Sahiyar

પિતૃપક્ષ : સ્મૃતિ, કૃતજ્ઞાતા અને સંબંધોનું પુન:જોડાણ

By GS Team
28 Sep 20267 mins read
પિતૃપક્ષ : સ્મૃતિ, કૃતજ્ઞાતા અને સંબંધોનું પુન:જોડાણ
  • રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ
  • આધુનિક પેઢી પિતૃપક્ષને બાહ્ય રૂઢિચુસ્તતામાંથી મુક્ત કરીને તેને આ ઊંડા મનોવૈજ્ઞાાનિક, સામાજિક અને પારિવારિક પરિપ્રેક્ષ્યમાં જોશે, ત્યારે આ પર્વ માત્ર ૧૬ દિવસની કર્મકાંડીય ઔપચારિકતા નહીં રહે; પરંતુ જનરેશન ગેપ, ઈમોશનલ ટ્રોમા અને ડિટેચમેન્ટના ગિલ્ટમાંથી બહાર આવીને ગ્રેટિટયૂડને અનુભવવાનો ઉત્સવ બની જશે.

આજના અત્યાધુનિક, અલ્ગોરિધમ આધારિત અને ખાસ કરીને આટફિશિયલ ઇન્ટેલિજન્સના આ યુગમાં માનવજીવન અગાઉ ક્યારેય નહોતું તેટલું ઝડપી બની ગયું છે. એક ક્લિક પર વૈશ્વિક માહિતી મેળવી લેતી અને સ્ક્રીન પર સેંકડો ડિજિટલ મિત્રો ધરાવતી આજની નવી પેઢી કદાચ ભૌતિક રીતે સમગ્ર વિશ્વ સાથે જોડાયેલી છે, પણ ભાવનાત્મક રીતે પોતાના મૂળિયાંથી ક્યાંક વિખૂટી પડી રહી છે. આ વાત અત્યારે એટલે યાદ કરવી પડી કે, હાલમાં પિતૃપક્ષ અથવા તો એમ કહીએ કે શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ ગયો છે. નવી પેઢીના ઘણા છોકરાઓના મનમાં સહજ પ્રશ્ન ઊઠે છે: આ ડિજિટલ જમાનામાં કાગડાને ખીર ખવડાવવાનો કે પાણીની અંજલિ આપવાનો શો અર્થ? આ માત્ર એક જૂનવાણી કર્મકાંડ કે અંધશ્રદ્ધા નથી?
આ પ્રશ્ન સ્વાભાવિક છે, કારણ કે આપણે નવી પેઢીને શ્રાદ્ધ પાછળ છુપાયેલું જીવનદર્શન સમજાવવાને બદલે માત્ર બાહ્ય ક્રિયાકાંડો સોંપી દીધા છે. હકીકતમાં, ભારતીય શાસ્ત્રોમાં પિતૃપક્ષ એ માત્ર મૃત આત્માઓની વિધિ નથી; તે સંસ્કૃતિ, પર્યાવરણ, મનોવિજ્ઞાાન અને આધુનિક રિલેશનશિપને સાંકળતો એક અત્યંત વૈજ્ઞાાનિક અને સંવેદનશીલ સેતુ છે. સનાતન ભારતીય ચિંતનમાં વ્યક્તિના અસ્તિત્વને ત્રણ પાયાના ઋણ સાથે જોડીને જોવામાં આવ્યું છે: દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ. તૈત્તિરીય ઉપનિષદ આદેશ આપે છે:
''દેવપિતૃકાર્યાભ્યાં ન પ્રમદિતવ્યમ્''
તેનો અર્થ છે, દૈવી શક્તિઓ અને પિતૃઓ પ્રત્યેના કર્તવ્યમાં ક્યારેય પ્રમાદ કે બેદરકારી ન દાખવવી. શ્રાદ્ધ શબ્દનો મૂળ ધાતુ જ શ્રદ્ધા છે. મહાભારતના અનુશાસન પર્વમાં ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને શ્રાદ્ધનું રહસ્ય સમજાવતા કહે છે કે પિતૃપૂજા એ કુળની સમૃદ્ધિ, એકતા અને ચેતનાને ઊર્ધ્વગામી બનાવવાનું માધ્યમ છે. મહાભારતની દાનવીર કર્ણની કથા પણ આ સંદર્ભમાં અત્યંત મામક છે. કર્ણે આજીવન સોનું, રત્નો અને ભૂમિનું દાન કર્યું, પરંતુ પોતાના પૂર્વજોના સ્મરણમાં અન્ન-જળનું દાન ન કર્યું. પરિણામે દેહત્યાગ પછી સ્વર્ગમાં તેને વૈભવ મળ્યો પણ ભૂખ સંતોષવા અન્ન ન મળ્યું. આ પ્રતીકાત્મક કથા આપણને શીખવે છે કે વ્યક્તિ ગમે તેટલી ધન-સંપત્તિ કે યશ કમાઈ લે, પણ જો તે પોતાના ભૂતકાળ અને પૂર્વજોના અસ્તિત્વ પ્રત્યે કૃતજ્ઞા ન હોય તો તેની ભૌતિક સિદ્ધિઓ અધૂરી અને આત્મિક રીતે અતૃપ્ત રહે છે.
