વર્ષાઋતુનો વ્યાધિ મલેરીયા

- આરોગ્ય સંજીવની
વર્ષાઋતુના આગમનની સાથે રોગોનું પ્રમાણ પણ વધતું જોવા મળે છે. આ વર્ષાઋતુમાં ''મેલેરીયા'' નામનો રોગ વધવાની શક્યતા ખૂબ રહેલી હોય છે. તો આજે આ રોગ વિશે થોડી ચર્ચા કરીશું, અને તેના આયુર્વેદિક ઉપાયો વિશે પણ વિસ્તૃત માહિતી મેળવીશું.
''મેલેરીયા'' રોગ એ ''મેલેરીયા પેરેસાઇટ્સ'' નામના સૂક્ષ્મ જીવોથી થાય ચે. આ જંતુ નરી આંખે જોઈ શકાતા નથી. આ જંતુઓનું નામ ''પ્લાઝમોડિયમ'' છે. જે ચાર પ્રકારના હોય છે. પ્લાઝમોડિયમ વાઈવેક્સ, પ્લાઝમોડિયમ ઓવેલ, પ્લાઝમોડિયમ મેલેરી, પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ. ઉપર જણાવેલ મેલેરીયાના ચારજીવુની ચાર જાતિમાંથી પ્રથમ ત્રણ જાતિની વૃદ્ધિ માણસના લીવરમાં થાય છે. પણ ચોથી ફાલ્સીપેરમની વૃદ્ધિ લીવરમાં થતી નથી. આ ચારેય જાતિના જીવુઓ લોહીમાં જ મુસાફરી કરે છે. તેમાંથી ટ્રોફોઝોઈડસ થાય છે જે લોહીના રક્તકણોને તોડીને તેમાં પેસી જાય છે. આવા અસંખ્ય રક્તકણોનો નાશ થવાથી લોહીમાં ફીકાશ આવી જાય છે. તેનું લોહી ઓછું થઈ જાય છે. આ કણોનો પિંડ થઈ ''શીઝોન્ટ'' બને છે. તે ફાટે છે અને પણ તેમાંથી અસંખ્ય મેરોઝોઈડસ નીકળે છે. જે લોહીના કણોને ચોંટે છે. આ જંતુઓ જ્યારે નીકળે છે ત્યારે દર્દીને ઠંડીના ધુ્રજારા આવે છે. આ જીવાણુઓ જુદી-જુદી જાતિના હોય છે, તે પ્રમાણે તેઓ જુદા-જુદા તાવ લાવે છે. તે પરથી એકાંતરે આવતો તાવ, તૃતીયક, ચતુર્થક એવા જુદા-જુદા પ્રકારો પડેલા છે.
''મેલેરીયા''ના લક્ષણો ત્રણ તબક્કામાં જોવા મળે છે. (૧) ઠંડી લાગવી, (૨) તાવનું વધવુ, (૩) પરસેવો થવો.
એમાં, (૧) દર્દીને અચાનક ઠંડી ચડે ને તે ધુ્રજવા લાગે, તેનાં દાંત ખખડે અને એક પછી એક ધાબળા કે રજાઈઓ ઓઢાવા માંગે અને છતાં પણ તેની ઠંડી ઉડે નહીં.
(૨) ઠંડી ચપતી હોય ત્યાં તાવ ચઢવા લાગે અને અચાનક જ ૧૦૪ ડીગ્રી કે તેથી વધુ પણ થઈ જાય. માથું સતત દુ:ખે અને શરીર ખૂબ તપે.
(૩) તાવ ઉતરવા માંડે ત્યારે શરીરમાંથી પરસેવો છૂટવા માંડે. દર્દી એક-એક કરીને બધું ઓઢવાનું કાઢતો જાય અને તાવ ઝડપથી ઉતરવા માંડે. આ બધું ૪૩ થી ૪ કલાકમાં થતી જાય પછી ફરી તાવ તેની મુદત પ્રમાણે આ જ ક્રમમાં ફરી ચઢે.
