વૃધ્ધો વિશે કેટલીક ભ્રામક માન્યતાઓ

ગયું વર્ષ આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે ઉજવાયું હતું, તેની ઉપલબ્ધિ અને સિદ્ધિઓ કેટલી મળી, તેનાથી વૃદ્ધોને કેટલો લાભ થયો, એ તો આવનારો સમય કહેશે. પણ ઓછામાં ઓછો એટલો લાભ તો થયો જ છે કે વ્યક્તિઓનું વૃદ્ધો પ્રત્યે ધ્યાન ખેંચવામાં સફળતા મળી. જૂના જમાનાના વૃદ્ધોનું વ્યક્તિત્વ કદાચ દરેક સામાજિક સ્તરે માનભર્યું હતું. આજના પરિપ્રેક્ષ્યમાં વૃદ્ધોનું ચિત્રણ એટલે લાચાર, દયનીય કે બીજા ઉપર જીવતા હોય એવું છે. એમની ઈમેજ બદલવાનો સમય હવે પાકી ગયો છે. પ્રસ્તુત છે વૃદ્ધો વિશેની કેટલીક માન્યતાઓ અને એનાં ખંડનો :
વૃદ્ધો સમાજ માટે બિનજરૂરી અને બોજ જેવા છે. ખાસ કરીને કામ કરતી યુવાન પેઢી માટે : ઘણા લોકો ખાસ કરીને જ્યાં નિવૃત્તિ હેઠળ પેન્શન ન મળતું હોય તેવા દેશોમાં વયસ્કો વૃદ્ધાવસ્થામાં પણ કરતા જોવા મળે છે. આ રીતે તેઓ પોતાનું અને બીજાઓનું ભરણપોષણ કરતા હોય છે. પગાર ખાતર કામ કરતા વિશ્વમાં લાખો વૃદ્ધો છે તો વગર પગારે કામ કરતા લોકોનો પણ તોટો નથી. કુટુંબમાં કે સામાજિક નેતૃત્વ હેઠળ બાળકોની કે માંદા માણસોની સંભાળ લેતા લોકો, સલાહકારો, શિક્ષકો, સંસ્કૃતિનું જતન કરતા વાલીઓ કે સ્વયંસેવકો આ બધામાં ઘણા વેતનધારી કે અવેતન કામ કરતા હોય છે. સામાજિક વિકાસમાં તેમનો ફાળો મહત્ત્વનો છે.
કેટલાક વૃદ્ધોને અલબત્ત આધારની જરૂર હોય છે. નીતિઓ ઘડવામાં અને સમાજની અન્ય પ્રવૃત્તિઓમાં વૃદ્ધોને સાથે રાખી શકાય જેથી તેમની વૃદ્ધાવસ્થાને પડકારરૂપ બનાવી શકાય.
અન્ય લોકો કરતાં વૃદ્ધો જુદા પડી જાય છે : વૃદ્ધો ઘણા લાંબા સમય સુધી જીવ્યા હોય છે. જો આપણે નસીબદાર હોઈશું તો આપણને પણ વૃદ્ધ બનવાનો મોકો મળશે.
વૃદ્ધો નવું શીખી શકતા નથી કે માહિતી ગ્રહણ કરી શકતા નથી અને તેમને શિક્ષણ કે તાલીમ આપવાની જરૂર નથી : પુરાવાઓથી ખબર પડે છે કે બીજાઓની જેમ જ વૃદ્ધો નવું શીખવામોં હોંશિયાર હોય છે. તેમ છતાં તાલીમ ઓછી મળવાને કે ન મળવાને લીધે તેઓના આત્મવિશ્વાસ ઘટી જતો હોય છે. પોતાની જિંદગીની ગુણવત્તા સુધારવા તેમને શીખવી શકાય જેથી નવરાશના સમયનો તેઓ સદુપયોગ કરી શકે. જેટલી તેમને વધુ તાલીમ અને માહિતી મળશે તેટલા તેઓ સમાજને વળતું આપવામાં મદદરૂપ બનશે.
