Sahiyar

વાર્તા : હું હવે હારી ગઈ છું...

By GS Team
24 Aug 202610 mins read
વાર્તા : હું હવે હારી ગઈ છું...
  • સમીરે સુમન પર એક અછડતી નજર કરી. એનું સંપૂર્ણ ધ્યાન તો ટીવીમાં આવતી મેચ પર જ હતું. એ લાપરવાહીથી એક વાક્ય બોલ્યો, ''આવી ગઇ તું?'' સમીરના બીજા મિત્રો ટીવી પર નજર ઠેરવીને બેઠા હતા. સુમનની હાજરીનું કોઇને ભાન હતું નહીં સુમનને સમીર પર ગુસ્સો આવ્યો. જ્યારે પણ ટીવી પર મેચ હોય ત્યારે બે-ચાર મિત્રોને લઇને બેસી જતો હતો.

લોકલ ટ્રેનના ખીચોખીચ ભરેલા લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં ઉભેલી સુમનના મગજમાં ઝંઝાવાત ઉઠયો હતો. લેડીઝ કમ્પાર્ટમેન્ટ હોવા છતાં જબરી ભીડ હતી. જો કે સુમન આવી ભીડથી ટેવાયેલી હતી છતાં એ દિવસે તેને સ્ત્રીઓની ભીડ અને કોલાહલ ગમ્યો નહોતો. તે જલદી જલદી ઘરે પહોંચીને એકાંતની ઇચ્છા રાખતી હતી.
મોટાભાગની સ્ત્રીઓ સુમનની જેમ ઓફિસેથી પાછી ફરી રહી હતી. સૌના ચહેરા પર એક પ્રકારનો થાક દેખાતો હતો. પરંતુ સુમનના મગજમાં એક જુદા પ્રકારનો ઝંઝાવાત ચાલતો હતો. એ દિવસે બોસના ટેબલ પર પોતાના રાજીનામાનો કાગળ પછાડીને તે આવી હતી. એડવર્ટાઇઝિંગ કંપનીની અઢી વર્ષ જૂની નોકરીને તેણે છોડી દીધી હતી.
ખૂબ કામકાજવાળી અને કર્મચારીઓ પાસેથી વધુ અપેક્ષા રાખનારી આ નોકરી હતી. તેનાથી તેની અપેક્ષા પૂરી થતી નહોતી, પરંતુ ઘરની આર્થિક મજબૂરી તથા સારા પગારના કારણે તે નોકરી કરવા મજબૂર હતી. ઘણીવાર વિચારવા છતાં તે નોકરી છોડી શકતી નહોતી.
આમ તો ઓફિસનો સમય સવારના નવથી સાંજના પાંચ સુધીનો હતો, પરંતુ સુમનને કાયમ મોડી રાત સુધી રોકાવું પડતું હતું. ઘણીવાર કંપનીના બોસને કહેલું કે તે રાત્રે આઠ નવ સુધી રોકાઇ શકે તેમ નથી. નવ વાગ્યે ઓફિસેથી નીકળી રાત્રે દસ વાગ્યે ઘરે પહોંચતી. એ પછી સ્નાન, ભોજન વગેરેથી પરવારતાં અને સૂવા જતાં રાત્રિના બાર વાગી જતા હતા. ફરી સવારે આઠ વાગ્યે ઘરેથી નીકવી જવું પડતું. તેનું જીવન ઓફિસ સુધી સિમિત બની ગયું હતું. એટલું જ નહીં કંપનીના કામ માટે અન્ય શહેરોમાં જવું પડતું હતું.
ગયા અઠવાડિયે સુમન ચાર દિવસ માટે નાગપુર ગઇ હતી. આજે ફરી બોસ કાલે સવારે બેંગ્લોર જવા માટે કહેતા હતા. આ વખતે તેણે ઘસીને ના કહી હતી. આને કારણે ચડભડ થઇ ગઇ અને આખરે તેણે રાજીનામું આપવાનો વખત આવ્યો હતો.
