Sahiyar

વાચકની કલમ

By GS Team
14 Sep 20263 mins read
વાચકની કલમ

મૌન
શબ્દ નહીં પણ હવે મૌન
કરે સુંવાળા શબ્દોનું અંકન
એક પલકમાં સંધાઈ જાય
ભવો ભવના સહુ બંધન
ન રાવ ન ફરીયાદ મારી
ન ફરીયાદ મારી ફરી ફરી
મૌન મારી સખી
શબ્દોની રમત સમયની રમત
હું થાકી ફસાતી હવે
હવે મૌન મારી સખી
સૌની સાથે હસી લઉં
એકલી જ રડી લઉં
કોને કહું વ્યથા મારી
હવે તો મૌન જ મારી સખી
ન સાલે ન સાલે હવે
મને એકલતા
માણુ હું મુજ એકાંત
સાથે છે મારી સંગીની મૌન
મારી સખી મારી સખી
પલ પલ સરકતા જતા
યોવાનને અને વિસરાતા
જતા યોવનના સૂરોને
શબ્દો વગર વાગોળી લઉ
હવે તો મૌન જ મારી સખી
હવે તો મૌન જ મારી સખી
મૃત્યુ સમયે મળે સ્વજનો
મિત્રોનો સાથ
અહેસાસ કારણ હવે તો
છેલ્લે સુથી મૌન જ મારી સખી
મીનાક્ષી દેસાઈ

હું તને ભૂલી નથી
તારી યાદની મને જરૂર નથી
કારણ કે હું તને ભૂલી નથી
તું મને ભલે એકદમ છોડીને ગયો
પણ મારી આંખોમાં
સપના મૂકતો ગયો
તારા સિવાય હવે મને કોઈની
સાથે પ્રેમ થશે નહીં
થોડી તો મને ઓળખી હોત
તો કદાચ મારા દિલને
સમજ્યો હોત
બધાં નિર્ણયો એમ
ઉતાવળમાં ના લેવાય
દિલની વાત છે એમ
જલદી ના સમજાય
બધાને સાચો પ્રેમ મળતો નથી
અને તને મળ્યો તો તે
એ સ્વીકાર્યો નથી
શબ્દો નથી કહેવા માટે
છતાં ભીભી આંખો બસ
એટલું જરૂર કહી
તને પ્રેમ કર્યો છે
અને બસ તને જ
પ્રેમ કરતી રહીશ
પિન્કી પરીખ (અમદાવાદ)

ગઝલ
જોઈ તારી વાટ મેં સોમવારથી
ઊભેલા શનિવારની જેમ
આવીને ચાલ્યા ગયા તમે
રૂપાળા રવિવારની જેમ
આંખો બિછાવીને બેઠો હતો
તારા આવવાના માર્ગ પર
તું નીકળી ગઈ કોઈ
ઝળહળતા નેટૂંકા તહેવારની જેમ
લાગણીના આ હિસાબમાં જો
મારું સર્વસ્વ લુંટાવી દીધું
પણ તે તો સંબંધ નિભાવ્યો
બસ એક કોરા વ્યવહારની જેમ
ભલેને તું મહેકીને ખરી ગઈ
કોઈ મોગરાના શણગારની જેમ
નાયક અશોક આર. (બદરખા)

આભાસ હતો
રૂપ-નિતરતી ચાંદીને
આનંદનો ઉન્માદ હતો
'શૂર'-તણો સહવાસ હતોને
'સહૃદય'નો સાથ હતો
રૂપ-નિતરતી ચાંદની
અગમ અગોચર 'યાદ' મહી
મન તણો 'થનગાટ' હતો
સર-સર વહેતા 'સમીર' સંગે
'માદકતા'નો નાદ હતો
રૂપ-નિતરતી ચાંદની
અજબ હતી એ તાલાવેલી
'વિહવળતા'નો શ્વાસ હતો
'મન-મંદિર'માં 'મૂરત' સ્થાપી
'પૂજા'નો પ્રયાસ હતો
રૂપ-નિતરતી ચાંદની
શુષ્ક બનેલા અંતર મનમાં
'તૃપ્તિ'નો તલસાટ હતો
સ્નેહે ભિની 'મૃર્ગનયનિ'નો
અંતરમાં 'આભાસ' હતો
રૂપ-નિતરતી ચાંદની
આતુર-નયને 'વાટ' નિરખતી
'વિરહન'નો નિશ્વાસ હતો
પવન-પલાણે સરકી જઈને
'ભિજવવા'નો 'ભાસ' હતો
રૂપ-નિતરતી ચાંદની
હતો ચંદ્રમા ને હતી ચાંદની
'મનુ' મન મહી તાપ હતો
સ્વપ્નો સંગે મહેલ રચ્યાતા
સ્વપ્નોનો 'સંગાથ' હતો
રૂપ-નિતરતી ચાંદની
મનોહરસિંહ જાડેજા 'મનુ' (મોઢેરા)

