વાર્તા : સંબંધોના તાણાવાણા

- ''મારો આ પિતરાઈ ભાઈ ઘણો કોમળ હૃદયનો માનવી છે, મિત્રો.'' શિખાએ તરત રાજીવનો ટાંટિયો પકડી લીધો અને ખેંચવાનું શરૂ કરી દીધું, ''એ બિચારાને પણ એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. તે તેની થઈ શકી નહીં એટલે બિચારો હવે રાતદિવસ નિશ્વાસ નાખ્યા કરે છે. ધન્યછે આવા મજનૂને, જેમને પ્રેમના કારણે પોતાનું જીવન નીરસ અને દુ:ખદાયી લાગે છે.''
ઑફિસથી પાછા આવેલા નરેશે ઉલ્લાસભર્યાં સ્વરમાં પત્ની અનીતાને કહ્યું, ''આપણે બંને પરમ દિવસે મસૂરી જઈ રહ્યાં છીએ. તું ફટાફટ જવા માટેની તૈયારી કરી કાઢ. મારી વહાલી અર્ધાંગિની.
''આમ અચાનક પ્રોગ્રામ કેવી રીતે બની ગયો મસૂરીનો?'' નરેશની ટાઈની ગાંઠ ઢીલી કરતાં અનીતાએ મલમલભર્યું હસીને પૂછી લીધું.
''આજે ઑફિસમાં શિખાનો ફોન આવ્યો હતો. તે આપણાં લગ્નમાં નહોતી આવી શકી, કારણ કે તેનો પતિ સમીર બે મહિનાની ટ્રેનિંગ માટે બેંગલોર ગયો હતો અને તે બે મહિના પિયર લખનૌ ચાલી ગઈ હતી.''
''તમારા કોઈ સગપણમાં છે શિખા કે સમીર?'' અનીતાની આંખમાં જાણવાની ઉત્સુક્તા દેખાઈ.
''સગપણમાં તો નથી અનીતા, પરંતુ હું અને શિખા કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા. ઘણી ઝિંદાદિલ છોકરી છે. સમીર પણ ઘણો સમજુ છે. તેઓ પોતાની કાર લઈને મસૂરી ફરવા જઈ રહ્યા છે. જ્યારે શિખાને મેં કહ્યું કે હું તો મારી નવીનવેલી પત્નીને હજુ સુધી હનીમૂન પર નથી લઈ જઈ શક્યો ત્યારે તરત તેણે આપણને તેની સાથે આવવાનું આમંત્રણ આપી દીધું. તું જોજે, ઘણી મજા પડશે એ ત્રણેય સાથે ફરવાની.'' નરેશ પોતાનો આનંદ છુપાવી ન શક્યો.
''ત્રીજું તેનું બાળક છે શું?''
''ના, યાર, હજુ શિખા-સમીરનાં લગ્ન થયાંને આઠ-નવ મહિના તો થયા હશે. આજકાલ ત્રણ વર્ષ પહેલાં કયાં સમજુ પતિપત્ની બાળકની ઝંઝટમાં ફસાય છે? આ ત્રીજો શિખાનો પિતરાઈ ભાઈ છે, જે તારા કાનપુરનો છે. અહીં દિલ્હી ફરવા આવ્યો છે.
''તેની કારમાં ફરવાની તો જોકે મજા પડશે છતાં ત્રણેય જો બોરિંગ ટાઈપના હશે તો હનીમૂનનો આનંદ માર્યો જશે.'' અનીતાએ શંકા વ્યક્ત કરી.
''શિખાની સાથે કોઈ બોર થાય ખરું?
અશક્ય. તું હજુ જાણતી નથી એટલે આવું કહે છે. અરે, તેનામાં તો મડદામાં પણ પ્રાણ પૂરવાની શક્તિ છે. મજાકમસ્તીની શોખીન અને સારા મનવાળી, નિખાલસ છોકરી છે. એની ચિંતા તું ના કર, તું જોરશોરથી જવાની તૈયારીમાં લાગી જા, ડાર્લિંગ.'' નરેશે અનીતાને બાથમાં લઈને કહ્યું. એ પછી તેની મૂંઝવણ દૂર થઈ ગઈ.
પ્રવાસ શરૂ કરતાં પહેલાં જ દિવસે તેના હૈયાને એક પછી એક ઝાટકા લાગ્યા.
શિખાના પિતરાઈ ભાઈ રાજીવ પર દ્રષ્ટિ પડતાં જ તેનો ચહેરો સફેદ પૂણી જેવો થઈ ગયો.
