ચોમાસામાં થતો રોગ શીળસ

- આરોગ્ય સંજીવની
ચોમાસામાં સ્કીન ડીસીઝ એટલે કે, ચામડીગત રોગોનું પ્રમાણ આમ પણ વધી જાય છે. 'શીળસ' એ એક, ત્વચાગત વિકાર જ છે. જે ચોમાસામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે.
'શીળસ' નો રોગ ને શીલપિત તરીકે ઓળખવામાં આવે છે.
આ રોગમાં સ્કીન ઉપર ભમરી કે મધમાખી કરડી હોય અને ત્યાં જેવો દંશ થયો હોય તેવાં દંશનાં ચકામાં ઉપસી આવે છે. શીળસ શરૂઆતમાં શરીરનાં ખુલ્લા ભાગ ઉપર થાય છે, અને ધીમે ધીમે સમગ્ર શરીર ઉપર ફેલાવા લાગે છે. આ ચકામા અનિયમિત આકારનાં અને લાલાશ પડતાં હોય છે.
રોગની તીવ્રવસ્થામાં ખંજવાળ પીડા ઉપરાંત ઉલટી, તાવ, દાહ, ખંજવાળ, બળતરા વગેરે જેવા લક્ષણો પણ જોવા મળે છે. ઘણીવાર આંખોનાં ઉપર ભાગમાં સોજો આવતા દર્દીને જોવામાં પણ તકલીફ પડે છે. મોટાભાગે રાત્રીના સમયે જેમ જેમ ઠંડક વધે તેમ તેમ ખંજવાળ સાથે ચકામા ઉપસતાં જાય છે.
શીળસ થવાનાં કારણો
આ રોગનાં નિદાન એટલે કે, કારણોની જો ચર્ચા કરીએ તો, ઠંડા પવનનાં સ્પર્શથી કફ અને વાયુ પ્રકુપિત થઈ પિત્ત સાથે મળી બહારની ત્વચા આંતરીક રક્ત આદિ ધાતુઓમાં ફેલાઈને શીલપિત ઉત્પન્ન કરે છે. આ રોગ ઠંડી અને ગરમીનાં પ્રભાવનાં કારણે થાય છે.
આયુર્વેદમાં શીળસ ને ત્રિદોષજ વ્યાધિ કહેલ છે.
આધુનિક સાયન્સમાં રોગને ેંિૌબચજૈચ કહેલ છે, અને તેને એક પ્રકારની એલર્જી માનવામાં આવે છે. ખટાશની એલર્જી, વાતાવરણમાં ફેરફાર, માખી-મચ્છર જીવજંતુનાં કરડવાથી, કૃમિનાં ઉપદ્રવથી, હેરડાઈની એલર્જીથી, આથાવાળી વસ્તઓનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી, વિરૂદ્ધ આહાર-વિહાર કરવાથી, દૂધ સાથે દહીં, હિંગ, ડુંગળી, લસણ ખાવાથી, ફ્રુટ સલાડ કે કોઈ પણ ફ્રુટ કે મિલ્ક શેઈકનાં રૂપમાં લેવાથી પણ આ વિકાર થવાની શક્યતા રહે છે.
આ રોગ અચાનક જ ઢીમચાનાં રૂપમાં ઉપસી આવે છે અને તેમાં પુષ્કળ ખંજવાળ આવવા લાગે છે. ઢીમચા રાતા રંગનાં થઈ જાય છે અને ચોક્કસ સમયે બેસી જાય છે. ખાટા અને ઠંડા પદાર્થોના અતિસેવનથી તથા ઠંડા વાતાવરણમાં રહેવાથી આ રોગ એકદમ વધી જાય છે.
સાવધાની આ રોગનાં દર્દીએ ઠંડા પાણીથી સ્નાન ન કરવું. શરીર ઉપર સીધી ઠંડી હવાનો સ્પર્શ ન થાય તેનું ધ્યાન રાખવું. તડકામાં ન ફરવું. દહીં, છાશ, આમલી, ખાટાં ફળો, કેળાં, હાંડવો, ઢોકળાં, ખમણ જેવા આથાવાળા પદાર્થો બંધ કરવા. વિરૂદ્ધ આહાર-વિહારનો ત્યાર કરવો. ઇંડા-માંસ-મટન બંધ કરવું. કઠોળ, દહીં, શ્રીખંડ, મીઠાનો સદંતર ત્યાગ કરવો જોઈએ.
સારવાર (૧) મહામંજીષ્ઠાદિ ક્વાથ ચોથા ભાગે ઉકાળી ગરમ-ગરમ પીવો.
(૨) સ્વ્ ધનવતી ૨-૨ ગોળી પાણી સાથે લેવી.
(૩) અજમોદાળ ચૂર્ણ ૨ ગ્રામ- ૨ વાર સવાર-સાંજ લેવું.
(૪) આરોગ્યવર્ધીની વટી ૨-૨ ગોળી સવાર-સાંજ લેવી.
આખા શરીરે કરંજ તેલ, મારિચ્યાદિ તેલ અથવા સરસવનાં તેલનું માલિશ કરવું.
(૫) અજમાંનો ઉપયોગ રસોઈમાં વધારે કરવો.
(૬) સવાર-સાંજ અજમો અને ગોળ મેળવીને ખાવાથી પણ શીળસમાં ફાયદો થાય છે.
(૭) કબજિયાત રહેવા દેવી નહીં, અને જો કબજિયાત રહેતી હોય તો ત્રિફલા ચૂર્ણ, હરડે ચૂર્ણમાંથી કોઈ પણ એક ચૂર્ણ ૧ ચમચી ગરમ પાણી સાથે લેવું.
આ ઉપરાંત કડવા લીમડાનાં પાણીથી સ્નાન કરવું.
- મરિચ્યાદિ તેલ કે કરંજ તેલનું માલિશ કરવું.
- રક્ત શુદ્ધ કરનાર ઔષધોનું સેવન કરવું જોઈએ.
કારેલાં, પરવળ, દૂધી, મગ, ભાત, ખીચડી, મેથીની ભાજી, પાલક, તાંદળજાની ભાજી વગેરે તેમજ કાળા મરીનું ચૂર્ણ શુદ્ધ ઘી માં મેળવીને સવાર-સાંજ લેવાથી ખૂબ લાભ થાય છે. આ પ્રકારનો આહાર-વિહાર અને ઔષધો ચોમાસામાં થતા આ અતિકષ્ટદાયક રોગથી અવશ્ય મુક્તિ અપાવે છે. - જહાનવીબેન ભટ્ટ




