નવરાત્રિ આવી, ફેશનની 'બહાર' લાવી

હવે તહેવારોની વસંત બેઠી છે. નવરાત્રિની શરણાઈના સૂર અને ઓરકેસ્ટ્રાના પડઘા છેક શરદપૂર્ણિમા સુધી સંભળાય છે ત્યારે આ જ મોડર્ન, ફેશનેબલ યુવતી એકદમ ટ્રેડિશનલ બની જાય છે.
અસલ કાઠિયાવાડી ભરત ભરેલાં ટૂંકા ઘેરદાર ઘાઘરા, બેકલેસ ચોલી અને (ચાંદી મોંઘી બની છે એટલે) વ્હાઈટ મેટલની હાંસડીઓ અને કડલાંઓ પહેરીને પોતાના બોયફ્રેન્ડના ગુ્રપ સાથે રાસ-ગરબા રમવાં નીકળે છે. ભલભલા રૂઢિચુસ્ત મા-બાપો પોતાની યુવાન દીકરીને મિત્રો સાથે રાત્રે રાસ રમવા દૂર દૂર સુધી પરાંમાં મોકલે છે. ફેશનની સાથે સાથે, આપણાં વલણ અને વિચારમાં આવતાં પરિવર્તનની આ નિશાની છે.
ગાડીઓ ભરી ભરીને યુવાન છોકરા-છોકરીઓનાં ટોળે ટોળાં મોટા શહેરોમાં રાતભર ભમતાં હોય છે. આખું ઈન્દ્રધનુષ ધરતી પર ઉતરી આવ્યું હોય એમ અનેક રંગોની બહાર ખીલી ઊઠે છે. આજકાલ ખૂલતા ઘેરા રંગોની ફેશન છે. લાલ,લીલા, પીળા અને શ્યામગુલાલ ફેવરીટ રંગો છે. તો સાથે આરીભરત ને આભલાના ચંપલ અને મોજડીઓ શોભે છે. કેડે કંદોરો પણ ખરો જ અને યુવાનો કાઠિયાવાડીને શરમાવે એવા સોહામણા અને ઠસ્સાદાર લાગે છે. કેડિયુંને ચૂડીદાર અથવા અલીગઢ પાયજામો અને ઝભ્ભો અને કેડ પર ગર્લફ્રેન્ડની કે નાની બહેનની બાંધણીની ઓઢણી, હાથમાં બાપુ-ગરાસિયાની જેમ કડુંય ખરું જ સ્તો.
આ સમયે યુવતી દાદીમાનો ને માના લગ્ન વખતનો પટારો ખોલી જૂની બાંધણીઓ અને પોલકાં, ઝાંઝર ને કંદોરો કાઢે છે ત્યારે સમજી જવું નવરાત્રિ રૂમઝૂમ કરી આ આવી. જે યુવતીઓ પાસે તેમની મમ્મી કે દાદીનાં ચણિયાચોળી ન હોય તેમને માટે રોજના બારસો રૂપિયાનો ખર્ચ કરીને ભાડેથી મળતા ચણિયાચોળી અચ્છો વિકલ્પ છે. દાંડિયા શોખીનોને આકર્ષવા દુકાનદારોએ રંગબેરંગી બલ્બવાળા પરંપરાગત ડ્રેસ પણ બજારમાં ઉતાર્યા છે. બીજી ઉડીને આંખે વળગે એવી ફેશન બેકલેસ ચોલીમાંથી દેખાતી ખુલ્લી પીઠ પર ચીતરવામાં આવતા ટેટુની છે. પીઠ પર ઘરેણાં ન પહેરી શકાય તો શું થઇ ગયું? ડ્રેસને મેચીંગ ટેટુ તો ચીતરાવી શકાયને? આજની ફેશન હવે કાચીંડાની જેમ રંગ બદલતી રહે, પણ આ ગરબા વખતે એ જ યુવતી ગરવી ગુજરાતણ બની સુંદર હીંચ લે છે, કેડેથી નમીને લચકથી દાંડિયા રમે છે ત્યારે તો ઘડીભર તારા મઢી રાત પણ આ જોવા થંભી જાય છે, ત્યારે થાય છે, મારું ગુજરાત એ મારું જ ગુજરાત.
