Sahiyar

ગાઢ નિદ્રા માટે આશીર્વાદરુપ લીંબુ

By GS Team
17 Aug 20266 mins read
ગાઢ નિદ્રા માટે આશીર્વાદરુપ લીંબુ
  • બેડરૂમમાં લીંબુની સ્લાઇસ મૂકવાથી વાતાવરણ તાજગીસભર અને મહેંકતું રહેવા સાથે ગાઢ નિદ્રા આવે છે !

જીવનની ઘટમાળ જ એવી છે કે જીવન તો સતત દોડતું રહે છે અને સાથે આપણને પણ દોડાવતું રહે છે! પરિણામે, આપણા રોજિંદા વ્યવહાર સાથે પરંપરાથી જોડાયેલી નાનીમોટી અનેક ચીજવસ્તુઓને આપણે ઉપયોગ કે વપરાશમાં લઈએ છીએ પણ તેના મહત્વ વિશે ઝાઝું વિચારતા નથી કે નથી તો હોતી ઝાઝી જાણકારી. આમાં ફળફળાદિ સહિતના ખાદ્યપદાર્થોનો પણ સમાવેશ થાય છે!
આહાર અને આરોગ્ય વિજ્ઞાાનની દ્રષ્ટિએ રોજના ખાદ્યપદાર્થોની સ્વાદ ઉપરાંતની અગત્યતા અને અનિવાર્યતા, તેના ગુણધર્મ, લાભાલાભ વગેરે વિશે ખાસ જાણકારી સૌને હોતી નથી અને હોય તો તે અપૂરતી, અધૂરી કે અધકચરી હોવાનો સંભવ છે. તેમ છતાંય, આવા ખાદ્યપદાર્થોને પરંપરાથી આહારમાં સ્થાન મળ્યું છે અને સૌ એ રુઢિ જાળવે છે એ મહત્ત્વની અને આનંદની બાબત છે. આ વાસ્તવિકતાનું નજર સામેનું અને તમામ ખાદ્યપદાર્થો વિશે ઊંડાણથી વિચારવાનો દ્રષ્ટિકોણ આપતું દ્રષ્ટાંત રસોડામાં રોજેરોજ વપરાતા લીંબુનું છે.
દુનિયાભરમાં ખાદ્યપદાર્થોને ખટાશ રુપે વધુ સ્વાદિષ્ટ બનાવવા, શરબત, અથાણાં તરીકે, ઔષધીય ઈલાજ અને સૌન્દર્યવર્ધક ફળ સ્વરુપે એમ લીંબુ અનેક રીતે વપરાય છે. કુદ્રષ્ટિથી બચવા ઘણા લોકો તેને લીલાં મરચાં સાથે ઘરને ટોડલે કે વાહન પર પણ લટકાવે છે! મૂળ તો આ માન્યતાનો મુદ્દો છે પણ લીંબુનો આવો પણ ઉપયોગ થાય છે તે પણ એક વાસ્તવિકતા છે!
આયુર્વેદ મુજબ લીંબુ (નિમ્બુક) ઔષધીય ગુણોને કારણે અત્યંત મહત્ત્વનું ફળ છે. તેના આ ગુણનો મહિમા આયુર્વેદ ઉપરાંત સંસ્કૃત સાહિત્યના અનેક શ્લોકમાં ગવાયો છે! એક ખાદ્યફળ તરીકે લીંબુ અનેક તરીકે આહારમાં વપરાય છે તો ઔષધીય ફળ તરીકે લીંબુ સ્વાસ્થ્ય સંબંધી ઘણી તકલીફોનો ઘરગથ્થુ અકસીર ઈલાજ છે!
