રિલેશનશિપ : મિલેનિયલ્સ અને જેન ઝીના વિરોધાભાસ

- મિલેનિયલ્સ પ્રેમના નામે થોડું સમાધાન અને થોડો મેલોડ્રામા સહન કરવા તૈયાર રહેતા હતા, ત્યાં આજની જનરેશન માટે તેમની પોતાની માનસિક શાંતિ અને આત્મસન્માન સૌથી ઉપર છે. એક પેઢીએ કાયમ પ્રેમને કાલ્પનિક ભાવવિશ્વ સાથે જીવ્યો છે જ્યારે બીજી નવી પેઢી પ્રેમ અને સંબંધને વાસ્તવિકતા સાથે કનેક્ટ કરીને જીવવાનું પસંદ કરે છે.
સંબંધોનું સ્વરૂપ વર્તમાન સમયમાં ઘણું બદલાઈ ગયું છે. ખાસ કરીને એવી બે પેઢી જેણે સંબંધોને સાવ જુદી રીતે જોયા છે. બંને પેઠી એવા સમયમાં બદલાઈ છે અને એવા ત્રિભેટે આવીને ઊભી છે જ્યાં તેઓ એકબીજાની સ્થિતિને સ્વીકારી પણ શકતા નથી અને અપનાવી શકતા પણ નથી. બંને પેઢીને માનસિકતા, તેના સંબંધો, તેમના વિરોધાભાસ અને તેમની લાગણી વ્યક્ત કરવાની પદ્ધતિઓ પણ એટલી ભીન્ન છે કે તેમને તેની સાથે જોડાવાનું ઘણું મુશ્કેલ લાગે છે.
તેમાંય જ્યારે વાત પ્રેમ અને ડેટિંગની આવે છે, ત્યારે દરેક પેઢીનો પોતાનો એક અંદાજ હોય છે. આજના સમયમાં બે પેઢીઓની વિચારસરણીમાં સૌથી મોટો તફાવત જોવા મળે છે. આ પ્રેમની કબુલાત, પ્રેમનો સ્વીકાર, પ્રેમનું પ્રપોઝલ કે પછી પ્રેમના અનુભવોની વાત આવે ત્યારે તો આ બંને પેઢીના મનોભાવ અને લાગણીઓ તદ્દન જુદા છે. એક તરફ છે મિલેનિયલ્સ અને બીજી તરફ છે જેન ઝી.
મિલેનિયલ્સ એ જનરેશન છે જેણે પ્રેમ માટે થોડો બળવો તો કર્યો, પરંતુ તેમ છતાં તેઓ સંબંધોમાં થોડું સમાધાન કરવા અને 'સાથે જીવવા-મરવા' વાળી વિચારસરણીમાં વિશ્વાસ રાખતા હતા. બીજી તરફ, આજની જેન ઝી ઇન્ટરનેટ અને ડેટિંગ એપ્સના યુગમાં મોટી થઈ છે. આ લોકો પ્રેમના મુદ્દે ખૂબ જ પ્રેક્ટિકલ છે. તેમના માટે પોતાની માનસિક શાંતિ અને આત્મસન્માન સૌથી પહેલા આવે છે. એક પેઢીને કોઈપણ ભોગે સંબંધ ટકાવી રાખવો છે અને પોતાના વ્યક્તિત્વને ભુલી જવું છે જ્યારે બીજી પેઢીને પોતાના વ્યક્તિત્વના ભોગે કોઈપણ સંબંધમાં રહેવું નથી. જ્યાં આત્મસન્માન અને આઝાદી નથી તેવા સંબંધો તેમને બંધન લાગે છે.