વૃદ્ધો અસહાય હોય છે અને પોતાની જિંદગી વિશેના નિર્ણયો લઈ શકતા નથી : જ્યારે વૃદ્ધોને સહાયની જરૂર હોય ત્યારે સામાન્ય રીતે તેઓ વધુ સારી રીતે જાણતા હોય છે કે તેમને શેની જરૂર છે. એવા કિસ્સાઓ જૂજ બનતા હોય છે. જેમાં પરિસ્થિતિને કારણે વૃદ્ધો અમુક નિર્ણયો લઈ શકતા નથી (આવાં પ્રસંગો તો યુવાનો સાથે પણ બનતા હોય છે). જ્યારે આખા સમાજની પ્રવૃત્તિઓ ઘડવાની હોય ત્યારે વૃદ્ધો પણ પોતાના અનુભવોથી સમાજને ઘણો લાભ આપી શકે છે.
વૃદ્ધાવસ્થા ૬૦ વર્ષથી શરૂ થાય છે : સરકારી અને બીજી સંસ્થાઓના મત પ્રમાણે ૬૦ વર્ષે ''વૃદ્ધાવસ્થા'' શરૂ થતી હોય છે પણ જુદી જુદી જગ્યાએ જુદા જુદા કિસ્સા જોવા મળી શકે કેટલાક લોકો ૩૫ વર્ષે વૃદ્ધ બની જતા હોય તો કેટલાક સો વર્ષ પછીય પ્રવૃત્ત રહી શકતા હોય. ઘણી જગ્યાએ પોતાની વય શું છે તેનાથી નહીં પણ આખી જિંદગીમાં પોતે કેટલા પ્રવૃત્તિ રહ્યા તેનાથી ઉંમર અંકાતી હોય છે.
વૃદ્ધો પ્રેમમાં પડી શકતા નથી કે શારીરિક સંબંધો જાળવી શકતા નથી : દરેક વ્યક્તિની લાગણીઓ આખા જીવન દરમિયાન બદલાતી જરૂર રહે છે પણ તમે વૃદ્ધ થાઓ એટલે એ લાગણીઓ અટકી જતી નથી.
વૃદ્ધો નબળા, કચકચ કરનારા, માંદા અને અપંગ હોય છે : કેટલીક શારીરિક પરિસ્થિતિઓ વૃદ્ધોમાં જોવા મળે છે. વૃદ્ધાવસ્થામાં માંદગી અને નબળાઈ આવે જ. સામાન્યપણે વાત કરીએ તો જે લોકો આખી જિંદગી દરમિયાન સતત પ્રવૃત્ત રહ્યા હોય તેઓ વયસ્ક થાય ત્યારે તેમને ગંભીર માંદગી આવવાની સંભાવના ઓછી હોય છે.
વૃદ્ધો જિંદગીની મજા માણી શકતા નથી : શું તમે પોતે વૃદ્ધ બન્યા પછી મજા માણવાનું કે ખુશ રહેવાનું છોડી દેશો?
વૃદ્ધો ભૂલકણા હોય છે : વય થતાં યાદશક્તિ ક્ષીણ થાય છે અને વૃદ્ધો એટલી ઝડપથી વાત યાદ કરી શકતા નથી પણ બધા જ વૃદ્ધો ભૂલકણા હોય છે. એ વાત સુસંગત નથી. વય, તાણ, ચિંતા, નિરાશા, માંદગી જેવાં પરિબળો પણ યાદશક્તિ પર ઊંડી અસર કરતાં હોય છે.
વૃદ્ધોને મોંઘી દાટ સારવાર આપવાનો અર્થ હોતો નથી : સમાજ દ્વારા પૂરી પડાતી દરેક દાક્તરી સારવાર મેળવવાનો બધાને હક છે. જે વૃદ્ધોને દાક્તરી સારવાર મળે તો તેમની જિંદગી ઉગારી શકાય છે અને સાજા રહી તેઓ સમાજમાં પોતાનો ફાળો આપી શકે છે. એવા બહુ જ ઓછાવૃદ્ધો હોય છે જેમને મોંઘીદાટ દાકતરી સારવાર આપવી પડે. આપણી વિકસતી ટેક્નોલોજીને કારણે વૃદ્ધોની ઉંમરમાં વધારો થઈ શક્યો છે અને તેમની જિંદગીમાં અર્થપૂર્ણ વર્ષો ઉમેરી શકાય. એની જવાબદારી આપણી છે. રાજ્ય, સમાજ, સંસ્થાઓ, કુટુંબો અને દરેક વ્યક્તિએ વૃદ્ધોની સંભાળમાં મહત્ત્વનો ફાળો આપવો જરૂરી છે.




