અને ભારણ સાથે પસાર થઈ જશે અને જીવન પણ એમ જ પૂરું થઈ જશે…
લગ્ન થયાં ત્યારથી સતત તે અભિનય કરતી જીવી રહી હતી. જિંદગી સાથે અદ્ભૂત નાટક ખેલી રહી હતી અને વિવિધ પ્રકારના પાત્રો ભજવી ભજવીને હવે તે કંટાળી ગઈ હતી, તૂટી ગઈ હતી…. આમ વિચારતાં તેને પોતાની માતા યાદ આવી ગઈ.
કોલેજકાળમાં અવારનવાર તે નાટકોમાં ભાગ લેતી હતી. એક દિવસ રિહર્સલ પતાવીને ઘેર મોડી પાછી ફરી હતી, ત્યારે તેને ઠપકો આપતાં માએ કહ્યું હતું, ''આ તારાં નાટક-ચેટક ક્યાંય કામ નહીં આવે. કંઈક બીજું પણ શીખતી રહે…..''
વિચારોના ભારણ નીચે કચડાતી મનોરમા બબડી, ''મા! જો, તારી દીકરીને તેના નાટકની આવડત જ અત્યારે કામ આવે છે. હા, તમામ કાર્યો અભિનયની મદદથી જ આટોપ્યા છે અને અભિનય જ કામ લાગ્યો છે….''
માનું સ્મરણ થઈ આવતાં તેને રડવું આવી ગયું અને તે ડૂસકે ચડી ગઈ. લગ્ન પછીની પોતાની સ્થિતિની માતાને જાણ ન થાય એની પૂરી તકેદારી રાખવા છતાં પણ મનોરમા સુખી ન હોવાનું સત્ય અનુભવી માતાની નજર બહાર નહોતું ગયું અને પોતે પરિસ્થિતિથી વાકેફ છે, તેનો અણસાર પણ માતાએ મનોરમાને આવતા નહોતી દીધો.
કેવા મજાના એ દિવસ હતા! નાનકડા ઝરણા માફક ઊછળકૂદ કરતી, સહુનું હેત પામતી મનોરમાને પિતાએ બહુ લાડકોડમાં ઊછેરી હતી. ભાઈ-બહેનોમાં સહુથી નાની હોવાથી આમેય તે સહુની લાડકી જ હતી. એક દિવસ માતાએ કહેલું, ''મનોરમા તો અમારા બાગનું અણમોલ પુષ્પ છે. પરંતુ એ જન્મી ત્યારે દાદીમાં ચોઘાર આસુંએ રડયાં હતાં…''
મનોરમાએ આશ્ચર્યથી પૂછ્યું, ''શા માટે?''
''તું ત્રીજી દીકરી હતી, એટલા માટે માતાએ જવાબ આપેલો.
એ જ દાદી આજે તેને ફિલસૂફ રૂપે યાદ આવતાં હતાં… તે વિચારવા લાગી કે, 'કદાચ દાદીએ તેનું નસીબ વાંચી લીધું હશે અને તેનું ભાવિ ઓળખીલીધું હશે. દાદીમાની અનુભવી આંખોએ ભવિષ્યના તમામ ખેલ જોઈ લીધા હશે એટલે એ રડયા હશે…' મનોરમા ઊંડા વિચારોમાં ખોવાઈને ભૂતકાળનાં દ્રશ્યો માનસ પટ પર જોઈ રહી હતી ત્યાં જ ટેલિફોેનની ઘંટડી ફરી એકવખત રણકી. મનોરમા ઝબકીને વર્તમાનમાં પાછી ફરીને રિસીવર ઉઠાવી જવાબ આપતાં બોલી, ''હેલો…!''
''હેલો, મનોરમા! સામા છેડેથી કોઈ પરિચિતનો અવાજ આવ્યો, ''લગ્નતિથિનાં હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ…!''
રિસીવર કાને ધરીને મનોરમા જડવત્ ઊભી હતી. સામેની વ્યક્તિનો આભાર માનવાની તેની સુધ બુધ જાણે પરવારી ગઈ હતી.