સદીઓથી આપણા રોજિંદા આહારમાં કોઈને કોઈ સ્વરુપે લીંબુનો વપરાશ થાય છે. આપણા એકંદર આરોગ્ય પર લીંબુના અનેક આશ્ચર્યકારક લાભ થાય છે. વિટામીન સી, ફાઈબર તથા એક વનસ્પતિ તરીકેના લાભકારક ગુણોથી ભરપુર લીંબુ હૃદયની તંદુરસ્તી, શરીરના વજનનું નિયંત્રણ તથા પાચનક્રિયાની નિયમીતતામાં જાળવવામાં સહાય કરે છે. અમુક ગંભીર રોગોને અટકાવવા તથા તેને વધુ ગંભીર થતા રોકવા ઉપરાંત લીંબુ પેટની ગરબડ જેવી પીડાદાયક નાની સમસ્યા પણ મટાડે છે. કેટલાક લોકોને મુસાફરીથી થતી ચક્કર, ઉલ્ટી, બેચેની જેવી તકલીફ ટાળવા લીંબુ સાથે રાખે છે. લીંબુની છાલથી માંડીને તેનો રસ અનેક રીતે ઉપયોગી છે અને આ સાથે તેના ઔષધીય ગુણો પણ આરોગ્યની ઘણી સમસ્યાના અકસીર ઈલાજરૂપ છે. શરીર અને મનની સ્વસ્થતા, તાજગી અને સ્ફૂત માટે પૂરતી અને ખલેલ રહીત ઊંઘ જરુરી છે. સૂવાનો સમય થતાં આપમેળે મન શાંત થાય અને નૈસગક રીતે ઊંઘ આવે એથી રુડું બીજું કંઈ જ નથી! પણ પથારીમાં અનેક વખત પડખાં ફેરવ્યા પછી કે રઘવાયા થઈને તરફડિયાં માર્યા પછી પણ આવી ઊંઘ ન મળે તો કમનસીબ! અનિદ્રાની આવી કઠણાઈમાં પણ લીંબુ મદદગાર થાય છે.
આમ તો લીંબુ કદમાં નાનું અમથું છે પણ તેના આરોગ્યવર્ધક લાભ અપાર છે. નીંદર લાવવા માટેના અહીં પ્રસ્તુત લીંબુના વિશેષ ઉપયોગો પણ એટલા જ હેરતજનક છે.
લીંબુનો ઍરફ્રેશનર્સ તરીકે ઉપયોગ કરી શકાય તથા રાતના તેની ચીરી (સ્લાઇસ) બેડરૂમમાં મૂકવાથી નિદ્રા સંબંધી થતા અનેક ફાયદા આ મજબૂત છે;
લીંબુની સ્લાઇસના ઔષધીય ગુણ : એકબે લિંબુની ચીરી કરી તેના પર મીઠું ભભરાવી તમારા બેડની કે બેડરૂમની બારી નજીક કે નાઈટસ્ટેન્ડ પર મૂકવાથી અનેક લાભ થાય છે. એક અકસીર અરોમાથેરાપી એસેન્શિયલ(સુગંધિત) તેલ તરીકે સદીઓથી લીંબુનો ઉપયોગ થતો રહ્યો છે અને એનાથી એકાગ્રતા માટેની માનસિક ક્ષમતામાં વધારો, માનસિક તાણમાં ઘટાડો તથા શ્વસનતંત્રની તાજગી જેવા ફાયદા થાય છે. રસાયણો પર આધારીત એરફ્રેશનર્સ બધાને માફક ન પણ આવે અને તેથી તેમને માથાનો દુ:ખાવો કે શ્વાસની રુંધામણ જેવી તકલીફો થઈ શકે છે. પણ કાપીને મૂકેલું લીંબુ એરફ્રેશનર્સ કરતાં પણ વધુ સારી રીતે વાતાવરણને વધુ તાજગીસભર અને મહેકતું રાખે છે. અરે! રુમનું એકલું વાતાવરણ જ નહીં પરંતુ લીંબુની સોડમ માત્ર આપણને તરોતાજા કરી મૂકે છે!
બેડની બાજુએ લીંબુ મૂકવાના લાભ :
(૧) નસ્કોરાં બંધ થવાના ત્રાસથી મુક્તિ : લીંબુની સુગંધમાં શાતાદાયક (મનને શાંતિ, ટાઢક આપનાર) તથા બેક્ટેરિયા વિરોધી ગુણ હોવાનું પુરવાર થયું છે. નસ્કોરાં બંધ થવાને કારણે બરાબર શ્વાસ ન લેવાય અને તમે ઊંઘી શકતા ન હો તો લીંબુની સુગંધથી શ્વાસની તકલીફ દૂર થશે અને તમે ક્યારે ગાઢ નિદ્રામાં સરી પડયા એની તમને પણ ખબર નહી પડે!
(૨) મચ્છરના ઉપદ્રવમાં રાહત : લીંબુ એક પ્રાકૃતિક રિપેલન્ટ છે. અર્થાત, કાપેલું લીંબુ મૂક્યું હોય એની આસપાસના વિસ્તારથી જીવજંતુ દૂર રહે છે. એ મુજબ લીંબુની તીવ્ર સુગંધને લીધે મચ્છર કે અન્ય જીવાતનો ઉપદ્રવ રહેતો નથી અને વ્યક્તિ શાંતિથી ઊંઘી શકે છે.