આ કલેશના કારણે સુમનનું મન ઉદાસ થઇ ગયું હતું. સાથે બીજા પ્રશ્નો પણ તેને હેરાન કરી રહ્યા હતાં. એ જોશમાં ને જોશમાં રાજીનામું તો આપી આવી હતી, પરંતુ શું તે નહોતી જાણતી કે તેની નોકરી તેના ઘર માટે કેટલી જરૂરી હતી? ઘરનો તમામ ખર્ચ તો તેના પગારથી ચાલતો હતો.
એના પતિ સમીરની નોકરીનો તો કશો વિશ્વાસ કરવા જેવો નહોતો. આ મહિને તે પેલી કંપનીનો સેલ્સમેન બનતો તો બીજા મહિને કોઇ બીજી કંપનીનો માલ વેચવા લાગતો. એના વિશ્વાસે તો મકાનની લોનનો હપતો પણ ભરી શકાય તેમ નહોતો.
આ બધું જાણવા છતાં સુમન ગૌરવભેર રાજીનામું આપી આવી હતી. બીજી કંપનીમાં નોકરી મળે ત્યાંસુધી રાહ જોવાની પણ ધીરજ રાખી શકી નહોતી. હવે શું થશે? કેવી રીતે થશે? બીજી નોકરી સહેલાઇથી મળી જશે? આ બધા સવાલો તેનેસતાવી રહ્યાં હતાં.
આ વિચારમાંને વિચારમાં સ્ટેશન આવી ગયું તે નીચે ઉતરી. થાકેલી હારેલી તે પ્લેટફોર્મની સીડી ચડીને ઉતરી બસ સ્ટોપ પર જઇ બસની રાહ જોવા લાગી.
પોતાની સોસાયટીના સ્ટોપ પર સુમન બસમાંથી ઊતરી પડી. સોસાયટીમાં પ્રવેશ કરતાં ગેટકીપરે રોજની જેમ સલામ કરી. સુમન તેની સલામનો જવાબ હંમેશા સ્મિતથી આપતી હતી. પરંતુ એ દિવસે તેના ચહેરા પર સ્મિત ન આવી શક્યું. ગેટકીપર તરફ માત્ર અછડતી નજર કરીને તે આગળ વધી ગઇ.
પોતાના વિચારોમાં ડૂબેલી સુમન લિફ્ટનો દરવાજો ખોલી સાતમા માળે આવેલા પોતાના ફ્લેટ તરફ જવા લાગી. સોસાયટીનોે આ ફ્લેટ એડવર્ટાઇઝિંગ કંપનીની નોકરીના આધારે લીધો હતો. એના ઊંચા પગારના કારણે તેને કંપનીમાંથી લોન મળી હતી. લોનનો હપતો દર મહિને પગારમાંથી નીકળતો હતો. હવે દર મહિને ૧૨ હજાર રૂપિયાનો હપતો તે લાવશે ક્યાંથી સોસાયટીના ભાડા માટે દર મહિને ૩૦૦૦ રૂપિયા ક્યાંથી આપશે. સાથે ઘરનો તમામ ખર્ચ કેવી રીતે નીકળશે? આ બધું યાદ આવતાં સુમન કંપી ઊઠી.
કોલબેલ દબાવતા સમીરે દરવાજો ખોલ્યો તો સુમન ઘરમાંથી આવતા અવાજો સાંભળીને ચમકી ગઇ. એનું મન આમેય ઉચાટ ભર્યું હતું. તેમાં આ પ્રકારનો શોરબકોર તે સહન નહોતી કરી શકતી. સુમન ગુસ્સામાં બેઠકરૂમ આવી ગઇ. ટીવી પર ક્રિકેટમેચ ચાલી રહી હતી. સમીર અને તેના ચાર મિત્રો ટીવી સામે જમાવીને બેઠા હતાં. ચાના એઠાં કપ સોફા અને ટેબલ પર હતા. આખો રૂમ અસ્તવ્યસ્ત હતો.
