Sahiyar

મોનસૂનમાં મતવાલો માહોલ

By GS Team
17 Aug 20265 mins read
મોનસૂનમાં મતવાલો માહોલ

શ્રાવણ મહિનો, વરસાદની મોસમ, એટલે કે એવી મોસમ જેમાં ઉદાસ બેચેન મન પણ રોમાન્સ માટે અધીરું થઈ જાય. આવા વરસાદની મોસમમાં પ્રિયતમનો સાથ હોય તો પછી દિલ કેમ નાચી ના ઉઠે.
જેવી રીતે આકાશમાં ઘેરાયેલાં વાદળોને જોઈને મોર નાચવા લાગે છે તેમ ઝરમર વરસતા વરસાદનાં થોડાં ટીપાં પડવાથી જ આપણા તનમનનું રોમેરોમ ઝંકૃત થઈ ઊઠે. એવામાં યુવાન હોય કે વૃદ્ધ, દરેક ઉંમરનાં સ્ત્રીપુરુષોનાં મન ઝરમર વરસતા વરસાદમાં પોતાના સાથીની સાથે પલળવાનો આનંદ લૂંટવા માટે ઉતાવળા થઈ જાય છે.
ઝરમર વરસતા પાણીમાં પિયા મિલનના રોમાંચનું આપણા શાયરો, કવિઓ, ગીતકારો અને લેખકોએ એટલી સુંદરતાથી વર્ણન કર્યું છે કે તેમની રચનાઓ વાંચીસાંભળીને જ તનમન પ્રફુલ્લિત થઈ જાય છે. ટેલિવિઝન અને ફિલ્મની વાત કરીએ તો ભાગ્યે જ કોઈ એવી સીરિયલ કે ફિલ્મ હશે જેમાં ઝરમર વરસતા પાણીમાં યુવકયુવતીનાં રોમાન્સના દિલની ધડકન વધારનારાં દ્રશ્યો ના હોય.
એટલું જ નહીં, એકબીજા પ્રત્યેની પોતાની જ પ્રેમભાવનામાંથી અજાણ પ્રેમીપ્રેમિકાને પણ વરસાદ દ્વારા જ નજીક લાવવામાં આવે છે અને આ આત્મીયતા જ એકના મનની વાત કાંઈ કહ્યા વિના જ બીજા સુધી પહોંચાડી દે છે. જેમ કે ઝરમર વરસતા પાણીમાં રાજકપૂર અને નરગિસનું ગીત ''પ્યાર હુઆ ઈકરાર હુઆ, પ્યાર સે ફિર ક્યોં ડરતા હૈ દિલ…' અને 'છત્રી ના ખોલ, ઊડ જાયેગી…' વાદળાંની ગર્જના અને અંધકારમાં વીજળીના કડાકાભડાંકામાંથી ગભરાઈને યુવતીનું યુવકના આલિંગનમાં સમાઈ જવું, કશું બોલ્યા વગર જ પ્રેમનો એકરાર કરી દે છે અને બંનેને એકબીજાની વધારે નજીક લઈ આવે છે.
આ બધી વાતો બધી રીતે કાલ્પનિક અને ફિલ્મી નથી, પરંતુ આપણા બધાંનાં જીવનની કેટલીક મહત્ત્વની ક્ષણ છે જેનાથી આપણને આખી જિંદગીની શક્તિ અને જીવવાનો ઉદ્દેશ્ય મળે છે. પાણીમાં પલળ્યા પછી યુવતીઓની ખૂબસૂરતીમાં વધારે નિખાર આવે છે. શરીર પર ચોંટી ગયેલાં કપડાં અને વાળમાંથી ટપકતું પાણી સામેની વ્યક્તિને પાગલ કરી દે છે અને 'બરસાત કી રાત' ફિલ્મનું સાહિર લુધિયાનવીનું લખેલું અને વરસાદમાં ભીંજાતી મધુબાલાની ખૂબસુરતી પર ફિદા થઈને ગવાયેલું ગીત એમ જ હોઠ પર આવી જાય છે, 'હાય વો રેશમી જુલ્ફોં સે બરસતા પાની, ફૂલ સે ગાલોં પર રુકને કો તરસતા પાની… દિલ મેં જજ્બાત ઉઠાતે હુએ તૂફાન કી રાત… જિંદગી ભર નહીં ભૂલેગી વો બરસાદ કી રાત…' ઝરમર વરસતો વરસાદ તમને આપોઆપ રોમાંચિત બવાવી દે છે. આ થોડી પળો તમારા જીવનનો એક ભાગ બની જાય છે, જેને તમે જિંદગીભર નથી ભુલાવી શકતા.