રાજીવ, લગ્ન પહેલાંનો તેનો પ્રેમી હતો. માબાપના કારણે તેમનાં લગ્ન થઈ શક્યાં નહોતાં. પોતાના પિતાના ગુસ્સાવાળા સ્વભાવને કારણે અનીતાએ જાતે જ દૂર રહેવાનો નિર્ણય કરી લીધો હતો. છેલ્લી મુલાકાતના દિવસે જુદા પડવાની પીડાના કારણે રાજીવની આંખમાંનાં ટપકતાં આંસુને તે આજદિન સુધી ભૂલી શકી નહોતી.
રાજીવને તેનો સામાન કારમાં મૂકવાની મદદ કરતી હતી ત્યારે એકાંત મળતાં તેણે અનીતાને ધીમેથી કહ્યું, ''મને જરા સરખી ખબર નહોતી કે નરેશની પત્ની તું હશે. જો મને એ વાતની જાણકારી પહેલાં મળી હોત તો મેં આ ટ્રિપમાં આવવાનું પડતું મૂક્યું હોત.''
''શિખા શું તારા અને મારા વિશે…'' ગભરાટમાં અનીતા પોતાના મનમાં ઘૂંટાઈ રહેલો સવાલ પૂછી બેઠી.
''શિખા માત્ર એટલું જાણે છે કે મારે કોઈ છોકરી સાથે પ્રેમ હતો, પરંતુ એ છોકરી તું છે, એ આજ દિવસ સુધી જાણતી નથી. તું મૂંઝાઈશ નહીં, અનીતા. આપણો ભૂતકાળ તારા માટે કોઈ પ્રશ્ન નહીં બને.'' રાજીવે ધરપત આપી તેમ છતાં અનીતાના જીવને શાંતિ મળી નહોતી.
હજુ દિલ્હીની સીમા પાર નહોતી કરી ત્યાં શિખા સાથે વાત કરતાં બીજો આંચકો લાગ્યો.
શિખા સરસ, ઊંચી, રૂપાળી અને ખુશમિજાજ યુવતી હતી. પ્રવાસની શરૂઆતમાં જ તેણે પોતાના વિશિષ્ટ અંદાજમાં બોલવાનું શરૂ કરી દીધું હતું. નવાં પરણેલાં એવાં નરેશ અને અનિતાને છેડવા માટે શિખા પાસે પૂરતો મસાલો હતો. ખાસ કરીને નરેશની ઠેકડી ઉડાડીને સૌ સાથે અનીતાને પણ ખુશ કરતી હતી.
''એમની કોલેજ સમય દરમ્યાનનની આટલી બધી વાતો તમે જાણો છો તો તમારી વચ્ચે શું ઘણી સારી મિત્રતા હતી?'' અનીતાના આવા સવાલનો જવાબ આપતાં શિખા એટલું તો હસવા લાગી કે એક સમયે તો અનીતાને શિખાની માનસિક સ્થિતિ પર પણ શંકા થવા લાગી હતી.
અનીતાએ પ્રશ્નસૂચક નજરે નરેશ તરફ જોયું. કશો જવાબ ન આપતાં તે હસી રહ્યો હતો.
ત્યારે શિખાના પતિએ મૂક સવાલનો જવાબ આપ્યો, ''આ બંને વચ્ચેની મિત્રતા કેટલી વધુ કે ઓછી હતી, એ વિશે શું સવાલ પૂછે છે. અરે, તારો વર્તમાન પતિ અને મારી વર્તમાન પત્નીના પ્રેમની ચર્ચા તો આખી કોલેજમાં જાણીતી હતી.''
સમીરનો જવાબ સાંભળતા અનીતાના મનમાં ન સમજાય તેવી ગભરામણ થઈ. સમીરની વાતની સચ્ચાઈનો તાગ મેળવવા માટે તેણે પતિ તરફ નજર કરી.
નરેશે ભોંઠા પડતાં કહેવા માંડયું, ''અમારા પ્રેમની ચર્ચા ચગડોળે ચડી તેમાં કોઈ ખાસ વાત નહોતી. અમને એકબીજાને સૌ સારા મિત્રો સમજતા હતા.''
''સાવ ખોટું.'' શિખાએ મજાકભર્યું હાસ્ય કરી નરેશના માથા પર ટપલી મારી પછી સૌ સાંભળે તેમ કહેવા લાગી, ''નરેશ મારી પાછળ પાગલ હતો. બિલકુલ મજનૂની જેમ. પોતાના ગાંડપણને કારણે તે કોલેજમાં મજાકનું પાત્ર બન્યો હતો, સાથે હું પણ. તમને બધાંને તેનાં ગાંડપણનો એક કિસ્સો સંભળાવું?''
