Sahiyar

શારદાબહેન મહેતા : પ્રથમ સ્નાતક મહિલા

By GS Team
12 Oct 20263 mins read
શારદાબહેન મહેતા : પ્રથમ સ્નાતક મહિલા
  • વંદના ગોસ્વામી

ગુજરાતમાં નારીચેતનાનો ઉલ્લાસ વર્ષો પહેલા પ્રગટી ચુક્યો હતો. એમાં કેટલાક નારી વિરોધી તત્ત્વોને કારણે થોડી અડચણ આવી પણ પાણી અને પાણીદાર વ્યક્તિત્વને કોણ રોકી શક્યું છે.
બે સદી પહેલા જ્યારે ગુજરાતમાં જનહીં પણ સમગ્ર ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હતું ત્યારે ગુજરાતના પ્રથમ સ્નાતક મહિલા શારદાબેન મહેતા મહિલા ઉચ્ચ શિક્ષણની નીવ નાખે છે. તેઓ ભારતીય સમાજ સુધારક શિક્ષણશાસ્ત્રી અને લેખિકા હતા.
૨૬ જૂન ૧૮૮૨ માં તેમનો જન્મ નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા ગોપાલલાલ ધ્રુવ અને માતા બાળાબેન હતાં. તેઓ ભોળાનાથ દીવેટિયાના પૌત્રી હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ રાય બહાદુર મગનભાઈ ગર્લ્સ હાઇસ્કુલમાં મેળવ્યું હતું. ૧૯૦૧ વિનિયન સ્નાતકની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. તેમના મોટા બહેન વિદ્યાગૌરી નીલકંઠ સાથે મહિલા સ્નાતક બન્યાં હતાં.
૧૪ વર્ષની ઉંમરે શારદાબેન વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત ડોક્ટર બટુકરામ મહેતાના પુત્ર તેમજ નવલકથાકાર નંદશંકર તુળજાશંકર મહેતાના દોહિત્ર સુમન મહેતા સાથે વિવાહ જીવન શરૂ કર્યું હતું. લગ્ન જીવન બાદ પણ સમાજ ઉપયોગી પ્રવૃત્તિ શરૂ રાખી હતી. તેમણે બહેનો માટે અમદાવાદમાં વનિતા વિશ્રામ મહિલા વિદ્યાલયની સ્થાપના કરી હતી. આ ઉપરાંત તેમણે એસ. એન. ડી .ટી. સાથે સંકળાયેલ કોલેજની પણ સ્થાપના કરી હતી. બહેન માટેની અનેકવિધ પ્રવૃત્તિ સાથે તેઓ જોડાયેલા રહ્યા હતા.
ગાંધીજીના વિચારોથી તેઓ બહુ પ્રભાવિત હતા. તેમણે મહાત્મા ગાંધીના વિચારોને આત્મસાત કર્યા હતા. ૧૮૧૭માં બળજબરીથી શ્રમપ્રથા (ગિરમીટિયા)નો બહિષ્કાર કર્યો હતો. માણસને માણસ તરીકે સ્વીકારવાની હાંકલ કરી હતી. તેમણે ગાંધીવાદી વિચારોને વહેતા કરવા માટે વિદેશી કાપડના બહિષ્કાર સાથે ૧૯૩૦ એક ખાદીની દુકાનની સ્થાપના કરી હતી. લોકોને વિદેશી વસ્ત્રો નહીં પણ આપણી ખાદી પહેરવા માટે સમજાવ્યાં હતાં. જેથી દેશ આથક સધ્ધર થઇ શકે.
૧૯૩૪માં અમદાવાદ નજીક શેરથા ખાતે આવેલા તેમના પતિના આશ્રમમાં સમાજ સુધારણા અને મહિલા શિક્ષણનાં કાર્યોમાં સહકાર આપ્યો હતો. ત્યારબાદ તેમણે મહિલા કલ્યાણ માટે 'જયોતિસંઘ'ની સ્થાપનના કરી હતી. જેમાં અનેક બહેનોએ નવજીવનનો પ્રારંભ કર્યો હતો.
વડોદરામાં તેમણે ચીમનાબાઈ સ્ત્રી સમાજની સ્થાપના કરી હતી. મધ્યમ વર્ગની સ્ત્રીઓને રોજીરોટી માટે સહેલાઈથી આશ્રય મળી શકે તેવા પ્રયત્ન તેમણે સતત કર્યા હતા. તેમણે મહિલાને ઘરની ચાર દીવાલમાંથી બહાર લાવવાની પુરી કોશિશ કરી હતી.
શારદાબહેનનું સાહિત્ય લેખન પણ નોંધનીય છે, નિબંધ લેખન જીવનકથા અને અનુવાદો કર્યા હતા. ૧૯૩૮ માં તેમણે પોતાના જીવનના સંઘર્ષો અને મહિલા શિક્ષણ માટેના પોતે કરેલા પ્રયત્નોને આવરી લેતી તેમની આત્મકથા 'જીવન સંભારણા' નામે પ્રકાશિત હતી. તેમાં તે સમયની રાજકીય સામાજિક સ્થિતિ અને સાથે સાથે સ્ત્રી જાગૃતિ અને સ્ત્રી શિક્ષણની વાત તેમણે રજૂ કરી છે. તેઓએ પુષ્કર ચંદરવાકર સાથે સંભારણા ભાગ એક-બે ૧૯૯૫-૫૬માં પ્રગટ કર્યું હતું. પુરાણોની કથા વાર્તાઓ બાળકોનું શિક્ષણ વગેરે વાર્તાઓ પણ તેમણે આપી છે. સાથે સાથે એમના મોટા બહેન સાથે મળી અને રોમેશ ચંદ્ર દત્તના પુસ્તક, 'ધ લેક ઓફ પામ્સ'નો અનુવાદ 'સુધાસુહાસિની' નામે ગુજરાતીમાં કર્યો હતો. ત્યાર બાદ વડોદરાના મહારાણી લિખિત પુસ્તક 'પોઝીશન ઓફ વુમન ઇન ઇન્ડિયા'નો 'હિન્દુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન' નામે અનુવાદ હતો. ગળથૂથીમાં મેળવેલા સાહિત્ય વારસાથી શારદાબહેને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું. ૧૩ નવેમ્બર ૧૯૭૦ માં તેઓ સ્વર્ગસ્થ થયા હતા પણ હજી એ ગુજરાતમાં ગુજરાતી સાહિત્યમાં અને સમાજમાં તેઓના કાર્યોની સુવાસ જીવંત છે.
આજે સહેલાઇથી ઉચ્ચ શિક્ષણ લેતી મહિલાઓએ ઉચ્ચ શિક્ષણના પાયોનિયર શારદાબહેનના સંઘર્ષને સલામ આપીને જ ડિગ્રી સર્ટી લેવું જોઈએ.
સમાપન
બીજાનું હિત કરવાની ભાવના રાખશો તો તમારું હિત આપોઆપ થઇ જશે.

  • અબ્રાહમ લિંકન