બદલાતી જીવનશૈલી
આ બાજુ આપણી જીવનશૈલી પણ કંઈક એવા પ્રકારની થઈ ગઈ છે કે આપણને રોમાન્સ માટે સમય જ નથી મળતો. ઓફિસોમાં કામના કલાકો ૮ કલાકથી વધીને ૧૦-૧૧ કલાક થઈ ગયા છે. તેમાં પણ શહેરોનો વિકાસ થતાં અંતર એટલું બધું વધી ગયું છે કે આવવાજવામાં જ એક થી બે કલાકનો સમય જરૂર થઈ જાય છે. આ રીતે પતિપત્નીનો મોટાભાગનો સમય ઘરની બહાર પસાર થાય છે અને તેમની પાસે એકબીજા માટે બિલકુલ સમય જ નથી હોતો. ઘર અને ઓફિસ વચ્ચેની દોડધામમાં સંબંધોને સાચવી રાખવાનું અશક્ય નહીં પણ ખૂબ મુશ્કેલ થઈ ગયું છે. એવામાં થોડો હળવો રોમાન્સ પતિપત્નીને નવી ઊર્જા અને શક્તિ આપે છે.
સમયના અભાવને કારણે પતિપત્નીની વચ્ચે ઊભો થતો કંટાળો અને તાણને દૂર કરવાનું સરળ નથી. લગ્ન પછી સંબંધોમાં પ્રેમ અને હૂંફ જાળવી રાખવા માટે જોબ કરતા કપલ્સને ખૂબ પ્રયત્ન કરવા પડે છે, કારણ કે રોમાન્સ પણ દરેક સમયે નથી થતો, એના માટે પણ મૂડ હોવો જોઈએ અને આવો મૂડ ખૂબ ગરમીમાં પણ ના બને અને કડકડતી ઠંડીમાં પણ નહીં. આવો મૂડ માત્ર વરસાદમાં જ થાય છે. આપણે ગમે તેટલાં થાકેલાં હોઈએ કે તાણમાં કેમ ના હોઈએ, માત્ર વરસાદનાં ટીપાંનો સ્પર્શ માત્ર જ આપણાં તનમનમાં પ્રેમ અને રોમાન્સના ભાવ જગાડે છે અને સાથીના મિલનની આતુરતા વધારે છે. એટલા માટે શરમસંકોચ છોડો અને વરસાદની મોસમમાં રોમાન્સનો આનંદ માણો.
મુક્ત થઈ એન્જોય કરો
'લોકો શું કહેશે? કેટલાક લોકોને એવો ભય પણ સતાવે છે, પરંતુ હવે તમારે ગભરાવાની જરૂર નથી, કારણ કે સમયની સાથે સાથે સામાજિક મર્યાદાઓ પણ બદલાઈ છે. સંબંધોમાં મોકળાશ પણ આવી છે. રોમાન્સને સામાજિક મંજૂરી મળી છે. આજે રોમાન્સ કરવા માટે પતિપત્નીએ કોઈ ગાર્ડનનો ખૂણો શોધવાની જરૂર નથી પડતી. આજે પતિપત્ની ઘરે પોતાનાં માતાપિતા અને બાળકોની વચ્ચે પણ સામાન્ય છેડછાડ અને રોમાન્સથી એકબીજા સાથેના સંબંધોમાં ભરેલા તાણ અને ભારને હળવો કરી શકે છે.