તાજેતરમાં થયેલા વૈશ્વિક ડેટિંગ સર્વે અને રિસર્ચ અનુસાર, લગભગ ૬૮% જેન ઝી યુવાનો પોતાના પાર્ટનરમાં 'શારીરિક આકર્ષણ' અથવા 'ઈમોશનલ સ્પાર્ક' કરતાં વધુ 'ભાવનાત્મક પરિપક્વતા' અને 'માનસિક સુરક્ષા'ને પ્રાથમિકતા આપે છે. રિસર્ચ દર્શાવે છે કે આજની પેઢી એવા સંબંધને વધુ મહત્વ આપી રહી છે જે તેમની મેન્ટલ હેલ્થને સ્થિર રાખે, ન કે તેમને ઇમોશનલ ઉથલપાથલમાં નાખે. લાગણીઓને છિન્નભીન્ન કરી નાખે અથવા તો માનસિક સંતુલન ઉપર અસર કરે, ટ્રોમા ક્રિયેટ કરે, ઈનોશનલ ઈમ્બેલેન્સ આવે તેવા સંબંધોને વેંઢારવામાં નવી પેઢીને જરાય રસ નથી. તેમના માટે પોતાની જાત, ત્યારબાદ સંબંધ અને ત્યારબાદ સામેની વ્યક્તિના નખરા મહત્ત્વ ધરાવે છે.
મિલેનિયલ્સ અને જેન ઝી વચ્ચે એવી ઘણી વિસંગતતાઓ અને વિરોધાભાસ છે જે સંબંધોના બદલાતા પરિમાણો અને આયામોને અલગ રીતે જ રજૂ કરે છે. સંબંધમાં જીવવું, સંબંધ માટે જીવવું કે પછી જીવીએ છીએ એટલે સંબંધ રાખવો તેવી ઘણી બાબતો આ બંને પેઢીની મેન્ટાલિટી દ્વારા વ્યક્ત થાય છે. તેમની સરખામણી કરીએ તો સૌથી પહેલા બાબત આવે છે, ઈમોશનલ સેફ્ટી અને કમ્પેટિબિલિટીની. જાણકારો માને છે કે, જૂના જમાનામાં સંબંધોની શરૂઆત અવારનવાર એક 'સ્પાર્ક' કે આકર્ષણથી થતી હતી, જેને લોકો સાચો પ્રેમ માની લેતા હતા. પરંતુ આજની યુવા પેઢી માનસિક સ્વાસ્થ્ય મુદ્દે ઘણી વધુ જાગૃત છે. તેઓ સમજી ચૂક્યા છે કે એક લાંબો અને મજબૂત સંબંધ 'પતંગિયા' ઉડવાથી નહીં, પરંતુ એક એવા પાર્ટનરથી ચાલે છે જે તમને માનસિક શાંતિ અને ભાવનાત્મક સુરક્ષા આપી શકે. માત્ર શારીરિક આકર્ષણ કે ભાવનાત્મક જોડાણથી સંબંધ બંધાઈ જતો નથી અને કદાચ બંધાય તો તેને લાંબો સમય સુધી સાચવી શકાય તેમ નથી.
તેવી જ રીતે પર્સનલ સ્પેસ, પ્રાઈવસી અને આઈડેન્ટિટીને પણ મિલેનિયલ્સ કરતા જેન ઝી વધારે મહત્ત્વ આપે છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે, સંબંધોમાં ''એક સારા કમિટમેન્ટનો અર્થ પોતાની જાતને સંપૂર્ણપણે ભૂંસી નાખવી અથવા પાર્ટનર પર નિર્ભર થઈ જવું નથી. આજના યુવાનો પ્રેમમાં રહીને પણ પોતાની ઓળખ અને આઝાદીને જાળવી રાખે છે. સોશિયલ મીડિયા પર સંબંધોને પ્રાઇવેટ રાખવા અથવા કોઈપણ ખચકાટ વિના પોતાની હોબીઝ જીવવી, એ દર્શાવે છે કે આજની જનરેશન પ્રેમ અને પર્સનલ સ્પેસ વચ્ચે એક પરફેક્ટ બેલેન્સ બનાવતા જાણે છે.'' પહેલાના સમયમાં લોકો પોતાના જીવનસાથીને અનુકળ થવા કે પછી પ્રેમીને ગમતા રહેવા માટે ગમે તે કરતા હતા. આજે આવું કોઈ દબાણ સંબંધોમાં સ્વીકાર્ય નથી. દરેકની પોતાની એક પર્સનલ લાઈફ છે અને બંને પાત્રોએ તેને પણ એટલું જ મહત્ત્વ આપવું જોઈએ તે સ્વીકારાયેલું છે.