કોઈ હા કે ના કહે તેની રાહ જોયા વિના જ શિખાએ મજાકભર્યાં લહેકામાં કોલેજ જીવનના અનેક કિસ્સા સંભળાવી જ કાઢ્યા.
મજાકમસ્તી વચ્ચે શિખા ઘણી બધી ચટાકેદાર મસાલાવાળી વાતો લોકોને સંભળાવતી રહી. અનીતા હસવામાં સૌનો સાથ આપતી હતી, પરંતુ શિખા અને નરેશના જૂના પ્રેમપ્રસંગોને જાણી તેનું મન આકુળ-વ્યાકુળ થઈ ઊઠયું હતું.
તો બીજી તરફ સમીરની વર્તણૂક અને વ્યવહાર જોઈ તે આશ્ચર્ય પામતી હતી. તેને સમજવામાં મુશ્કેલી ન પડી કે શિખા અને નરેશ વચ્ચેનાં લગ્ન પહેલાંના પ્રેમ વિશે સમીર જાણતો હતો. છતાં પણ તે પોતાની પત્નીની વાતો ઘણી સહજતાથી હસીને લઈ રહ્યો હતો. નરેશ સાથે તેના સંબંધો મૈત્રીપૂર્ણ હતા. પોતાની પત્નીના ભૂતપૂર્વ પ્રેમી સાથે સમીરની મસૂરી ફરવા આવવાની વાત અનીતાને મગજમાં સમજાતી નહોતી.
''પોતાના આ સીધાસાદા મજનૂને જ્યારે દિલ આપી જ બેઠી હતી તો પછી તેની સાથે લગ્ન કેમ ન કર્યાં?'' પોતાના મનમાં ઊભા થયેલા સવાલને આખરે અનીતા હોઠ પર લાવીને જ જંપી.
''જોડાં તો ઉપર બને છે, અનીતા. આ લલ્લુને મારા કરતાં ક્યાંક વધુ રૂપાળી તારા જેવી પરી મળવાની હતી અને મને આ ફિલ્મી હીરો મળવાનો હતો.'' શિખાએ પ્રેમભરી નજરથી સમીરના વાળમાં હાથ ફેરવી કહ્યું.
'ફિલ્મી હીરો નહીં, માય ડિયર, શિખા. મને તો સમીર હંમેશા શક્તિ કપૂર જેવો દેખાઈ રહ્યો છે. આ જનાબ કોમેડિયન ઓછા અને વિલન વધુ લાગે છે.'' નરેશે કહ્યું.
શિખા નાટકીય રીતે હસી અને નરેશના બાવડા પર જોરદાર ચિંટિયો ભર્યો ન હોત તો તેણે આગળ છોડવાનું કદાચ બંધ જ કર્યું ન હોત.
અનીતાએ જોયું તો ડ્રાઈવર પણ ધીમું ધીમું હસી રહ્યો હતો. આ બંને વચ્ચેની ખેંચતાણ જોતાં ડ્રાઈવરનંા હસવું તેને ગમ્યું નહીં અને તેનું મન ખિન્ન થઈ ગયું.
રાજીવે તેની મનોદશા પારખીને શિખાને કહ્યું, ''હવે તું તમારા બંનેની જૂની ગાથા બંધ કરો. બંનેની બકબકથી અનીતાને દુ:ખ થઈ શકે છે.''
''મારો આ પિતરાઈ ભાઈ ઘણો કોમળ હૃદયનો માનવી છે, મિત્રો.'' શિખાએ તરત રાજીવનો ટાંટિયો પકડી લીધો અને ખેંચવાનું શરૂ કરી દીધું, ''એ બિચારાને પણ એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. તે તેની થઈ શકી નહીં એટલે બિચારો હવે રાતદિવસ નિશ્વાસ નાખ્યા કરે છે. ધન્યછે આવા મજનૂને, જેમને પ્રેમના કારણે પોતાનું જીવન નીરસ અને દુ:ખદાયી લાગે છે.''
શિખા એવી નાટકીય અદાથી હાથ જોડી રાજીવ તરફ ખડખડાટ હસવા લાગી કે તેનું હાસ્ય આખી કારમાં ફરી વળ્યું.