નવલાં નોરતામાં નવ દિવસ મહાલવા માટે હરખઘેલી યુવતીઓ નેવુ દિવસ અગાઉથી તૈયારીઓ શરૂ કરી દે છે. મુંબઈની નેહા પારેખે ખાસ નવરાત્રિ માટે રૂ.૧૮,૦૦૦ ખર્ચીને બેક પોલીશીંગ, સ્કીન પોલિશીંગ અને અન્ય અનેક પ્રકારના ફેશિયલ કરાવ્યા હતા. વાળની સારવાર તથા મોહક સ્મિત માટે રૂ. ત્રીસ હજારનો ખર્ચ કર્યો હતો. નવ દિવસ જુદા જુદા ચણિયાચોળી પહેરવા બીજો રૂ.૮૦ હજારનો ખર્ચ કર્યો હતો. આમ, નવરાત્રિની આગોતરી તૈયારીમાં જ તેણે લાખ રૂપિયાનો ધૂમાડો કર્યો હતો. નવરાત્રિ દરમિયાન પાસ અને અન્ય ખર્ચાઓને તો વેગળા ગણવામાં આવે છે.
નેહા જેવી નવરાત્રિની શોખીન અનેક ગોરીઓ નવરાત્રિ પૂર્વે જ હજ્જારો રૂપિયાનો પાણીની જેમ ખર્ચ કરી નાંખે છે. સારો દેખાવ મેળવવા ખણખણતા રૂપિયા ખર્ચતી આ યુવતીઓની તોલે તો કદાચ બોલિવૂડની અભિનેત્રીઓ પણ ફિક્કી પડી જાય છે.
નવરાત્રિમાં સરસ રીતે તૈયાર થઈને દાંડિયા રમવાની ઘેલછા વધી રહી છે. તે કારણે જ બ્યુટી પાર્લરો, કોસ્મેટોલોજીસ્ટો, ડેન્ટિસ્ટો, જ્વેલર્સો તથા ડાન્સ ઈન્સ્ટ્રક્ટરોને બખ્ખાં થઈ ગયા છે. નવરાત્રિના થોડા દિવસ અગાઉ તેમનું બેંક બેલેન્સ કૂદકે ને ભૂસકે વધી જાય છે.
એક સપ્તાહમાં લગભગ ૫૩ જેટલી છોકરીઓ મારી પાસે સ્કીન પોલિશીંગ માટે આવી હતી. આ એક અઠવાડિયામાં જ મારી એક મહિનાની કમાણી થઈ ગઈ હતી, એમ એક અગ્રણી કોસ્મેટોલોજીસ્ટે કહ્યું હતું.
નવરાત્રિના એક મહિના પહેલાં જ મોટાભાગની છોકરીઓ બુકિંગ કરાવી લે છે. તે કારણે એપોઈન્ટમેન્ટ વગર આઈ-બ્રો કરાવવા જેવી દસ મિનિટમાં થઇ જતી સામાન્ય સારવાર પણ કરી શકાતી નથી.
છેલ્લા થોડા સમયથી તો નવરાત્રિમાં કોસ્મેટિક સર્જરી કરાવવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ઘણી છોકરીઓ પેટ પરની ચરબી ઉતારવાની અથવા સ્તન મોટા કરવાની સારવાર કરાવી આકર્ષક ફિગર મેળવે છે. આ કારણે કોસ્મેટિક સર્જનોની તો તિજોરી ભરાય છે. પરંતુ છોકરીઓમાં વધતી જતી આ ઘેલછા યોગ્ય તો નથી જ, એમ કોસ્મેટો-લોજીસ્ટોએ કહ્યું હતું.
જો કે, આ બાબતે દાંડિયા રમવાની શોખીન અમદાવાદની બીનાએ જણાવ્યું હતું કે, દાંડિયા રમવા જતી પ્રત્યેક છોકરીને બીજી છોકરીઓ કરતાં સુંદર દેખાવાની ઈચ્છા હોય છે. અને સારા દેખાવું કોને ન ગમે?