શબ્દ
શબ્દ મારે શબ્દ તારે શબ્દ શણગારે છે
શુભ વિચાર શબ્દનો જીવન સુધારે છે
શબ્દ થકી લખાયા છે- વેદ શાસ્ત્ર પુરાણ
ગીતા અને કુરાન સાચો રાહ બતાવે છે
આવવું અને જવું એ છે સનાતન સત્ય
સુવિચાર જીવનને સાર્થક બનાવે છે
જ્ઞાાની માણસ જો બગડી જાય તો નસીબ
પણ મૂર્ખને શબ્દ જ મહાન બનાવે છે
આપો ઘણા ભાવથી અતિથિને આવકાર
એજ ભાવ, સ્વભાવની પરખ કરાવે છે
સમજાય છે સાર જેને દિવ્ય જીવનનો
સાચા સંતો જીવનનો મર્મ સમજાવ છે
છે બધું જ અહિંયા આ વિશાળ વિશ્વમાં
પામી ગયા જે શબ્દોને એ સૌને સુધારે છે
ભગુભાઈ ભીમડા (ભરૂચ)
પહેલી મુલાકાત
મૈત્રીભાવે પહેલીવાર તું
મળવા આવી મને મંદિરનાં ઓટલે બેસીને
વચન આપ્યું છે મને હૈયેથી હૈયુ મળે
પછી ડર ના રહે
મારી હથેળીમાં તારો
હાથ સોંપ્યો છે મને
બહું મજા આવી હો! ફળી મળીશુ હવે
પહેલી મુલાકાતની યાદ આવે છે મને
એકમેકને સમજીને
સાથે રહેવું ગમે
તારી હા મા મારી હા
ભળે તું ગમે છે મને
બંનેને ગમતું મળે
પછી પ્રેમને ક્યાં ઉંમર નડે
કદર તારી કરું છું દિલથી સાચવ્યો છે મને
તારી સમજણને દાદ
આપું છું તને તારી વ્યસ્તતામાં
સમય આપ્યો છે મને આકાશને જોઈને
ખુશી મળે છે તને હું ચાહું છું તને
તું બહું ગમે છે મને
કિરણભાઈ આર. પંચાલ 'આકાશ' (વડોદરા)

ભાઈ
શહેર હોય કે હોય ગામડું
એક જ છે સંસાર
ભાઈ ભાઈ ના હેત
હિંડોળે વંશ કરે ટહુકાર
પ્રેમભાવ માનવતા રાખી
જીવન જીવજે મારા ભાઈ
સુખની પળો રોજ
શોધજે મારા ભાઈ
તને ખુશ જોઈને હું
ખુશ થઈ જવું મારા ભાઈ
પડછાયાની જેમ હંમેશા
સાથે રહેજે મારા ભાઈ
લોહી છે, આપણું એક જ..
'ઈશ્વર'
યાદ રાખજે મારા ભાઈ..
સંકટ સમયે દોડતો
આવજો મારા ભાઈ
સ્નેહ હૃદયમાં રાખજે મારા ભાઈ
શહેર હોય કે હોય ગામડું
એક જ છે, સંસાર..
ભાઈ ભાઈના હેત હિંડોળે
વંશ કરે ટહુકાર
દીપક ઈશ્વરભાઈ ટુંડજવાળા (ભરૂચ)

સૌભાગ્ય સિંદુર
મારા સ્નેહનું સરનામું
લઈ આવ્યા તમે
મારા પ્રણયના સંદેશ
થઈ આવ્યા તમે
પરભવની પ્રીતનું જાણે
ઊગ્યું સુવર્ણ પ્રભાત
સંસારસાગરનો સથવારો
થઈ આવ્યા તમે
ગઝલના મુશાયરામાં
ખીલે ગુલાબની જેમ
વાસંતી વાયરાનો
વૈભવ થઈ આવ્યા તમે
મંદમંદ હાસ્યમરાં સોહાય
દિલનો શણગાર
સાદગીના શહેનશાહ
થઈ આવ્યા તમે
ભવસાગરની મઝધારમાં
હું એકલી અટૂલી
મારી જિંદગીની દીવાદાંડી
થઈ આવ્યા તમે
વિરહિણી સારસી જેવી
હું ઊભી સરવરઆરે
મારા સૌભાગ્યનું સિંદુર
થઈ આવ્યા તમે
ગિરિશ મેસરિયા
(ચરાડા)