તર્પણનો સીધો અર્થ થાય છે તૃપ્ત કરવું. દર્ભ, કાળા તલ અને શુદ્ધ જળ વડે અપાતી અંજલિ એ સંકેત છે કે આપણું જીવન જેમણે ઘડયું છે, તેમના ઋણને આપણે ક્યારેય ભૂલ્યા નથી. પિતૃપક્ષની વિધિઓમાં જે સામાજિક અને સાંસ્કૃતિક ઉદારતા સમાયેલી છે, તે વિશ્વની ભાગ્યે જ કોઈ અન્ય પરંપરામાં જોવા મળે છે. શ્રાદ્ધ માત્ર પોતાના સગાં-સંબંધીઓ પૂરતું સીમિત નથી. વિધિના અંતે બોલાતો આ સંકલ્પ મંત્ર ખરેખર સમજવા જેવો છે :
''યેષાં ન માતા ન પિતા ન બંધુર્નાન્યગોત્રિણ: ।
તે સર્વે તૃપ્તિમાયાન્તુ મયોત્સૃષ્ટે: કુશોદકૈ: ।।''
તેનો અર્થ છે કે, જેમની કોઈ માતા નથી, પિતા નથી, કોઈ બંધુ-બાંધવ નથી કે જેમના કુળમાં તર્પણ કરનાર કોઈ બચ્યું નથી, તેવા તમામ નિરાધાર અને અનાથ જીવો મારા દ્વારા અર્પણ કરાયેલા આ જળથી તૃપ્ત થાઓ. આ મંત્ર સાબિત કરે છે કે પિતૃપક્ષએ સંકુચિત કુટુંબભાવના નહીં, પણ યુનિવર્સલ કમ્પેસનનો ઉત્સવ છે. યુદ્ધમાં ખપી ગયેલા સૈનિકો, અજાણી આપત્તિમાં મૃત્યુ પામેલા અજાણ્યા લોકો કે નિરાધાર માનવો, આ તમામને આદર આપવાની આ અનોખી વૈશ્વિક પ્રાર્થના છે.
તેવી જ રીતે, પિતૃપક્ષમાં પંચબલિનો નિયમ છે. તેમાં ગાય, કૂતરો, કાગડો, દેવતા અને કીડીઓને ભોજન અપાય છે. પ્રકૃતિવિજ્ઞાાનની દ્રષ્ટિએ કાગડો એવું પક્ષી છે જે વડ અને પીપળા જેવા વિશાળ વૃક્ષોના ફળ ખાઈને તેના બીજનો સર્વત્ર ફેલાવો કરે છે. કીડી, શ્વાન અને ગાય જેવા જીવો પર્યાવરણ અને માનવજીવનના ઈકોલોજિકલ બેલેન્સ માટે જરૂરી છે. પિતૃપક્ષ આપણને યાદ અપાવે છે કે માનવજાત પ્રકૃતિ અને અન્ય જીવોના સહઅસ્તિત્વ વિના એકલી જીવી શકતી નથી.
આ બધું તો દાન, પૂણ્ય, ધર્મ કે પછી ધામક પરંપરાની વાતો થઈ પણ હકિકતે શ્રાદ્ધ પક્ષ આધુનિક રિલેશનશિપની લાગણીઓને પણ યોગ્ય રીતે જ અભિવ્યક્ત કરે છે. આજના સમયમાં પારિવારિક સંબંધો ખૂબ જ નાજુક બની રહ્યા છે. જનરેશન ગેપ, પર્સનલ સ્પેસ અને અહંકારના ટકરાવ તે પગલે સંબંધોમાં તિરાડો પડી રહી છે. યુવા પેઢી ઘણીવાર એન્ઝાઈટી અને આઈડેન્ટિટી ક્રાઈસીસની વાતો કરતી હોય છે. આવા સમયે પિતૃપક્ષ આધુનિક રિલેશનશિપને એક નવી દિશા અને ઊંડાણ આપી શકે છે.