આ એક જ મહત્ત્વનો ઉત્સવ છે. અને તેમાં જ રાતભર બહાર રહેવાની પરવાનગી મળે છે. તેથી અમને સરસ રીતે તૈયાર થવાની ઈચ્છા ન થાય? એમ અમદાવાદની અંજલી પુરોહિતે પૂછ્યું હતું. તેણે નવરાત્રિ માટે રૂ.૬૨,૦૦૦ નો ખર્ચ કર્યો છે.
હવે તો વાલીઓ પણ નવરાત્રિને યુવક-યુવતીના પરિચય મિલનના પ્લેટફોર્મ તરીકે જુએ છે. તે કારણે જ તેઓ તેમને મોડીરાત સુધી બહાર રહેવાની છૂટ આપે છે. આ તહેવાર બધા જ ઉજવે છે છતાં અમે તેને સામુદાયિક ઉત્સવ જ માનીએ છીએ. આ આપણો ઉત્સવ છે એટલે વર્ષમાં એકવખત આટલી છૂટ આપવામાં વાંધો નથી. એમ અંજલીની માતાએ કહ્યું હતું.
આ તહેવારને ગ્લેમરસ બનાવવામાં ટીવીએ મોટોભાગ ભજવ્યો છે. યુવાપેઢી દાંડિયાના પાસ પછવાડે પણ હજારો રૂપિયા ખર્ચતા અચકાતી નથી એટલે તેમને સહુથી સારા દેખાવાની ઈચ્છા થવી સહજ છે. તે ઉપરાંત તેઓ કોલસેન્ટરમાં નોકરી કરી સારી કમાણી કરે છે એટલે તેમને આટલો ખર્ચ ભારે પડતો નથી, એમ સમાજશાસ્ત્રીઓનું માનવું છે.
નવરાત્રિના આગમન સાથે પશ્ચિમી પહેરવેશ પહેરવા ટેવાયેલી યુવતીઓ પણ દાંડિયારાસમાં જતી વખતે પરંપરાગત ચણિયાચોલીમાં સજ્જ થઈ જાય. બેકલેસ ચોલી, ઘુંટીથી ઉપર સુધીનો ઘેરદાર ઘાઘરો, હાથમાં પરંપરાગત કડલાં, પગમાં ડ્રેસને મેચીંગ પાયલ પહેરીને ગરબે ઘુમતી યુવતીઓને જોઈને એવું લાગે જાણે ગ્રાઉન્ડમાં પતંગિયાઓનું ટોળું ઉડી રહ્યું છે. રંગબેરંગી પાંખો ફફડાવીને ઉડી રહેલા પતંગિયાને દૂરથી જોઈએ તો જેટલું આકર્ષક લાગે એટલું તેને નજીકથી જોયા પછી ન લાગે. આનું કારણ છે તેના સામાન્ય અંગ અને ન ગમે એવા પગ. તેવી જ રીતે સુંદર વસ્ત્ર પરિધાન કરીને પતંગિયાની જેમ ઉડાઉડ કરતી સુંદરીની બેકલેસ ચોલીમાંથી ઝલકતી પીઠ પર જો ડાઘ હોય, પગની પાની ફાટેલી હોય, હાથ બરછટ હોય અને નખ તરડાયેલા હોય તો કેવું લાગે? જો અગાઉથી જ આ બધી ઉણપોનું ધ્યાન રાખીને યોગ્ય સારવાર કરવામાં આવી હોય તો? વળી આ બધું કાર્ય ઝાઝું અઘરું કે ખર્ચાળ પણ નથી.
