સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સના સનેપાતથી છૂટવાના સરળ ઉપાય

છેલ્લા ઘણાં સમયથી સ્માર્ટફોન અને ટેબ્લેટ્સ આપણા ઉપર રાજ કરી રહ્યાં છે એમ કહીએ તો તે વધારે પડતું નહીં ગણાય. એક આંગળીના ટકોરે આપણે આખી દુનિયા આપણી સામે ખડી કરી શકીએ છીએ. વળી જ્યારે આપણી પોસ્ટ કોઈને ગમે અને આપણી પ્રશંસા થાય ત્યારે આપણને ખુશી થાય છે. પણ તેને લીધે આપણને તેનું વળગણ થઈ જાય છે અને સતત ટેક્સ્ટ કે ઇ-મેલ કરવાની ટેવ, અપડેટ ચેક કરવાની તલબ આપણા માનસિક સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચાડે છે.
નિષ્ણાતો કહે છે કે રાત્રે સૂતી વખતે તમારા મિત્રો સાથે ચેટ કરવામાં કે તેમના વિશે જાણવામાં કાંઈ ખોટું નથી. પણ જો તેમાં તમને કાંઈક એવું જાણવા મળે જે તમને અસ્વસ્થ બનાવી મૂકે તો તમારી ઊંઘ હરામ થઈ જવાની.
બહેતર છે કે તમારું લેપટોપ કે સ્માર્ટ ફોન બેડરૂમથી બહાર જ રાખો. જો તે ચેક કરવાનું અતિશય જરૂરી હોય તો સુવા જવાથી ખાસ્સી વાર પહેલાં તપાસી લો. જેથી તમારી નીંદર ન બગડે. સવારના પહોરમાં ઊઠીને તરત જ મોબાઇલ ચેક કરવાની ટેવ એ વાતનો નિર્દેશ કરે છે કે તમને સતત એમ લાગે છે કે તમે કોઈક માહિતી કે જાણકારીથી અજાણ રહી જશો. તમારી આ ચિંતા તમને હંમેશાં તાણમાં રાખશે. આ મુશ્કેલીથી દૂર રહેવાનો સૌથી સરળ ઉપાય એ છે કે તમારો ફોન તમારી પથારી પાસે ન રાખો. ઊઠીને સ્નાન કરો. ત્યાર બાદ થોડીવાર માટે વોક કરવા જાઓ. આમ કરવાથી તમે કુદરતની સમીપે રહેશો. પરિણામે તમારું મન આપોઆપ શાંત થઈ જશે. તમારામાં તાજી ઊર્જાનો સંચાર થશે.
તમે બહારગામ જાઓ ત્યારે પણ તમને વાઇ-ફાઇ વિના ન ચાલે એ સ્થિતિ ખૂબ જોખમી છે. તમે સતત એમ જ વિચારતા હો કે કોઈને મારી જરૂર પડશે અને તે મારો સંપર્ક નહીં કરી શકે તો શું થશે? આવો વિચાર તમને બેચેન કરી મૂકશે અને તમે રજાની મઝા માણવાને બદલે સતત તાણમાં રહેશો. વળી જો તમે નોકરી ન કરતાં હો, પણ તમારો પોતીકો વ્યવસાય હોય ત્યારે આ ચિંતા બમણી થઈ જાય છે.
આ સ્થિતિને પહોંચી વળવું મુશ્કેલ નથી. તમે દિવસનો ચોક્કસ સમય આવશ્યક લોકો સાથે સંપર્કમાં રહેવા નિશ્ચિત કરી રાખો. જેથી બાકીનો સમય તમે નિરાંતે રજાની મઝા લઈ શકો.
તમે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર સતત ફોટા પોસ્ટ કરતાં રહો કે દરેક ક્ષણનું રેકોર્ડિંગ કરતાં હો તો તમે લઘુતાગ્રંથિથી પીડાઈ રહ્યાં છો. વાસ્તવમાં સતત મબલખ લોકોના સંપર્કમાં રહેવાની ટેવ તમને અસલામતીની લાગણી બક્ષે છે.
પરંતુ આ વળગણમાંથી છૂટવાનો સૌથી સરળ ઉપાય એ છે કે તમે માત્ર તમારી નિકટના લોકો કે સ્વજનોના સંપર્કમાં જ રહો. આખો વખત અપડેટ પોસ્ટ કરતાં રહેવાને બદલે તમારા આપ્તજનો સાથે ફોન પર વાત કરો.