કેટલીક વાર તાવ ચઢે, ઉંઘ ન આવે, બરોળ વધે, લીવર પણ વધે. બાળકોમાં લીવર વધુ વધે છે. મેલેરિયા કોઈપણ ઉંમરે થઈ શકે છે. નાના બાળકથી માંડી મૃત્યુને કિનારે બેઠેલાં વૃદ્ધ માણસ સુધી કોઈ પણ વ્યક્તિ મેલેરિયાની ભેગા જગી શકી છે. તાવ આવતાં પહેલાં નબળાઈ, ભૂખ ન લાગવી, હાથ-પગ દુખવા, ચક્કર આવવા વગેરે લક્ષણો અગાઉથી દેખાય છે. કોઈકવાર ઝાડા-ઉલટી પણ છે.
વરસાદ અને ભેજવાળુ હવામાન મચ્છરોની ઉત્પત્તિ માટે અનુકૂળ બની રહે છે. તેથી આવી સીઝનમાં આ રોગો વધારે જોવા મળે છે.
મેલેરિયાના તાવ માટે કેટલાક ઘરગથ્થુ અને આયુર્વેદિક ઔષધોપચાર અહીં સૂચવું છે :
(૧) તુલસી-મરીનો ઉકાળો ગરમ-ગરમ પીવાથી ઠંડી ઉતરી જાય છે. ઉકાળામાં ગોળ નાખવો. અને ગેસ પરથી ઉતારીને લીંબુ નીચોવી પિવડાવવાથી મેલેરિયામાં ઘણો જ ફાયદો થાય છે.
(૨) ૧ ચમચી મધ ગરમ પાણીમાં મેળવી દિવસમાં ત્રણ વાર પીવું. તેથી તાવ ઉતરી જશે. તાવ ઉતર્યા પછી પણ ૨ દિવસ સુધી સવાર-સાંજ ગરમ પાણીમાં ચપટી મીઠું નાખી પીવું.
(૩) લસણની પાંચ કળી વાટી તલના તેલમાં કે ઘીમાં સાંતળી સિંધવ ભભરાવી ખાવું.
(૪) એક ચમચી પીપરીમૂળનું ચૂર્ણ મધમાં ચાટી ઉપર ગરમ દૂધ પીવું, તેનાથી પણ મેલેરિયા તાવમાં ઘણો જ ફાયદો થાય છે.
(૫) ડોડીયાનાં પાનનું ચૂર્ણ અને મરી સરખા ભાગે ચૂર્ણ કરી ૧-૧ ચમચી પાણી સાથે ૩ દિવસ સુધી લેવું. આ પ્રયોગથી ઠંડી અને તાવ બંનેમાં ફાયદો થાય છે.
(૬) સુદર્શન ચૂર્ણ અને સૂંઠનો ક્વાથ બનાવી થોડો ગોળ નાખી તે દર્દીને પીવડાવવાથી પણ મેલેરિયા અને શરદીનો તાવ મટે છે.
ઉપરોક્ત બતાવેલા પ્રયોગોમાંથી જે પ્રયોગ સુલભ લાગે તે કોઈપણ એક પ્રયોગ કરવો. આયુર્વેદિક ઔષધોપચારમાં લક્ષ્મીનારાયણ રસ, વિષમ જ્વરાંતક વટી, ત્રિભુવનકીર્તિ રસ, વિષમ જ્વરાંતક વગેરે ઔષધો વૈદ્યની સલાહ મુજબ આપી શકાય છે.
આ રોગમાં રોગીની ધાતુઓનો ક્ષય થતો હોવાથી રોગીને ઘઉં, ચોખા, મગનું પાણી, ગાયનું દૂધ વગેરે જેવો લઘુ, બલ્ય અને સુપાચ્ય આહાર આપવો જોઈએ.
- જહાનવીબેન ભટ્ટ