આપણી પીઠ પર જલદી કરચલીઓ પડતી નથી તેનું કારણ છે તેમાં પુષ્કળ પ્રમાણમાં આવેલી તૈલીય ગ્રંથિઓ, પણ આ ગ્રંથિઓને લીધે જ તેમાં બ્લેકહેડ થાય અથવા પીઠ પર ધાબા પડી જાય. બેકલેસ ચોલીમાંથી દેખાતી આવી પીઠ ખૂબસૂરત ડ્રેસની મજા મારી નાખે. પણ નહાતી વખતે લાંબા હાથવાળા બ્રશથી અથવા ખરબચડા કપડા વડે પીઠને હળવેથી ઘસો. નહાવાથી પહેલા પીઠ પર તલના તેલનું માલીશ કરો. બ્લેક હેડને દૂર કરવા ચોખાના લોટમાં દહીં ભેળવીને તેનું મિશ્રણ પીઠ પર લગાવો. થોડીવાર પછી પાણી વડે ધોેઈ નાખો. તેવી જ રીતે બદામનો ભૂકો કરી તેમાં ગુલાબ જળ અથવા દૂધ ભેળવી તેનું મિશ્રણ પીઠ પર ઘસો. તડકામા ંબળી ગયેલી અથવા તામ્રવર્ણ બનેલી ચામડીને સુંદર બનાવવા ત્રણ ટીસ્પૂન ઈંડાની સફેદી મિક્સ કરો. આ મિશ્રણને પીઠ પર લગાવી સુકાવા દો. સુકાઈ ગયા પછી તેને ધોઈ નાખો. તેવી જ રીતે તડકાને લીધે પીઠમા ંપડી ગયેલા ધાબા દૂર કરવા લીંબુનો રસ અને ગુલાબ જળ સરખા ભાગે ભેળવીને પીઠ પર વીસ મિનિટ સુધી લગાવી રાખો અને પછી પીઠ ધોઈ નાખો.
પગને આકર્ષક બનાવવા માટે સૌથી સારો વિકલ્પ ઠંડા - ગરમ પાણીનો છે. એક બાલદીમાં ઠંડુ અને એકમાં ગરમ પાણી નાખો. બંને બાલદીમાં વારાફરતી બેથી ત્રણ મિનિટ માટે પગ બોળી રાખોે. ત્યાર પછી પગની પાની કોરી કરી તેમાં ક્રીમ લગાવો, તેવી જ રીતે ગરમ પાણીમાં આખુ મીઠું નાખીને તેમાં થોડીવાર પગ ડૂબાડી રાખો, મીઠાવાળા પાણીથી પાનીમાં રહેલી ગંદકી નીકળી જશે. ત્યારબાદ તેની ઉપર બેસન-દહીંનું મિશ્રણ લગાવી દો. નિયમિત રીતે આ પ્રયોગ કરવાથી પગની પાનીનો રંગ પણ સુંદર બને છે. જો પાનીમાં ચીરા પડી ગયા હોય તો બેસન-દહીંના મિશ્રણને બદલે પાનીેને પ્યુમીક સ્ટોનથી ઘસીને એડી ઉપર ક્રીમ લગાવી દો. ત્યારબાદ એડી પર પાટો બાંધી દો અને સુતી વખતે કોટનના મોજાં પહેરી લો.
ચહેરાની જેમ હાથ પણ તમારી સુંદરતાનું દર્પણ છે. આખા દિવસમાં હાથ પાસેથી આપણે પુષ્કળ કામ લઈએ છીએ. તેવી જ રીતે હાથ વારંવાર ડિટર્જન્ટ પાઉડરના સંપર્કમાં આવતા હોવાથી જલદી ખરબચડા બની જાય છે. તેથી ઘરકામ કરતી વખતે શક્ય હોય તો હાથમોજાં પહેરી લેવા. ખાસ કરીને વાસણ ઘસતી વખતે આ ઉપરાંત ઘરકામ પુરું થતાં જ હાથ પર ક્રીમ લગાવી લેવી. હથેળી અને હથેળીના પાછળના ભાગને ખૂબસૂરત બનાવવા હથેળીમાં થોડી સાકર લઈ તેમાં લીંબુનો રસ નાખો. આ મિશ્રણને હથેળીના પાછળના હિસ્સામાં ધીમે ધીમે ઘસો અને પછી ધોઈ નાખો. સુંવાળા બનેલા હથેળીના પાછળના ભાગમાં ચમક લાવવા બેસન-દહીંનું મિશ્રણ લગાવો. વીસ મિનિટ પછી ધોઈ નાખો. આટલું કર્યા પછી ચહેરા સાથે હાથ, પગ અને પીઠની સુંદરતા તમારા રંગબેરંગી ચણિયાચોેલીમાં દીપી ઊઠશે.
- નમિતા