''પ્રેમીઓનું એકબીજાથી દૂર થવું એ તેમને માટે ખરેખર દુ:ખદાયક હોય છે, પરંતુ એ વાત તું નહીં સમજી શકે.'' નરેશે છેડવાના અંદાજમાં શિખાને કહ્યું.
મજાકમસ્તીનો આ સિલસિલો ચાલતો રહ્યો. અનીતા પણ ધીરે ધીરે મૂંગી થતી ગઈ. સમીર, શિખા અને નરેશ ટોળટપ્પાનો આનંદ માણતાં રહ્યાં.
અનીતાનું મન બેચેન થઈ ગયું. એક તરફ તેને ડર સતાવી રહ્યો હતો કે ક્યાંક નરેશ તેનાં લગ્ન પહેલાંના પ્રેમસંબંધ વિશે જાણી ન લે. તો બીજી બાજુ શિખાનું નરેશ સાથે વધુ પડતું મુક્ત થવું, તેના મનમાં શંકા પેદા કરવા માટે બસ હતું. કદાચ આ બંને વચ્ચે હજુ પણ પ્રેમ સંબંધ જીવી રહ્યો છે. આ બધી શંકાકુશંકા વચ્ચે અનીતા પ્રવાસનો ભરપૂર આનંદ પણ લઈ શકતી નહોતી.
તેની માનસિક સ્થિતિથી સંપૂર્ણ અજાણ દેખાતી શિખા પોતાના મસ્ત અંદાજમાં સૌ સાથે હસતીબોલતી રહી. અજાણતાં જ તે અનીતાની માનસિક તાણ વધારતી હતી.
બપોરે હરિદ્વાર પહોંચી, ગંગાસ્નાન કર્યું. ત્યાં બાળકની જેમ શિખા અને નરેશ એકબીજા પર પાણી ઉછાળી રમીને નહાયાં.
ઢાબામાં જમવાના સમયે પણ તેમની વચ્ચે ખેંચાતાણી ચાલતી રહી. જેને મન થતું તે બીજાની પ્લેટમાંથી કશું ઝડપીને ખાઈ લેતું. જ્યારે મોકો મળતો ત્યારે શિખા નરેશને ટપલી મારી લેતી અથવા ખભા પર હાથ રાખી તેને સાથે વાતો કરવા લાગતી.
આવી જ વર્તણૂક શિખા રાજીવ અને સમીરની સાથે કરતી, જરા પણ જુદી નહીં, પરંતુ અનીતાની નજરમાં તો તે જે નરેશ સાથે કરતી તે ખૂંચી રહ્યું હતું. અર્ધો દિવસ વીતતાં શિખા તરફ તેના દિલમાં નફરત અને ગુસ્સાના ભાવ જણાવા લાગ્યા હતા.
''સમીર તેની પત્નીને આવો વ્યવહાર કરતાં શા માટે અટકાવતો નથી?'' આવો સવાલ ઊભો થતાં તેના મનમાં સમીરની છબિ પણ ખરાબ થઈ હતી.
મસૂરી પહોંચતાં સુધીમાં બધાં થાકી ગયા હતા. હોટલના રૂમમાં પ્રવેશ કરી આરામ કરવાની ઈચ્છા થતી હતી. હળવું ભોજન લઈ સૌ પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા.
શિખા જ્યારે અનીતાને મળવા આવી ત્યારે નરેશ બાથરૂમમાં ફ્રેશ થવા ગયો હતો.
''મેં વચ્ચે વાળો રૂમ મારા અને સમીર માટે શા માટે પસંદ કર્યો છે. તું એનો જવાબ આપી શકીશ અનીતા?'' શિખાએ આંખમાં તોફાન સાથે પૂછ્યું.
''ના.'' અનીતાએ માથું ધુણાવી ના કહી.
''અમારાં લગ્નને નવ મહિના વીતી ગયા છે. જ્યારે તમને બંનેને પરણ્યાને હજુ મહિનો માત્ર થયો છે. હજુ સુધી તમારું મન ભરાયું નહીં હોય, વચ્ચે વાળો રૂમ તમારો હોત તો મસ્તી અને જોશમાં આવી તમે બંને વધુ હલ્લો કરી બેસો તો બિચારા કુંવારા રાજીવની રાતની ઊંઘ હરામ થઈ જાય. સારું કર્યું છે ને મેં તમને બંનેને આ રૂમ આપીને?'' શિખાએ ડાબી આંખ મારી પૂછ્યું અને અનીતાને શરમાયેલી જોઈને હસી પડી.