સીધી વાત એવી છે કે, જે વૃક્ષ પોતાના મૂળિયાંને ભૂલી જાય છે, તે સામાન્ય વાવાઝોડામાં પણ ધરાશાયી થઈ જાય છે. પિતૃપક્ષ નવી પેઢીને ભાન કરાવે છે કે આપણું અસ્તિત્વ આકસ્મિક નથી. આપણા ડીએનએમાં, આપણા ચહેરાના નકશામાં અને આપણી બૌદ્ધિક ક્ષમતામાં આપણા પૂર્વજો ધબકે છે. આજે આપણે જે ભૌતિક સુખ-સગવડ અને સ્વતંત્રતા ભોગવી રહ્યા છીએ, તે પાછલી પેઢીઓના અથાક પરિશ્રમ, ત્યાગ અને સંઘર્ષની નીપજ છે. જ્યારે યુવાન પેઢી આ સત્ય સ્વીકારે છે, ત્યારે તેનામાં અહંકાર ઓગળે છે અને ગ્રેટિટયૂડનો જન્મ થાય છે. તેમાં ઈમોશનલ ક્લોઝરનું પાસું પણ એટલું જ મજબૂત રીતે જોડાયેલું છે.
આધુનિક મનોવિજ્ઞાાન માને છે કે સંબંધોમાં સૌથી વધુ માનસિક તણાવ કહ્યા વગરની વાતો અને વણઉકેલાયેલા મનદુ:ખને કારણે સર્જાય છે. ઘણીવાર એવું બને છે કે માતા-પિતા કે વડીલો જીવિત હોય ત્યારે કોઈ વૈચારિક મતભેદ કે કડવાશ રહી ગઈ હોય. તેમના ગયા પછી પશ્ચાત્તાપ કે અપરાધભાવ વ્યક્તિને આખી જિંદગી કોરી ખાય છે. પિતૃપક્ષ એ મનોવૈજ્ઞાાનિક ક્ષમાયાચના અને અંતરમનની મુક્તિનો ઉત્તમ અવસર છે. ભૂતકાળની તમામ ભૂલો અને અપેક્ષાઓને ભૂલીને પૂર્વજો પ્રત્યે શુદ્ધ પ્રેમ વ્યક્ત કરવો એ અંતરમનને હળવું કરનારી થેરાપી સમાન છે. જેન ઝીની ભાષામાં કહીએ તો, પશ્ચિમી દેશોમાં જ્યારે થેન્ક્સગિવિંગ ડે ઉજવાય છે ત્યારે આપણે તેને ખૂબ મોર્ડન અને સુંદર સંસ્કૃતિ ગણીએ છીએ. વાસ્તવમાં, પિતૃપક્ષ એ સમગ્ર સૃષ્ટિ અને પૂર્વજો પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો ૧૬ દિવસનો થેન્ક્સગિવિંગ મહોત્સવ જ છે. સંબંધોમાં જ્યારે 'મને શું મળ્યું?' ની જગ્યાએ 'હું શું આપી શકું?' નો ભાવ આવે, ત્યારે જ સંબંધો દીર્ઘાયુ બને છે. વ્યક્તિની હયાતી કે ગેરહાજરી કરતા તેની સાથેનું ઈમોશનલ બોન્ડિંગ વ્યક્તિને કાયમ યાદ રહે છે.
જેનઝીની ભાષામાં જ જો આગળ વાત કરીએ તો માઈન્ડફુલનેસ કેળવવાનો, ઈકોલોજિકલ બેલેન્સના ભાગ બનવાનો કે પછી જનરેશનલ ટ્રોમા અને ઈમોશનલ ગિલ્ટમાંથી બહાર આવીને ગ્રેટિટયૂડ તરફ આગળ વધવાની આ એક ઉત્તમ રીત છે. તર્પણ હકીકતે કોઈ વસ્તુનું દાન કે ત્યાગ નથી. હકિકતે આપણા પૂર્વજોના ભૂતકાળના ત્યાગને આપણી દૈનિક વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને યાદ કરવાની લાગણી છે. તેના થકી જ માઇન્ડફુલનેસ કેળવાતી હોય છે.
