Sahiyar

માતાઓની નીંદર ઉડાડી દીધી છે

By GS Team
13 Oct 20265 mins read
માતાઓની નીંદર ઉડાડી દીધી છે
  • બાળકોના ફેન્સી ટિફિનની પળોજણે

સલોનીએ તેની પુત્રીને સાવ નાની હતી ત્યારથી જ રોટલી, શાક, દાળ, ભાત, ખીચડી, કઢી, ગ્રીન સલાડ, ફળો, સુકો મેવો, કોપરા જેવી પરંપરાગત અને પૌષ્ટિક વસ્તુઓ ખાવાની ટેવ પાડી હતી. અને તેની વહાલસોઈ ધરા આ બધું રાજીખુશીથી ખાતી હતી. તેણે દૂધ પીવામાં કે દહીં ખાવામાં પણ ક્યારેય અખાડા નહોતા કર્યાં. જમ્યા પછી છાશ પીવાનું પણ તેને એટલું જ પ્રિય હતું. દીકરી શાળે જતી થઈ ત્યાર બાદ પણ સલોની તેને ટિફિન બોક્સમાં રોટલી-શાક અને ઘરે બનાવેલા ખાખરા, પૂરી, ચકલી, ચેવડો, શક્કરપારા, સુખડી, લાડુ જેવી યુધ્ધ અને સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓ આપતી. થેપલાં, ઢોકળાં, ઈડલી-ચટણી, બટાટા પૌંઆ પણ તેના ટિફિનનો ભાગ રહેતાં. પરંતુ છેલ્લા થોડાં દિવસથી ધરા તેના નાસ્તા અને બપોરના ભોજનના ડબ્બા એમ ને એમ પાછા લઈ આવતી. વણસ્પર્શ્યા ટિફિન પાછા લઈને ઘરે આવતી ધરાનો નબળાઈ અને થાકથી ઉતરેલો ચહેરો જોઈને સલોની ચિંતામાં પડી જતી. પહેલા બે-ત્રણ દિવસ તો ધરાએ 'ભૂખ નહોતી લાગી', 'મારી ફ્રેન્ડના ટિફિનમાંથી ખાધું', 'રિસેસમાં રમવા ગઈ હતી એટલે ખાવાનો સમય ન મળ્યો' જેવા બહાનાં કાઢતી રહી. પણ સલોનીએ જ્યારે તેને શાંતિપૂર્વક, સમજાવીને ટિફિન ન ખાવાનું કારણ પૂછ્યું ત્યારે ધરાના જવાબ સાંભળીને તે ચોંકી ઉઠી.
ધરાએ કહ્યું હતું કે તેના ટિફિનમાં મૂકેલું ખાણું એકદમ કંટાળાજનક, જોવું પણ ન ગમે એવું હોય છે. તે ટિફિન ખોલે ત્યારે તેમાંથી આવતી અથાણાંની વાસ આખા ક્લાસ રૂમમાં ફેલાઈ જાય છે. તેની સાથે અભ્યાસ કરતાં અન્ય છાત્ર-છાત્રાઓ તેનું ટિફિન જોઈને મોઢું મચકોડે છે, તેની મજાક ઉડાવે છે. છેવટે તેણે સ્કૂલમાં પોતાના ડબ્બા ખોલવાનું જ બંધ કરી દીધું. અને આખો દિવસ ભૂખ્યા રહેવાથી તે સાંજ સુધી થાકીને લોથપોથ થઈ જાય છે.
ધરાથી વાત સાંભળીને સલોનીએ તેને એટલી જ શાંતિથી પૂછ્યું, 'તો પછી તારી સાથે ભણતા અન્ય બાળકો તેમના ડબ્બામાં શું શું લાવે છ? ત્યારે ધરાએ કહ્યું કે તેઓ ફિંગર સેન્ડિવિચ, કાઠી રોલ, કલરફુલ પાસ્તા, પિત્ઝા, સુશી રોલ, બર્ગર, ક્વિનોઆ રોલ, ડિમ સમ્સ જેવી વસ્તુઓ ફેન્સી ટિફિન બોક્સમાં નાખીને લઈ આવે છે. છેવટે સલોનીએ પુત્રીને બાથમાં લઈને કહ્યું, હું આજે જ તારા માટે નવાં ટિફિન બોક્સ લઈ આવીશ. સાથે સાથે આ સઘળી આઈટમ્સ બનાવવા માટે જે સામગ્રી જોઈશે તે પણ લેતી આવીશ. આવતીકાલથી જ તને ટિફિનમાં એક પછી એક, આ બધી આઈટમ મળતી રહેશે. બસ, તું ભૂખી નહીં રહેતી.'
