Sahiyar

સહિયર સમીક્ષા

By GS Team
17 Aug 20264 mins read
સહિયર સમીક્ષા
  • હું એક યુવાનના પ્રેમમાં છું. તે મારો બાળપણનો મિત્ર છે. મારા પ્રત્યેની તેને લાગણીઓ હું જાણતી નથી.

હું ૨૫ વર્ષની પરિણીત યુવતી છું. મારા લગ્નને છ મહિના થયા છે. અમારે હમણા બાળક જોઈતું નથી એ માટે હું ગર્ભનિરોધક ગોળી લેવા માગુ છું. મારે એ જાણવું છે કે કયા સંજોગોમાં સ્ત્રીએ ગર્ભનિરોધક ગોળીઓ ન લેવી જોઈએ?
એક યુવતી (વડોદરા)
આ વાતની સલાહ તમને તમારા ફેમિલી ડૉક્ટર સારી રીતે આપી શકશે. પરંતુ સામાન્ય સંજોગોમાં ડૉક્ટરો સ્ત્રીને લાંબા સમયથી લિવરની બીમારી લાગુ પડી હોય અને તેણે લિવર સંબંધી વિવિધ પ્રકારની તપાસ કરાવી હોય, સ્તન કેન્સર થયું હોય, ગર્ભાશય કે યોનિને લગતો અસાધારણ રક્તસ્ત્રાવ થયો હોય અથવા રક્તવાહિનીઓમાં લોહી ગંઠાઈ જવાની રક્તાભિસરણની બીમારી હોય તેમજ હાઈપર ટેન્શન કે માઈગ્રેન જેવું દરદ હોય તો તેણે ગર્ભનિરોધક ગોળીઓ ગળવી ન જોઈએ. આ ઉપરાંત ડાયાબિટિસ કે વાઈની બીમારી તેમજ સ્તનપાન કરાવતી માતાઓના કિસ્સામાં પ્રથમ છ મહિના ગર્ભનિરોધક ગોળીઓ લેવાની ડૉક્ટરો સલાહ આપતા નથી. જોકે આ ગોળીઓ તમે ડૉક્ટરને સલાહ અનુસાર જ લેજો.
હું ૧૮ વરસની છું છેલ્લા છ વર્ષથી હું એક યુવાનના પ્રેમમાં છું. તે મારો બાળપણનો મિત્ર છે. કેટલાક વરસ પહેલા તે વિદેશમાં ભણવા ગયો હતો, પરંતુ વર્ષમાં એકાદ-બે વાર તેને ઘરે આવે છે. તે અહીં આવે ત્યારે અમે મળીએ છીએ. પરંતુ મારા પ્રત્યેની તેને લાગણીઓ હું જાણતી નથી. યોગ્ય માર્ગદર્શન આપશો.
એક યુવતી (રાજકોટ)
તમારા પાત્ર પરથી ખ્યાલ આવે છે કે તમે ૧૨ વર્ષના હતા ત્યારથી જ એ છોકરાના પ્રેમમાં છો. આ ઉંમરે પ્રેમ વિશે સમજણ પડતી નથી અને વિજાતિય આકર્ષણને પ્રેમ માનવાની ભૂલ થઈ બેસે છે. મારી સલાહ એ છે કે હમણા એની લાગણીઓ જાણવાની ઉતાવળ કરો નહીં. સમયને સમયનું કામ કરવા દો. આ પ્રેમ નહીં એક ક્રશ હોઈ શકે છે. જે ઉંમર વધતા ઓસરી જશે. હમણા તો તમારા અભ્યાસમાં જ ધ્યાન આપો. તેની લાગણીઓ જાણવી જ હોય તો તમે એને પૂછી શકો છો અથવા તો કોઈ મિત્ર દ્વારા આ જાણી શકો છો, પરંતુ આ પહેલા તેની ના સાંભળવા પણ મનને તૈયાર કરીને રાખજો કારણ કે, તે તમને માત્ર એક મિત્ર જ ગણતો હોય એવી પણ એક શક્યતા છે.