(૩) એર ક્વોલિટીમાં સુધારો : લીંબુની સુગંધ હવાની ગુણવત્તા તો સુધારે છે તે ઉપરાંત હવામાના હાનિકારક બેક્ટેરીયાનો નાશ કરવામાં મદદરૂપ થાય છે. આ રીતે તે સ્વચ્છ અને તાજી હવા પૂરી પાડે છે.
(૪) તાણમુકિત : સૂતી વખતે બેડની બાજુએ લીંબુની સ્લાઇસ મૂકવાનો મહત્વનો લાભ એ કે તેની સુગંધથી માનસિક તાણ દૂર થાય છે તથા જ્ઞાાનેન્દ્રિયોને આરામ મળે છે. એ સાથે, તેની ખટાશપડતી સુગંધથી મગજને રાહત મળે છે તો મન અને શરીર શાંતિ અનુભવે છે. જેથી વ્યક્તિને સંતોષકારક ઊંઘ આવી જાય છે.
(૫) સ્ફૂર્તિનો સંચાર : બેડરૂમમાં લીંબુની ચીરી મૂકી હોય તો સવારે ઊંઘમાંથી ઊઠતાંવેંત શરીરમાં નવી સ્ફૂતનો સંચાર થયાનું તથા અત્યંત તાજગી આવી હોવાનું લાગે છે. હેપી હોર્મોન તરીકે પણ જાણીતું સેરોટોનિન માનવ મગજમાં ઉત્પન્ન થતું એક મુખ્ય રાસાયણિક તત્વ (ન્યુરોટ્રાન્સમિટર) છે. મૂડ સારો રહે તથા આનંદની અનુભૂતિ થાય તેમાં સેરોટોનિન મદદરૂપ થાય છે. લીંબુની સોડમથી મગજમાં સેરોટોનિનનું ઉત્પાદન વધે છે. જેથી ગાઢ નિંદર તો આવે જ સાથે મૂડ પણ પ્રફુલ્લિત રહે છે.
(૬) ધ્યાન મગ્નતાની ક્ષમતામાં વધારો : સૂતી વખતે બેડની બાજુમાં રાખેલી લીંબુની ચીરીની સુવાસને લીધે સવારે ઊઠીએ ત્યારે હળવાશ અને તાજગી અનુભવાય છે. આવી વ્યક્તિના મનની એકાગ્ર થવાની ક્ષમતા વધે એ સાવ સ્વાભાવિક છે. વિવિધ અભ્યાસમાં નહીં પણ અનુભવે જણાયું છે કે બેડરૂમમાં મૂકેલી લીંબુની ચીરીની સુંગધથી અનિદ્રાની તકલીફમાં રાહત રહે છે.
આ સિવાય પણ લીંબુના ઔષધીય લાભ અનેક છે. તે વિટામીન સી, એન્ટિઓક્સિડન્ટસ અને સાઈટ્રિક એસિડ મેળવવાનો ઉત્તમ સ્રોત છે. સવારે નવશેકા પાણીમાં લીંબુ અને મધ પીવાથી પાચનતંત્ર સુધરે છે, વજન ઓછું કરવામાં સહાય થાય છે તથા રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત બને છે. શરીરમાંના ઝેરી પદાર્થોનો પેશાબ વાટે નિકાલ કરવામાં ઉપયોગી થાય છે. તેમાંનો સાઈટ્રિક એસિડ કિડનીમાં પથરી થતી અટકાવવામાં મદદરૂપ થાય છે તો તેનો એન્ટીઓક્સિડન્ટ ગુણ ત્વચા ચમકદાર અને ડાઘ વગરની રહે તેમાં ઉપયોગી છે.
યાદ રહે કે દાંતની સેન્સિટિવિટી, અલ્સર, એસિડિટી, પિત્ત પ્રકૃતિ કે એલર્જી જેવી તકલીફ હોય તો મર્યાદિત પ્રમાણમાં કે ડોક્ટરના માર્ગદર્શન મુજબ લીંબુનું સેવન કરવું. લીંબુના ઔષધીય ગુણો સુધી ઊડતી નજરે લઈ જતો શ્લોક કહે છે;
નિમ્બુકં દીપનં રુચ્યં પાચનં કફવાતજિત ।
તૃષ્ણાધ્નં ચ લઘુ જ્ઞોયં પીત્તલં રક્તશોધકમ ।।
અર્થાત, લીંબુ જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર (ભૂખ લગાડનાર), ખાવામાં રુચિકર અને પાચન શક્તિ વધારનાર છે. તે કફ અને વાયુના રોગો મટાડે છે, તરસ છીપાવે છે, પ્રકૃતિએ હળવુ છે, પિત્ત વધારે છે અને લોહી શુદ્ધ કરે છે.

  • મહેશ ભટ્ટ