મિલેનિયલ્સના સમયમાં સંબંધના પહેલા જ દિવસે પોતાની શરતો કે મર્યાદાઓ નક્કી કરવી એ 'હાઈ-મેન્ટેનન્સ' અથવા અભિમાની હોવાનો સંકેત માનવામાં આવતો હતો. આજે જેન ઝીએ આ વિચારસરણીને સંપૂર્ણપણે બદલી નાખી છે. સંબંધની શરૂઆતમાં જ ખુલીને વાત કરવી એ કોઈનું અપમાન નથી, પરંતુ એકબીજા પ્રત્યેનો આદર છે. આ શરૂઆતમાં જ ભવિષ્યની ગેરસમજોનો રસ્તો બંધ કરી દે છે. એક સમય હતો જ્યારે સંબંધોમાં સાચી સાચી બાબતોના બદલે સારી સારી બાબતો વ્યક્ત કરવામાં આવતી હતી. હવેની પેઢીને તેમાં જરાય રસ નથી. જે સત્ય છે તેને કહી દેવું અને સ્વીકારી લેવું તેમાં તેઓ દ્રઢપણે માનતા થઈ ગયા છે. તેના કારણે જ ભવિષ્યમાં કોઈ સરપ્રાઈઝ મળવી કે રહસ્યો ખુલવા જેવી સ્થિતિને અવકાશ જ રહેતો નથી.
મિલેનિયલ્સના સમયમાં કપલ્સ થેરાપિસ્ટ કે કાઉન્સિલિંગ પાસે ત્યારે જ જતા હતા જ્યારે પાણી માથા પરથી નીકળી જતું અને સંબંધ તૂટવાના આરે પહોંચી જતો. પરંતુ જેન ઝી માટે થેરાપી કોઈ ખરાબ બાબત નથી. તેઓ તેને ગાડીના સવસિંગની જેમ 'રિલેશનશિપ મેન્ટેનન્સ' માને છે, જેથી પરસ્પર વાતચીત અને તાલમેલને વધુ સારો બનાવી શકાય. આજના યુવાનોનો સીધો ફંડા છે કે સંબંધમાં ફક્ત શરૂઆતી અટ્રેક્શન હોવું પૂરતું નથી, પરંતુ એકબીજાની વિચારસરણી અને સ્વભાવનું મળવું સૌથી જરૂરી છે. સંબંધમાં સમસ્યા છે તો તેના ઓફિશિયલ જાણકારની મદદ લેવામાં કોઈ નાનમ અનુભવવા જેવી નથી. અન્ય લોકોની વાતો સાંભળવી કે પછી તેમની સલાહ અનુસરવી તેના બદલે કાઉન્સેલર કે થેરાપિસ્ટની વાત સાંભળવી કે તેમની પાસેથઈ સમાધાન મેળવવું વધારે ગ્રાહ્ય છે.