શિખાએ તેની વધુ મજાક કરતાં કહ્યું, ''તારો નરેશ 'કિસ' કરવામાં એક્સપર્ટ છે. એટલો તો મારો જાતઅનુભવ છે. ઘણીવાર તો મારે તેને તેની આટલી બધી ઉત્તેજના બદલ ધમકાવવો, ફટકારવો પડતો હતો. મારા અંદાજ મુજબ પ્રેમ કરવાની કલામાં તે પૂરો ઉસ્તાદ હોવો જોઈએ. મારી ધારણા ખોટી છે શર્મિલી ગુડિયા?''
અનીતાએ કશો જવાબ ન આપ્યો ત્યારે શિખા હસીને બોલી, ''જવાબ તો તારા ગુલાબી ગાલોએ આપી દીધો. તમે બંને તમારા અવાજને કાબૂમાં રાખજો. મારા એની ઊંઘ ઊડી જશે તો જલદી સૂઈ નહીં શકે. જો કે કલાક બે કલાક તેને સૂવા દેવાની મારી ઈચ્છા છે તો નહીં, અનીતા ડિયર.''
શિખા તેના રૂમમાંથી બહાર જતાં જ અનીતાના હોઠ પરનું હાસ્ય ધીરે ધીરે ગાયબ થઈ ગયું. તેના દિલનો એક ખૂણો શિખાને ખાસ પસંદ કરતો હતો. છતાં તેના મનની મૂંઝવણ ફરીથી વધવા લાગી હતી.
પોતાના આગોશમાં લેતાં પહેલાં નરેશે અનીતાએ પૂછેલા એક સવાલના જવાબમાં આમ સમજાવ્યું હતું, ''શિખાની છેડછાડને કોઈ ખરાબ રીતે એટલા માટે લેતું નથી, કારણ કે તેનું દિલ ઘણું સાફ છે. સમીરને ખોટું લગાડવાનો કોઈ સવાલ જ નહોતો, કારણ કે તેને શિખાના ચારિત્ર્ય પર સંપૂર્ણ વિશ્વાસ છે. તને જ્યારે તેની વિચિત્ર વર્તણૂકની આદત પડી જશે ત્યારે તું પણ તેની પ્રશંસક બની જઈશ.''
બીજા દિવસે સૌ કેમ્પટી ફોલ જોવા ગયા. શક્ય હતું ત્યાં સુધી અનીતાએ નરેશને સમૂહમાંથી અલગ કરી પોતાની સાથે રાખ્યો. તેનું મન શિખાની હાજરી સહન કરી શકતું નહોતું. એ વાત અલગ હતી કે નરેશની સાથે પણ પોતાની અંતરની બેચેનીના કારણે વધુ મોજમસ્તીનો અનુભવ કરી શકતી નહોતી.
લંચ લીધા પછી શિખા અને નરેશ ઊબડખાબડ રસ્તા પરથી પર્વત ચડવાનો પ્રયાસ કરવા લાગ્યા. ઝડપથી બંને બીજા લોકોની નજરમાંથી અદ્રશ્ય થઈ ગયા.
એ સમયે રાજીવ પણ કશું ખરીદવા દુકાન તરફ ચાલ્યો ગયો. સમીર અને અનીતા ત્યારે એકલાં પડયા.
યોગ્ય મોકો જોઈ અનીતાએ સમીરને જરા ખચકાતાં પૂછી લીધું, ''શિખા અને નરેશ કોલેજમાં ભણતાં હતાં અને એકબીજાને પ્રેમ કરતાં હતાં. હજુ પણ બંને મુક્ત મનથી હળે મળે છે. આના કારણે તમને ક્યારે પણ પરેશાની નથી થતી?''
''તને થાય છે?'' સમીરે હસીને સામે સવાલ કર્યો.
''ના.'' અનીતાએ આ અક્ષર પર ઘણો વધુ ભાર મૂક્યો.
''સાચું કહે છે?'' સમીરે તેની નજરમાં નજર મેળવી પૂછ્યું.
''કદાચ નહીં.'' અનીતાએ પોતે ખોટું બોલી રહી છે તેનો સ્વીકાર કરી લીધો.