કલર ટીવી પરની ક્રિકેટ મેચ જોવાનો આનંદ સુમનની નોકરીને કારણે જ માણી શકતો હતો. દર મહિને કેબલ કનેક્શનના બસો રૂપિયા આપવા પડતા હતા. ઘણીવાર તેણે કેબલ કનેક્શન કાઢી નાખવાનો વિચાર કર્યો હતો. દરેક વખતે સમીર નાના બાળકની જેમ હઠ કરીને સુમનને કેબલ કટ કરાવતાં રોકી લેતો હતો.
સમીરે સુમન પર એક અછડતી નજર કરી. એનું સંપૂર્ણ ધ્યાન તો ટીવીમાં આવતી મેચ પર જ હતું. એ લાપરવાહીથી એક વાક્ય બોલ્યો, ''આવી ગઇ તું?'' સમીરના બીજા મિત્રો ટીવી પર નજર ઠેરવીને બેઠા હતા. સુમનની હાજરીનું કોઇને ભાન હતું નહીં સુમનને સમીર પર ગુસ્સો આવ્યો. જ્યારે પણ ટીવી પર મેચ હોય ત્યારે બે-ચાર મિત્રોને લઇને બેસી જતો હતો.
ઘણા દિવસ પછી ભારતને ક્રિકેટમાં જીત મળવાની છે, ''આમ કહી સમીર અને તેના મિત્રો જોર જોરથી તાળીઓ પાડવા લાગ્યા. સુમનથી આ શોરબકોર સહન ન થયો. તેણે કાન પર હાથ રાખી દીધા.
તરત સમીર બોલ્યો, ''તું ઊભી કેમ? બેસને?''
જવાબમાં સુમને માત્ર સમીર તરફ ધૃણાભરી નજર કરી અને બેડરૂમમાં ચાલી ગઇ. દરવાજો બંધ કરી તેણે પોતાના શરીરને પલંગ પર પડતું મૂક્યું. સમીર અને તેના મિત્રોના ખડખડાટ હસવાના અવાજો દરવાજો ચીરીને અંદર આવતા હતા. જે સુમનને ખૂબ જ પરેશાન કરી રહ્યા હતા.
તેનું માથું દુખવા આવ્યું. તેને સમીર પર ગુસ્સો આવ્યો. કેટલીવાર સમીરને કહ્યું હતું કે ટીવી પર ક્રિકેટ મેચ જોવા માટે તે મિત્રોને ન બોલાવ્યા કરે. આખા ઘરને વેરણ છેરણ કરી મૂકે છે, પરંતુ તેણે આ વાત ગંભીરતાપૂર્વક લીધી નહોતી. આમ તો સમીર જીવનમાં કોઇ વાતને ગંભીરતાથી લેવાનું શીખ્યો જ નહોતો. સરળતા અને બેફિકરાઇથી જીવન જીવવાની તેની એક અનોખી શૈલી હતી.
સુમને તેના કુટુંબનો વિરોધ હોવા છતાં સમીર સાથે લગ્ન કર્યા હતાં. બંને કોલેજમાં સાથે ભણતાં હતાં. ત્રણ વર્ષ સુધી પ્રેમ ચાલતો રહેલો. બી.એસ.સી. પછી સુમન એમ.બી.એ. કરવા લાગેલી, જ્યારે સમીર નોકરીની શોધ કરવા લાગ્યો હતો.
એમ.બી.એ. પછી એડવર્ટાઇઝિંગ કંપનીમાં સુમન નોકરી કરવાલાગી એ પછી તેણે પોતાના ઘરનાંઓને સમીરની સાથે પોતાના લગ્નની વાત કરી હતી. જેનો સૌએ વિરોધ કર્યો હતો.
વિરોધ કરવાનાં કારણો ઘણાં હતાં. એક તો સમીર પરજ્ઞાતિનો હતો, અપેક્ષા કરતાં એ ઓછો પ્રતિષ્ઠિત કુટુંબનો હતો અને વિરોધનું સૌથી મોટું કારણ તો બંને વચ્ચેના વ્યક્તિત્વની અસમાનતા હતી. સુમન સમીર કરતાં વધુ ભણેલી હતી. અને એડવર્ટાઇઝિંગ કંપનીમાં ઊંચા હોદ્દા પર હતી.