જે પતિપત્ની સામાજિક મર્યાદાઓનાં નામે પોતાની જિંદગીમાં નકામાં નિયંત્રણો લાદી દે છે, સાથે રહેવા છતાં પણ એકબીજા પ્રત્યેના પ્રેમનો સ્વીકાર કરવામાં સંકોચ અનુભવે છે અને એકબીજાની સાથે પ્રેમની થોડી ક્ષણો પસાર કરવામાં સંકોચ કરે છે, તેઓ સાથે રહેવા છતાં પણ રોમાન્સની હુંફ અને ગરમીના અનુભવથી દૂર રહે છે. વરસાદની રોમેન્ટિક મોસમ તમને જવાબદારીનાં વમળોની માયાજાળમાંથી કાઢીને તમારી મરજીની સ્વતંત્ર, નિશ્ચિંત અને રોમેન્ટિક જિંદગી પસાર કરવાની સ્વતંત્રતા આપે છે. વરસાદમાં રોમાન્સનો આનંદ કાંઈક આ રીતે માણો:
સાથ જીવનસાથીનો
ખરેખર જો ઝરમર વરસાદમાં રોમાન્સની મજા લેવી હોય તો મોટરસાઈકલ પર લોન્ગ ડ્રાઈવની મજા જ કંઈક જુદી હોય છે, પરંતુ ધ્યાન રાખો કે બહુ વધારે વરસાદ હોય ત્યારે ન જશો, સ્લિપ થવાનો ભય રહે છે. સાધારણ વરસાદમાં પલળવાની મજા જ જુદી હોય છે.
લગ્ન પછી બંનેની પસંદગી મળતી હોય એવું જરૂરી નથી. સામાન્ય રીતે પતિપત્નીની પસંદગીમાં, રુચિમાં અંતર હોય છે. જેમ કે એકનો સ્વભાવ રોમેન્ટિક હોય તો બીજાનો બહુ ગંભીર હોય. આવી પરિસ્થિતિમાં બંનેએ થોડું ઘણું કોમ્પ્રોમાઈઝ કરવું પડે છે. એકબીજાની ખુશી માટે થોડું ઘણું બદલાવું પડે છે. એવામાં જો તમારા સાથીદારને વરસાદમાં પલળવાનું પસંદ ન હોય તો પણ મોસમની માગણી એ હોય છે કે બીજાને નિરાશ ના કરવા જોઈએ, પરંતુ તકનો લાભ ઉઠાવવો જોઈએ.
આરોગ્યનું ધ્યાન રાખો
જો બંનેમાંથી કોઈ એકને વરસાદમાં પલાળવાનું પસંદ ના હોય અથવા વરસાદમાં પલળવાથી એલર્જી થતી હોય અર્થાત્ પાણીમાં પલળવાથી ઠંડી ચડી જતી હોય અને શરદી-તાવ થઈ જતા હોય તો નિરાશ થવાની જરૂર નથી. પતિપત્ની પોતાની કારમાં લોન્ગ ડ્રાઈવ પર જઈ શકે છે. એકબીજાનો સાથ જ વાતાવરણને રોમેન્ટિક બનાવી દે છે. બારી ખોલીને હાથ બહાર કાઢીને ઝરમર વરસતા વરસાદનાં ટીપાંનો સ્પર્શ કરી ઠંડકનો અનુભવ કરી શકાય છે.
જો તમે ઘરે બેસીને વરસાદમાં રોમાન્સની મજા લેવા માંગતા હો તો તમારા ઘરનાં આંગણમાં કે પછી ઘરની લોનમાં આંટા મારીને, દોડાદોડ કરીને વરસાદનો આનંદ લઈ શકો છો.
વરસાદની સુંદર એવી મોસમ હોય તો લંચ અથવા ડિનર માટે બહાર જાઓ. ડિનર અથવા લંચ માટે એવું સ્થળ પસંદ કરો જ્યાં બેસીને તમે દૂરથી ગાજવીજ સાથે વરસતાં વાદળો અને ઝરમર વરસતા વરસાદનો એન્જોય કરી શકો.
તો પછી રાહ કોની જુઓ છો, ઝરમર વરસાદની સાથે તૈયાર થઈ જાઓ. વર્ષાની ઠંડી ફરફરમાં રોમેન્ટિક થઈ જાઓ.