''આના અનુસંધાનમાં તને હું એક વાત કહું અનીતા. શિખા સાથે મેં પ્રેમલગ્ન કર્યાં છે. લગ્નનો પ્રસ્તાવ સાંભળી શિખાએ મને કહ્યું હતું, ''હું જીવનમાં ભરપૂર આનંદ અને મોજમસ્તી મેળવવા ઈચ્છું છું. લોકો સાથે મનભરીને હસવુંબોલવું મને ગમે છે, પરંતુ હું ચારિત્ર્યહીન નથી. મારા અતિ હસમુખા સ્વભાવને કારણે મારા પર ક્યારેય શંકા ન કરશો. તને દગો આપવાનો વિચાર સરખો મને નહીં આવે. કોઈ પરપુરુષની ઈચ્છા કદાચ મારા મનમાં થશે તો હું પહેલાં તારી સાથેથી છૂટાછેડા લઈશ પછી તેની સાથે જોડાઈશ.
જો હજું સુધી શિખાએ મારી પાસે છૂટાછેડાની માગણી કરી નથી. અમે બંને ઘણાં સુખી છીએ. મારા મનમાં પણ ક્યારેય તેનાં મુક્ત વ્યવહાર જોઈને બેચેની આવી જાય છે, પરંતુ મારો તેના પરનો જે વિશ્વાસ છે તે ફરી સ્થિર થઈ જાય છે. તું પણ શિખા અને નરેશ વચ્ચેના મૈત્રીભર્યાં વ્યવહારને જોઈને બેચેન ના થઈશ. શિખા ક્યારેય પોતાની જાતને બહેકવા દેશે નહીં અને નરેશને પણ બહેકવા દેશે નહીં.'' સમીરે અનીતાને પ્રેમથી સમજાવી.
અનીતા મૂંગી રહી. સમીરે કહેલ વાત પર વિચારતી રહી. પછી રાજીવ આવી ગયો એટલે આગળ કશી વાત થઈ નહીં.
''સાળા સાહેબ, હવે લગ્ન કરવાનો તમારો શો ઈરાદો છે?'' રાજીવ નજીક બેસતાં સમીરે તેને પૂછ્યું.
''જ્યારે થવાના હશે ત્યારે થશે, જીજાજી.'' રાજીવે વાતને ટાળવાના પ્રયાસમાં જવાબ આપ્યો.
''શું શિખા જે કહે છે તે વાત સાચી છે કે એકવાર દિલ તૂટી ગયા પછી તેં લગ્ન ન કરવાનો ઈરાદો કરેલો છે?''
''હું તો માત્ર એટલું જ કહી શકું કે હાલ તરત તો કશો ઈરાદો નથી.''
''કોઈની બેવફાઈની સજા તું શા માટે ભોગવી રહ્યો છે? તારું ઘર વસાવવા માટે તારે મોડું ન કરવું જોઈએ, રાજીવ.'' અનીતાએ પોતાના શબ્દો પર ભાર મૂકી કહ્યું.
''દિલને ખૂબ જ ગમી ગઈ હોય એવી છોકરી ફરીવાર મળે તે શક્ય બની શકે ખરું અનીતા?'' રાજીવ હસ્યો પણ ઉદાસભર્યું હસ્યો.
''તું શોધીશ તો જરૂર મળી જશે.'' અનીતાએ જવાબ આપ્યો.
''જો તને મળે તો મને જણાવજે.'' રાજીવે કહ્યું.
''એ તો એને જાણતી નથી તો તે કેવી રીતે બીજી છોકરીને ઓળખી કાઢશે?'' સમીરનો પ્રશ્ન સાંભળી અનીતા અને રાજીલ એક ક્ષણ તો ડરી ગયા હોય એવું લાગ્યું.
પછી વાતને વાળી લેતાં રાજીવ હસ્યો પછી હળવી રીતે કહેવા લાગ્યો, ''આ વાત તો તમારી સાચી છે, જીજાજી. ત્યારે એમ કહી શકું કે અનીતા જો પોતાના જેવી છોકરી શોધી કાઢે તો હું તેની સાથે લગ્ન કરવા તૈયાર થઈ જઈશ.''
''અનીતાના વ્યક્તિત્વથી ઘણો પ્રભાવિત થયો છે?'' સમીરે પૂછ્યું.
''ઘણો જ.'' રાજીવે જવાબ આપ્યો.
રાજીવનો જવાબ સાંભળી અનીતાનું હૈયું ધડકવા લાગ્યું. તેના મનમાં એ વિચાર ઊપસી આવ્યો કે હજુ પણ રાજીવ તેને ચાહે છે. આ વિચારે તેની અંદરની ગભરામણ અને તાણને ઘણી વધારી દેવામાં સફળ થઈ.
''રાજીવ, સમીર ઝડપથી અહીં આવો. નરેશ એક ખાડામાં પડી ગયો છે, જલદી આવો.'' પહાડ પર ઉભેલી શિખાની ગભરાયેલી બૂમ સાંભળી ત્રણેય ગભરાઈ ગયાં અને ઊભાં થઈ ગયાં.