પંચબલીની પરંપરા પણ આધુનિક ભાષામાં કહીએ તો ઈકોલોજિકલ બેલેન્સની એક્ટિવિટી જ છે. કો એક્ઝિસ્ટન્સના કોન્સેપ્ટને સમજાવતી એક પરંપરા. તેમાંય જેને પિતૃદોષ કહીને ક્યારેક ધામક કે પારંપરિક વ્યાધિના નામે લૂંટ ચલાવાય છે તેવું કશું જ નથી. નવી રીતે વિચારીએ તો જેને આપણે જનરેશન ગેપ અથવા તો જનરેશનલ ટ્રોમા કહીએ છીએ તેમાંથી બહાર આવવાની એક પ્રક્રિયા છે. પેઢી દર પેઢી આપણામાં આવતી નકારાત્મકતાઓને દૂર કરીને આપણા ડીએનએ અથવા તો પારિવારિક સંસ્કારોમાં રહેલી સારી અને હકારાત્મક બાબતોને યાદ કરીને તેને આગળ વધારવી.
વર્તમાન સ્થિતિ થોડી વિચિત્ર છે. આપણે જોઈએ છીએ કે લોકો માતા-પિતાને સાથે રાખતા નથી પણ તેમના મૃત્યુ બાદ દાનપૂણ્યના દેખાડા કરે છે. જીવતેજીવન માતા-પિતાને અર્પણ કરવાનો સમય નથી પણ હરિદ્વાર, ગંગાસાગર અને બીજા પવિત્ર કહેવાતી જગ્યાઓએ જઈને પિતૃતર્પણ કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. હકિકતે મૃત્યુ પછીના પિંડદાન કરતાં જીવતેજીવ વડીલોનું સન્માન અનંતગણું શ્રેષ્ઠ છે. જે વ્યક્તિ જીવતેજીવ મા-બાપનું અપમાન કરે છે, તેમની લાગણીઓને ઠેસ પહોંચાડે છે અને તેમના ગયા પછી ગમે તેટલા ભોજન સમારંભો કે દાન-પુણ્ય કરે, તેનું શ્રાદ્ધ ક્યારેય ફળતું નથી. આજે વૃદ્ધાશ્રમોની વધતી સંખ્યા એ આપણા કહેવાતા સુધરેલા સમાજ માટે એક ગંભીર પ્રશ્નાર્થ છે. જો ઘરમાં બેઠેલા વૃદ્ધ માતા-પિતા કે દાદા-દાદી સાથે બે ઘડી પ્રેમથી બેસીને વાત કરવાનો આપણી પાસે સમય ન હોય, તેમની એકલતા દૂર કરવાની આપણી તૈયારી ન હોય, તો શ્રાદ્ધ દરમિયાન પિતૃઓના નામે પીરસાયેલી ખીર-પૂરી માત્ર એક દંભ બનીને રહી જાય છે.
સાચું શ્રાદ્ધ એ છે કે જીવતેજીવ વડીલોના ચહેરા પર સ્મિત લાવી શકાય, તેમના કરચલીવાળા હાથને પકડીને સુરક્ષાનો અનુભવ કરાવી શકાય અને તેમના જીવનભરના અનુભવોને આદર આપી શકાય. જીવિત વડીલોની સેવા એ 'જીવંત શ્રાદ્ધ' છે, અને તેમના ગયા પછીનો પિતૃપક્ષ એ માત્ર તેમના સ્નેહ અને કૃતજ્ઞાતાનું શાશ્વત સ્મરણ છે. પિતૃપક્ષ એ મૃત્યુનો શોક નથી, પણ જીવનના સાતત્યની ઉજવણી છે. તે આપણને અહંકારથી મુક્ત કરીને નમ્ર બનાવે છે, એકલતામાંથી બહાર લાવીને માણસને તેના મૂળ સાથે જોડે છે અને પ્રકૃતિ સાથે તાલ મિલાવીને જીવવાની પ્રેરણા આપે છે. જ્યારે આધુનિક પેઢી પિતૃપક્ષને બાહ્ય રૂઢિચુસ્તતામાંથી મુક્ત કરીને તેના આ ઊંડા મનોવૈજ્ઞાાનિક, સામાજિક અને પારિવારિક પરિપ્રેક્ષ્યમાં જોશે, ત્યારે આ પર્વ માત્ર ૧૬ દિવસની કર્મકાંડીય ઔપચારિકતા નહીં રહે; પરંતુ જનરેશન ગેપ, ઈમોશનલ ટ્રોમા અને ડિટેચમેન્ટના ગિલ્ટમાંથી બહાર આવીને ગ્રેટિટયૂડને અનુભવવાનો ઉત્સવ બની જશે.