વળી તે વધુ પરિપક્વ અને ચોક્કસ વિચારો ધરાવતી હતી. જ્યારે સમીર મામૂલી અને સાથે હંગામી નોકરી કરનારો હતો.
સુમનની બહેનપણીઓએ પણ સુમનને પૂછેલું કે સમીરમાં તેણે એવી કઇ વિશિષ્ટતા જોઇ ગતી, કે તેણે એને પસંદ કર્યો? સગાસબંધીઓએ પણ સુમનને આજ પ્રશ્ન દોહરાવ્યો હતો કે આખરે તે તેને શા માટે પસંદ કરે છે?
કદાચ સુમન પોતે જાણતી હતી કે તે સમીરને આટલો શા માટે પસંદ કરે છે. આમ છતાં તેના વિચારમાં જરા પણ તે ડગી નહોતી. તેણે સમીર સાથે કોર્ટમાં લગ્ન કરી લીધાં.
પરંતુ લગ્ન પછી સુમનને અહેસાસ થયો કે તેના ઘરનાંઓનો વિરોધ ખોટો નહોતો. તેની સખીઓ પણ ખોટી નહોતી. હકીકતમાં મુંબઇ જેવા મહાનગરમાં જીવન જીવવા માટે સમીર જેવા મોજીલા પ્રકારના યુવક પર નિર્ભર રહી શકાય તેવું હતું નહીં અને એટલે તેણે કુટુંબ ચલાવવા માટે એડવર્ટાઇઝિંગ કંપનીની નોકરી ચાલુ રાખી હતી.
તેને પગાર પણ સારો મળતો હતો. તેનો ઘરસંસાર આરામથી ચાલતો હતો, પરંતુ હવે…..
ત્યાં જ ધડામ્ કરતો દરવાજો ખૂલ્લો, સમીર આનંદભેર અંદર પ્રવેશ્યો અને પછી ઉત્સાહથી બોલ્યો, ''ભારત જીતી ગયું''
કશા પણ પ્રતિભાવ વિના સુમન ચૂપ બેસી રહી.
''અરે, તેં તો હદ કરી નાખી. હું કહું છું ભારત જીતી ગયું, ફાઇનલ સુધી પહોંચી ગયું અને તને એ વાતની કોઇ ખુશી નથી.''
''ભારત જીતીને ફાઇનલમાં પહોચ્યું હોય તો એમાં હું શું કરું?''
સુમનના ઊંચા સૂરમાં નીકળેલા આ શબ્દોથી સમીર થોડો આશ્ચર્ય પામ્યો. બોલ્યો, ''ભાઇ હું તો એટલા માટે કહેવા ઓવેલો કે સાંભળીને તું ખુશ થઇશ, ઘણાં સમય પછી ભારત જીત્યું છે.'' અને તે રૂમની બહાર જવા લાગ્યો.
''ઊભો રહે.'' સુમન લગભગ ચીસ પાડી ઊઠી. સમીર ડરી ગયો.
''મારે તને કશું કહેવું છે.''
''કહે''
''પહેલાં મારી પાસે આવીને બેસ.''
''અરે, મેન ઓફ ધ મેચની જાહેરાત થવાની છે. વિરાટ કોહલીને મળશે, તેણે ધુંઆધાર બેટિંગ કરી હતી.
''બંધ કર તારો બકવાસ'' સુમન ચિડાઇ ગઇ. પળભર સમીર સુમનને જોતો રહી ગયો. પછી ગુસ્સાથી બોલ્યો, ''મને ખબર છે તારે શું કહેવાનું છે. પ્રમોશન મળ્યું હશે અથવા તો બોસ સાથે ક્યાંક જવાનું હશે.''
આ સાંભળી સુમન ચિડાઇ ગઇ, ''ના, મારું પ્રમોશન પણ નથી થયું કે મારે બોસ સાથે ક્યાંય જવાનું પણ નથી, મારે તને એ કહેવું છે કે હું હવે હારી ગઇ છું.
સમીર સુમનને આશ્ચર્યથી જોવા લાગ્યો. સુમન ભાંગી પડતાં બોલી, ''મારી નોકરી છૂટી ગઇ છે. મેં રાજીનામું આપી દીધું છે.''