રાજીવ અને સમીર ઊબડખાબડ રસ્તા પર ચડી શિખા પાસે પહોંચી ગયા જ્યારે અનીતા એક પગદંડી પર ચાલીને મોડી ત્યાં પહોંચી.
ત્યાં જઈને જે દ્રશ્ય જોયું તેનાથી તેનો જીવ તાળવે ચોંટી ગયો. નરેશ એક ઊંડા સૂકા નાળામાં પડી ગયો હતો. હાલ્યાચાલ્યા વિના આંખ બંધ કરી ડાબી તરફના પડખે પડેલો હતો. તેના મસ્તક પર વાગવાના કારણે લોહી વહેતું હતું. તેનાં કપડાં ઘણી જગ્યાએથી ફાટી ગયેલાં દેખાતાં હતાં.
માત્ર પેટીકોટ અને બ્લાઉઝ પહેરીને ઊભેલી શિખા તાણમાં દેખાતી હતી. તેની સાડીનો ઉપયોગ દોરડાંમાં કરાતો હતો. રાજીવ સાડી રૂપી દોરડું પકડીને નાળામાં ઊતરી રહ્યો હતો. સાડીનો એક છેડો સમીરે મજબૂત રીતે પકડેલો હતો. તે સાડીને ધીરે ધીરે ઢીલ આપતો હતો અને રાજીવ થોડો વધુ ઊંડે ઊતરતો હતો.
છેલ્લા આઠ-દસ ફૂટ દૂર રહ્યું હશે ને સાડીનો બીજો છેડો આવી ગયો ત્યારે રાજીવે હિંમતભેર છેડો છોડી દીધો અને લગભગ ઘસડાતો નરેશ નજીક પહોંચી ગયો.
સૌપ્રથમ તેણે નરેશને ચત્તોપાટ કર્યો. વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બેહોશ હોવાના કારણે જવાબ આપી ન શક્યો. ત્યારે તેણે પોતાનો રૂમાલ કાઢ્યો અને નરેશના માથા પર લાગેલા ઘા પર રાખ્યો અને પોતાનું ખમીસ ઉતારી ઘા પર ખમીસની બાંયનો પાટો બનાવી બાંધી દીધો.
ઉપર ઊભેલી અનીતા લગાતાર રડતી હતી. તેનું શરીર ભય, ચિંતાના કારણે ધૂ્રજી રહ્યું હતું.
''નરેશને કશું નહીં થાય. અનીતા. તું જોજે તે બિલકુલ સારો થઈ જશે. હિંમત રાખ, રડીશ નહીં.'' પોતાની છાતી સરખી ચાંપી શિખા અનીતાને ધીરજ આપતી હતી.
એટલામાં ત્યાંનો એક સ્થાનિક માણસ આવી પહોંચ્યો. સમીરને નાળામાં ઊતરવાનો સહેલો રસ્તો બતાવવાની જવાબદારી લીધી. સમીર લગભગ દોડતો તેની સાથે જવા લાગ્યો.
લગભગ દસ મિનિટ પછી સમીર અને તે મણસ પણ નરેશ પાસે પહોંચી ગયા. હજુ સુધી બેભાન પડેલા નરેશને તેમણે સાવચેતીથી ઊંચક્યો અને રસ્તા સુધી લાવવાની મુશ્કેલ યાત્રા શરૂ કરી.
નાળામાં પડી ગયા પછી લગભગ બે કલાક બાદ નરેશને એક હોસ્પિટલમાં લઈ જવાયો. ત્યાં બે કલાક અનીતા રડતી હતી. રડવાથી તેની હાલત પણ ખરાબ થઈ ગઈ.
હોસ્પિટલના વડા ડોક્ટરે આશરે એક કલાક પછી નરેશની ગાલતી જાણ કરી, ''નકેશના શરીર પર અનેક જગ્યાએ ઈજાઓ થઈ છે, પરંતુ ગંભીર નથી. તેના માથાના એક્સ રેમાં પણ કશી ઈજા નથી. હાથપગનાં હાડકાં પણ ભાંગેલાં નથી. આપણે ચિંતા કરવા જેવું કશું નથી. હા, એક વાતની ચિંતા છે.''
''કઈ વાતની ચિંતા છે ડોક્ટર?'' સમીરે ચિંતાભર્યા સ્વરે પૂછ્યું.