જાણકારો કહે છે કે આ સમસ્યા માત્ર સલોનીની નથી. તેના જેવી અનેક મમ્મીઓ માટે તેમના બાળકોના ટિફિનની નખરાળી આઈટમો માથાનો દુખાવો બની ગઈ છે. તેમને માથે નવા ટિફિન બોક્સ ખરીદવાનો, આવી ફેન્સી વસ્તુઓ બનાવવાનો નાણાંકીય બોજો વધ્યો છે. વળી રોજેરોજ નવી નવી વસ્તુઓ બનાવવા માટે તેમને ઊંઘ બગાડીને વહેલા ઉઠવું પડે છે તે જુદું. અને આ ટ્રેન્ડ શરૂ થવાનો 'યશ' સોશ્યલ મીડિયાના ફાળે જાય છે. સોશ્યલ મીડિયા પર ચાલેલો 'પેક-લંચ-વિથ-મી' ટ્રેન્ડ જોઈને બાળકોને પોતાના ટિફિન ફિક્કા લાગે છે. નવી સ્ટાઈલના ટિફિન બોક્સમાં પેક કરેલી, સરસ રીતે 'શણગારેલી' વિદેશી વાનગીઓ ધરાવતી રીલ્સ તેમને લલચાવે છે. બિલકુલ એવી જ રીતે, જે રીતે ભૂલકાઓને ટીવી પર આવતા વિજ્ઞાાપનો. વળી આજના આઠ-દસ-બાર-ચૌદ વર્ષના બાળકો ઇન્ટરનેટના માધ્યમથી પોતાના મોબાઈલ-કમ્પ્યુટર પર જ દુનિયાભરના વ્યંજનો જોતાં હોય છે. ટેકઅવે મીલનો વિદેશી ટ્રેન્ડ પણ તેમના મગજમાં ઘર કરી જાય છે. આવી સ્થિતિમાં એક ક્લાસ રૂમમાંથી બે-ચાર વિદ્યાર્થીઓ પણ આવું ફેન્સી ખાણું લઈ આવે અને અન્ય છાત્રોને ચીડવીને તેમને લઘુતાગ્રંથિનો અનુભવ કરાવે તોય આ બાળકો પોતાની મમ્મી પાસેથી વિદેશી વાનગીઓ બનાવડાવે છે. આવી દેખાદેખીને પગલે આજની માતાઓના શિરે નવું દબાણ પેદા થયું છે. દરરોજ ઇન્સ્ટાગ્રામ કે પિનટેરેસ્ટ પર જોવા મળે એવી નવી નવી વાનગીઓ બનાવવાનું દબાણ. આહાર નિષ્ણાતો કહે છે કે આજના બાળકોને સુંદર દેખાતી વસ્તુઓ ઝડપથી આકર્ષે છે. તેથી જે વ્યંજનોને સરસ રીતે સજાવવામાં આવે, જે રંગબેરંગી દેખાય, જેનો આકાર આકર્ષક હોય તે વાનગીઓ જોઈને તેમના મોઢામાં પાણી આવે છે. મસ્ત મઝાની દેખાતી રસોઈ તેમની સ્વાદેન્દ્રિયને જાગૃત કરે છે. જો એક વાક્યમાં કહેવું હોય તો એમ કહી શકાય કે હવે બાળકો સૌથી પહેલા આંખોથી ખાય છે, ત્યાર પછી મોઢાથી.