તે ઉપરાંત પહેલાના સમયમાં નક્કી હતું કે પૈસા પુરુષો સંભાળશે અને ઘર કે સંબંધોની માવજત મહિલાઓ સંભાળશે. મિલેનિયલ્સે ઘણી હદ સુધી આ નિભાવ્યું પણ ખરું. આજની તારીખે પણ મિલેનિયલ્સ કપલને જોઈએ તો સમજાય છે કે, એક વ્યક્તિ પાવરસેન્ટર હોય છે જ્યારે બીજી વ્યક્તિ ફોલોઅર. પુરુષ તમામ આથક, સામાજિક અને વૈચારિક સ્વતંત્રતાઓ અને અધિકારો ધરાવે છે પણ સ્ત્રીઓ તેમને અનુકુળ થઈને રહેતી હોય છે. બીજી તરફ જેન ઝી આ પરંપરાગત નિયમો અને જેન્ડર રોલ્સમાં માનતી નથી. ઇન્ટરનેટ પર 'ગર્લ જોબ' કે 'બોય જોબ'ને લઈને થતી ચર્ચાઓમાં તેઓ સ્પષ્ટ કહે છે કે ઘરના કામ હોય કે પૈસાની બાબત, જવાબદારી જેન્ડર જોઈને નહીં, પરંતુ પસંદગી અને ક્ષમતાના હિસાબે વહેંચાવી જોઈએ. તેમના માટે જેન્ડર માત્ર જાતીગત તફાવત છે, સામાજિક માળખામાં તેને સેટ કરવાનું નવી પેઢીને પસંદ નથી અથવા તો તેમની ઈચ્છા પણ નથી.
મિલેનિયલ્સના સમયમાં એવું માનવામાં આવતું હતું કે સાચા પ્રેમીઓ દરેક કામ સાથે જ કરે છે અને એકબીજા પર સંપૂર્ણ નિર્ભર રહે છે. પરંતુ જેન ઝી આને યોગ્ય નથી માનતી. આજના યુવાનો સંબંધમાં રહીને પણ પોતાના મિત્રોને મળે છે, એકલા ટ્રાવેલ કરે છે અને પોતાના શોખ પૂરા કરે છે, અને આ માટે તેમને પાર્ટનર પાસેથી 'પરમિશન'ની જરૂર હોતી નથી. પોતાની ઓળખ જાળવી રાખવી તેમના માટે સૌથી મોટો 'ગ્રીન ફ્લેગ' છે.
ઉલ્લેખનિય છે કે, જૂની ફિલ્મો અને સાહિત્યમાં જેને 'શિદ્દત વાળો પ્રેમ' કહેવામાં આવતો હતો - જેમ કે હદ કરતાં વધુ પઝેસિવ હોવું, શંકા કરવી, પાર્ટનર પર નિયંત્રણો લાદવા કે 'હું તેને બદલી નાખીશ' વાળી વિચારસરણી હવે નવી પેઢીને જરાય પસંદ નથી. જેન ઝી તેને સીધું 'ટોક્સિક' એટલે કે નુકસાનકારક માને છે. સોશિયલ મીડિયા પર આજના યુવાનો આવા વર્તનના વખાણ કરવાને બદલે ખુલીને તેનો વિરોધ કરે છે અને આવા સંબંધમાંથી તરત જ બહાર નીકળી જાય છે. તેમને સંબંધમાં સ્વતંત્રતા ન મળે તો સંબંધથી સ્વતંત્ર થવામાં જરાય વાંધો આવતો નથી કે જરાય સમય પણ લાગતો નથી.
સરળ શબ્દોમાં કહીએ તો, જેન ઝીનો આ અંદાજ દર્શાવે છે કે તેઓ પ્રેમના મુદ્દે કોઈ ખોટા ભ્રમમાં જીવા માંગતા નથી. જ્યાં મિલેનિયલ્સ પ્રેમના નામે થોડું સમાધાન અને થોડો મેલોડ્રામા સહન કરવા તૈયાર રહેતા હતા, ત્યાં આજની જનરેશન માટે તેમની પોતાની માનસિક શાંતિ અને આત્મસન્માન સૌથી ઉપર છે. એક પેઢીએ કાયમ પ્રેમને કાલ્પનિક ભાવવિશ્વ સાથે જીવ્યો છે જ્યારે બીજી નવી પેઢી પ્રેમ અને સંબંધને વાસ્તવિકતા સાથે કનેક્ટ કરીને જીવવાનું પસંદ કરે છે.