''પેશાબ માર્ગેથી લોહી આવે છે. લાગે છે કે ડાબી તરફની કિડની પર કોઈ પથ્થર વાગતાં ઈજા થઈ છે. આપણે લોહી બંધ કરવાની સારવાર શરૂ કરી છે. જોકે નરેશનું બ્લડ પ્રેશર બરાબર છે. જો અંદરનું બ્લીડિંગ ઝટ બંધ નહીં થાય તો આપણે ઓપરેશન કરવાનું રહેશે.''
''ઓપરેશનનો ખર્ચ કેટલો આવશે?''
''૩૦ હજાર સુધીનો. કશી મૂંઝવણ પડશે તમને પૈસા ભેગા કરવામાં?''
''ના ડોક્ટર. તમે નરેશની સારામાં સારી સારવાર કરો.''
ડોક્ટરના ગયા પછી અનીતા ગભરાટભર્યા સ્વરમાં સમીરને પૂછી બેઠી, ''આટલા બધા પૈસાની સગવડ કેવી રીતે થશે?''
''તું ચિંતા ના કરીશ અનીતા. કેશ ઓછી પડસે તો અમારાં ઘરેણાં વગેરે વેચીને પૂરી કરી લઈશું.''
''મને તો તેમણે ઘરેણાં પહેરવાની જ ના પાડી હતી.'' અનીતા બોલી.
''રિલેક્સ.'' શિખાએ તેના ગાલ પર ટપલી મારી કહ્યું, બધી ચિંતા તું અમારા પર છોડી દે. નરેશ સારો થઈને પાછો ફરે એની જવાબદારી અમારી છે.''
પૂરા ૪૮ કલાક નરેશને હોસ્પિટલમાં રહેવું પડયું હતું. આ દરમિયાન અનીતાને રાજીવ, સમીર અને શિખાનો ઘણો ટેકો રહ્યો. તેને એક પણ પણ પોતે એકલી છે એવો અનુભવ થવા દીધો નહીં. બંને રાત્રે સમીર અને રાજીવ હોસ્પિટલમાં રહ્યા. શિખાએ મોટી બહેન હોય એવું વર્તન રાખ્યું. તેના મનોબળને જરા પણ નબળું ન પડવા દીધું. જરૂર પડતાં નરેશ માટે લોહી આપવા ત્રણેય તૈયાર હતા. તેને સ્વસ્થ કરવા માટે તેઓ કશું પણ કરવા માટે તૈયાર હતાં. મજબૂત મનોબળનો અનીતાએ અનુભવ કર્યો.
નરેશના પેશાબમાં વહેતું લોહી બંધ થઈ ગયું. ડોક્ટરે તેને આરામ કરવાની સલાહ આપીને હોસ્પિટલમાંથી બે દિવસ પછી રજા આપી હતી.
નરેશની પાછા ફરવાની વાત જાણતા અનીતા એકદમ ભાવુક સ્વરમાં ત્રણેયને કહેવા લાગી, ''પ્રવાસની શરૂઆતમાં તમને ત્રણેયને સમજવામાં મેં મોટી ભૂલ કરી હતી. નરેશ અને શિખાના મુક્ત, મિત્રતાભર્યા સંબંધો પર મેં શંકા કરી. રાજીવની બેવફા પ્રેમિકા હું જ હતી. મને એકવાર એવું થયેલું કે તે મને હજુ પણ ચાહે છે. શિખા અને રાજીવને હું મારા લગ્નજીવનની ખુશીઓ માટે મોટો ભય માનવા લાગી હતી.''
''ભૂતકાળમાં જે બન્યું હોય તેના કારણે વર્તમાનને બગાડવો એમાં ડહાપણ નથી અનીતા. કોલેજના દિવસોમાં લગભગ બધાંને કોઈ ને કોઈ સાથે પ્રેમ થઈ જ જતો હોય છે. લગ્ન પછીના એવા પ્રેમસંબંધને યુવક અથવા યુવતીનાં ખરાબ ચારિત્ર્યનું પ્રતીક ન સમજવો જોઈએ. આપણાં બધાંનો અત્યારનો સંબંધ જ સાચો છે અને તે ગાઢ મિત્રતાનો છે.'' શિખાએ અનીતાને સમજાવ્યું.
''મા શિખાનું પ્રવચન સમાપ્ત થયું, બાળકો.'' રાજીવના આ કથન પર બધા ખડખડાટ હસી પડયા. અનીતાના મનમાં આ બધાં સાથેનાં મિત્રતાનાં મૂળ ઘણાં ઊંડા બન્યાં.