મઝાની વાત એ છે કે પોતાના સહપાઠીઓના ટિફિન બોક્સમાં નવા નવા વ્યંજનો જોયા પછી જે તે બાળકો પોતાની માતાઓને સંબંધિત ક્લાસમેટની મમ્મીને તેની રેસિપી પૂછવાનો આગ્રહ કરે છે. અવારનવાર આવું બન્યા પછી કેટલીક માતાઓએ પોતાના વોટ્સ એપ ગુ્રપ બનાવી લીધાં છે. આ ગુ્રપમાં તેઓ નવી નવી વસ્તુઓની રેસિપી મૂકતી રહે છે. અને જરૂર પડયે આપસમાં ચેટ પણ કરી લે છે. જોકે આ ટ્રેન્ડને પગલે મમ્મીઓનું કામ જ નથી વધી ગયું, બલ્કે ઘરના રસોડાનો માસિક ખર્ચ પણ વધી ગયો છે. ખાસ પ્રકારના ચીઝ, વિદેશી ફળો, પેકેજ્ડ સ્નેક્સ, ડેકોરેટિવ કટર્સ, સિંગલ યુઝ એક્સેસરી પાછળ મહિને દહાડે ત્રણથી પાંચ-સાત હજાર રૂપિયા જેટલો ખર્ચ વધી જાય છે. તેના સિવાય જાપાનમાં ઉપયોગમાં લેવાય છે એવા બેન્ટો સ્ટાઈલ સ્ટીલ ટિફિન પાછળ કરવો પડતો સેંકડો રૂપિયાનો ખર્ચ છોગામાં. અને નોકરિયાત મહિલાઓને સુધ્ધાં પોતાની ઊંઘના કલાકોમાં એકાદ કલાકનો કાપ મૂકીને પરાણે 'પાક નિષ્ણાત'ની ભૂમિકા ભજવવી પડે છે તે નુકસાન પણ નાનું-સુનું ન ગણાય.
આટઆટલું કર્યા પછી પણ આહાર નિષ્ણાતો ચેતવણી આપતાં કહે છે કે ફેન્સી ટિફિન હમેશાં પૌષ્ટિક જ હોય એ જરૂરી નથી. ટિફિનમાં સાદું-દેશી ખાણું લઈ જતાં લઘુતાગ્રંથિ અનુભવતા બાળકોની માતાઓ વધારાનો ખર્ચ કરીને તેમને જે પ્રક્રિયા કરેલી વસ્તુઓ ટિફિન બોક્સમાં ભરી આપે છે તેમાં પોષક તત્વો ઓછા અને કેલેરી ઝાઝી હોય છે. અવારનવાર આવો આહાર લેતા બાળકો ધીમે ધીમે સ્થૂળકાય થતાં જાય છે. ખાસ કરીને જે માતાઓને ચોક્કસ પ્રકારના સોસ, હમસ ઇત્યાદિ બનાવી રાખવાનો સમય નથી મળતો તેઓ સ્ટોર્સમાંથી તૈયાર સોસ અને અન્ય સામગ્રી ખરીદી આવે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં તેલ અને પ્રિઝર્વેટિવ્ઝ હોય છે. વાસ્તવમાં આપણા રાજમા-ભાત, દાળ-ભાત, ઇડલી-સાંભર-ચટણી, પનીર પરોઠા, પુડલા જેવા આહારમાં પણ સ્વાસ્થ્યવર્ધક ગુણોનો ભંડાર ભરેલો છે. જરૂરી નથી કે આપણે આપણા સંતાનોને વિદેશી વ્યંજનો ખવડાવીને જ પોષક તત્વો પૂરાં પાડી શકીએ. તેઓ વધુમાં કહે છે કે સૌથી પહેલા તો કોઈપણ માતા-પિતાએ સોશ્યલ મીડિયાથી પ્રભાવિત થયેલાં બાળકોની વાત માનીને ફેન્સી ટિફિન બનાવવાનું શરૂ ન કરવું જોઈએ. જો એક જણ આવી શરૂઆત કરે તો તે ક્લાસના અન્ય વિદ્યાર્થીઓમાં ચેપી રોગની જેમ ફેલાય. જ્યારે સંતાનો પહેલી-બીજી વખત ફેન્સી ટિફિનની માગ કરે ત્યારે જ તેમને આપણા રસોડામાં બનતી વસ્તુઓમાં રહેલા પોષક તત્વોની સમજ આપવી જોઈએ. વળી આપણે પણ આપણા ખાદ્ય પદાર્થોને સજાવી શકીએ. આટલું કરીને જે તે માતાઓ આપણા પરંપરાગત આહારની જાળવણી કરવા સાથે સમય, નાણાં બચાવી શકે. તેમના શિરેથી વધારાનો બોજો દૂર કરી શકે.

  • વૈશાલી ઠક્કર