હું એક રૂઢિચુસ્ત પરિવારની છું. જેમ તેમ કરીને મેં મારા માતા-પિતાને મને નોકરી કરવા દેવા માટે મનાવ્યા હતા, પરંતુ મારી સાથે કામ કરતો એક પુરુષ મારી પાછળ પડયો છે. તેમજ ગમે ત્યારે મને ફોન કરીને પજવે છે. હું તેની સાથે મૈત્રી કરું નહીં તો તે ગંભીર પરિણામ માટે તૈયાર રહેવાની મને ધમકી આપે છે. અત્યાર સુધી મેં મારા માતા-પિતાને નીચું જોવું પડે એવું કામ કર્યું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવતી (ગુજરાત)
આ વાત ઘણી ગંભીર છે એને સહજતાથી લેવાની ભૂલ કરતા નહીં તમારે તમારી સલામતીના પગલા લેવા જ પડશે. 'ગંભીર પરિણામ'નો અર્થ તમે સમજાવ્યો નથી. મને લાગે છે કે તમારી સલામતી મહત્ત્વની હોવાથી તમારે તમારા મા-પિતાને આ વાત કરવી જોઈએ અને તમને તેનામાં રસ નથી એ પણ તેની સમક્ષ સ્પષ્ટ કરી નાખો. આ ઉપરાંત તમારા બોસને પણ ફરિયાદ કરો જેઓ આ મામલો હાથમાં લઈ તેનું નિરાકરણ કરશે.
મારી પત્નીની ઉંમર ૨૩ વર્ષ છે અને મારી વય ૩૨ વર્ષ છે. ઉંમરના આટલા તફાવતથી અમારી સેક્સલાઈફ કે સંતાન પ્રાપ્તિમાં કોઈ તકલીપ થઈ શકે છે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક ભાઈ (સુરત)
સ્ત્રી અને પુરુષ વચ્ચેની ઉંમરનો તફાવત સંતા થવામાં આડે આવતો નથી. પત્ની પતિ કરતા ઉંમરમાં નાની હોય એવી આપણા સમાજની વર્ષો જૂની પરંપરા છે. આનું કારણ એ છે કે સ્ત્રીની ગર્ભધારણ કરવાની ઉંમર ૪૦-૪૫ વર્ષની આસપાસ હોય છે જ્યારે પુરુષો માટે ઉંમરની મર્યાદા નથી. લગ્ન જીવનની સફળતા, સેક્સલાઈફ કે સંતાન પ્રાપ્તિનો આધાર તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર રહેલો છે આથી ઉંમરના તફાવતની કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
હું ૨૦ વરસનો છું. અમારી આર્થિક સ્થિતિ સારી છે પણ, મારા પિતા ઘણા કડક છે તેઓ મને ટીવી જોવા કે મારા મિત્રો સાથે બહાર ફરવા જવા દેતા નથી. નાની-નાની ભૂલ માટે પણ તેઓ મારા પર ગુસ્સે થયા છે. આ કારણે મારો આત્મવિશ્વાસ ગુમાઈ ગયો છે. ઘણી વાર બળવો પોકારવાનું પણ મને થાય છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવક (મુંબઈ)
બળવો પોકારવાથી મામલો વધુ બગડશે. બળ વાપરવાથી કામ થશે નહીં આથી બુદ્ધિ વાપરીને તમારે તમારા પિતાને સમજાવવાનો તેમજ તમારા મનની વાત જણાવવાનો પ્રયત્ન કરવો પડશે. ઘરમાં ટીવી જોવા માટે નહીં તો પછી શા માટે રાખ્યું છે એમ તેમને પૂછો તેમના વર્તનને કારણે તમારો આત્મવિશ્વાસ ઓછો થઈ ગયો હોવાથી પણ તેમને વાત કરો. મારું માનવું છે કે વાતચીત દ્વારા મોટા ભાગની ગેરસમજ દૂર થઈ શકે છે. આ ઉપરાંત તમારા પિતાને જેમના પ્રત્યે વિશ્વાસ અને માન હોય એવા કોઈ વડીલને મધ્યસ્થી કરવાની વિનંતી કરી શકો છો.

  • નયના