સમીરના ચહેરા પરના કઠોર ભાવ એકાએક નરમ બની ગયા. એ પછી ન જાણે કેમ એ જોરથી હસી પડયો.
''આ હસવાની વાત નથી. આ ગંભીર બાબત છે. જરા વિચાર કે હવે ઘરનો ખર્ચ, લોનનો હપ્તો વગેરે માટે પૈસા ક્યાંથી આવશે?''
''હું છું ને? સમીરે કહ્યું.
''તું…… '' ઇચ્છા ન હોવા છતાં સુમન ઉપહાસ કરતી હોય તેમ હસતાં બોલી પડી.
''હા, હું…… પોતાના શબ્દો પર ભાર મૂકતાં સમીર આત્મવિશ્વાસપૂર્વક બોલ્યો, ''જો હું ઇચ્છું તો દિવસમાં ૨૦ કલાક લગાતાર કામ કરી શકું તેમ છું. તારાથી વધારે તો નહીંં, પરંતુ ધરખર્ચ ચલાવવા જેટલું કમાઇ શકું તેમ છું.''
સુમનને સમીરના આત્મવિશ્વાસથી ટેકો મળ્યો. છતાં અવિશ્વાસભરી નજરે તેને જોવા લાગી.
''તું બધી ચિંતા છોડી દે. તારા પતિને સાવ નકામો ન સમજીશ'' કહી એક ઝટકા સાથે સુમનને તેણે બાથમાં જકડી લીધી.
''અરે, અરે, આ શું કરી રહ્યો છે, છોડ મને.'' સુમન પોતાને છોડાવવા નિષ્ફળ પ્રયાસ કરવા લાગી.
સુમનને પોતાના મજબૂત હાથોમાં ઉઠાવી સમીર ડ્રોઇંગરૂમમાં આવ્યો. સૌ મિત્રો તેને આશ્ચર્યથી જોવા લાગ્યા.
સમીરે એક મિત્ર તરફ કતરાતી નજર કરી કહ્યું, ''જા જઇને દુકાનેથી ગરમાગરમ સમોસા લઇ આવ.''
પછી બીજા મિત્રને કહ્યું, નરેન તું રસોડામાં જઇને ચા બનાવ. આજે ભારત નહીં, મારી મેડમ મેચ જીતીને આવી છે.''
આ સાંભળી બધા મિત્રો આનંદમાં આવી ગયાં. પછી સુમન સાથે બધા હાથ મિલાવી અભિનંદન આપવા લાગ્યા.
''અરે આઘા ઘસો અહીંથી.'' બધાંનાં હાથ ઝાટકતાં સુમન બોલી. તેનું હાસ્ય અચાનક વેરાઇ ગયું. હસતાં હસતાં બોલી, ''મારી નોકરી છૂટી ગઇ અને તમે મને અભિનંદન આપી રહ્યા છો?''
સમીરના મિત્રો તેને આશ્ચર્યથી જોવા લાગ્યા. ''મેડમ, ઘણા સમયથી તેની નોકરીના કારણે પરેશાન હતી. વારંવાર છોડવાની વાત કરતી હતી. આજે છોડી દીધી. આ આનંદની વાત નથી શું?'' સમીરના સમર્થનમાં બધા આનંદમાં સુમન સાથે સૌ હાથ મિલાવવા લાગ્યા. અનાયસે તેનો હાથ પણ લંબાઇ ગયો.
એક કહે, ''નોકરીનો ક્યાં તોટો છે, એક છોડો તો હજાર મળે છે.''
બીજો કહે, ''મુંબઇમાં કોઇ માણસ મનમાં ધારે તો સાંજ સુધીમાં ચાર નોકરી મેળવી પાછો ફરે છે.''
''મને હારવાનું હંમેશા ગમે છે. ત્યારે જ માણસને પોતાની સાચી ઓળખનું ભાન થાય છે.'' ત્રીજાએ કહ્યું.
''હા, યાર બધા સમયે આનંદ થોડો સારો લાગે છે. ક્યારેક હારની પણ મજા ચાખવી જોઇએ. અલસી હાર તો ત્યારે કહેવાય છે જ્યારે બિચારો માણસ ફરી જીતવાની આશા જ છોડી દે છે. હું અત્યારે જ સુમન મેડમને આ હારમાં રહેલી જીતના આનંદમાં ચા પિવડાવું છું.'' અને તે રસોડા તરફ ચાલ્યો ગયો.
સમીરના એ બધા મિત્રો સામાન્ય સ્થિતિના હતા. તેમની વાતો સુમનને એક પ્રકારનું બળ આપતી હતી. આ નાના અને સામાન્ય માનવીઓ કદાચ જીવનને વધુ સારી રીતે સમજે છે. સુમનએ મનને સાંત્વના આપતાં કહ્યું કે તેમની વાતમાં કેટલી સચ્ચાઇ અને ઊંચાઇ છે. સમીરના મિત્રોના પ્રેમભર્યા વ્યવહારથી સુમનને એક પ્રકારની હળવાશનો અનુભવ થયો. એ ભૂલી ગઇ કે આજે એની નોકરી છૂટી જતાં તેણે ચિંતાતુર રહેવું જોઇએ.
સમીર મૂછમાં હસતાં-હસતાં સુમનને તાકતો રહ્યો. પછી ટેબલના ખાનામાં એક અખબાર કાઢી સુમનને આપ્યું.
''શું છે?'' સુમને પૂછ્યું.
સમીર થોડું ખચકાતાં બોલ્યો, ''નોકરી માટેની કેટલીક જાહેરખબરો છે. મને પહેલેથી જ ખ્યાલ આવી ગયો હતો કે તું આ નોકરીમાં ઝાઝું ટકવાની નથી. એટલા માટે મેં તારા માટે નોકરીની જાહેરખબરો જોવાનું શરૂ કરી દીધું હતું.''
નોકરીની જાહેરાતોના અખબારને ન પકડતાં સમીરના હાથને લાગણીભર્યા હૈયે પકડતાં બોલી, ''ઓહ, સમીર તું મને કેટલો ઓળખી ગયો છે. શું તને જાણ હતી કે હું આટલી જલદી નોકરી છોડી દઇશ.''
જવાબમાં સમીરે ડોક હલાવી હા કહી. સુમનની આંખો ભીની થઇ ગઇ. સમીરને તે પ્રેમભરી નજરે જોવા લાગી.
ત્યાં જ એક મિત્ર તરત કોમ્પ્યુટર તરફ લપક્યો, પછી સ્વિચ ઓન કરતાં કહેવા લાગ્યો, ''ભાભીજી, જ્યાં સુધી તમારા માટે ચા તૈયાર થાય ત્યાં સુધીમાં તમે કોમ્પ્યુટર પર બે-ચાર અરજી ટાઇપ કરી નાખો. હું પોસ્ટ કરી દઇશ.''
સમીર સુમનને ખેંચીને કોમ્પ્યુટર પાસે લઇ ગયો. પછી તેની આંખોમાં આવેલાં આંસુને લૂછતાં કહેવા લાગ્યો, ''કશું જોખમ ઉઠાવ્યા વિના ન તો હાર મળે છે કે નથી જીત મળતી. જે ગુમાવ્યું છે એના વિશે વિચારો કરી દુ:ખી ન થઇશ. હવે આગળનો વિચાર કર.
સુમનમાં નવા જોમ અને સાહસ ઊભરાઇ આવ્યાં. સ્મિત કરતાં તેણે એક નજર સમીર તરફ કરી અરજી ટાઇપ કરવા લાગી.
જીવનની પ્રત્યેક વાતને સમીર ખૂબ જ હળવાશથી લે છે. જીવનના પ્રત્યેક સ્વરૂપને તે પસંદ કરે છે. જીવન પ્રત્યેનો તેનો વિશ્વાસ અને મુસીબતોના સમયે તે તેનું હકારાત્મક વલણ સુમનમાં અજ્ઞાત શક્તિનો સંચાર કરે છે. કદાચ એટલે તે સમીરને પસંદ કરે છે.